BBC News ગુજરાતી

491k Followers

નવી શિક્ષણનીતિ : પ્રાથમિકથી લઈને પીજી સુધી થશે આ ફેરફાર

30 Jul 2020.07:20 AM

દેશમાં નવી શિક્ષણનીતિ-2020ને કૅબિનેટની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય માનવસંસાધન વિકાસમંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે બુધવારે પ્રેસવાર્તા કરીને આ અંગે જાણકારી આપી છે.

નવી શિક્ષણનીતિમાં પ્રાથમિક શિક્ષણથી લઈને યુનિવર્સિટી સુધીની અભ્યાસપદ્ધતિમાં ધરમૂળથી પરિવર્તન સૂચવવામાં આવ્યાં છે.

ઇસરનો પૂર્વ પ્રમુખ કે. કસ્તૂરીરંગનની અધ્યક્ષતામાં વિશેષજ્ઞોની એક સમિતિએ આનો મુસદ્દો તૈયાર કર્યો હતો. જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કૅબિનિટે બુધવારે મંજૂરી આપી દીધી.

કેન્દ્ર સરકારનો દાવો છે કે નવી શિક્ષણ નીતિ 21મી સદીને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી છે.

કૅબિનેટે મંજૂર કરેલી શિક્ષણનીતિ મુજબ વર્ષ 2035 સુધીમાં ગ્રોસ ઍનર્લોલમૅન્ટ રેશિયો 50 ટકા ઉપર લઈ જવામાં આવશે.

આ સિવાય કેન્દ્ર સરકારે 'માનવસંસાધન વિકાસમંત્રાલય'નું નામ બદલી 'શિક્ષણમંત્રાલય' કર્યું છે.


શું છે મુખ્ય જાહેરાતો?

  • નવી શિક્ષણ પદ્ધતિ 10+2ની પદ્ધતિ ઉપર નહીં, પરંતુ 5+3+3+4ની ઉપર આધારિત હશે.
  • એમ.ફીલ. (માસ્ટર ઑફ ફિલૉસૉફી)નો અભ્યાસ બંધ થશે
  • વર્ષ 2035 સુધીમાં ગ્રોસ ઍનર્લોલમૅન્ટ રેશિયો 50 ટકા ઉપર લઈ જવાશે
  • સ્વાયતતા, શિક્ષણ તથા નાણાકીય સ્વતંત્રતાના આધારે શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવશે.
  • ISROના પૂર્વ અધ્યક્ષ કે. કસ્તુરીરંગને તેનું ડ્રાફફ્ટિંગ કર્યું છે.
  • નેશનલ ઍજ્યુકેશનલ ટેકનૉલૉજી ફોરમની સ્થાપના.
  • વિકલાંગો ફ્રેન્ડલી સોફ્ટવૅર તૈયાર કરાશે
  • શાળા, ટીચર તથા વિદ્યાર્થીઓને ડિજિટલી સજજ કરાશે

