Sunday, 21 Apr, 7.24 am BBC ગુજરાતી

હોમ
ગુજરાતમાં થયેલાં ઍન્કાઉન્ટર્સ અને તેની પાછળનું રાજકારણ

2002થી 2006 સુધીમાં 31 લોકોની ગેરકાયદે રીતે હત્યા કરવાના આરોપો ગુજરાત પોલીસ પર મુકાયા હતા, તેમાંથી અડધોઅડધ એક જ ચોક્કસ જૂથના પોલીસ અધિકારીઓએ કર્યા હતા.

આ અધિકારીઓનું એવું કહેવું થતું હતું કે માર્યા ગયેલા લોકો ત્રાસવાદીઓ હતા અને તેઓ નરેન્દ્ર મોદી અથવા તો ભારતીય જનતા પક્ષના અન્ય કોઈ નેતાની હત્યા કરવા માટે આવ્યા હતા અથવા તો રાજ્યના જુદાજુદા ભાગોમાં બૉમ્બધડાકા કરવાનો ઇરાદો ધરાવતા હતા.

6 આઈપીએસ અધિકારીઓ અને ગુજરાતના ભૂતપૂર્વ રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન અમિત શાહ સહિત 32 પોલીસ અધિકારીઓને ઍન્કાઉન્ટરના આ કેસોમાં ધરપકડ કરીને જેલહવાલે કરાયા હતા.

ધરપકડ કરાયેલા મોટા ભાગના પોલીસોએ તેમના કાર્યકાળ દરમિયાન કોઈક તબક્કે ડી. જી. વણઝારા સાથે કે તેમના હાથ નીચે કામ કર્યું હતું.

ઉત્તર ગુજરાતના વિચરતી અને વિમુક્ત જાતિમાં જન્મેલા વણઝારાને 1987માં આઈપીએસ તરીકે બઢતી મળી હતી. દારૂના અડ્ડા પર દરોડા અને હાઈવે પર લૂંટ કરતી ટોળકીઓ સામેની કાર્યવાહી બદલ તેમને પ્રમોશન મળ્યું હતું.

જોકે તેમનો ઝડપી ઉદય નરેન્દ્ર મોદી ગુજરાતમાં સત્તા ઉપર આવ્યા પછી થયો હતો.

હવે નિવૃત્ત થયેલા વણઝારાને એક કેસમાં છોડી મુકાયા છે, જ્યારે અન્ય ઘણા કેસોમાં તેઓ હજી પણ આરોપી છે. આઠ વર્ષ જેલમાં રહ્યા પછી 2015માં આખરે તેમને જામીન મળ્યા હતા.


નકલી ઍન્કાઉન્ટર્સ

ગુજરાતમાં 2002થી 2006 સુધીમાં 23 જેટલાં એન્કાઉન્ટર થયાં હતાં. ગુજરાત પોલીસના પ્રારંભિક તપાસ અહેવાલોમાં એવું જ જણાવાયું હતું કે આ વાસ્તવિક ઍન્કાઉન્ટર હતાં, પરંતુ કોર્ટે નીમેલી તપાસમાં અને અહેવાલોમાં એવો આક્ષેપ કરાયો હતો કે તેમાંથી 6 ઍન્કાઉન્ટર નકલી હતાં.

3 ઍન્કાઉન્ટરના કેસમાં સીબીઆઈએ આરોપનામાં દાખલ કર્યા છે :

1. સોહરાબુદ્દીન, કૌસર બી અને તુલસીરામ પ્રજાપતિ

2. ઇશરત જહાં, જાવેદ ગુલામ શેખ ઉર્ફે પ્રનેશ પિલ્લઈ, અમજદ અલી અને જીશન જોહર

3. સાદિક જમાલ

જસ્ટિસ હરજિત સિંહ બેદીએ સુપ્રીમ કોર્ટને 18 ફેબ્રુઆરી, 2019ના રોજ સુપરત કરેલા અહેવાલમાં અન્ય ત્રણને પણ નકલી ઍન્કાઉન્ટર ગણાવાયાં છે. સર્વોચ્ચ અદાલતે હજી સુધી આ અહેવાલનાં તારણોનો સ્વીકાર કર્યો નથી. બીબીસી પાસે આ અહેવાલ છે.

ગેરકાયદે નીચે પ્રમાણે ત્રણ નકલી ઍન્કાઉન્ટર થયાં હતાં

1. કાસમ જાફર

2. હાજી હાજી ઇસ્માઇલ

3. સમીર ખાન


ઍન્કાઉન્ટર ઉપર રાજકારણ : કોણ આપશે આનો ખુલાસો?

શું પોલીસ અધિકારીઓ નિર્દોષ લોકોની હત્યા કરી શકે? શું તેઓ સરકારને મદદ કરવા કથિત આરોપીનો ઉપયોગ કરી શકે?

ગુજરાતની પોલીસ અને રાજકારણીઓને પરેશાન કરવા કૉંગ્રેસના નેતૃત્વવાળી યૂપીએ સરકારે રાજ્યમાં થયેલાં ઍન્કાઉન્ટર્સની ખોટી તપાસ હાથ ધરાવી હતી - શું નરેન્દ્ર મોદી અને ભાજપનો એ દાવો સાચો છે?

શું નરેન્દ્ર મોદી સરકારે ગુજરાતમાં થયેલાં ઍન્કાઉન્ટરનો ઉપયોગ પોતાની 'એક હિંદુ નેતા તરીકેની છબી અને ગુજરાત સંકટમાં છે ' તેવી છાપ ઊભી કરવા માટે કર્યો હતો?

ગુજરાતનાં ઍન્કાઉન્ટર્સ બનાવટી હતાં કે પછી તેની તપાસના રિપોર્ટ બનાવટી હતા?

ઍન્કાઉન્ટરનો ભોગ બનેલા લોકોના પરિવાર આ અંગે કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે, પણ આ ઍન્કાઉન્ટર્સ ઉપર રાજકારણ રમવામાં આવ્યું છે એ તથ્યનો ઇન્કાર કરવો ભાજપ અને કૉંગ્રેસ બંને માટે મુશ્કેલ બની રહેશે.

પણ જો આપણે ગુજરાતને બાજુએ મૂકીને જોઈએ તો ખ્યાલ આવશે કે સમગ્ર ભારતમાં બનાવટી ઍન્કાઉન્ટર્સની ઘટનાઓ આઘાતજનક રીતે સામાન્ય બની ગઈ છે.

એક આરટીઆઈના જવાબમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે જણાવ્યું છે કે વર્ષ 2000થી 2017 દરમિયાન ભારતમાં બનાવટી ઍન્કાઉન્ટરના 1,782 કેસ નોંધાયા છે.

હકીકતમાં 1982થી 2003 દરમિયાન મુંબઈ પોલીસે જ 1,000 જેટલા કથિત ગુનેગારોને મોતને ઘાટ ઉતાર્યા હતા.

ગુજરાતમાં મોદી સત્તામાં આવ્યા તે પહેલાં પણ શંકરસિંહ વાઘેલાના શાસનમાં કુખ્યાત બુટલેગર અબ્દુલ લતીફનું ઍન્કાઉન્ટર થયું હતું.

બોલીવૂડ સ્ટાર શાહરુખ ખાનને ચમકાવતી 'રઈસ'ફિલ્મ લતીફના જીવન પર આધારિત છે એવો દાવો લતીફના પુત્રએ કર્યો હતો.

જોકે, નિર્માતાઓએ તેને કાલ્પનિક ફિલ્મ ગણાવી હતી. 1997માં એક ઍન્કાઉન્ટરમાં લતીફને ઠાર મારવામાં આવ્યા હતા.

તો પછી માત્ર નરેન્દ્ર મોદીના સમયના ગુજરાતના ઍન્કાઉન્ટર જ કેમ હેડલાઇનમાં ચમકતાં રહે છે?

ગુજરાતના એક નિવૃત્ત પોલીસ અધિકારી અને નરેન્દ્ર મોદી સરકારના જાણીતા ટીકાકાર રહેલા પૂર્વ ડીજીપી આર. બી. શ્રીકુમાર કહે છે:

"સરકારે કરેલાં ઍન્કાઉન્ટર એ 'એક નીતિના ભાગરૂપે' હતાં."

"2002નાં રમખાણો બાદ સનદી અધિકારીઓ ગુજરાત પોલીસની એક સખત છાપ ઊભી કરવા અમુક લોકોની હત્યા કરવા અંગે વિચારી રહ્યા હતા."

2002નાં તોફાનોની તપાસ કરનાર અને હાલ કાયદાની પ્રૅક્ટિસ કરી રહેલા નિવૃત્ત આઈપીએસ અધિકારી રાહુલ શર્મા આ વાતને આગળ ધપાવતા કહે છે:

"2002થી 2006 દરમિયાન ઍન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલા મોટા ભાગના લોકો મુસ્લિમ હતા."

"એટલે આ ઍન્કાઉન્ટર્સ દ્વારા 'મુસ્લિમો આતંકવાદી છે અને હિંદુઓ તેમના આતંકનો ભોગ બન્યા છે' તેવી છાપ ઊભી કરવામાં આવી હતી."

