Dailyhunt
ગુજરાત : જગદીશ પંચાલ ગેનીબહેનની 'સાડીના પાલવ' વિશે એવું શું બોલ્યા કે વિવાદ થયો, જિગ્નેશ મેવાણીએ શું કહ્યું?

ગુજરાત : જગદીશ પંચાલ ગેનીબહેનની 'સાડીના પાલવ' વિશે એવું શું બોલ્યા કે વિવાદ થયો, જિગ્નેશ મેવાણીએ શું કહ્યું?

Gujarat BJP/ Geniben thakor FB

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ પછી, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે બનાસકાંઠામાં 30 એપ્રિલે એક સભા કરી હતી. આ સભામાં તેમણે બનાસકાંઠાનાં સાંસદ ગેનીબહેન ઠાકોર પર એક નિવેદન આપ્યું હતું, તેનાથી વિવાદ સર્જાયો હતો.

જગદીશ પંચાલના આ નિવેદન પછી ગેનીબહેન ઠાકોર સહિત કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓએ તેનો સખત વિરોધ વ્યક્ત કર્યો હતો.

વડગામના કૉંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ તો જગદીશ પંચાલ વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાય તેવી માગ કરી હતી.

જગદીશ પંચાલે ગેનીબહેન ઠાકોર વિશે આ વિવાદિત નિવેદનમાં કહ્યું હતું કે "તમે અમારાં સૌનાં બહેન છો, પણ તમે લોકસભામાં નારી વંદન અધિનિયમ વખતે દેશની બહેનોનું અપમાન કર્યું છે, એટલે બનાસની માતાઓ-બહેનોએ તમારા ગઢમાંથી, તમારી બેઠકો સાડીના પલ્લુમાંથી આંચકી લીધી છે."

જગદીશ પંચાલના આ વિવાદિત નિવેદન પર ગેનીબહેને પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ભાજપના પ્રદેશ પ્રમુખે મહિલાઓનું અપમાન કર્યું છે તેથી તેમણે માફી માગવી જોઈએ.

હવે આ આખો મામલો શું છે અને આ વિવાદ કેમ થયો તેના વિશે અમે વિવિધ પક્ષોના નેતાઓ અને રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી.

 Jagdish Panchal/BBC

ગેનીબહેને જગદીશ પંચાલને કયો પડકાર આપ્યો?

ગેનીબહેન ઠાકોરે બીબીસી ગુજરાતીને મોકલેલા એક વીડિયો મારફતે જણાવ્યું હતું, "ભારતીય જનતા પાર્ટીએ ઘણાં વર્ષો પછી બનાસકાંઠા જિલ્લા પંચાયત જીતી, તેથી તે તેની ઉજવણી કરે અને તેના કાર્યકરોનો આભાર માને ત્યાં સુધી બરાબર હોય શકે છે."

આ સાથે ગેનીબહેને વધુમાં કહ્યું કે "તેમના નામનો ઉલ્લેખ કરીને જે પ્રકારે નિવેદન કરવામાં આવ્યું તેનાથી જગદીશ પંચાલે બનાસકાંઠાની મહિલાઓનું અને જનતાનું અપમાન કર્યું છે."

ગેનીબહેને કહ્યું, "જગદીશ પંચાલ જ્યારે એક જવાબદાર વ્યક્તિ તરીકે આવું નિવેદન આપતા હોય તો આવનારી પેઢી તેમની પાસેથી શું પ્રેરણા લેશે? આ બાબતે તેમણે ધ્યાન રાખવું જોઈએ."

 BBC/ GENIBEN THAKOR

ગેનીબહેને કહ્યું કે તેઓ જે સ્ટેજ પરથી બોલતા હતા ત્યાં કૉંગ્રેસે કેટલીક બેઠકો જીતી છે.

"સત્તાના અહંકારમાં આવીને આ પ્રકારે મહિલાનું અપમાન કરવાનો તેમને કોઈ અધિકાર નથી. તેમણે આ પ્રકારના શબ્દો બોલવા બદલ માફી માગવી જોઈએ."

ગેનીબહેને એમ પણ જણાવ્યું હતું કે જગદીશ પંચાલને આ મામલે યોગ્ય જવાબ આપવામાં આવશે.

તેમણે જગદીશ પંચાલને પડકાર આપતા કહ્યું, "જો, જગદીશ પંચાલમાં હિંમત હોય તો 2027માં બનાસકાંઠામાંથી ચૂંટણી લડે અને જીતી બતાવે, હું તો શું કોઈ પણ કૉંગ્રેસી કાર્યકર્તા તેમને હરાવી દેશે."

ગેની બહેન જણાવે છે, જે જવાબ આપવાનો થતો હશે તેમણે જવાબ પણ આપવામાં આવશે.

રાજકીય વિશ્લેષકોનું શું કહેવું છે?

 Jagdish Panchal

આ આખા વિવાદ મામલે રાજકીય વિશ્લેષકો માને છે કે, આ પ્રકારનાં નિવેદનોથી છેલ્લા ઘણા સમયથી આ રાજકારણની ભાષાનું સ્તર નીચે ગયું છે. તેને માટે તેમણે સોશિયલ મીડિયાને પણ જવાબદાર ગણાવ્યું છે.

રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર હરેશ ઝાલા બીબીસી ગુજરાતીને જણાવે છે, "આ પ્રકારના વિવાદો પાછળ સૌ પ્રથમ તો હું સોશિયલ મીડિયાને જવાબદાર ગણું છું."

