ગીરની કેસર કેરીનો રસપ્રદ ઇતિહાસ રહ્યો છે. નવાબીકાળમાં જેનાં મંડાણ થયાં તે કેસર કેરી આજે લોકોની દાઢે વળગી છે.
જૂનાગઢના નવાબ મહાબત ખાન - બીજાના વખતમાં 'સાલેભાઈની આંબડી' તરીકે ઓળખાતી કેરી મહાબતખાન -ત્રીજાના વખતમાં કેવી રીતે 'કેસર'બની એની કહાની પણ કેસર જેવી જ રસાળ છે.
કેસર કેરીનાં મૂળ (એટલે કે કલમો) નવાબી કાળમાં નખાયાં હતાં, જેનો સ્વાદ દાઢે વળગ્યો છે એ કેસર કેરી માટે જૂનાગઢના નવાબનો આભાર માનવો રહ્યો.
1850ના દાયકાથી કેસર કેરીનું વાવેતર અને વિકાસ સોરઠમાં થયો છે.
નવાબ મહાબતખાન-બીજા અને સાલેભાઈની આંબડી
Getty Images17 ઑગસ્ટ, 2009ના રોજ કેસર કેરીના જિઓગ્રાફિકલ ઇન્ડિકેશનના રજિસ્ટ્રેશન માટે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીએ એક અરજી કરી હતી.
185 નંબરની એ અરજીમાં કેસરના ઇતિહાસ વિશે રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, '1851થી 1882 સુધી જૂનાગઢમાં નવાબ મહાબતખાન - બીજાનું શાસન હતું. એ વખતે સાલેભાઈ નામના એક ખેડૂત માંગરોળ વિસ્તારમાં હતા. તેમણે પોતાના બગીચામાં મોટા કદની કેરીઓ જોઈ.'
આ કેરીઓ રાબેતા મુજબની કેરી કરતાં ખાસ્સી અલગ હતી. આ વિશિષ્ટ કેરી પાકીને ઝાડ પરથી નીચે પડી ત્યારે સાલેભાઈએ તેનો સ્વાદ ચાખ્યો.
'સાલેભાઈને એ કેરીનો સ્વાદ અન્ય કેરીના સ્વાદ કરતાં વધુ સારો લાગ્યો. તેમણે એ કેરી નવાબ મહાબતખાન બીજાને ભેટમાં આપી. નવાબે તેના દરબારીઓ સાથે કેરીનો સ્વાદ માણ્યો. નવાબને તે કેરી અત્યંત મધુર, સોડમદાર અને રેસા વગરની લાગી.'
'સ્વાદ-સુગંધમાં આ કેરી અન્ય કેરીઓ કરતાં ચઢિયાતી હતી. એ કેરીને સૌપ્રથમ જૂનાગઢના નવાબ મહાબતખાન - બીજા દ્વારા સરાહના મળી હતી. તેમણે એ કેરીને 'સાલેભાઈની આંબડી 'નામ આપ્યું હતું. નવાબને કેરી પસંદ પડી એટલે તેની કલમો મંગાવી અને જૂનાગઢમાં રોપાવી.'
'1887થી 1909 દરમ્યાન જૂનાગઢના દીવાન હરપ્રસાદ ઉદયશંકર દેસાઈએ માંગરોળ અને ચોરવાડના વિસ્તારોમાં સાલેભાઈની આંબડીનું વાવેતર કર્યું હતું."
ટૂંકમાં, નવાબ મહાબતખાન - બીજાના સમયમાં જ કેસર કેરીનો સ્વાદ મશહૂર થઈ ગયો હતો. એ વખતે તે 'કેસર' તરીકે નહીં પણ 'સાલેભાઈની આંબડી' તરીકે જ પ્રચલિત હતી.
તો પછી કેસર નામ કેવી રીતે પડ્યું?