જોકે, આંકડાઓ કંઈક અલગ વાત રજૂ છે. ગુજરાતમાં થયેલાં 22 ઍન્કાઉન્ટર પૈકી 6 ઍન્કાઉન્ટરમાં મુસ્લિમ ટાર્ગેટ હતા.

જ્યારે ગુજરાત પોલીસ આ પાંચેપાંચ ઍન્કાઉન્ટરને વાજબી ગણાવે અને પછી સીબીઆઈ કે સુપ્રીમ કોર્ટ દ્વારા બેસાડવામાં આવેલી તપાસ કમિટી તેને બનાવટી જણાવે, ત્યારે આવાં વિધાનો ઘણાં મહત્ત્વનાં બની જાય છે.

ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસ બંને આ ઍન્કાઉન્ટરને લઈને એકબીજા ઉપર દોષારોપણ કરતા રહે છે.

17 એપ્રિલ, 2019ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરકાંઠાની તેમની ચૂંટણીસભામાં ફરી એક વાર કૉંગ્રેસના નેતૃત્વની યૂપીએ સરકાર પર આરોપ મૂક્યો કે આ ઍન્કાઉન્ટર્સના નામે તેણે ગુજરાતના નેતાઓ અને પોલીસને નિશાન બનાવ્યા હતા.

સીબીઆઈની ચાર્જશીટ મુજબ કૌસર બી પર બળાત્કાર ગુજારીને તેમની હત્યા બાદ તેમને ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં દફનાવી દેવામાં આવ્યાં હતાં.

સોહરાબુદ્દીન શેખ અને તેમની પત્ની કૌસર બીની બનાવટી ઍન્કાઉન્ટરમાં હત્યા કરવામાં આવી હતી,

જેમાં ગુજરાત પોલીસના અધિકારીઓ ઉપરાંત રાજ્યના તે સમયના ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહે જેલમાં જવું પડ્યું હતું.


'મૌત કા સોદાગર'

ભાજપની જેમ કૉંગ્રેસે પણ ઘણી વાર ભાજપ પર રાજકીય હુમલા કરવા માટે ઍન્કાઉન્ટરનો ઉપયોગ કર્યો છે.

2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને 182માંથી 117 બેઠકો સાથે પૂર્ણ બહુમતી મળી હતી.

ઘણા લોકો માને છે કે સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી માટે 'મૌત કા સોદાગર'શબ્દનો ઉપયોગ કર્યા બાદ કૉંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો.

આ શાબ્દિક પ્રહાર બાદ મોદીએ તરત પોતાની સભાઓમાં તેનો ઉલ્લેખ કરવા માંડ્યો.

તેઓ લોકોને પૂછતાં, "સોહરાબુદ્દીન સાથે શું કરવું જોઈએ? અને લોકો જવાબ આપતા- તેને મારી નંખાવવો જોઈએ."

મોદીની 2007ની ચૂંટણીસભાઓને યાદ કરતાં ઍક્ટિવિસ્ટ નિર્ઝરી સિન્હા કહે છે કે સામાન્ય લોકોમાં ધીમેધીમે એવી છાપ ઊભી કરવામાં આવી હતી કે ગુજરાતમાં પ્રવેશતા આતંકીઓથી હિંદુઓને માત્ર નરેન્દ્ર મોદી જ બચાવી શકશે.

નિર્ઝરીના પતિ વકીલ-ઍક્ટિવિસ્ટ મુકુલ સિન્હા એવી પહેલી વ્યક્તિ હતી, જેમણે આ ઍન્કાઉન્ટર્સને કોર્ટમાં પડકાર્યાં હતાં.

સિન્હા કહે છે, "અક્ષરધામ મંદિરના હુમલાથી લઈને આ ઍન્કાઉન્ટર્સ સુધી એક પછી એક ઘટનાઓને કારણે લોકો એવું માનવા પ્રેરાયા કે ગુજરાત કોઈ આતંકવાદી જૂથોનું ટાર્ગેટ બની રહ્યું છે."ગુજરાત સરકાર અને ભાજપે તમામ આરોપો ફગાવી દીધા અને આ ઍન્કાઉન્ટર્સને મોદીના શાસન દરમિયાન આતંકવાદ અને ગુનાખોરી સામે પોતાની ઝીરો ટૉલરન્સની નીતિ ગણાવ્યાં.

દયાળનું માનવું છે કે આ ઍન્કાઉન્ટર પાછળ રાજકીય હસ્તક્ષેપ હતો અને ઍન્કાઉન્ટરના લીધે 2002નાં રમખાણો બાદ નરેન્દ્ર મોદીને હિંદુ જનનેતા તરીકે ઊભરી આવવામાં મદદ મળી. ઘણા લોકો માને છે કે આ છબિએ જ મોદીને ગુજરાતના રાજકારણમાં 'અજેય' નેતા બનાવ્યા છે.

ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા કહે છે કે ઍન્કાઉન્ટર્સની ઉપર રાજકારણ માટે કૉંગ્રેસ જવાબદાર છે. તેઓ કહે છે કે આતંકી પ્રવૃત્તિઓને ડામી દેવામાં કૉંગ્રેસ કાયમ નિષ્ફળ ગઈ છે.

આરએસએસની વિચારધારા સાથે જોડાયેલા વિષ્ણુ પંડ્યા કહે છે:

"ગુજરાતનાં ઍન્કાઉન્ટર્સને એક મુદ્દો બનાવવો એ પોલીસનું મનોબળ તોડવાના પ્રયાસ સમાન છે. ગુજરાતમાં થયેલાં ઍન્કાઉન્ટર્સને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી."

જોકે, આ છ બનાવટી ઍન્કાઉન્ટર બાદ એક દશકથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં એક પણ કેસમાં કોઈ દોષિત ઠર્યું નથી. ન્યાયમાં થયેલા વિલંબનો દોષ કોણ માથે લેશે?

બૉમ્બે હાઈકોર્ટના જજ તરીકે ડી. જી. વણઝારા અને એન. કે. અમીનને જામીન આપનાર પૂર્વ જસ્ટિસ અભય થીપ્સે કહે છે:

"રાજકારણીઓ અને ગુનેગારો વચ્ચેના જોડાણની વાત ઘણી જાણીતી છે."

તેઓ કહે છે કે રાજકારણીને મદદ કરી રહેલો ગુનેગાર એક વાર તેમના માટે 'નુકસાનરૂપ' બનવા માંડે પછી તેને રસ્તામાંથી હઠાવવા ઍન્કાઉન્ટર કરવામાં આવે છે.

"ઍન્કાઉન્ટરનો ખુલાસો આપવામાં આવે ત્યારે તે ગુનેગાર દેશ માટે કેટલો ખતરનાક હતો તેમ નહીં, પણ તે કેટલી મોટી વ્યક્તિની હત્યા માગતો હતો તે બાબત પર ભાર મૂકવામાં આવે છે."

નિવૃત્ત જજ થીપ્સે કે જેઓ હવે કૉંગ્રેસમાં જોડાયા છે, તેઓ મુંબઈ કોર્ટે સોહરાબુદ્દીન-કૌસર બી બનાવટી ઍન્કાઉન્ટરના આરોપીઓને જે રીતે દોષમુક્ત જાહેર કર્યા તેના પર સવાલ ઉઠાવે છે.

અમિત શાહ પર સીબીઆઈએ હત્યા, અપહરણ અને ગુનાહિત ષડયંત્રનો આરોપ મૂક્યો હતો. પુરાવાના અભાવે ત્યારબાદ તેમને આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યા.

જે સીબીઆઈ પહેલાં અમિત શાહને દોષિત કહેતી આવી હતી તેણે મુંબઈ કોર્ટના આ ડિસ્ચાર્જ ઑર્ડરને પડકાર્યો નહીં.

સીબીઆઈ અમિત શાહની મુક્તિના આ ઑર્ડરને પડકારતી એક અરજીને કોર્ટે ગયા વર્ષે ફગાવી દીધી હતી.

અમિત શાહ બાદ ડિસેમ્બર 2018માં મુંબઈ કોર્ટે તમામ પોલીસ અધિકારીઓને આ કેસમાં દોષમુક્ત જાહેર કર્યા.

ચુકાદાના થોડા કલાકોમાં જ ગુજરાતનાં બનાવટી ઍન્કાઉન્ટર્સના કેન્દ્રસ્થાને રહેલા માણસે એક પ્રેસ-કૉન્ફરન્સ બોલાવી. મરુન જૅકેટ, સફેદ શૂઝ અને સફેદ પૅન્ટમાં સજ્જ ડી. જી. વણઝારાએ કહ્યું કે કૉંગ્રેસના નેતૃત્વવાળી યૂપીએ સરકાર અને ગુજરાતની ભાજપ સરકાર વચ્ચેના કલહનો ભોગ ગુજરાતના પોલીસ અધિકારીઓએ બનવું પડ્યું હતું.

