Monday, 17 Feb, 11.45 am BBC ગુજરાતી

હોમ
ભારતીય મહિલા ફૂટબૉલરોની જિંદગી આ રીતે બદલાઈ રહી છે

છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતમાં અનેક રમતની લીગ સિરીઝ રમાય છે. પહેલાં ક્રિકેટની આઇપીએલ, તેના પછી હૉકી ઇન્ડિયા લીગ, પુરુષ ફૂટબૉલની આઈએસએલ, પ્રીમિયર બૅડમિન્ટન લીગ, પ્રો-કબડ્ડી લીગ, ટેનિસ લીગ, કુસ્તી લીગ, બૉક્સિંગ લીગ અને ટેબલટેનિસ લીગ પણ શરૂ થઈ.

જોકે આમાંથી હૉકી ઇન્ડિયા લીગ હાલ નથી યોજાતી. આનાથી અંદાજ લગાવી શકાય છે કે ભારતીય રમતોમાં લીગ ટુર્નામેન્ટ હવે મહત્ત્વની ભૂમિકા નિભાવી રહી છે.

ભારતમાં મહિલા ફૂટબૉલને જે પ્રકારે નજરઅંદાજ કરવામાં આવતું હતું તેને જોતાં કેટલાંક વર્ષો પહેલાં મહિલાઓની ફૂટબૉલ લીગ વિશે વિચારવાનું મુશ્કેલ હતું.

પરંતુ ઇન્ડિયન વિમન લીગની ચોથી સિઝન ગત શુક્રવારે બેંગલુરુમાં પૂર્ણ થઈ.

ફાઇનલ મૅચમાં ગોકુલમ કેરલા ટીમ ક્રિફ્સા (KRYPHSA) ક્લબને 3-2થી હરાવીને જીતી. ગોકુલમ કેરલા પહેલી વખત આ લીગની ચૅમ્પિયન બની છે.

વિજેતા ટીમ તરફથી પરમેશ્વરી દેવી, કમલા દેવી અને સવિત્રા ભંડારીએ એક-એક ગોલ કર્યો.

આ પહેલાં (SETHU) સેતુ ફૂટબૉલ ક્લબ, સ્ટુડન્ટ ફૂટબૉલ ક્લબ અને ઇસ્ટર્ન સ્પૉર્ટિંગ યુનિયન ચૅમ્પિયન ટીમ રહી છે.


ક્યાં રાજ્યોની ટીમ રમે છે લીગ?

આ વખતે આ લીગમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો. તેમને છ-છ ટીમના બે પૂલમાં વહેંચવામાં આવી.

આ ટીમમાં મણીપુર, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, તામિલનાડુ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને બાકીના ભારતીય ઝોનની ટીમનો સમાવેશ થયો હતો.

આમ તો 2016-17માં લીગની પહેલી સિઝનમાં માત્ર છ ટીમોએ ભાગ લીધો હતો. ત્યારબાદની સિઝનમાં કેટલાંક વિદેશી મહિલા ફૂટબૉલ ખેલાડી પણ જોડાયાં.


ખેલાડીઓનું સુંદર પ્રદર્શન

ઇન્ડિયન વીમન્સ લીગની એક સિઝનમાં સૌથી વધારે ગોલ કરવાનો રેકર્ડ મણિપુર પોલીસ સ્પૉર્ટ્સ ક્લબના ફૉરવર્ડ અને ભારતીય મહિલા ફૂટબૉલ ટીમનાં કૅપ્ટન નાંગોમ બાલાદેવીના નામે છે.

તેમણે વર્ષ 2018-19ની ત્રીજી સિઝનમાં 26 ગોલ કર્યા.

વર્ષ 2016-17ની પહેલી સિઝનમાં ઇસ્ટર્ન સ્પૉર્ટિંગ યુનિયનનાં યમુના કમલા દેવી અને વર્ષ 2017-18ની બીજી સિઝનમાં નાંગોમ બાલા દેવીએ 12-12 ગોલ કર્યા. વર્ષ 2017-18માં નાંગોમ બાલા દેવી ક્રિફ્સા ફૂટબૉલ ક્લબ માટે રમ્યાં.

આ ઇન્ડિયન વીમન્સ ફૂટબૉલ લીગને લઈને ફૂટબૉલ સમીક્ષક નોવી કપાડિયા કહે છે કે વર્ષોથી નજરઅંદાજ રહેલા મહિલાઓના ફૂટબૉલને લઈને છેવટે ભારતીય ફૂટબૉલ સંઘે વર્ષ 2016-17માં પહેલી વખત આ પ્રકારની લીગ યોજવાનો નિર્ણય લીધો.

આ વર્ષે ભારત અંડર-19 મહિલા ફૂટબૉલ વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે, એટલે ભારતની આ ટીમ પર વધારે ધ્યાન અપાઈ રહ્યું છે, જે આમાં ભાગ લેવાની છે.

