Atal Samachar

31k Followers

દોડધામ@શિક્ષણ: જ્ઞાનસેતુથી સરકારમાં આકર્ષણ તો રાજ્યભરના શિક્ષકો કેમ આક્રમક, સુરક્ષાનો મુદ્દો ગરમાયો

04 Apr 2023.12:29 PM

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યનાં શિક્ષકોના સંઘોએ સરકારી શાળાઓમાં જ માળખાકીય સુવિધાઓ ઊભી કરીને શાળા શરૂ કરવા માંગ કરી છે. વિગતો મુજબ આગામી દિવસોમાં ખાનગી શાળાઓમાં ધોરણ-6થી 12ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનશક્તિ રેસીડેન્સી, જ્ઞાનસેતુ ડે સ્કુલ, રક્ષાશક્તિ સ્કુલો ઉભી કરવામાં આવનાર છે. આ તરફ હવે એવી ચર્ચા શરૂ થઈ છે કે, આવી સ્કુલો શરૂ કરવાથી ખાનગી શાળાઓને કવચ મળી રહેશે.

જ્યારે સરકારી પ્રાથમિક શાળાઓને તાળા લાગશે. શિક્ષકોના સંઘોએ રાજ્યના શિક્ષણ વિભાગમાં રજુઆત કરી સરકારી શાળાઓમાં જ આવી સ્કુલો શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી છે.

ગુજરાત સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવાની વાતો વચ્ચે સરકારી શાળાઓને ભવિષ્યમાં તાળા મારવા પડે તેવી સ્થિતિ રાજ્યમાં બની રહેશે તેવી ચિંતા શિક્ષકોએ વ્યક્ત કરી છે. પ્રાથમિક શિક્ષકોના બન્ને સંઘોએ રાજ્યના શિક્ષણ વિભાગમાં કરેલી રજુઆત મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-6થી 12ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનશક્તિ રેસીડેન્સી 300 બાળકોની સંખ્યાવાળી 75 સ્કુલો, જ્ઞાનસેતુ ડે સ્કુલ 70 બાળકોની સંખ્યાવાળી 400 સ્કુલોમાં તાલુકા/ જિલ્લાની 250 તથા મહાનગર પાલિકાની 150 સ્કુલોનો સમાવેશ થાય છે. ઉપરાંત રક્ષાશક્તિ સ્કુલો ઉભી કરવાની નવી યોજના શરૂ કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રજૂઆત મુજબ ઉપરોક્ત તમામ સ્કુલો ખાનગી શાળાઓમાં શરૂ કરવામાં આવનાર છે. આથી સરકારી શાળાઓમાં જરૂરી માળખાકિય સુવિધાઓ ઉભી કરીને ઉપરોક્ત સ્કુલો શરૂ કરવા માટે કોઇ જ આયોજન કરાયું નહી તેમ લાગી રહ્યું છે. ઉપરાંત આ ઉપરોક્ત સ્કુલોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ધોરણ-5ના વિદ્યાર્થીઓની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લઇને ધોરણ-6માં પ્રવેશ આપવામાં આવનાર છે.

શિક્ષકોના સંઘોએ કરેલ રજૂઆત મુજબ ધીમે ધીમે ધોરણ-6થી 12ની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાથી ઓવર સેટઅપના પ્રશ્નો ઉભા થશે. જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નબળા વિદ્યાર્થીઓ જ રહેવાથી શિક્ષણ યોગ્ય રીતે આપવામાં આવતું નથી તેવી છાપ વાલીઓમાં ઉભી થવાની શક્યતા રહેલી છે. આથી સરકારી શાળાઓમાં જ આવી ઉપરોક્ત સ્કુલો માટે જરૂરી ઇન્ફાસ્ટ્રકચર ઉભું કરીને શાળાઓ શરૂ કરવામાં આવે તેવી માંગણી શિક્ષકોના સંઘોએ શિક્ષણ સચિવ સહિતને લેખિત રજુઆત કરી હોવાનું શિક્ષકોએ જણાવ્યું છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Atal Samachar