હરેશ ઝાલા કહે છે, તેનું કારણ તે છે કે, આ દેશ દુનિયામાં હવે એ નેતાઓને સૌથી વધુ પબ્લિસિટી મળતી હોય છે, તેથી તેઓ બેફામ નિવેદનો કરતાં હોય છે.

હરેશ ઝાલા કહે છે, "કામની વાતને નહીં, પ્રોજેક્ટ અને વિઝનની વાતને નહીં, પરંતુ એવાં નિવેદનોને મહત્ત્વ મળે છે જેનાથી વિવાદ સર્જાય અને કોઈનું અપમાન થાય."

"માધ્યમમાં રહેવું હોય આ પ્રકારનાં નિવેદનો કરવા જરૂરી છે, એવું તેમને જણાય છે, તે જ પરંપરાના ભાગરૂપે જગદીશ પંચાલે સ્ત્રીની સન્માન પર પ્રહાર કર્યો છે," એમ હરેશ ઝાલા જણાવે છે.

હરેશ ઝાલા કહે છે કે "આ પ્રકારનાં વિવાદિત નિવેદન કરવાને બદલે તમે એમ કહી શક્યા હોત કે અમે ગેનીબહેનની આંખની નીચેથી બનાસકાંઠાની બેઠકો જીતી લાવ્યા, પંરતુ મહિલાનાં વસ્ત્રો પર તમે જે નિવેદન આપ્યું તે ખોટું છે."

રાજકિય વિશ્લેષક નરેશ વરિયા આ વિશે બીબીસી ગુજરાતીને જણાવે છે કે, એક સમય હતો જ્યારે નેતાઓનાં નિવેદનોમાં શિસ્તતા અને સૌજન્યતા હતી પરંતુ હવે તે સ્તર રહ્યું નથી.

નરેશ વરિયા કહે છે, "છેલ્લા ઘણા સમયથી આ સ્તર નીચે ગયું છે. ગંદી ભાષા અને અશ્લિલતાનું પ્રમાણ વધ્યું છે. કોઈ પણ ચૂંટાયેલા સભ્યો આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરે તે શોભાસ્પદ નથી, આ તો ભાજપના પ્રદેશ પ્રમુખ છે. તેમણે તો ધ્યાન રાખવું જોઈતું હતું."

નરેશ વરિયાએ આ માટે ચૂંટણી પંચને જવાબદાર ઠેરવ્યું છે. તેમનું મંતવ્ય છે કે "ચૂંટણી પંચ આ પ્રકારનાં નિવેદનો આપતા નેતાઓ સામે કાર્યવાહી કરતું નથી તેથી તેઓ બેફામ બની ગયા છે."

તેમણે એમ પણ કહ્યું કે આ કામ પાર્ટીના નેતાઓનું પણ છે. તેમણે પણ આ પ્રકારે નિવેદન આપતા નેતાઓને પાર્ટી તરફથી ઠપકો આપવો જોઈએ.

નરેશ વરિયા જણાવે છે કે માત્ર ભાજપ જ નહીં પરંતુ તમામ પાર્ટીના નેતાઓ આ પ્રકારનાં નિવેદનો કરે છે અને તેમની ભાષાનું સ્તર નીચે જઈ રહ્યું છે.

કૉંગ્રેસ શું કહે છે?

 Getty Images

ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ આ મામલે ઍક્સ પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે, "રાજનીતિમાં શબ્દોની ગરિમા અને સંસ્કારોનું જ્યારે પતન થાય છે, ત્યારે સત્તાનો અહંકાર જન્મે છે. આ અહંકાર હંમેશાં બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે છે."

તેમણે કહ્યું હતું કે, "ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલનું તાજેતરનું નિવેદન કે એ માત્ર એક રાજકીય કટાક્ષ નથી પણ ગુજરાત ભાજપના નેતાઓની સ્ત્રીઓ પ્રત્યેની એ માનસિકતાનું જીવતું-જાગતું ઉદાહરણ છે."

અમિત ચાવડાએ કહ્યું હતું કે, "બનાસકાંઠાનાં લોકપ્રિય સાંસદ ગેનીબહેન ઠાકોર જેવાં સક્ષમ લોકપ્રતિનિધિ માટે વપરાયેલા આ હીન શબ્દો એ માત્ર એક વ્યક્તિનું અપમાન નથી, પણ ગુજરાતની દરેક દીકરીની અસ્મિતા પર પ્રહાર છે."

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સોશિયલ મીડિયા પર એક વિડીઓ શૅર કરતાં કહે છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ પંચાલે 'ગંદી ભાષા'નો પ્રયોગ સાંસદ ગેનીબહેન ઠાકોર સામે કર્યો છે.

તેઓ કહે છે, "આવી અભદ્ર ભાષાનો પ્રયોગ કોઈ પણ રાજકીય નેતાને શોભતો નથી. આનાથી પ્રત્યેક બહેન-દીકરી-માતાઓનું અપમાન થાય છે."

જિજ્ઞેશ મેવાણીએ માગ કરતાં કહ્યું કે "જગદીશ પંચાલ સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ."

બીબીસી ગુજરાતીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમણે કોઈ પ્રતિક્રિયા આપી નથી, જ્યારે આ મામલે તેમના તરફથી કોઈ પ્રતિભાવ આવશે ત્યારે તેને આ અહેવાલમાં સામેલ કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

source: bbc.com/gujarati

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: BBC Gujarati