Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમરનાથ યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ હતી અને સૌપ્રથમ ગુફા કોણે શોધી કાઢી હતી?

અમરનાથ યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ હતી અને સૌપ્રથમ ગુફા કોણે શોધી કાઢી હતી?

JKSASB

ગામી 3 જુલાઈ એટલે કે આજથી કાશ્મીરમાં અમરનાથ યાત્રાની શરૂઆત થઈ છે અને પ્રથમ જથ્થો રવાના થઈ ગયો છે.

શિવજીમાં શ્રદ્ધા રાખતા લોકો ભારે સંખ્યામાં દર વર્ષે કઠિન પડકારોનો સામનો કરીને અમરનાથ ગુફામાં 'હિમ શિવલિંગ'નાં દર્શને પહોંચે છે.

અમરનાથ યાત્રા ખરેખર તો હિંદુઓ માટે પવિત્ર અમરનાથ ગુફા સુધીની યાત્રા છે. આ ગુફા સમુદ્રની સપાટીથી 3,888 મીટર એટલે કે 12,756 ફૂટની ઊંચાઈએ આવેલી છે.

હવે જ્યારે અમરનાથ યાત્રા શરૂ થવાની છે ત્યારે આ યાત્રાની શરૂઆત અને તેની સાથે જોડાયેલી પૌરાણિક માન્યતા અંગે કુતૂહલ જોવા મળે એ સ્વાભાવિક છે.

500 વર્ષ પહેલાં એક મુસ્લિમ ભરવાડને મળી આવી અમરનાથ ગુફા

 Majid Jahangirબૂટા મલિકના વંશજ ગુલામ હસન

બીબીસીના એક અહેવાલ પ્રમાણે અમરનાથ યાત્રા ભલે હિંદુઓની તીર્થયાત્રા હોય, પરંતુ આ યાત્રા સાથે એક મુસ્લિમ પરિવાર સૈકાઓથી જોડાયેલું છે.

અમરનાથ ગુફા લગભગ 500 વર્ષ પહેલાં શોધાઈ હતી અને તેને શોધવાનું શ્રેય એક મુસ્લિમ બૂટા મલિકને અપાય છે.

બૂટા મલિકના વંશજ હજુ પણ બટકોટ નામની જગ્યાએ રહે ચે અને અમરનાથ યાત્રા સાથે પ્રત્યક્ષપણે જોડાયેલા છે.

આ જ પરિવારના ગુલામ હસન મલિકે 2017માં જણાવ્યું હતું કે તેમણે ગુફા વિશે જે કાંઈ સાંભળ્યું છે તેના અનુસાર આ ગુફા તેમના પૂર્વજ બૂટા મલિકે શોધી હતી.

તેઓ કહે છે કે, "સાંભળવામાં આ વાત એકમદ પૌરાણિક કથા જેવી લાગે છે. બૂટા મલિક અમારા પૂર્વજ હતા. તેઓ એક ભરવાડ હતા. પહાડ પર ઘેટાં-બકરાં ચરાવતા હતા. તેમની મુલાકાત એક સાધુ સાથે થઈ અને બંનેની મિત્રતા થઈ ગઈ."

મલિક અનુસાર, "એક વાર તેમને ઠંડી લાગતા, તેઓ એ ગુફામાં જતા રહ્યા. ગુફામાં ઠંડી લાગી તો સાધુએ તેમને એક કાંગડી (એક પરંપરાગત પૉર્ટેબલ હીટર) આપ્યું, જે સવારે સોનાના કાંગડીમાં તબદીલ થઈ ગયું."

મલિક જણાવે છે કે આ સાંભળેલી વાતો અનુસાર જ્યારે બૂટા મલિક ગુફામાંથી નીકળ્યા, તો તેમને ઘણા બધા સાધુઓનું એક જૂથ મળ્યું, જે ભગવાન શિવની તલાશમાં ફરી રહ્યા હતા.

તેઓ જણાવે છે કે, "બૂટા મલિકે એ સાધુઓને કહ્યું કે તેઓ અત્યારે જ ભગવાન શિવ સાથે સાક્ષાત મળીને આવી રહ્યા છે અને તેઓ એ સાધુઓને એ ગુફામાં લઈ ગયા. જ્યારે આ બધા સાધુ ગુફામાં પહોંચ્યા તો ત્યાં બરફનું વિશાળ શિવલિંગ હતું અન સાથે પાર્વતી અને ગણેશ બેઠાં હતાં. ત્યારે ત્યાં અમરકથા ચાલી રહી હતી."

મલિક જણાવે છે કે આ ઘટના બાદ અમરનાથ યાત્રા શરૂ થઈ. બાદમાં ઘણા સાધુ ગુફા પાસેથી કૂદીને જીવન ટૂંકાવવા લાગ્યા, જેને મહારાજા રણજિતસિંહના શાસનમાં બંધ કરાવવામાં આવ્યું.