તેમણે ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાનું ઉદાહરણ આપીને કહ્યું કે જો ગુજરાત પોલીસે સોહરાબુદ્દીન શેખ જેવા ઉગ્રવાદીઓને રોક્યા ન હોત તો નરેન્દ્ર મોદીની પણ તે જ રીતે હત્યા થઈ ગઈ હોત.

વણઝારાએ ત્યારબાદ પણ ઍન્કાઉન્ટર અંગે ખેલાતા રાજકારણનો ઉલ્લેખ કર્યો. 2013માં સાબરમતી જેલમાંથી લખેલા પોતાના રાજીનામાપત્રમાં વણઝારાએ કહ્યું હતું કે,

"સરકાર અને પોલીસ અધિકારીઓ એક જ નાવમાં સવાર છે. તેમણે સાથે જ તરવાનું કે ડૂબવાનું છે. હું બહુ સીધા અને સ્પષ્ટ શબ્દોમાં કહીશ કે અમિતભાઈ શાહની મેલી યુક્તિઓના સહારે આ સરકાર માત્ર પોતાનું ભલું કરી રહી છે... અને પોલીસ અધિકારીઓને ત્યજી રહી છે.

ગુજરાતના મુખ્ય મંત્રી ભારતમાતાનું ઋણ ચૂકવવાની વાત કરી રહ્યા છે. આ વાત ઘણી સાચી છે. પણ અહીં તેમને યાદ અપાવવું ખોટું નહી ગણાય કે દિલ્હીની ગાદીએ પહોંચવાની ઉતાવળમાં તેમણે એ પોલીસ અધિકારીઓનું ઋણ ન ભૂલવું જોઈએ કે જેમના લીધે તેમની એક નીડર મુખ્ય મંત્રી તરીકેની આભા ઊપસી શકી. અન્ય પણ ઘણાં મુખ્ય મંત્રીઓ છે, પણ તે કોઈના નામ આગળ આવું વિશેષણ લાગતું નથી.

હું એ પણ કહેવા માગું છું કે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેની મારી અત્યંત શ્રદ્ધા અને માનના કારણે જ અત્યાર સુધી હું શાલીનતાપૂર્વક મૌન જાળવીને બેઠો હતો.

હું ભગવાનની જેમ તેમને પૂજતો હતો. મને કહેતા દુ:ખ થાય છે કે મારા ભગવાન અમિતભાઈ શાહના દુષ્પ્રભાવમાં આવી ગયા અને જ્યારે જરૂર હતી ત્યારે મદદે આવ્યા નહીં.

અમિતભાઈ શાહે જાણે કે તેમના આંખ અને કાન ઉપર કબજો કરી લીધો છે અને બકરીને શ્વાન અને શ્વાનને બકરી (કામના માણસને નકામા અને નકામા માણસને કામના) બતાવીને છેલ્લાં 12 વર્ષથી તેમને સફળતાપૂર્વક ગેરમાર્ગે દોરી રહ્યા છે.

વહીવટી તંત્ર પર તેમની દુષ્ટ લગામ એટલી તો સખત છે કે લગભગ ગુજરાત સરકારને પાછલા બારણેથી તેઓ જ ચલાવી રહ્યા છે તેમ કહી શકાય."

ઍન્કાઉન્ટરની ઘટના પાછળ રાજકીય હસ્તક્ષેપ હતો તે બાબત તરફ વણઝારાએ ઈશારો કર્યો અને આરોપ મૂક્યો કે રાજ્ય સરકારે ઍન્કાઉન્ટરનો પોતાના લાભ માટે ઉપયોગ કર્યો હતો.

નિવૃત્ત આઈપીએસ ઓફિસર ડી. જી. વણઝારાને રાજ્યભરની ઓછી જાણીતી હિંદુ સંસ્થાઓ આમંત્રણ આપે છે, પણ તેઓ ઍન્કાઉન્ટર અને રાજકારણ વિશે વાત કરવાનો ઇન્કાર કરે છે.

તેઓ કહે છે, "સોહરાબુદ્દીન અને તુલસીરામ પ્રજાપતિ કેસમાંથી મને મુક્તિ મળી છે અને ઇશરત જહાંના કેસમાં ટ્રાયલ ચાલુ છે. આ બધા બહુ જૂના કેસ છે અને આ તબક્કે હું કોઈ કૉમેન્ટ કરવી ઉચિત નથી સમજતો."

આ ઍન્કાઉન્ટર્સમાં રાજકીય હસ્તક્ષેપ અંગેના પ્રશ્નોનો જવાબ આપવાનું તેઓ ટાળે છે.

સોહરાબુદ્દીન ઍન્કાઉન્ટરની વાત પ્રકાશમાં લાવવાનું શ્રેય ગુજરાતના એક પત્રકાર અને તે સમયે દિવ્ય ભાસ્કર અખબારના ક્રાઇમ રિપોર્ટર પ્રશાંત દયાળને ફાળે જાય છે.

દયાળ કહે છે, "આ કથિત આતંકીઓ હકીકતે તો નાના ગુનેગારો હતા, પણ રાજ્યની સામાજિક-રાજકીય સ્થિતિ જ એવી હતી કે લોકોને એ થિયરી ગળે ઊતરી ગઈ કે આ લોકો 2002નાં રમખાણોનો બદલો લેવાના ઇરાદે નરેન્દ્ર મોદીની હત્યા કરવા માગતા હતા."

દયાળનું માનવું છે કે આ ઍન્કાઉન્ટર પાછળ રાજકીય હસ્તક્ષેપ હતો અને ઍન્કાઉન્ટરના લીધે 2002નાં રમખાણો બાદ નરેન્દ્ર મોદીને હિંદુ જનનેતા તરીકે ઊભરી આવવામાં મદદ મળી.

ઘણા લોકો માને છે કે આ છબિએ જ મોદીને ગુજરાતના રાજકારણમાં 'અજેય' નેતા બનાવ્યા છે.

માનવશાસ્ત્રી અને સંશોધક શિવ વિશ્વનાથન કહે છે, "ગુજરાતમાં 'સશક્તીકરણ'અને 'અશક્તીકરણ' આ બે જ વાતો થાય છે."

"એક બાજુ કોઈ ચ્હાવાળો એક કદાવર નેતા બની શક્યો તેવી સશક્તીકરણની વાત છે, તો બીજી બાજુ રમખાણો, ઍન્કાઉન્ટર, માનવ અધિકારને લઈને થતા વિરોધો અને હિંસાની વાત છે. "

"ગુજરાતમાં જે બન્યું તે લોકશાહી માટે ખતરનાક છે. પણ કમનસીબે, માયા કોડનાનીનો કેસ હોય કે ઍન્કાઉન્ટર કેસ હોય, હજી સુધી કોઈ કેસ નિષ્કર્ષ સુધી પહોંચી શક્યો નથી."

આ વર્ષે જેને સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો તે જસ્ટિસ બેદી રિપોર્ટને લઈને રાજ્ય સરકાર હાલ અત્યંત ચુપકીદી સાધીને બેઠી છે.

મુખ્ય સચિવ જે. એન. સિંઘે આ રિપોર્ટ અંગે પોતાને કોઈ જાણ નથી તેમ કહ્યું છે. રાજ્ય સરકારે આ રિપોર્ટ જાહેર ન થઈ જાય તેનો અસફળ પ્રયાસ કર્યો છે.

પણ 2002થી 2006 દરમિયાન ગુજરાતમાં થયેલાં એ ઍન્કાઉન્ટર બાદ અત્યાર સુધીમાં ઘણું બદલાઈ ગયું છે.

એ વખતના મુખ્ય મંત્રી અત્યારે બીજી વખત વડા પ્રધાનપદ માટે લડી રહ્યા છે અને પાકિસ્તાનના ઉગ્રવાદી કૅમ્પ પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇકના નામે મત માગી રહ્યા છે.

એક વખતના આરોપી અને ગુજરાતના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અમિત શાહ હવે દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપના પ્રમુખ છે.

તેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પરથી લડી રહ્યા છે, જ્યાં એક સમયે તેઓ પક્ષના કાર્યકર તરીકે એલ. કે. અડવાણી માટે પ્રચાર કરતા હતા.

અમદાવાદના સીમાડે આવેલા સૂમસામ વિસ્તારો કે જ્યાં આ કથિત ઉગ્રવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા ત્યાં હવે આલીશન મોલ કે મૅટ્રો-ટ્રેન માટેનાં સ્ટેન્ડ બની ગયા છે.

કોર્ટમાં સાક્ષીઓના ફરી જવાની ઘટનાઓનો ક્રમ ચાલુ જ છે અને એટલે જ ગુજરાતનાં ઍન્કાઉન્ટર અંગેનું સત્ય 'કાલ્પનિક ઘટનાથી પણ વધારે અકલ્પનીય' લાગે છે.


સોહરાબુદ્દીન શેખ

26 નવેમ્બર, 2005ના રોજ ગુજરાત પોલીસે મધ્ય પ્રદેશના એક માણસને અમદાવાદ શહેરના સીમાડે ઠાર કર્યો હતો.

