Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગીરના સિંહો પર 'બબેસિઓસિસ'નો ખતરો: આ ખતરનાક રોગથી અત્યાર સુધીમાં કેટલા સિંહોનાં મોત થયાં?

ગીરના સિંહો પર 'બબેસિઓસિસ'નો ખતરો: આ ખતરનાક રોગથી અત્યાર સુધીમાં કેટલા સિંહોનાં મોત થયાં?

ગીરના સિંહોમાં બબેસિઓસિસ નામનો રોગચાળો ફાટી નીકળ્યાની ભીતિ છે. દરમિયાન સિંહો માટે જીવલેણ મનાતા આ રોગચાળાથી બે સિંહોનાં મોત થયા હોવાની શંકા સેવાઈ રહી છે.

વનવિભાગે સતર્કતા રાખીને અન્ય સિંહોને પણ બબેસિઓસિસ થયો હશે તેવી આશંકા સાથે આ પ્રકારનાં લક્ષણો ધરાવતા 17 સિંહોને આઇસોલેટ કર્યા છે. એટલે કે તેમને એકાંતવાસમાં રાખવામાં આવી રહ્યા છે.

અગાઉ વર્ષ 2020માં આ રોગચાળાને કારણે 20 કરતાં વધારે એશિયાઈ સિંહોનાં મોત થયાં હતાં. જોકે, ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે "વનવિભાગ દ્વારા સાવચેતીનાં પગલાં લેવાઈ રહ્યાં છે અને હાલની સ્થિતિ ચિંતાજનક નથી."

વર્ષ 2018માં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ એટલે કે સીડીવી મારફતે સિંહોમાં ચેપી રોગચાળો ફેલાયો હતો અને તેને કારણે 30 જેટલા સિંહોનો ભોગ લેવાયો હતો. તે વખતે પણ સિંહોને સીડીવીના ચેપ સાથે બબેસિઓસિસ થયો હોવાનુું વનવિભાગના અધિકારીઓ જણાવે છે.

હવે, ફરીથી આ બબેસિઓસિસ નામનો રોગચાળો દેખાતા રાજ્ય સરકાર સતર્ક થઈ ગઈ છે. બુધવારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે એક ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

સિંહોમાં જ્યારે રોગચાળો ફેલાય ત્યારે પશુચિકિત્સકોની ભૂમિકા વધારે મહત્ત્વની બની જાય છે. પરંતુ સિંહોના રહેઠાણવાળા બૃહદ ગીર વિસ્તારમાં કૉન્ટ્રેક્ટ પર ફરજ બજાવતા નવ પશુચિકિત્સકોએ રાજીનામું ધરી દીધું છે.

તેમનો આરોપ છે કે ગીર માટે કાયમી પશુચિકિત્સકોની ભરતી માટેના નિયમો તેમની કૅરિયર માટે હાનિકારક છે, સાથે તેમણે જણાવ્યું છે કે તેઓ આગામી 14મી જૂનથી વનવિભાગ સાથે કામ નહીં કરે. આમ, જ્યારે સિંહોમાં આ જીવલેણ રોગચાળો પ્રસરે તેવી ભીતિ છે ત્યારે પશુચિકિત્સકોએ રાજીનામું ધરતા વનવિભાગની 'મુશ્કેલી'ઓ વધી ગઈ છે.

કેટલા સિંહોને બબેસિઓસિસ થયો છે?

 Gir Forest Department

બુધવારે કેટલાક મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો કે છેલ્લા 10 દિવસમાં પાંચ સિંહોનાં મોત થયાં છે. આ બાબતે મંગળવારે ગાંધીનગરમાં પત્રકારોને માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું, "ગીરમાં બબેસિયા નામના જીવાણુથી માત્ર બે જ સિંહોનાં શંકાસ્પદ મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે. બાકીના જે સિંહોનાં મૃત્યુ થયાં છે તે કાં તો કૉન્ફ્લિક્ટ (લડાઈ)ને કારણે કે, અથવા તો બીજાં કોઈ કારણોસર મૃત્યુ થયાં છે."

બુધવારે એક સત્તાવાર યાદીમાં રાજ્ય સરકારે જણાવ્યું કે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે એક ઉચ્ચસ્તરીય મિટિંગ બોલાવી હતી.

અખબારી યાદીમાં સરકારે જણાવ્યું, "મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ગીર વિસ્તારમાં થયેલાં સિંહ બાળનાં મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો મેળવી હતી. 4 સિંહ બાળનાં મૃત્યુ જુદા-જુદા વિસ્તારોમાં થયાં છે અને આ વિસ્તારના કુલ 17 જેટલા સિંહોને આઇસોલેટ કરીને તેની કાળજી લેવામાં આવી રહી છે."