મલિક જણાવે છે કે તેમનો પરિવાર મુસ્લિમ હોવાને કારણે તેમને પૂજાપાઠની જાણકારી નહોતી.

તેઓ કહે છે કે, "અમે પૂજાપાઠની ખબર નહોતી, તેથી અમે નિકટના ગણેશ્વર ગામથી કાશ્મીરી પંડિતોને પૂજા કરવા માટે બોલાવ્યા."

અમરનાથમાં ત્રણ પ્રકારના લોકો રહે છે. કાશ્મીરી પંડિત, મલિક પરિવાર અને મહંત. આ ત્રણેય મળીને 'છડી મુબારક'ની વિધિ પૂર્ણ કરે છે.

અમરનાથ યાત્રા અંગે જે તે સમયે વિધાનસભામાં બિલ પણ પસાર થયું હતું, જેમાં મલિક પરિવારનો પણ ઉલ્લેખ છે.

ગુલામ હસન જણાવે છે કે જ્યારે નહેરુજી કાશ્મીર આવતા તો મલિક પરિવારને યાદ કરતા.

સોનાની કાંગડી અંગે તેમને પૂછાતાં મલિકે કહ્યું કે બૂટા મલિક પાસેથી એ કાંગડી તત્કાલીન રાજાઓએ લઈ લીધું હતું અને હાલ એ કાંગડી ક્યાં છે એ કોઈનેય ખબર નથી.

તેઓ કહે છે કે, "અમે ઘણા પ્રયત્નો કર્યા. તેના વિશે જાણવાના પ્રયાસ કર્યા, પરંતુ રાજતરંગિણીમાં પણ અમારા પરિવાર અને આ પૌરાણિક કથાનો ઉલ્લેખ છે."

મલિક કહે છે કે, "બૂટા મલિકનું મૃત્યુ થયું અને એ બાદ તેમની દરગાહ જંગલમાં બની. તેમના નામ પર જ અમારા ગામનું નામ બટકોટ પડ્યું છે. અમરનાથ યાત્રા દરમિયાન અમે લોકો માંસ નથી ખાતા, કારણ કે અમને ખ્યાલ છે કે એ સમયે માંસ ખાવું ઠીક નથી હોતું."

મલિક કહે છે કે અમરનાથ એ તીર્થયાત્રાઓ પૈકી એક છે જેનું કાશ્મીરમાં મુસ્લિમ સમુદાય ઘણું સન્માન કરે છે.

શું છે પૌરાણિક કથા?

 Getty Imagesઆ વર્ષની અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશનમાં ઘટાડો જોવા મળ્યો છે (પ્રતીકાત્મક તસવીર)

બીબીસીના એક અહેવાલ અનુસાર આ યાત્રાની શરૂઆત ક્યારે થઈ હતી તેની કોઈ આધિકારિક માહિતી ઉપલબ્ધ નથી. આ યાત્રા માટે આવનારા લોકોની વધતી જતી સંખ્યાને જોતાં વર્ષ 2000માં અમરનાથ શ્રાઇન બોર્ડનું ગઠન કરાયું જે રાજ્ય સરકાર સાથે મળીને આ યાત્રાના આયોજનને સફળ બનાવે છે.

એવી માન્યતા છે કે આ ગુફામાં શિવજીએ પોતાના અસ્તિત્વ અને અમરત્વના રહસ્ય વિશે પાર્વતીજીને જણાવ્યું હતું.

આ ગુફાનો ઉલ્લેખ કાશ્મીરી ઇતિહાસકાર કલ્હણની 12 સદીમાં લખેલા મહાકાવ્ય રાજતરંગિણીમાં પણ છે.

'શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ'ની વેબસાઇટ પર અમરનાથ ગુફા અંગેની પૌરાણિક લોકકથા મુકાઈ છે.

આ માહિતી અનુસાર લોકકથા અને પ્રાપ્ત માહિતી અનુસાર ગુફાના ઇતિહાસ સાથે એક રસપ્રદ કહાણી સંકળાયેલી છે.

આ કથા પ્રમાણે સદીઓ પહેલાં પાર્વતીજીએ શિવજીને પૂછ્યું હતું કે તેમણે મુંડમાળા (ખોપરીઓની માળા) પહેરવાની શરૂઆત કેમ અને ક્યારે કરી.

આ પ્રશ્નના જવાબમાં શિવજીએ કહ્યું, "જ્યારે જ્યારે તમારો જન્મ થાય છે, ત્યારે ત્યારે હું આ માળામાં વધુ ખોપરીઓ ઉમેરું છું."