  • પ્રાદેશિક ભાષામાં ઈ-કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવાશે
  • શિક્ષણ પાછળ ગ્રોસ ડોમૅસ્ટિક પ્રોડકશનના છ ટકા ખર્ચ કરવાનો લક્ષ્‍યાંક
  • આયોજન, શિક્ષણ, અભ્યાસ, વહીવટ તથા મૅનેજમૅન્ટમાં ટેકનૉલૉજીનો ઉપયોગ
  • પાંચમા ધોરણ સુદીનો અભ્યાસ માતૃ /સ્થાનિક ભાષામાં જ કરાવવાનો આગ્રહ
  • કેન્દ્રીય માનવસંસાધન વિકાસમંત્રાલયનું નામ બદલીને શિક્ષણમંત્રાલય કરાશે
  • ગણિત તથા વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે તે રીતે અભ્યાસક્રમ ઘડાશે
  • આર્ટ્સ અને સાયન્સ, શૈક્ષણિક તથા ઇત્તર પ્રવૃત્તિ, વૉકેશનલ તથા એજ્યુકેશનલ એવું વિભાજન નહીં
  • અભ્યાસક્રમ ઘટાડીને મૂળભૂત વિભાવના ઉપર ભાર મૂકાશે
  • છઠ્ઠા ધોરણથી જ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમને સાંકળી લેવાશે
  • બોર્ડની પરીક્ષાનું મહત્ત્વ ઘટાડાશે અને જ્ઞાન તથા તેના ઉપયોગ ઉપર ભાર મુકાશે
  • ઉચ્ચ શિક્ષણસંસ્થાઓમાં પ્રવેશ માટે એન.ટી.એ. દ્વારા સર્વસામાન્ય પરીક્ષા લેવામાં આવશે
  • શિક્ષકો માટે રાષ્ટ્રીય પરિમાણ ઘડાશે
  • સેન્ટ્રલ યુનિવર્સિટી, યુનિવર્સિટી, ડિમ્ડ યુનિવર્સિટી વગેરે માટે અલગ-અલગ નહીં, પરંતુ એકસમાન નિયમો રહેશે
  • કાયદા તથા તબીબી અભ્યાસક્રમો સિવાયના અભ્યાસક્રમો માટે એક જ રેગ્યુલેટર રહેશે
  • અંડર-ગ્રૅજ્યુએટ કાર્યક્રમ ત્રણથી ચાર વર્ષના, અનુસ્નાતક અભ્યાસક્રમ એક કે બે વર્ષના
  • બૅચલર કે માસ્ટર્સનો ઇન્ટિગ્રૅટેડ અભ્યાસક્રમ પાંચ વર્ષનો
  • દરેક જિલ્લામાં (કે નજીક) મોડલ મલ્ટી ડિસ્પિપ્લિનરી ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ યુનિવર્સિટીની સ્થાપના
  • 15 વર્ષમાં કૉલેજો માટેની સંલગ્ન પદ્ધતિ નાબૂદ કરાશે

વધુ એક વખત નામ બદલાયું

જળશક્તિમંત્રાલયના પ્રથમ મંત્રી ગજેન્દ્ર શેખાવત

જાન્યુઆરી-2020માં ત્રણેય સૈન્ય પાંખોના સંયુક્ત વડા ચીઉફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકે બિપિન રાવતની નિમણૂક કરવાની સાથે 'ડિપાર્ટમેન્ટ ઑફ મિલિટરી અફેયર્સ'ની શરૂઆત કરવામાં આવી હતી.

મે-2019માં સરકાર ઉપર બીજી વખત પરત ફર્યા બાદ 'જળશક્તિમંત્રાલય'ની સ્થાપના કરવામાં આવી હતી.

'વોટર સેનિટેશન તથા પેય જળમંત્રાલય'ને તેને આધિન લાવવામાં આવ્યું. આ સિવાય 'નમામિ ગંગે' પ્રોજેક્ટ આ મંત્રાલયને સોંપવામાં આવ્યો.

વર્ષ 2022 સુધીમાં તમામ ઘરે નળ દ્વારા પાણી પહોંચાડવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ કામગીરી પણ જળશક્તિ મંત્રાલયને સોંપવામાં આવી છે.

આ સિવાય બીજી સરકાર દરમિયાન પશુપાલન, મત્સ્યપાલન તથા ડેરી માટે અલગ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી. આનુષંગિક પ્રવૃત્તિઓ દ્વારા વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવકને બમણી કરવામાં આ મંત્રાલય મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવો દાવો કરાયો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ કાર્યકાળ દરમિયાન ઑગસ્ટ-2015માં 'કૃષિમંત્રાલય'નું નામ બદલી તેને 'કૃષિ તથા કૃષકકલ્યાણ મંત્રાલય' એવું નામ આપ્યું હતું.


source: bbc.com/gujarati

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: BBC Gujarati

#Hashtags