Tuesday, 21 Jan, 12.26 pm BBC ગુજરાતી

હોમ
#BBCIndianSportswomanoftheYear: ભારતના મહિલા ખેલાડીઓને સન્માનિત કરવાનો એક પ્રયાસ

"એક સંવાદદાતાએ મને સવાલ કર્યો હતો કે હું ઑલિમ્પિક મેડલ શા માટે જીતવા ઇચ્છું છું? મેં માત્ર એ મેડલ જીતવા માટે જ આખી જિંદગી રોજેરોજ મહેનત કરી છે." - પી. ટી. ઉષા

કોઈ પણ ખેલાડી માટે કોઈ સ્પૉર્ટ્સ, ખાસ કરીને ઑલિમ્પિક્સ આટલી મહત્ત્વની હોય છે. ટોકિયો ઑલિમ્પિક્સ 2020ના પ્રારંભ આડે કેટલાક મહિનાઓ જ બાકી રહ્યા છે અને 2020ની 24 જુલાઈથી ઑલિમ્પિક ગેમ્સ શરૂ થવાની છે.

ટોકિયો ઑલિમ્પિક્સ માટે ભારત સહિતના દુનિયાભરના દેશોના ખેલાડીઓ જોરદાર તૈયારી કરી રહ્યા છે.

વર્ષ 2000 પછી ભારતે કુલ 13 ઑલિમ્પિક્સ મેડલ જીત્યા છે. તેમાં પાંચ ચંદ્રક મહિલા ખેલાડીઓએ જીત્યા છે.

તેનાથી વિપરીત, 20મી સદીમાં ભારતે જે 13 ચંદ્રક મેળવ્યા હતા એ તમામ પુરુષ ખેલાડીઓ જીતી લાવ્યા હતા.

ભારતીય મહિલા ખેલાડીઓએ આપેલા યોગદાનની ઉજવણી માટે બીબીસી તેની ભારતીય ભાષાઓની વેબસાઇટ્સ પર સૌપ્રથમ વાર એક ખાસ પેજની શરૂઆત અને પ્રતિષ્ઠિત પુરસ્કારનો પ્રારંભ કરી રહ્યું છે.

આ સ્પેશિયલ પેજ પર ભારતીય મહિલા ખેલાડીઓની પ્રેરણાદાયક કથાઓ, તેમના સંઘર્ષની, તેમણે જે અવરોધોનો સામનો કર્યો હતો તેની અને તમામ પ્રતિકૂળતા સામે બધી સ્પૉર્ટ્સમાં મેળવેલી સફળતાની વાતો રજૂ કરવામાં આવશે.

આ પેજનો હેતુ ભારતમાં મહિલાઓ અને સ્પૉર્ટ્સ સંબંધી સ્વસ્થ ચર્ચા શરૂ કરાવવાનો પણ છે.

આ ઉપરાંત સૌપ્રથમ બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન-2019ની જાહેરાત માર્ચ-2020માં કરવામાં આવશે અને તેના ઉમેદવારોની યાદી ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવશે.

આ પુરસ્કારનો હેતુ ભારતની મહિલા ખેલાડીઓએ આપેલા વ્યાપક યોગદાનના સન્માનનો છે અને ભારતમાં રમતગમત ક્ષેત્રે મહિલાઓએ મેળવેલી સિદ્ધિઓને ઉજવવાનો પ્રસંગ છે.

ભારતીય મહિલા ખેલાડીઓની વાત કરીએ તો 2016ની રિયો ઑલિમ્પિક્સમાં ભારતના ખજાનામાં આવેલા બે મેડલ સાક્ષી મલિક અને પી. વી. સિંધુએ જીત્યા હતા.

સાક્ષી ઑલિમ્પિક્સમાં કુસ્તીની રમતમાં મેડલ જીતનારાં પ્રથમ મહિલા ખેલાડી બન્યાં હતાં, જ્યારે પી. વી. સિંધુ ભારતનાં સૌથી નાની વયનાં ઑલિમ્પિક મેડલ વિજેતા બન્યાં હતાં.

ભારતનાં દીપા કરમાકર પણ ઑલિમ્પિક મેડલ જીતવાની એકદમ નજીક પહોંચી ગયાં હતાં.

જો આ મહિલા ખેલાડીઓ ન હોત, તો 1992ની ઑલિમ્પિક્સ પછી સૌપ્રથમ વાર ભારત રિયો ઑલિમ્પિક્સમાંથી ખાલી હાથે પાછું આવ્યું હોત.

એ અગાઉ લંડન ઑલિમ્પિક્સમાં ભારતે જિતેલા કુલ 6 મેડલમાંથી બે ભારતીય મહિલાઓએ જીત્યા હતા. તેમાં મેરી કોમે મુક્કાબાજીમાં જિતેલા ચંદ્રકનો સમાવેશ થાય છે, જે કોઈ ભારતીય મહિલા ખેલાડીએ બૉક્સિંગમાં જિતેલો સૌપ્રથમ ચંદ્રક હતો.

સાઈના નેહવાલ 2012માં બૅડમિન્ટનમાં ઑલિમ્પિક મેડલ જીતનારાં સૌપ્રથમ ભારતીય ખેલાડી બન્યાં હતાં.


આ પુરસ્કાર શા માટે?

બૅડમિન્ટન ખેલાડી પી.વી..સિંધુ

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ, ખાસ કરીને 2020 ટોકિયો ઑલિમ્પિક્સ પહેલાં રમતગમતમાં મહિલાઓ તથા યુવા વર્ગને વધુ રસ લેતા કરવાના બીબીસીના પ્રયાસોનો એક ભાગ છે.