Getty Imagesમહાબત ખાન - બીજાના વખતમાં જાણીતી થયેલી સાલેભાઈની આંબડીની સોડમ મહાબત ખાન-ત્રીજાના વખતમાં વધુ વિસ્તરે છે.
કેસર કેરીના જિઓગ્રાફિકલ ઇન્ડિકેશનના રજિસ્ટ્રેશન માટેની એ અરજીમાં જણાવાયું છે કે 'નવાબ મહાબતખાન-ત્રીજાના સમયગાળામાં એટલે કે 1920થી 1947 દરમ્યાન એએસકે આયંગર જૂનાગઢ સ્ટેટના ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટ હતા.'
તેમણે 'સાલેભાઈની આંબડીનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કર્યો. તેનાં કદ, રસ, સુગંધમાં થતાં ફેરફાર નોંધ્યા. કેરીના કેસરીયાળા ગરને ધ્યાનમાં રાખીને તેમણે સાલેભાઈની આંબડીને 'કેસર' નામ આપ્યું.
'તેમણે કેસરની વિવિધ જાતોને ગીરનારની તળેટીમાં દૂધેશ્વર ખાતેના આંબાવનમાં ઉછેરી. જૂનાગઢના સક્કરબાગ અને લાલઘોરી બગીચામાં પણ તેમણે કેસરની કલમો ઉછેરી.'
'તેમણે ઉછેરેલી કેસરની વિવિધ જાતો કાઠિયાવાડનાં વિવિધ રજવાડાંને પણ પસંદ પડી. એ પછી કાઠિયાવાડમાં વિવિધ રજવાડાંએ પણ કેસરની જાતોનું વાવેતર કર્યું હતું.'
કેસર કેરીનું સત્તાવાર નામ ક્યારે અપાયું?
Getty Imagesજૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના ઍસોસિએટ ડાયરેક્ટર ઇસ્માઇલ ધૃત જણાવે છે કે "કેરીને કેસર એવું નામ મહાબત ખાન-ત્રીજાએ આપ્યું હતું.
"25 મે, 1934ના રોજ જૂનાગઢ નવાબે કેરીને 'કેસર' નામ આપ્યું હતું. કેરીનો કેસરી રંગ તેમજ લહેજતદાર સ્વાદને ધ્યાનમાં રાખીને તેને 'કેસર' નામ આપ્યું હતું. 15 મે પછી તમે ગીરની કેસર કેરી ખાશો તો એના ગરનો રંગ કેસરી હશે અને તેની સુગંધ મઘમઘતી હશે. નવાબને કેરી 25 મેના રોજ પીરસાઈ હતી."
ઇસ્માઇલ ધૃતનું કહેવું છે, "સાલેભાઈની વાડી વંથલીમાં હતી. કેસર કેરી સૌપ્રથમ ત્યાં જોવા મળી હતી. સાલેભાઈ માંગરોળના શેખ હુસેનમિયાંના મિત્ર હતા.
"સાલેભાઈએ શેખ હુસેનમિયાંને કેરી આપી હતી. હુસેનમિયાંને પણ એ કેરીનો સ્વાદ ખૂબ પસંદ પડ્યો હતો. હુસેનમિયાં દ્વારા જ એ કેરીની વિગત જૂનાગઢના ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટ એએસકે આયંગર પાસે પહોંચી હતી.
તેઓ કહે છે, "ત્યાર પછી આયંગરસાહેબ 25 કલમો વંથલીથી લાવ્યા હતા અને જૂનાગઢના તળેટી વિસ્તારમાં તેનું વાવેતર કર્યું હતું. ત્રણેક વર્ષ પછી એટલે કે 1934માં જે ફાલ ઊતર્યો તે કેરી મહાબતખાન - ત્રીજાને પીરસાઈ હતી. તેનો કેસરીયાળો રંગ તેમજ કેસરની જેમ ઊઘડતી મબલખ સુગંધ જોઈને નવાબે તેને 'કેસર' નામ આપ્યું હતું."