બીજા દિવસે અખબારોનાં મથાળાંમાં આ સમાચાર આ રીતે ચમક્યા હતાઃ 'આઈએસઆઈ, એલઈટીનો ત્રાસવાદી સોહરાબુદ્દીન શેખ ઠાર મરાયો'.

સોહરાબ કોણ હતા?

ગુજરાત પોલીસનો દાવો હતો કે આ ખતરનાક ત્રાસવાદી તે વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને ઠાર કરવા માટે ઘૂસ્યો હતો.

સીબીઆઈએ તપાસ કરી ત્યારે તેમાં જાણવા મળ્યું હતું કે તે પોલીસ અને રાજકારણીઓ સાથે મળીને રાજસ્થાનના માર્બલ ઉદ્યોગમાં ઉઘરાણાં કરવાનું રૅકેટ ચલાવતા હતા, પણ તેઓ કાબૂ બહાર જતા રહ્યા, તે પછી તેનું ઍન્કાઉન્ટર કરી નખાયું હતું.


કૌસર બી

23 નવેમ્બર, 2005ના રોજ સોહરાબુદ્દીન અને તેમનાં પત્ની કૌસર બી હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી ખાનગી બસમાં જઈ રહ્યાં હતાં.

ગુજરાત એટીએસની ટીમે બસને રસ્તામાં અટકાવી હતી. પોલીસ માત્ર સોહરાબુદ્દીને જ ઉઠાવી લેવા માગતી હતી, પણ કૌસર બીએ પતિને એકલા જવા દેવાની ના પાડતા તેમને પણ સાથે લઈ લેવાયાં હતાં.

દંપતીને અમદાવાદના સીમાડે આવેલા દિશા ફાર્મહાઉસમાં રાખવામાં આવ્યું હતું. ત્રણ દિવસ બાદ નકલી ઍન્કાઉન્ટરમાં સોહરાબુદ્દીનની હત્યા કરી દેવાઈ હતી.

સીબીઆઈના અહેવાલમાં આક્ષેપ કરાયો હતો કે શેખની હત્યાના બે દિવસ બાદ કૌસર બી પર બળાત્કાર કરાયો હતો અને તેમને ગળું દબાવીને મારી નાખવામાં આવ્યાં હતાં.

બાદમાં પોલીસ અધિકારી ડી. જી. વણઝારાના વતન સાબરકાંઠાના ઇલોલ ગામમાં તેમના મૃતદેહને સળગાવી દેવાયો હતો. જોકે તેમનું શબ ક્યારેય મળ્યું નહોતું.


તુલસી પ્રજાપતિ

સોહરાબુદ્દીનનાં કહેવાતાં ઉઘરાણાંના રૅકેટમાં તુલસી તેમના સાગરીત હતા.

સોહરાબુદ્દીન અને કૌસર બીને જે બસમાંથી પકડવામાં આવ્યાં હતાં, તેમાં તુલસી પ્રજાપતિ પણ પ્રવાસ કરી રહ્યા હતા. દંપતી વિશે તેણે જ પોલીસને બાતમી આપી હોવાથી તેમને જવા દેવાયા હતા.

તેઓ પોતાના બોસ સોહરાબુદ્દીનની સામે પડ્યા હતા.

એક વર્ષ પછી દંપતીનું બસમાંથી અપહરણ કરાયું હતું તેના સાક્ષી તુલસીરામની રાજસ્થાનના ઉદયપુરમાંથી ધરપકડ કરવામાં આવી.

બાદમાં ગુજરાત અને રાજસ્થાનના સંયુક્ત ઑપરેશનમાં 28 ડિસેમ્બર, 2006ના રોજ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં તેમને ઠાર કરાયા.


સોહરાબુદ્દીન ઍન્કાઉન્ટરનો ઘટનાક્રમ

22 નવેમ્બર, 2005 - સોહરાબુદ્દીન શેખ, કૌસર બી અને તુલસી પ્રજાપતિ હૈદરાબાદથી સાંગલી બસમાં પરત ફરી રહ્યાં હતાં ત્યારે બસને પોલીસે અટકાવી હતી. પોલીસે ત્રણેયની અટક કરી લીધી હતી. એક વાહનમાં સોહરાબુદ્દીન અને કૌસર બીને લઈ જવાયાં, જ્યારે તુલસીને બીજા વાહનમાં લઈ જવાયા હતા.

22થી 25 નવેમ્બર, 2005 - સોહરાબ અને કૌસર બીને અમદાવાદ નજીકના એક ફાર્મહાઉસમાં રાખવામાં આવ્યાં. પ્રજાપતિને ઉદયપુર મોકલી દેવાયા. તેમની સામેના કેસ ચલાવવા તેમને ત્યાં જેલહવાલે કરી દેવાયા હતા.

26 નવેમ્બર, 2005 - ગુજરાત અને રાજસ્થાન પોલીસની સંયુક્ત ટીમે કહેવાતા નકલી ઍન્કાઉન્ટરમાં સોહરાબુદ્દીનને ઠાર કર્યા.

29 નવેમ્બર, 2005 - આક્ષેપો અનુસાર કૌસર બીની પણ હત્યા કરી દેવાઈ. તેમની લાશને ડી. જી. વણઝારાના ઉત્તર ગુજરાતના વતનના ગામ ઇલોલમાં સળગાવી નાખવામાં આવી હતી.

જાન્યુઆરી, 2006 - સોહરાબુદ્દીનના ભાઈ રુબાબુદ્દીન શેખે દેશના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખ્યો અને ઍન્કાઉન્ટર તથા સોહરાબુદ્દીન શેખનાં પત્ની કૌસર બીના ગુમ થવા વિશે જણાવ્યું.

જૂન, 2006 - સુપ્રીમ કોર્ટે ગુજરાત CIDને તપાસના આદેશ આપ્યા.

ડિસેમ્બર, 2006 - રાજસ્થાન અને ગુજરાત પોલીસની ટીમે તુલસી પ્રજાપતિને ઉદયપુરની સેન્ટ્રલ જેલમાંથી ઉપાડ્યા અને ગુજરાત-રાજસ્થાન સરહદે બનાસકાંઠાના છાપરી ગામ પાસે કથિત રીતે તેમનું ઍન્કાઉન્ટર કરી દેવાયું

એપ્રિલ, 2007 - ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અહેવાલ દાખલ કરીને જણાવ્યું કે કૌસર બીનું મોત થયું છે અને તેના શરીરને અગ્નિદાહ આપી દેવાયો છે. બાદમાં ડીઆઈજી રજનીશ રાયની આગેવાની હેઠળની સીઆઈડી (ક્રાઈમ)ની ટીમે સોહરાબુદ્દીન અને કૌસર બીનાં નકલી ઍન્કાઉન્ટર કેસમાં ગુજરાતના ડી. જી. વણઝારા અને રાજકુમાર પાંડિયનની તથા રાજસ્થાનના દિનેશ એનએમની મુખ્ય આરોપીઓ તરીકે ધરપકડ કરી.

જાન્યુઆરી 2010 - સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી.

23 જુલાઈ, 2010 - સીબીઆઈએ આ કેસમાં 38 લોકો સામે આરોપનામું દાખલ કર્યું હતું. ગુજરાતના તે વખતના રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન અમિત શાહ, રાજસ્થાનના ગૃહ પ્રધાન ગુલાબચંદ કટારિયા તથા સિનિયર આઈપીએસ અધિકારીઓનાં નામો આરોપીઓ તરીકે સામેલ હતાં.

25 જુલાઈ, 2010 - સીબીઆઈએ આ કેસમાં અમિત શાહની ધરપકડ કરી.

8 ઑક્ટોબર, 2010 - ગુજરાતની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે અમિત શાહની જામીનઅરજી નકારી કાઢી.

29 ઑક્ટોબર, 2010 - ગુજરાત હાઈકોર્ટે એક લાખ રૂપિયાના જાતમુચરકા પર અમિત શાહને જામીન આપ્યા.

સપ્ટેમ્બર, 2012 - યોગ્ય રીતે ટ્રાયલ ચાલે તે માટે સીબીઆઈએ કરેલી માગણી અનુસાર કેસને સુપ્રીમ કોર્ટે ગુજરાતથી મુંબઈ ટ્રાન્સફર કરાયો.

એપ્રિલ, 2012 - સુપ્રીમ કોર્ટે સોહરાબ, કૌસર બી અને પ્રજાપતિ ઍન્કાઉન્ટરના કેસોની ટ્રાયલ એકસાથે જોડીને ચલાવવાનો આદેશ કર્યો.

ડિસેમ્બર, 2014 - મુંબઈ ખાતેની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે અમિત શાહને આ કેસમાંથી ડિસ્ચાર્જ કર્યા. બાદમાં રાજસ્થાનના ભાજપના નેતા ગુલાબચંદ કટારિયા તથા સિનિયર આઈપીએસ અધિકારીઓ સહિત 15 બીજા આરોપીઓને પણ કેસમાંથી મુક્ત કરાયા.

