Tuesday, 23 Jul, 7.13 am BBC ગુજરાતી

હોમ
ચંદ્રયાન-2 : ઇતિહાસ રચનાર ઈસરોએ પ્રથમ ઉપગ્રહ માટે ચર્ચને લૉન્ચિંગ સ્ટેશન બનાવ્યું હતું

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન(ઈસરો)એ ચંદ્રયાન-1ની સફળતા બાદ ચંદ્રયાન-2 પણ સફળતાપૂર્વક લૉન્ચ કરી બતાવ્યું છે.

22 જુલાઈના રોજ 02:43 વાગ્યે શ્રીહરીકોટા ખાતેના લૉન્ચપેડ પરથી ચંદ્રયાન-2ને લૉન્ચ કરવામાં આવ્યું.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જ્વાળામુખી અને ખરબચડી સપાટી હોવાને લીધે અહીં લૅન્ડિંગ કરવામાં ભારે જોખમ હોવાનું મનાય છે.

જોકે, ઈસરોએ ચંદ્રયાન-2ને અહીં જ ઊતરવાનો કરવાનો પડકાર ઝીલ્યો છે.

આકાશને આંબીને અવકાશ સુધી પહોંચવાની આ સફળ બળદગાડા પર શરૂ થઈ હતી એવું તમને કોઈ કહે તો? તમને માન્યામાં આવે ખરું?

ત્રણ દાયકા કરતાં વધુ સમય પહેલાં જ્યારે ઈસરોએ પોતાનો પ્રથમ કૉમ્યુનિકેશન સેટેલાઇટ લૉન્ચ કર્યો, ત્યારે એને બળદગાડા પર જ લઈ જવાયો હતો.


જ્યારે ઉપગ્રહને બળદગાડામાં લઈ જવાયો

વાત 19 જૂન, 1981ની છે. ફ્રેન્ચ ગયાનામાંથી 'ઍરિયાન પેસેન્જર પૅલૉડ ઍક્સ્પેરિમેન્ટ' (Ariane Passenger PayLoad Experiment -APPLE એપ્પલ) લૉન્ચ કરાયો હતો.

આ સેટેલાઇટને લૉન્ચ કરવાની કહાણી જેટલી રસપ્રદ છે એટલી જ મહત્ત્વની પણ છે.

'ફિશિંગ હૅલ્મેટ ટુ રૅડ પ્લાનેટ'નામના પુસ્તકમાં આર.એમ. વાસગમ લખે છે, '13 એપ્રિલ 1981માં એ વખતનાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ 'એપ્પલ'ને રાષ્ટ્રને સમર્પિત કરતાં 'ભારતના ઉપગ્રહ-સંચાર યુગની શરૂઆત' ગણાવી હતી.'

એ જ વર્ષે 15 ઑગસ્ટે લાલ કિલ્લા પરથી ઇંદિરા ગાંધીએ આપેલા ભાષણને 'એપ્પલ' દ્વારા લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું.

'એપ્પલ' સ્પેસક્રાફ્ટને ઔદ્યોગિક શૅડમાં બે વર્ષોમાં ડિઝાઇન કરીને તૈયાર કરાયો હતો.

રસપ્રદ વાત એ છે કે આ સેટેલાઇટને 'ધાતુવિહિન વાહનમાં ટેસ્ટ કરવા માટે' બળદગાડાનો ઉપયોગ કરાયો હતો.

ટીવી કાર્યક્રોમનાં પ્રસારણ તેમજ રેડિયો નેટવર્કિંગ સહિત સંચાર-પરીક્ષણોમાં આ સેટેલાઇટનો ઉપયોગ કરાયો હતો.

વાસગમના મતે આ જ સેટેલાઇટે ભારતમાં સ્વદેશી 'ઑપરેશનલ કૉમ્યુનિકેશન સેટેલાઇટ્સ'નો પાયો નાખ્યો હતો.

જેના પર આગળ જતાં INSAT અને GSAT શ્રેણીની ઈમારતો ચણાઈ.


જ્યારે ચર્ચને 'સ્પેસ સેન્ટર' બનાવાયું

ભારતમાં અંતરીક્ષ કાર્યક્રમની શરૂઆત 1960ના દાયકામાં થઈ હતી. એ વખતે ત્રિવેન્દ્રમ નજીક આવેલા માછીમારોના નાના એવા ગામ થમ્બાને ડૉ. વિક્રમ સારાભાઈએ 'રૉકેટ લૉન્ચિંગ સ્ટેશન' તરીકે પસંદ કર્યું હતું.

રસપ્રદ વાત એ હતી કે ઉપગ્રહને અવકાશમાં તરતા મૂકવા માટે લૉન્ચ સાઇટ તરીકે એક ચર્ચને પસંદ કરવામાં આવ્યું હતું.

સૅન્ટ મૅરી મૅગ્ડલીન ચર્ચ ભૂમધ્યરેખા પર આવેલું હતું અને એટલે જ તેણે ડૉ. વિક્રમ સારાભાઈનું ધ્યાન ખેંચ્યું.