કેસર પહોંચી કચ્છ
Getty Imagesકેસર કેરીની લોકપ્રિયતા એટલી છે કે હવે તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ તેનું ઉત્પાદન થાય છે.
ઇસ્માઇલભાઈ ધૃત કહે છે, "સ્વાદ,રંગ અને સુગંધમાં તાલાળા-ગીરની કેસરનો જોટો જડે તેમ નથી. કેસરનું ઉત્પાદન હવે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ થાય છે."
"કચ્છમાં છેલ્લા બે દાયકામાં કેસર કેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર કામ થયું છે. કચ્છમાં પણ કેસરની કલમો તાલાળા-ગીરમાંથી જ ગઈ હતી. સૂકી આબોહવાને લીધે કચ્છની કેસર તાલાળા-ગીરની કેસર કરતાં મોડેથી આવે છે."
જોકે, નિષ્ણાતો માને છે કે તમામ કેસર કેરીઓમાં તાલાળા-ગીરની કેસર બિનહરીફ છે.
તાલાળા- ગીર એપીએમસી (એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી)ના સેક્રેટરી હરસુખભાઈ જારસાણિયા કહે છે, "તાલાળા-ગીરની કેસર કેરી પાક્યા પછી વધુ મીઠી થાય છે અને માવાનું પ્રમાણ પણ અન્ય કેસર કરતાં વધુ હોય છે."
સૌરાષ્ટ્રમાં તો કેરી એટલે 'કેસર'
Getty Imagesકેસર કેરીની માગ એવી છે કે સૌરાષ્ટ્રમાં તો કેરી એટલે 'કેસર' એવું જ કહેવાય છે.
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં એક સમયે કેરીની સો જેટલી જાતનું ઉત્પાદન થતું હતું. હવે મોટા ભાગે ખેડૂતો કેસરનું જ ઉત્પાદન વધુ લે છે.
કેસર કેરીની ઉત્પાદન પદ્ધતિમાં પણ અવનવા પ્રયોગો થવા માંડ્યા છે. ટપક સિંચાઈ પદ્ધતિ અનુસાર પણ ખેડૂતો કેસરનો પાક લેવા માંડ્યા છે.
કેસર કેરીનું વાવેતર ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લાનાં ગામોમાં થાય છે. વીસ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં દર વર્ષે કેસર કેરીનું ઉત્પાદન થાય છે.
કેસરનો કારોબાર સાત સમંદર પાર
Getty Imagesતાલાળા-ગીરની કેસરની સોડમ સરહદો વટાવીને સાત સમંદર પાર પહોંચી છે.
ગુજરાત સરકારની તાજેતરની પ્રેસ રિલીઝ અનુસાર, વિશ્વમાં અને ભારતમાં ઘણા પ્રકારની કેરીઓ મળે છે, પણ ગુજરાતીઓ અને વિદેશીઓને માત્ર કેસર કેરી અને મહારાષ્ટ્રની હાફુસ જ ભાવે છે. સૌથી વધુ ડિમાન્ડ કેસર કેરીની હોય છે.
રાજકોટના કુવાડવા ખાતે એપીઇડીએ માન્યતાપ્રાપ્ત 'કુંજ કોલ્ડ વેર સોલ્યુશન-પેક હાઉસ'ના માલિક સમીર સાપરિયાને ટાંકીને જણાવ્યું કે કેરીની નિકાસ માટેની પ્રક્રિયા પેક હાઉસમાં કરાય છે. અમેરિકા, ઇંગ્લૅન્ડ, યુએઇ, ઑસ્ટ્રેલિયા, યુરોપિયન દેશો તથા ખાડી દેશોમાં જરૂરિયાત મુજબ પ્રોસેસ કરીને કેરી પેકિંગ કરીને મોકલાય છે.
પ્રેસ રિલીઝ પ્રમાણે, અમેરિકા માટે ખાસ પ્રકારની હોટ વોટર પ્રોસેસ કરીને કેરી મોકલાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
source: bbc.com/gujarati