નવેમ્બર, 2015 - સોહરાબના ભાઈ રુબાબુદ્દીન શેખે આ કેસમાંથી અમિત શાહને ડિસ્ચાર્જ કરાયા તેની સામે મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી. એ જ મહિને તેમણે હાઈકોર્ટને એવું જણાવ્યું કે તેઓ આ કેસ હવે આગળ વધારવા માગતા નથી અને પોતાની અરજી પાછી ખેંચી લેવા માગે છે.

ડિસેમ્બર, 2015 - સામાજિક કાર્યકર હર્ષ મંદરે અમિત શાહને ડિસ્ચાર્જ કરવાના નિર્ણય સામે મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી.

એપ્રિલ, 2016 - મુંબઈ હાઈકોર્ટે આ કેસમાં મંદરની કોઈ 'લોકસ સ્ટેન્ડાઇ' નથી એમ જણાવીને અરજી કાઢી નાખી હતી. તેની સામે મંદરે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી.

ઑગસ્ટ, 2016 - સુપ્રીમ કોર્ટે હર્ષ મંદરની અપીલને કાઢી નાખી.

ઑક્ટોબર, 2017 - મુંબઈ ખાતેની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે 22 આરોપીઓ સામે આરોપનામું ઘડ્યું.

નવેમ્બર, 2017 - સ્પેશિયલ સીબીઆઈ જજ એસ. જે. શર્માએ આ કેસની ટ્રાયલ શરૂ કરી. ફરિયાદ પક્ષે 210 સાક્ષીઓની તપાસ કરી, જેમાંથી 92 ફરી ગયા.

સપ્ટેમ્બર, 2018 - ડી. જી. વણઝારા, રાજકુમાર પાંડિયન, એન. કે. અમીન, વિપુલ અગ્રવાલ, દિનેશ એનએમ અને દલપતસિંહ રાઠોડ જેવા સિનિયર આઈપીએસ અધિકારીઓને કેસમાંથી ડિસ્ચાર્જ કરવાના હુકમને મુંબઈ હાઈકોર્ટે માન્ય રાખ્યો.

23 નવેમ્બર, 2018 - આઈપીસીની કલમ-313 હેઠળ સાક્ષીઓની ઊલટતપાસ અને આરોપીઓનાં નિવેદનો નોંધવાનું કામ અદાલતે પૂર્ણ કર્યું.

5 ડિસેમ્બર, 2018 - ફરિયાદી તથા બચાવ પક્ષના વકીલોની આખરી દલીલો બાદ અદાલતે આ કેસને 21 ડિસેમ્બર, 2018ના રોજ ચુકાદા માટે લીધો.

21 ડિસેમ્બર, 2018 - આ કેસમાં ફરિયાદી પક્ષ આરોપો સાબિત કરી શક્યો નથી, તેમ જણાવીને અદાલતે તમામ 22 આરોપીઓને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા.


કેસની હાલની સ્થિતિ

કેસની ટ્રાયલ મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

મુંબઈમાં કેસની ટ્રાયલ પૂરી થઈ અને તે પછી ચુકાદો અપાયો તેમાં સોહરાબુદ્દીન નકલી ઍન્કાઉન્ટર કેસના બધા આરોપીઓને પુરાવાના અભાવે છોડી દેવાયા છે.

આ ઉપરાંત કોર્ટે પોતાના ચુકાદામાં આ કેસમાં કોઈ રાજકીય કડી હોવાની વાતને પણ નકારી છે. મુંબઈ કોર્ટે આપેલા ચુકાદાને સીબીઆઈએ ઉપલી અદાલતમાં પડકાર્યો નથી.


ઇશરત જહાં

અમદાવાદમાં નકલી ઍન્કાઉન્ટરમાં હત્યા થઈ ત્યારે ઇશરત 19 વર્ષનાં હતાં. ગુજરાત પોલીસના દાવા અનુસાર તેઓ એલઈટીનાં સભ્ય હતાં.

મુંબઈની ગુરુનાનક ખાલસા કૉલેજમાં બીએસસીના બીજા વર્ષમાં ભણતાં ઇશરત જહાં નાનાંમોટાં કામ કરીને પોતાનાં માતાને ઘર ચલાવવામાં મદદ કરતાં હતાં.

સાત ભાઈબહેનોમાં તેઓ બીજા નંબરનાં હતાં અને તેમનો ઉછેર માતા શમીમા રઝાએ કર્યો હતો.

સીબીઆઈના અધિકારીઓએ તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે ઇશરત તેમના પિતાના દોસ્ત જાવેદ શેખ સાથે કામ કરતાં હતાં.

જાવેદ સહિત અન્ય ત્રણ સાથે 15 જૂન, 2004ના રોજ અમદાવાદમાં કોતરપુર નજીક થયેલા ઍન્કાઉન્ટરમાં તેમનું મૃત્યુ થયું હતું.


જાવેદ શેખ ઉર્ફે પ્રનેશ પિલ્લઈ

કેરળની એક શાળામાં દસમા ધોરણ સુધી ભણેલા જાવેદ, ગોપીનાથ પિલ્લઈના બે દીકરામાંના એક હતા.

પુણેની ઑલિમ્પિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાંથી તેમણે ઇલેક્ટ્રિશિયન બનવાની તાલીમ લીધી હતી.

તેમણે સાજિદા સાથે શાદી કરવા માટે ધર્મ બદલીને ઇસ્લામ અંગીકાર કર્યો હતો.

દુબઈમાં થોડાં વર્ષો કામ કર્યાં પછી તેઓ ભારત પરત ફર્યા હતા.

દરમિયાન નોકરી શોધી રહેલાં ઇશરત જહાંના પરિચયમાં તેઓ આવ્યા.


અમજદ અલી અને જીશન જોહર

અમજદ અલી અને જીશન જોહર એ બંને પણ ઇશરત જહાં સાથે 15 જૂન, 2004ના રોજ થયેલા ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.

જોકે સીબીઆઈની ચાર્જશીટ પ્રમાણે આ બંનેના મૃતદેહો લેવા માટે કોઈ આવ્યું નહોતું અને સરકારે પોતાની રીતે અંતિમવિધિ કરી હતી.

ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર તે બંને કાશ્મીરના હતા અને ઇશરત જહાંની સાથે તે વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની હત્યાના મિશન માટે આવ્યા હતા.


કેસનો ઘટનાક્રમ

12 જૂન, 2004

ઇશરત જહાં અને જાવેદ શેખ ઉર્ફે પ્રનેશ પિલ્લઈને ગુજરાતના આણંદ પાસે વાસદ ટોલ બૂથ પરથી પકડવામાં આવ્યા હતા.

15 જૂન, 2004

ઇશરત જહાં, અને અન્ય ત્રણ પોલીસ ઍન્કાઉન્ટરમાં ઠાર થયાં. પોલીસે દાવો કર્યો હતો કે ચારેય એલઈટીના ત્રાસવાદીઓ હતા અને મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની હત્યાના મિશન માટે આવ્યા હતા.

સપ્ટેમ્બર 2009

અમદાવાદ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ એસ. પી. તમાંગે તેને નકલી ઍન્કાઉન્ટર ગણાવ્યું હતું.

ઑગસ્ટ 2010

ગુજરાત હાઈકોર્ટે આ કેસની તપાસ સંભાળવા માટે સુપ્રીમ કોર્ટે નીમેલી (ગુજરાત રમખાણોના કેસ માટે રચાયેલી) આર. કે. રાઘવનની આગેવાની હેઠળની એસઆઈટીને જણાવ્યું હતું.

સપ્ટેમ્બર 2010

રાઘવનની આગેવાની હેઠળની એસઆઈટીએ તપાસ કરવા માટેની અક્ષમતા દર્શાવી તે પછી હાઈકોર્ટે નવી એસઆઈટીની રચના કરી હતી. નવી એસઆઈટી બિહાર કૅડરના આઈપીએસ ઓફિસર આર. આર. વર્માની આગેવાનીમાં રચાઈ હતી અને તેમાં ગુજરાત કૅડરના બે આઈપીએસ ઓફિસર મોહન ઝા અને સતીષ વર્માને મૂકવામાં આવ્યા.

ડિસેમ્બર 2010

ત્રણ સભ્યોની આ એસઆઈટીએ કેસની તપાસ સંભાળીને સાક્ષીઓ તથા સંડોવાયેલા પોલીસ અધિકારીઓનાં નિવેદનો નોંધવાનું શરૂ કર્યું.

28 જાન્યુઆરી, 2011

એસઆઈટીના સભ્ય સતીષ વર્માએ ઍફિડેવિટ દાખલ કરીને જણાવ્યું કે આ નકલી ઍન્કાઉન્ટર છે. વર્માએ એવો પણ આક્ષેપ કર્યો કે તપાસમાં અવરોધો ઊભા કરવામાં આવી રહ્યા છે.

8 એપ્રિલ, 2011

ગુજરાત હાઈકોર્ટે સરકારી સત્તાધીશોને ચેતવણી આપી હતી કે એસઆઈટીને કોઈ અવરોધ વિના તપાસ કરવા દેવામાં નહીં આવે તો આ કેસ સીબીઆઈ અથવા એનઆઈએ જેવી કેન્દ્રીય એજન્સીને સોંપી દેવામાં આવશે.