આ વિગતો વન પર્યાવરણ અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવે મિટિંગમાં આપી હતી.

સરકારી યાદીમાં એમ પણ જણાવાયું હતું કે, "ગીર ગઢડા અને બાબરિયા વિસ્તારના 10 કિલોમીટરની ત્રિજ્યામાં રહેલા તમામ સિંહોનું સઘન મૉનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમનામાં કોઇ અન્ય બિમારીનાં લક્ષણો જણાઇ આવ્યાં નથી."

યાદીમાં વધારે વિગતો આપતાં સરકારે કહ્યું, "વનવિભાગ દ્વારા અમરેલી અને ભાવનગર જીલ્લાના મહેસુલી વિસ્તારમાં તમામ સિંહોનું સઘન નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તેનો દૈનિક અહેવાલ પણ મેળવવામાં આવે છે. ઉનાળાની શરૂઆતમાં જોવા મળતી આવી સિઝનલ બિમારી સામે સલામતીના ભાગ રૂપે ગીર વિસ્તારના 350થી વધુ સિંહોનાં ડી-ટિકીંગ અને અન્ય આરોગ્યલક્ષી પગલાંની કામગીરી હાથ ધરવામાં આવી છે."

ગીરના સિંહોમાં ફેલાતો બબેસિઓસિસ રોગચાળો શું છે?

બબેસિઓસિસ બબેસિયા નામના પ્રોટોઝુઆ એટલે કે જીવાણુથી થતો રોગ છે. બબેસિયા પ્રોટોઝુઆ પ્રાણીના લોહીમાં રહેલા રક્તકણો (રેડ બ્લડ સેલ્સ) પર હુમલો કરે છે અને તેનો નાશ કરે છે. જેથી પ્રાણી અશ્કત થઇ જાય છે અને મૃત્યુ પણ પામી શકે છે.

બબેસિયા પાલતુ પશુઓ તેમ જ જંગલી જાનવરોનું લોહી ચૂસનારા ઇતડી તરીકે આળખાતા પરજીવી જીવાત દ્વારા ફેલાય છે.

જે ઇતડીને બબેસિયા નામના પ્રોટોઝુઆનું ઇન્ફૅક્શન થઇ ગયું હોય તે ઇતડી જો કોઈ પશુને ચટકા ભરે તો તે પશુને બબેસિઓસિસ થઇ શકે છે.

બિબેસિયા પ્રોટોઝોઆ લાલ રક્તકણોનો નાશ કરે છે. આ રક્તકણો શરીરનાં વિવિધ અંગો સુધી ઑક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. આ કાર્ય ખોરવાતાં પ્રાણીને ઍનિમિયા એટલે કે પાંડુરોગ થઇ જાય છે અને તે પ્રાણીનું શરીર નબળું અને અશક્ત બની જાય છે. ઑક્સિજન ન પહોંચતાં અંગો કામ કરતાં બંધ થઇ શકે છે અને પ્રાણીનું મૃત્યુ થાય છે.

ગુજરાત સરકારે સિંહોને બચાવવા શું પગલાં લીધાં છે?

અર્જુન મોઢવાડિયાએ તેમના નિવેદનમાં જણાવ્યું કે સિંહોમાં બબેસિઓસિસ ફેલાતો અટકાવવા માટે વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોની ટીમ સક્રિય છે.

તેમણે ઉમેર્યું, "આવા શંકાસ્પદ બીમારીનો ચેપ ધરાવતા સિંહોની ઓળખ કરવાની પ્રવૃત્તિ પણ ચાલી રહી છે અને ઓળખ કરીને તેનાં સૅમ્પલ લઇ સારવાર આપવાનું કામ ચાલુ છે. સાથે ઇતરડીઓ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રકારે આ રોગ વનમાં પ્રસરે નહીં તેને માટે વનવિભાગ કામગીરી કરી રહ્યો છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી."

અર્જુનભાઈ મોઢવાડિયાએ એમ પણ કહ્યું કે ગીરના સિંહોની મૅનેજમેન્ટ સિસ્ટમ આખી દુનિયામાં વખણાય છે. આપણા સિંહોની સંખ્યામાં વૃદ્ધિ થઈ રહી છે.