નોવી કપાડિયા આગળ વિસ્તારથી કહે છે કે ભારતમાં જો મહિલાઓમાં ફૂટબૉલને લોકપ્રિય બનાવવું હશે તો વધારેમાં વધારે ટૂર્નામેન્ટ યોજવી પડશે.


વિદેશની મોટાીક્લબમાં મહિલા ટીમ

આર્સેનલની ફૂટબૉલ ટીમ

વિદેશમાં તો આર્સેનલ, ચેલ્સી જેવી મોટી-મોટી ફૂટબૉલ ક્લબમાં મહિલાઓની પણ ટીમ છે.

તેની વિરુદ્ધ ભારતમાં જેટલી પણ મોટી ફૂટબૉલ ક્લબ જેમ કે મોહન બાગાન, ઈસ્ટ બંગાળ અથવા આઈએસએલની ક્લબમાં તેમાં ક્યારેય મહિલાઓની ફૂટબૉલ ટીમની વાત જ નથી થતી.

એવામાં આ પ્રકારની લીગનું હોવું ઘણું હકારાત્મક છે કારણ કે ટુર્નામેન્ટમાં સંઘર્ષપૂર્ણ મૅચ રમીને જ ખેલાડીનો વિકાસ થાય છે.

આ લીગની તમામ મૅચ બૅંગલુરુમાં જ રમાઈ, શું આનાથી લીગનું આકર્ષણ ઓછું થયું?

આના જવાબમાં નોવી કપાડિયા કહે છે કે મહિલાઓની મૅચના ટેલિવિઝન અધિકાર નથી, ટિકિટ પણ ઘણી ઓછી વેચાય છે. આ એક પ્રકારે કરારવાળી સ્થિતિ છે કે છેવટે મૅચ તો યોજાઈ રહી છે.

બીજું આ પુરુષોની લીગની જેમ સ્થાપિત લીગ નથી. હાલ અમે લીગના શરૂઆતના સમયમાં છીએ એટલા માટે આવું થવું સ્વાભાવિક છે.

કપાડિયા માને છે કે લીગમાંથી અનેક પ્રતિભા ઊભરીને સામે આવી છે. આશાલતા દેવીના ભારતીય ફૂટબૉલ ઍસોસિયેશને વર્ષ 2018-19માં સર્વશ્રેષ્ઠ ફૂટબૉલર તરીકે પસંદગી કરી હતી.

તેમના સિવાય પોતાની ફ્રી કિક માટે જાણીતાં દિલ્હીના ડાલિમા છીબ્બર, ભારતનાં ગોલકીપર અદિતી ચૌહાણ, મણિપુરનાં ઓબેંડો દેવીએ પણ ખૂબ નામ મેળવ્યું.

સારી વાત છે કે બિહાર અને ઓરિસ્સા જેવા આદિવાસી વિસ્તારોમાંથી હાલ મહિલા ફૂટબૉલર આવી રહ્યાં છે.


લીગથી ખેલાડીઓનું મનોબળ મજબૂત બને છે

લીગમાં કેટલાંક સ્ટાર ખેલાડીઓને સારા પૈસા મળી રહ્યા છે. પરંતુ જાણકાર માને છે કે ભારતમાં મહિલા ફૂટબૉલની સ્થિતિને ધ્યાનમાં રાખીએ તો એ વાત જરૂરી છે કે ખેલાડીઓને તક મળે.

ટુર્નામેન્ટમાં સામેલ મોટા ભાગના ખેલાડી ભણી રહ્યાં છે અથવા પછી નાનાં-મોટાં કામ કરે છે.

આ લીગ પછી મણિપુર પોલીસ, રેલવે અને ઇન્કમટૅક્સ જેવી સંસ્થાઓમાં હવે આમને નોકળી પણ મળી રહી છે. ડાલિમા છીબ્બરને તો સ્કૉલરશિપ પણ મળી અને તેઓ કૅનેડામાં લીગ રમી રહ્યાં છે.

આ લીગની સૌથી મોટી અસર મહિલા ખેલાડીઓના મનોબળ પર થઈ રહ્યો છે.

દિલ્હી જેવા વ્યસ્ત શહેરમાં પણ હાલ છોકરીઓના ફૂટબૉલ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

નોવી કપાડિયા કહે છે કે હંસ અને હિંદુસ્તાન ક્લબ સિવાય અન્ય ક્લબ ટ્રેનિંગ આપી રહી છે. કેટલાંક એનજીઓ પણ સામે આવ્યાં છે.

એટલે મહિલાઓ ફૂટબૉલની રમતમાં એક પગલું આગળ ભરી રહ્યાં છે, જેનાં સારાં પરિણામો ભવિષ્યમાં જોવા મળશે.

source: bbc.com/gujarati

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Gujarati
Top