ડિસેમ્બર 2011

ગુજરાત હાઈકોર્ટે આ કેસની તપાસ કરવા સીબીઆઈને આદેશ કર્યો.

ફેબ્રુઆરી 2013

સીબીઆઈએ આઈપીએસ જી. એલ. સિંઘલની આ કેસમાં ધરપકડ કરી. ઇશરત તથા એલટીઈ વચ્ચેની કોઈ કડી શોધવામાં સીબીઆઈ અને એનઆઈએને સફળતા મળી નહોતી.

મે 2013

ગુજરાતના એડીજી પી. પી. પાંડેની ધરપકડનું વૉરન્ટ જાહેર થયું.

3 જુલાઈ, 2013

સીબીઆઈએ આરોપનામું તૈયાર કર્યું અને ઇશરત ઍન્કાઉન્ટર નકલી હોવાનું જણાવ્યું.

7 મે, 2014

સીબીઆઈએ આ કેસમાં અમિત શાહને ક્લીનચિટ આપી.

5 ફેબ્રુઆરી, 2015

સીબીઆઈ કોર્ટે માજી ડીઆઈજી ડી. જી. વણઝારાને રાહત આપી.

11 ફેબ્રઆરી, 2016

ડેવિડ હેડલીએ જણાવ્યું કે ઇશરત જહાં એલઈટીની ઑપરેટિવ હતી.


કેસની હાલની સ્થિતિ

અમદાવાદની વિશેષ સીબીઆઈ અદાલતમાં આ કેસની ટ્રાયલ ચાલી રહી છે.

આ કેસના બધા આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે.

મુખ્ય આરોપી ડૉ. એન. કે અમીન અને ડી. જી. વણઝારાએ આ કેસમાંથી તેમને ડિસ્ચાર્જ કરવાની અરજી કરી હતી, તેને અદાલતે નકારી કાઢી હતી.

તાજેતરમાં, રાજ્ય સરકારે ડી. જી. વણઝારા અને ડૉ. એન. કે. અમીન સામે કામ ચલાવવાની મંજૂરી સીબીઆઈને આપી નથી.


ઇન્ટેલિજન્સ બ્યૂરોની ભૂમિકા

7મી જુલાઈ, 2013ના દિવસે દાખલ કરેલી ચાર્જશીટમાં સીબીઆઈએ ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી)ના ચાર અધિકારીઓ આઈબીના જોઇન્ટ ડાયરેક્ટર (અમદાવાદ) રાજિન્દર કુમાર, મુકુલ સિંહા, રાજીવ વાનખેડે તથા તુષાર મિત્તલ સામે કાવતરું ઘડવું, હત્યા, ગેરકાયદેસર રીતે ગોંધી રાખવા તથા અપહરણના આરોપોની તપાસનો ઉલ્લેખ કર્યો.

ચાર્જશીટ પ્રમાણે, 9મી જૂન, 2004ના દિવસે ગુજરાત પોલીસના અધિકારીઓ અને રાજિન્દર કુમાર વચ્ચે બેઠક થઈ હતી.

સીબીઆઈના આરોપ મુજબ, ઇશરત જહાં ઍન્કાઉન્ટર દરમિયાન ઉપયોગમાં લેવાયેલાં હથિયારો રાજિન્દર કુમારે ગુજરાત પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ જી. એલ. સિંઘલને આપ્યાં હતાં.સાદિક જમાલ

સાદિક જમાલ ગુજરાતના ભાવનગરના વતની હતા. 13 જાન્યુઆરી, 2003ના રોજ ઍન્કાઉન્ટરમાં તેઓ માર્યા ગયા હતા.

સાદિક સામે ભાવનગરમાં એક વ્યક્તિને ધમકી આપવાનો કેસ દાખલ થયો હતો. તે પછી તેઓ મુંબઈ નાસી ગયા હતા.

ત્યાંથી દુબઈ ગયા અને બાદમાં મુંબઈ પરત ફર્યા હતા. મુંબઈ પોલીસે તેમને પકડીને ગુજરાત પોલીસને સોંપી દીધા હતા.


કેસનો ઘટનાક્રમ

28 નવેમ્બર, 1996

ભાવનગરમાં સાદિક જમાલ મહેતર સામે એક વ્યક્તિને ધમકી આપવાનો અને જુગાર રમવાનો કેસ દાખલ થયો હતો. તે પછી તેઓ ભાવનગરથી મુંબઈ જતા રહ્યા હતા.

નવેમ્બર 2002

તેઓ થોડા સમય માટે ભાવનગર પરત ફર્યા હતા. તેમની સામે જુગારનો કેસ નોંધવામાં આવ્યો હતો.

13 જાન્યુઆરી, 2003

સાદિક જમાલને અમદાવાદના નરોડાની ગૅલેક્સી સિનેમા પાસે ઠાર કરવામાં આવ્યા. ડી. જી. વણઝારાની આગેવાની હેઠળની પોલીસે ટીમે તેમને ઠાર કર્યા.

2007

સાદિકના ભાઈ શબ્બીર જમાલે આ ઍન્કાઉન્ટરને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી.

16-6-2011

ગુજરાત હાઈકોર્ટે સાદિક જમાલ કેસમાં સીબીઆઈની તપાસ માટે હુકમ કર્યો.

18-6-2011

આઠ જણ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી.


કેસની હાલની સ્થિતિ

આ કેસમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે.

અમદાવાદની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં કેસની ટ્રાયલ ચાલી રહી છે.

આ કેસમાં આઠ પોલીસની ધરપકડ કરાઈ હતી, હાલ તેમને જામીન મળ્યા છે.

સીબીઆઈએ આ કેસને નકલી ઍન્કાઉન્ટર કેસ કહ્યો છે.


ગુજરાત પોલીસનું વર્ઝન

સાદિક જમાલ માર્યો ગયો તે પછી તેની સામે દાખલ કરાયેલી એફઆઈઆરમાં એવું જણાવાયું હતું કે સાદિક અંધારીઆલમના દાઉદ ઇબ્રાહીમ અને છોટા શકીલની ગેંગના સભ્યો સાથે સંપર્કમાં હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળી હતી. સાદિક દુબઈમાં હતો અને તારિક પરવીન સાથે કામ કરતો હતો.

ત્રાસવાદી સંગઠન એલઈટીના કહેવાથી તેણે ભારત સંઘ સામે જંગ માંડ્યો હતો તેવો આક્ષેપ મુકાયો હતો. આયાતી હથિયારો સાથે તેણે જંગ માંડ્યો હતો અને તેનો ઇરાદો ભાજપના નેતા એલ. કે. અડવાણી, તે વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને વિશ્વ હિંદુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાની હત્યા કરવાનો હતો તેવો આરોપ મુકાયો હતો.


કાસમ જાફર હુસૈન

પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. ભરવાડની આગેવાની હેઠળની પોલીસ ટીમે કાસમ જાફરને પકડ્યા હતા.

તેમના પર ઈરાની ગેંગના સભ્ય હોવાનો આરોપ મૂકીને ગુજરાત પોલીસે જણાવ્યું હતું કે જાફર બૅન્ક ફ્રૉડમાં સંડોવાયેલો હતો.

જાફર અને બીજા 17ને 13 એપ્રિલ, 2006ના રોજ અમદાવાદના સરખેજ વિસ્તારની હોટેલ રોયલમાંથી પકડી લેવામાં આવ્યા હતા.

પોલીસે જણાવેલા ઘટનાક્રમ અનુસાર જાફરને તરસ લાગી હતી, તેથી તેમને પાણી પીવા માટે લઈ જવામાં આવ્યા.

દરમિયાન સાથે રહેલા કૉન્સ્ટેબલ બાથરૂમ ગયા હતા અને થોડી મિનિટો માટે જાફરને એકલા છોડી દીધા હતા. આ તકનો લાભ લઈને જાફર નાસી ગયા હતા.

જોકે થોડા કલાક પછી તેમનો મૃતદેહ જેલ કૉમ્પ્લેક્સની નજીકથી મળી આવ્યો હતો.

પોલીસે કહ્યું કે તેમને અકસ્માત નડ્યો હતો અને અકસ્માતે મોતનો કેસ ચોપડે નોંધવામાં આવ્યો હતો.

પોલીસે એવું પણ કહ્યું હતું કે જાફર માનસિક રીતે બીમાર હતા.


જસ્ટિસ બેદીની તપાસનાં તારણો

જસ્ટિસ બેદીના અહેવાલમાં ગુજરાત પોલીસના આ દાવાને નકારી કાઢવામાં આવ્યો હતો.

અહેવાલમાં જણાવાયું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. ભરવાડ અને કૉન્સ્ટેબલ ગણેશભાઈ પ્રાથમિક દૃષ્ટિએ કાસમ જાફરની હત્યામાં સંડોવાયેલા છે.

બંને સામે હત્યાનો ગુનો દાખલ કરી કામ ચાલવું જોઈએ.