તેમણે વધુમાં કહ્યું, "બબેસિઓસિસને કારણે સિંહોને કોઈ વધારે મુશ્કેલી હોય તેવું હાલ જણાતું નથી."

વન મંત્રીની કચેરીએ એક નોંધ જાહેર કરીને કહ્યું છે, "ઉનાળાની ઋતુમાં તાપમાનમાં વધારો સુકા વાતાવરણ અને શારીરિક તાણને કારણે વન્યપ્રાણીઓમાં ઇતરડીનો પ્રકોપ જોવા મળવાની સંભાવના રહે છે. ઇતરડી દ્વારા બબેસિયા જેવા હિમો-પ્રોટોઝુવા રોગો ફેલાવાની શક્યતા રહેતી હોવાથી વનવિભાગ દ્વારા આ બાબતે વિશેષ સતર્કતા રાખવામાં આવી રહી છે."

સરકારનો દાવો છે કે, વનવિભાગનાં ફિલ્ડ સ્ટાફ, ટ્રૅકર્સ, રૅસ્ક્યૂ ટીમ અને વેટરનરી અધિકારીઓ સતત સિંહોના હલનચલન, ખોરાક લેવાની સ્થિતિ, નબળાઈ, તાવ, નાકમાંથી પ્રવાહ, ખાંસી, ઇતરડીનો પ્રકોપ, અસામાન્ય વર્તન તથા પ્રાઇડ(સિંહનો પરિવાર)થી અલગ પડવાની સ્થિતિનું નિયમિત નિરીક્ષણ કરી રહ્યા છે. કોઈપણ શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક વેટરનરી ટીમને જાણ કરી જરૂરી તપાસ અને સારવાર હાથ ધરવામાં આવે છે.

ગીરમાં પશુચિકિસકોએ સામુહિક રાજીનામા કેમ ધરી દીધાં?

જ્યાં બબેસિઓસિસ રોગચાળો ફાટી નીકળ્યો છે તેની નજીકના જસાધાર અને જામવાળા સહિતના ગીર અને બૃહદ ગીર વિસ્તારના નવ પશુચિકિત્સકોએ 15 મેના રોજ સામુહિક રીતે રાજીનામા ધરી દીધાં છે.

કૉન્ટ્રેક્ટ પર કામ કરતા આ પશુચિકિત્સકોએ તેમના રાજીનામામાં જણાવ્યું છે કે સિંહોના વિસ્તારમાં કામ કરવા માટે અનુભવની જરૂર રહે છે પરંતુ સરકારે ગીર વિસ્તાર માટે પશુચિકિત્સકોની 18 જગ્યાઓ ભરવા માટે તાજેતરમાં જાહેર કરેલી ભરતી પ્રક્રિયામાં આવા અનુભવને ધ્યાને લેવાની કોઈ જોગવાઈ કરી નથી. તેથી, તેમની કૅરિયરને નુકસાન થશે તેમ જણાવી આ પશુચિકિત્સકોએ તેમના રાજીનામા સોંપી દીધાં છે.

પોતાની ઓળખ છતી ન કરવાની શરતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં રાજીનામું આપનારા એક પશુચિકિત્સકે જણાવ્યું, "અમને સિંહો તથા સિંહોનાં રહેઠાણોમાં રહેતાં અન્ય પ્રાણીઓના રૅસ્ક્યૂ (બચાવ) અને સારવાર કરવાનો અનુભવ છે. સરકારે જાહેર કરેલી ભરતી પ્રક્રિયાથી અમારી જગ્યાએ એવા પશુચિકિસકો આવશે જેને અવો કોઈ અનુભવ નહીં હોય. જો સિંહોના રૅસ્ક્યૂ અને સારવારની કામગીરી આવા બિનઅનુભવી વેટરનરી અધિકારીઓને સોંપવાનો નિર્ણય થઇ ગયો હોય તો અમારી સેવા ચાલુ રાખવાનું કોઈ ઔચિત્ય જણાતું નથી. તેથી, અમે 15 મેના રોજ રાજીનામા આપી દીધાં છે અને હાલ એક મહિનાના નોટિસ પિરિયડ પર છીએ. 15 જૂને તે નોટિસ પિરિયડ પૂરો થતાં અમે બધા આ કામગીરી છોડી દઇશું."

આ રાજીનામા બાબતે જૂનાગઢ વન્યપ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષકે ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષકને પત્ર લખીને પશુચિકિસકોની ભરતીના નિયમોમાં યોગ્ય ફેરફાર કરવાની વિનંતી કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન

source: bbc.com/gujarati

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: BBC Gujarati