બીબીસીની ભારતીય ભાષાઓની સેવાનાં વડાં રૂપા ઝાએ જણાવ્યું હતું કે મહિલાઓએ ચૅમ્પિયન બનતાં પહેલાં અનેક અડચણોને પાર કરવી પડે છે.

ઝાએ ઉમેર્યું હતું, "મારા હૃદયની અત્યંત નજીક હોય તેવી પહેલ અમે કરી રહ્યા છીએ તેથી હું ખૂબ જ ઉત્સાહિત છું. આપણી મહિલા ખેલાડીઓએ મેળવેલી અદ્ભુત સિદ્ધિને હાઇલાઇટ કરવાની સાથે અનેક પડકારોનો સામનો કરીને તેમણે મહિલાઓની સ્પૉર્ટનો દરજ્જો વધાર્યો છે. તેને સારી રીતે પ્રકાશમાં લાવવાનું બહુ જ જરૂરી છે."

"આ પગલાને ટેકો આપવા અને 2019ની સર્વશ્રેષ્ઠ ભારતીય મહિલા ખેલાડી માટે વોટિંગ કરવા હું સહુને પ્રોત્સાહિત કરું છું."

વિજેતાની પસંદગી કઈ રીતે થશે?

સાક્ષી મલિક

બીબીસીએ ચૂંટેલા નિર્ણાયક મંડળે ભારતીય મહિલા ખેલાડીઓની એક યાદી બનાવી છે.

નિર્ણાયકમંડળમાં ભારતભરના અગ્રણી સ્પૉર્ટ્સ પત્રકારો, નિષ્ણાતો અને લેખકોનો સમાવેશ થાય છે. જે પાંચ મહિલા ખેલાડીઓને નિર્ણાયકમંડળના સભ્યોના સૌથી વધારે મત મળશે તેમને બીબીસીની વેબસાઇટ પર જાહેર મતદાન માટે નૉમિનેટ કરવામાં આવશે.

એ પાંચ મહિલા ખેલાડીઓનાં નામ ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવશે.

ખેલાડીઓના ચાહકો બીબીસીની ભારતીય ભાષાઓની કોઈ પણ વેબસાઇટ પર જઈને એ યાદીમાંની તેમની પ્રિય મહિલા ખેલાડી માટે મત આપી શકે છે.

જે મહિલા ખેલાડીને સૌથી વધુ વોટ મળશે તે બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર બનશે. વિજેતાના સન્માન માટે માર્ચ મહિનામાં દિલ્હીમાં એક ખાસ સમારંભ યોજવામાં આવશે.

આ ઉપરાંત ભારતીય સ્પૉર્ટ્સમાં અસાધારણ યોગદાન આપી ચૂકેલાં ભારતીય મહિલા ખેલાડીનું લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડથી સન્માન કરવામાં આવશે.

મુખ્ય પુરસ્કાર વિતરણ સમારંભ પહેલાં બીબીસી ભારતનાં અનેક શહેરોમાં ખાસ કાર્યક્રમોનું આયોજન પણ કરશે.

તેનો હેતુ વિવિધ શહેરોમાંના વિદ્યાર્થીઓ તથા લોકો સુધી પહોંચવાનો અને ભારતીય મહિલા ખેલાડીઓએ મેળવેલી સિદ્ધિઓ બાબતે તેમનામાં જાગૃતિ લાવવાનો છે.

ભારતીય મહિલા ખેલાડીઓનું યોગદાન

મહિલા ખેલાડીઓના યોગદાનની વાત ફરી કરીએ તો છેલ્લી એશિયન ગેમ્સમાં ભારતે જિતેલા કુલ 57 મેડલ્સમાંથી અરધોઅરધ એટલે કે 28 ચંદ્રકો મહિલા ખેલાડીઓએ જીતી આપ્યા હતા.

મિતાલી રાજ બે વિશ્વકપની ફાઇનલમાં ભારતને લઈ જનારાં એકમાત્ર ભારતીય ક્રિકેટ કૅપ્ટન છે.

ભારતીય મહિલા ખેલાડીઓની વાત કરીએ તો સ્મૃતિ મંધાના, હિમા દાસ, મનુ ભાકર, રાની રામપાલ, સાનિયા મિર્ઝા અને દીપિકા પલ્લિકલ ઉપરાંત સંખ્યાબંધ નામો આવે છે.

આ વર્ષનો પ્રારંભ, સાનિયા મિર્ઝાએ માતા બન્યાં પછી જિતેલા સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ખિતાબથી અને વિનેશ ફોગાટે રોમમાં 53 કિલોગ્રામ શ્રેણીમાં મેળવેલા સુવર્ણચંદ્રકથી થયો છે.

આ હકીકત સૂચવે છે કે ભારતીય મહિલા ખેલાડીઓ માટે રમતગમત ક્ષેત્રે ઘણુંબધું બદલાઈ રહ્યું છે. બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ તમારા માટે આ પરિવર્તનના હિસ્સેદાર બનવાની એક તક છે.

તેથી બીબીસીની તમને પ્રિય હોય તે વેબસાઇટ પર ફેબ્રુઆરીમાં જઈને તમારા પ્રિય ખેલાડીને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ જીતવામાં મદદ કરવાનું ભૂલશો નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર

source: bbc.com/gujarati

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Gujarati
Top