અહેવાલમાં જણાવાયું હતું કે આવા ખતરનાક ગુનેગારને અને ઈરાની ગેંગના સાગરીતને પોલીસ આ રીતે થોડી વાર માટે રેઢો મૂકી દે તે સહજ લાગતું નથી અને પોલીસનું વર્તન બંધબેસતું નથી.

અહેવાલમાં જણાવાયું હતું કે ગુજરાત પોલીસે મૃત્યુનું કારણ અકસ્માત હોવાનું જણાવતો નકલી પોસ્ટમૉર્ટમ અહેવાલ તૈયાર કરી આપવા માટે ડૉક્ટર્સ પર પણ દબાણ કરવાની કોશિશ કરી હતી.

જોકે પોસ્ટમૉર્ટમના રિપોર્ટમાં મોત થવાનું કારણ ઈજાને કારણે થયેલું હેમરેજ હોવાનું જણાવાયું હતું. પરંતુ, ઈજા થવાનું કારણ શું હતું તે રિપોર્ટમાં જણાવાયું નહોતું.


હાજી હાજી ઇસ્માઇલ

જામનગરના જામ-સલાયાના રહેવાસી હાજી હાજી ઇસ્માઇલનું મોત 9 ઑક્ટોબર, 2005ના રોજ થયેલા ઍન્કાઉન્ટરમાં થયું હતું.

ગુજરાત પોલીસે આક્ષેપ કર્યો હતો કે તેઓ રીઢા દાણચોર હતા.

કેસની વિગતો

ગુજરાત પોલીસના દાવા પ્રમાણે હાજી હાજી ઇસ્માઇલને દિલ્હી-મુંબઈ હાઇવે પરના વલસાડ પાસે આંતરવામાં આવ્યા હતા.

9 ઑક્ટોબર, 2005ના રોજ આ ઘટના બની હતી.

પોલીસે તેમને ચેક-પોસ્ટ પાસે અટકાવવાની કોશિશ કરી ત્યારે તેમણે કારને થોડે દૂર ઊભી રાખીને ફાયરિંગ શરૂ કરી દીધું.

પોલીસ ઇન્સ્પેક્ટર કે. જી. એરડા પર તેમણે ફાયરિંગ કર્યું. પોલીસે વળતો ગોળીબાર કર્યો તેમાં ઇસ્માઇલ ઘાયલ થયા અને તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા ત્યાં ઈજાઓને કારણે મૃત્યુ પામ્યા.


જસ્ટિસ બેદીનાં તારણો

જસ્ટિસ બેદીના અહેવાલમાં જણાવ્યા અનુસાર, હાજી ઇસ્માઇલ પર છ ગોળીઓ છોડવામાં આવી હતી, તેમાંથી પાંચ તેમની આરપાર નીકળી ગઈ હતી.

એક ગોળી શરીરમાં ભરાઈ રહી હતી.

આ દર્શાવે છે કે પોલીસ અહેવાલ પ્રમાણે દૂરથી નહીં, પણ બહુ નજીકથી ગોળીબાર કરવામાં આવ્યો હતો તેમ બેદી અહેવાલમાં જણાવાયું હતું.

ઇન્સ્પેક્ટર કે. જી. એરડા, પીએસઆઈ એલ. બી. મોણપરા, પીએસઆઈ જે. એમ. યાદવ, પીએસઆઈ એસ. કે. શાહ અને પીએસઆઈ પ્રાગ પી. વ્યાસ સામે હત્યા તથા અન્ય અપરાધો બદલ કેસ દાખલ કરી ટ્રાયલ ચલાવવી જોઈએ તેવી ભલામણ અહેવાલમાં કરવામાં આવી હતી.


સમીર ખાન

સમીર ખાન ઍન્કાઉન્ટર બાદ માતાપિતા

1996માં એક પોલીસ કૉન્સ્ટેબલની હત્યા કરવાનો કેસ સમીર ખાન અને તેના સાગરીત સાહિસ્તા ખાન સામે નોંધાયો હતો.

પોલીસ કેસમાં જણાવ્યા અનુસાર સમીર અને તેમના સાગરીતે કૉન્સ્ટેબલ વિષ્ણુભાઈ ઝાલાની હત્યા કરી હતી.

આ બંને સોનાની ચેન ખેંચીને નાસી રહ્યા હતા, ત્યારે વિષ્ણુભાઈએ તેમનો પીછો કર્યો હતો.

સાહિસ્તા પકડાઈ ગયા હતા, પણ સમીર નાસતા ફરતા હતા અને 2002માં તેઓ પકડાયા હતા.

આઈપીએસ ડી. જી. વણઝારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ તરીકે હતા દરમિયાન તેમની દોરવણીમાં થયેલાં શ્રેણીબદ્ધ ઍન્કાઉન્ટર્સમાં પ્રથમ ઍન્કાઉન્ટર સમીર પઠાણનું હતું.


કેસની વિગતો

30 સપ્ટેમ્બર, 2002ના રોજ પોલીસે સમીર ખાને પકડ્યા હતા.

તેમને ગુનાના સ્થળે ઘટના કેવી રીતે બની હતી તેની તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા.

તે વખતે સમીરે એક પોલીસ ઓફિસરની પિસ્તોલ ઝૂંટવીને પોલીસ પર ગોળીઓ ચલાવી હતી.

જવાબી કાર્યવાહીમાં પોલીસે ગોળીબાર કર્યો અને તેમને સ્થળ પર જ ઠાર કર્યા.

પોલીસે દાવો કર્યો હતો કે પોલીસ કૉન્સ્ટેબલનું ખૂન કર્યા પછી સમીર ત્રાસવાદીઓ પ્રવૃત્તિઓમાં સામેલ થયા હતા અને તાલીમ માટે પાકિસ્તાન ગયા હતા.

પાકિસ્તાનમાં તાલીમ બાદ તેઓ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવાના મિશન સાથે આવ્યા હતા.

સમીર ખાન પઠાણના ઍન્કાઉન્ટરનો કેસ 30 ઑક્ટોબર, 2002ના રોજ સીઆઈડી ક્રાઇમને તપાસ માટે સોંપાયો હતો.


જસ્ટિસ બેદીનાં તારણો

જસ્ટિસ બેદીને તપાસમાં જણાયું હતું કે સમીન ખાન પર પૉઇન્ટ બ્લૅન્ક રેન્જથી ગોળીઓ છોડવામાં આવી હતી.

આ બાબત ગુજરાત પોલીસે કરેલા દાવાથી વિપરીત હતી.

સમીર ખાન પોલીસ પર ગોળીબાર કરી રહ્યા હતા, ત્યારે તેમના પર દૂરથી ગોળીઓ છોડવામાં આવી હતી તેવી પોલીસની થિયરીને એફએસએલના રિપોર્ટમાં પણ નકારી કાઢવામાં આવી હતી.

બેદીના અહેવાલમાં પત્રકાર આશિષ ખેતાને કરેલા સ્ટિંગ ઑપરેશનનો પણ ઉલ્લેખ કરાયો છે.

સ્ટિંગ ઑપરેશનના વીડિયોમાં આઈપીએસ અધિકારી તીર્થ રાજ એવું કહેતા સંભળાય છે કે સમીર ખાનની ઍન્કાઉન્ટર હત્યાને દબાવી દેવા માટે મોટા પાયે ઢાંકપિછોડો કરવામાં આવ્યો હતો.

જોકે બાદમાં તીર્થ રાજે આવી કોઈ વાત કહી હોવાનો ઇનકાર કર્યો હતો.

જસ્ટિસ બેદીનો અહેવાલ જણાવે છે કે સ્ટિંગ ઑપરેશનના વીડિયોથી એ વાતને સમર્થન મળે છે કે સમીર ખાનની હત્યા અને તે કેસની તપાસમાં મોટા પાયે ખામીઓ રહેલી છે.

જસ્ટિસ બેદીએ ભલામણ કરી છે કે ઇન્સ્પેક્ટર કે. એમ. વાઘેલા અને ઇન્સ્પેક્ટર તરુણ બારોટની સામે હત્યાનો કેસ ચલાવવામાં આવે.


ગુજરાત પોલીસ : અલગઅલગ નસીબ

કોર્ટે જેમની સામે તપાસ બેસાડી હતી તેવાં બનાવટી ઍન્કાઉન્ટર સાથે જોડાયેલા લગભગ તમામ પોલીસ અધિકારીઓને આજે કોઈ ખાસ ઓળખતું નથી.

કાં તો તેમની કોઈ દુર્ગમ જગ્યાએ ટ્રાન્સફર થઈ ગઈ છે અથવા તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી છે.

જેમની ઉપર બનાવટી ઍન્કાઉન્ટરનો આરોપ હતો તેવા કેટલાક પોલીસ અધિકારીઓને ઘણાં સારાં પોસ્ટિંગ અને પ્રમોશન પણ મળ્યાં છે.

સરકાર સહિત ઘણા લોકો માટે આ અધિકારીઓ 'આધુનિક સમયના નાયક' છે.

જાન્યુઆરી 2017માં જે નિવૃત્ત થવાના હતા એ પી. પી. પાન્ડેયને ત્રણ મહિનાનું ઍક્સ્ટેન્શન આપીને ડીજીપીનું પદ આપવામાં આવ્યું.