એટલે એક દિવસ ડૉ. વિક્રમ સારાભાઈ અને તેમના સહકર્મીઓ ચર્ચના પાદરી ડૉ. પીટર બર્નાન્ડ પરૅરાને મળવા ગયા અને ચર્ચામાં 'સ્પેસ સ્ટેશન' ઊભું કરવાની પોતની ઇચ્છા વ્યક્ત કરી.

એ વખતે ડૉ. વિક્રમ સારાભાઈ સાથે ડૉ. અબ્દુલ કલામ પણ હાજર હતા.

'ઇગ્નાઇટ માઇન્સ : અનલીઝિંગ ધ પાવર વિધિન ઇન્ડિયા' નામના પુસ્તકમાં કલામ લખે છે :

"પાદરીએ ચર્ચમાં હાજર શ્રદ્ધાળુઓને કહ્યું કે આપણી સાથે એક પ્રખ્યાત વૈજ્ઞાનિક હાજર છે કે જેઓ ચર્ચને અવકાશ વિજ્ઞાન અને સંશોધન માટે ઇચ્છી રહ્યા છે."

"વિજ્ઞાન એવા સત્યને શોધે છે, જે માનવજાતને સમૃદ્ધ બનાવે છે."

"ટૂંકમાં વિક્રમ જે કરી રહ્યા છે અને હું જે કરી રહ્યો છું એ બન્ને સમાન જ છે."

"વિજ્ઞાન અને આધ્યાત્મિકતા માનવજાતની સમૃદ્ધિની કામના કરે છે. તો બાળકો શું આપણે તેમને પ્રભુનું ઘર વૈજ્ઞાનિક અભિયાન માટે આપી દેવું જોઈએ?

કલામ આગળ લખે છે, "થોડા સમય માટે શાંતિ છવાઈ અને બાદમાં સૌ શ્રદ્ધાળુઓ બોલી ઉઠ્યાં, આમીન."

એ બાદ ગામ આખાનું સ્થળાંતર કરાયું અને ત્યાં નવું ચર્ચ પણ બાંધવામાં આવ્યું અને આવી રીતે સૅન્ટ મૅરી મૅગ્ડલીન ચર્ચ ખાતે ભારતનું પ્રથમ રૉકેટ લૉન્ચર ઊભું કરાયું.


એ ઇચ્છા અને ઈસરોની સ્થાપના

1957માં સોવિયત યુનિયને વિશ્વના પ્રથમ ઉપગ્રહ 'સ્પૂતનિક'ને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યો હતો.

એ સાથે જ વિશ્વમાં અવકાશ સંશોધન અંગે પચાસથી વધુ દેશો જોડાયા.

ડૉ. વિક્રમ સારાભાઈ ઇચ્છતા હતા કે ભારતે પણ આ દેશો સાથે જોડાવું જોઈએ.

આ અંગે તેમણે એ વખતના ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુને એક પ્રસ્તાવ મોકલ્યો.

દિલ્હીની જવાહરલાલ નહેરુની સરકારે સારાભાઈનો એ પ્રસ્તાવ સ્વીકારી લીધો.

તેમની સલાહનું પરિણામ એ આવ્યું કે 1962માં સરકારે ઇન્ડિયન નૅશનલ કમિટી ફૉર સ્પેસ રિસર્ચ (ઇન્કૉસ્પર) બનાવી.

આ સંસ્થાની જવાબદારી પણ નહેરુએ વિક્રમ સારાભાઈને જ સોંપી. આ સંસ્થા બાદમાં 'ઈસરો'માં પરિવર્તિત થઈ.


ફિલ્મથી પણ ઓછા ખર્ચમાં મૂન મિશન

વર્ષ 2013માં ઈસરોએ મંગળ તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું અને 'મંગળયાન' નામે મંગળ ગ્રહ પર સ્પેસક્રાફ્ટ મોકલ્યું.

ભારતના આ અભિયાની સફળતા એ હતી કે તે પ્રથમ પ્રયાસે જ મંગળ પર પહોંચનારો દેશ બની ગયો.

'મંગળયાન' આમ તો તો એક નાનું અંતરીક્ષ અભિયાન હતું પણ આ અભિયાન થકી ભારત ચીન પહેલાં મંગળ પર પહોંચી ગયું.

ઈસરોએ આ પડકાર સફળતાપૂર્વક પાર કરી બતાવ્યો અને ભારતીય પ્રજાનું મનોબળ વધાર્યું.

અમેરિકા, રશિયા કે ચીન સહિત વિશ્વનો કોઈ પણ દેશ પ્રથમ પ્રયાસે મંગળ પર પહોંચી નહોતો શક્યો. પણ ઈસરોએ ભારતના નામે આ સિદ્ધિ લખી દીધી.

રસપ્રદ વાત એ છે કે મંગળયાનનો કુલ ખર્ચ 470 કરોડ હતો. જ્યારે હોલીવૂડની સાઈ-ફાઈ ફિલ્મ 'ઇન્ટરસ્ટૅલર' 1,062 કરોડના ખર્ચે બની હતી.

source: bbc.com/gujarati

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Gujarati
Top