પાર્વતીજીએ કહ્યું, "હું વારંવાર મૃત્યુ પામું છું, પરંતુ તમને અમરત્વ પ્રાપ્ત છે, મને આનું કારણ જણાવો."

શિવજીએ જવાબ આપ્યો, "એના માટે તમારે અમરકથા સાંભળવી પડશે."

શિવજી પાર્વતીજીને આ કથા કહેવા સંમત થયા. જોકે, આના માટે તેમણે કોઈ પણ જીવિત વ્યક્તિ આ અમરત્વનું રહસ્ય સાંભળી ન શકે એવા એકાંત સ્થળે જવાનું ઠરાવ્યું, જે માટે અંતે તેમણે અમરનાથ ગુફાને પસંદ કરી.

જોકે, તેઓ પહલગામ ખાતે પોતાના નંદીને છોડી ગયા. ચંદનવારી ખાતે તેમણે ચંદ્રને પોતાની જટામાંથી છૂટા કર્યા. શેષનાગ તળાવ ખાતે તેમણે સર્પને મૂક્યા. પુત્ર ગણેસન મહાગુનાસ પર્વત ખાતે છોડ્યા.

પંજતારની ખાતે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ એમ પંચતત્ત્વ મૂક્યાં. આ બધું પાછળ મૂકીને તેઓ પવિત્ર અમરનાથ ગુફામાં પાર્વતીજી સાથે પહોંચ્યાં. જ્યાં તેમણે સમાધિ લીધી.

કોઈ પણ જીવિત વ્યક્તિ/પશુ/પંખી/જીવ આ અમરકથા ન સાંભળી જાય એ સુનિશ્ચિત કરવા માટે તેમણે કાલાગ્નિ પેદા કર્યો અને તેમને ગુફામાં રહેલાં તમામ જીવોનો નાશ કરવાની આજ્ઞા કરી.

એ બાદ શિવજીએ પાર્વતીજીને અમરકથા સંભળાવવાનું શરૂ કર્યું, પરંતુ ગુફામાં કબૂતર-કબૂતરીની જોડી જીવિત રહી ગઈ હતી. જેમણે આ કથા સાંભળી અને તેઓ પણ અમર બની ગયાં.

ત્યારથી આજ દિન સુધી પવિત્ર યાત્રાધામમાં ઘણા શ્રદ્ધાળુઓ પોતાને કબૂતર-કબૂતરીની આ જોડી દેખાઈ હોવાનું કહી ચૂક્યા છે.

ગુફામાં હિમ શિવલિંગ કઈ રીતે બને છે?

 Getty Images

આ ગુફાની છતમાંથી એક એક ટપકું કરીને પાણી પડે છે, જે ફ્રીઝિંગ પૉઇન્ટ પર જામીને એક વિશાળકાય કોનના આકારની આકૃતિ બનાવે છે, જેને હિંદુઓ શિવલિંગનું રૂપ માને છે.

જૂન માસથી ઑગસ્ટ માસ વચ્ચે આ આકૃતિનો આકાર થોડો ઘટી જાય છે. શિવલિંગ સાથે ગણેશ અને પાર્વતીની બરફથી બનેલી આકૃતિ પણ દેખાય છે.

આનાં દર્શન માટે દર વર્ષે લાખો હિંદુ અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવે છે.

આ ગુફા સુધી પહોંચવાની યાત્રા કઠિન મનાય છે. ત્યાં માત્ર પગપાળા કે ખચ્ચર મારફતે જ પહોંચી શકાય છે. દક્ષિણ કાશ્મીરના પહલગામથી આ ગુફાનું અંતર 46 કિમી છે, આ અંતર પગપાળા પાર કરવાનું હોય છે. જેમાં મોટા ભાગે પાંચ દિવસનો સમય લાગે છે.

બીજો એક રસ્તો સોનમર્ગના બાલટાલથી પણ છે, જ્યાંથી અમરનાથ ગુફાનું અંતર માત્ર 16 કિમી છે. પરંતુ મુશ્કેલ ચઢાણ હોવાને કારણે આ રસ્તો અત્યંત કઠિન મનાય છે.

આ ગુફા બરફથી ઢંકાયેલી રહે છે, પરંતુ ગરમીઓ થોડા સમય માટે જ્યારે ગુફાની બહાર બરફ નથી હોતી ત્યારે તીર્થયાત્રી ત્યાં પહોંચી શકે છે.

નોંધનીય છે કે દર વર્ષે અમરનાથ યાત્રા સમયે સૈન્ય અને સ્થાનિક તંત્ર દ્વારા જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત કરાય છે. જોકે, આ વખત પહલગામમાં ચરમપંથી હુમલા બાદ સુરક્ષા બંદોબસ્ત વધુ કડક કરાયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

source: bbc.com/gujarati

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: BBC Gujarati