ગુજરાત સરકારના આ પગલાને મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર જુલિયો રિબેરોએ સુપ્રીમ કોર્ટમાં એમ કહીને પડકાર્યું કે જે વ્યક્તિ પર ચાર લોકોની હત્યાનો આરોપ હોય તેને રાજ્ય પોલીસના વડા ન બનાવી શકાય. સીબીઆઈએ પાન્ડેય પર ઇશરત જહાં બનાવટી ઍન્કાઉન્ટર કેસમાં ષડયંત્ર, ગેરકાયદે બંધક બનાવવું અને હત્યાનો આરોપ લગાવ્યો હતો.

અરજી બાદ સુપ્રીમ કોર્ટે જો પાન્ડેય પદ છોડવાની ઑફર ન કરે તો તેમને બરતરફ કરવાનો આદેશ આપ્યો.

ગત વર્ષે મુંબઈ ખાતે સીબીઆઈ કોર્ટે પાન્ડેય સામેના તમામ આરોપ પડતા મૂક્યા હતા.

જોકે, આ ઍન્કાઉન્ટરને બનાવટી કહેવા બદલ સમાચાર માધ્યમોમાં ચમક્યા હતા એવા બે પોલીસ અધિકારીઓની કિસ્મતમાં કંઈક બીજું જ લખાયેલું હતું.


સતીષ વર્મા

90ના દાયકામાં જ્યારે તેમનું પોસ્ટિંગ ગુજરાતના પોરબંદરમાં કરવામાં આવ્યું, ત્યારે તેમણે કુખ્યાત ગૅંગ લીડર્સ સામે શિંગડાં ભરાવ્યાં.

આ પહેલાં પોલીસ પણ આ ગૅંગ લીડર્સથી દૂર રહેતી હતી.

એક વાર જાહેરમાં ધમાલ કરવા બદલ તેમણે ભાજપના એક સિનિયર નેતાને લાફો પણ મારી દીધો હતો.

આ કારણોથી એક સખ્ત પોલીસ અધિકારી તરીકેની તેમની છબી બની હતી.

1986ની બૅચના આઈપીએસ ઓફિસર વર્મા ટ્રાફિક વિભાગમાં કામ કરતા હતા, ત્યારે ઇશરત જહાં ઍન્કાઉન્ટર કેસની તપાસ માટે ગુજરાત હાઈકોર્ટે નીમેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ માટે તેમનું નામ સૂચવવામાં આવ્યું.

જોકે, એસઆઈટીની રચના બાદ કોર્ટે ચાર મહિનામાં ત્રણ વાર તેના વડા બદલવા પડ્યા.

વર્મા ટકી ગયા અને તેમની તપાસના અંતે ડી. જી. વણઝારા અને અન્યોની તેમજ ગુજરાતના પૂર્વ ડીજીપી પી. પી. પાન્ડેયની ધરપકડ કરવામાં આવી.

તેમની તપાસમાં બહાર આવ્યું કે ઍન્કાઉન્ટર બનાવટી હતાં અને ઇશરત જહાં તથા અન્ય ત્રણ જણા ઉગ્રવાદી હતા, તેમ સાબિત કરવા પોલીસ પાસે પૂરતા પુરાવા નહોતા.

તપાસ પછી સીબીઆઈને સોંપવામાં આવી પણ કેસમાં મદદ માટે વર્માને મંજૂરી આપવામાં આવી. વર્માએ કેસની તપાસ આગળ ધપાવી અને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ સમક્ષ કેસની ટ્રાયલ હજી પણ પૅન્ડિંગ છે.

ગુજરાત સરકારે તેમની જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ કૉલેજમાં ટ્રાન્સફર કરી.

2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન અને અમિત શાહ ભાજપના પ્રમુખ બન્યા પછી વર્માની ટ્રાન્સફર શિલૉંગમાં નૉર્થ ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કૉર્પોરેશન (NEEPCO)ના ચીફ વિજિલન્સ ઓફિસર તરીકે કરવામાં આવી.

શિલૉંગમાં તેમણે કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી કિરણ રિજજુ અને અન્ય લોકો પર નીપકોના 600 મેગાવૉટના કામેંગ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં રૂ. 450 કરોડનું કૌભાંડ કરવાનો આરોપ લગાવતો રિપોર્ટ તૈયાર કર્યો.

ભારત સરકારે નીપકોમાં તેમનો કાર્યકાળ ટૂંકાવી નાખ્યો, હાલમાં તેઓ કોઈમ્બતૂરમાં સીઆરપીએફના આઈજીપી (CTC-2) તરીકે કાર્યરત છે.


રજનીશ રાય

રજનીશ રાયે સોહરાબુદ્દીન શેખ, કૌસર બી અને તુલસીરામ પ્રજાપતિ બનાવટી ઍન્કાઉન્ટર કેસની તપાસ હાથ ધરી હતી.

ગયા વર્ષે ડિસેમ્બરમાં કેન્દ્ર સરકારે તેમને સસ્પેન્ડ કર્યા છે.

1992 બૅચના ગુજરાત કૅડરના આ આઈપીએસ અધિકારીએ વ્યક્તિગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી તેના એક મહિના બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

રાય ગુજરાતમાં ડીઆઈજી સીઆઈડી (ક્રાઇમ)ની પોસ્ટ પર હતા, ત્યારે 2007માં તેમણે આઈપીએસ ઓફિસર ડી. જી. વણઝારા, રાજકુમાર પાંડિયન અને દિનેશ એમએનની સોહરાબુદ્દીન શેખ ઍન્કાઉન્ટર કેસમાં ધરપકડ કરી. ધરપકડ બાદ તેમને કેસમાંથી દૂર કરવામાં આવ્યા.

આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો, જેણે પછી આ કેસમાં ગુજરાતના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અમિત શાહ અને ત્રણ ડઝન જેટલા ગુજરાત પોલીસના અધિકારીઓને આરોપી બનાવ્યા.

કેસ સીબીઆઈને સોંપાયા બાદ ગુજરાત સરકારે તેમના સીઆર (કામગીરીના વાર્ષિક મૂલ્યાંકનનો રિપોર્ટ)ના ગુણમાં ઘટાડો કરી દીધો.

રાયે સૅન્ટ્રલ ઍડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યૂનલ (સીએટી)માં અપીલ કરી.

ટ્રિબ્યૂનલે તેમના ગુણ ઘટાડા ઉપર સ્ટે મૂક્યો. રાજ્ય સરકારે પછી 2011માં તેમના રેકર્ડમાં સુધારો કર્યો.

ઑગસ્ટ 2014માં એનડીએ સરકાર સત્તા પર આવતા રાયને ગુજરાતમાંથી ખસેડીને ઝારખંડના યુરેનિયમ કૉર્પોરેશન ઑફ ઇંડિયા લિ. (UCIL)માં તેમની બદલી કરવામાં આવી.

UCILમાં ચીફ વિજિલન્સ ઓફિસર તરીકે તેમણે એક રિપોર્ટ રજૂ કર્યો, જેમાં તેમણે અમદાવાદની એક કંપનીને ખોટી રીતે ટૅન્ડર આપવાનો આરોપ લગાવ્યો.

પણ ઊલટાનું અનધિકૃત તપાસ કરવા બદલ તેમને ચાર્જશીટ આપવામાં આવી.

"સક્ષમ અધિકારીની મંજૂરી વિના" કામ કરવાનો આરોપ તેમની ઉપર મૂકવામાં આવ્યો.

તેઓ ફરી એક વાર સીએટી સમક્ષ ગયા, જેણે તેમની સામેની તપાસ પર રોક લગાવી, પણ ફરી તેમની ટ્રાન્સફર શિલૉંગ ખાતે સીઆરપીએફમાં કરવામાં આવી.

બે વર્ષ બાદ એપ્રિલ 2017માં તેમણે એક આંતરિક રિપોર્ટ રજૂ કર્યો, જેમાં તેમણે આરોપ મૂક્યો કે સીઆરપીએફ દ્વારા આસામમાં ચિરાંગ જિલ્લામાં કરાયેલું ઍન્કાઉન્ટર 'પૂર્વાયોજિત' હતું, જેમાં બે લોકોનાં મૃત્યુ થયાં હતા.

રિપોર્ટની વિગતો જાહેર થઈ ગઈ અને સરકારે તેમની સામે તપાસ શરૂ કરી.

જૂન 2017માં તેમને આંધ્રપ્રદેશમાં સીઆરપીએફની કાઉન્ટર ઇન્સર્જન્સી ઍન્ડ ઍન્ટિ ટૅરરિઝમ (CIAT) સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા.

પોતાને સસ્પેન્ડ કરવાના પગલાને રજનીશ રાયે ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યું છે. તેમની દલીલ છે કે તેમણે પહેલાં રાજીનામું આપી દીધું હતું એટલે તેમને સસ્પેન્ડ કરી શકાય નહીં.

source: bbc.com/gujarati

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Gujarati
Top