Monday, 10 Aug, 7.26 am BBC ગુજરાતી

હોમ
કોરોના અપડેટ : બ્રાઝિલમાં એક લાખથી વધુ સંક્રમિતો મોતને ભેટ્યા

બ્રાઝિલમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના સંક્રમણથી એક લાખ કરતાં વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.

કોરોના વાઇરસના કારણે થયેલાં મૃત્યુની સંખ્યાની દૃષ્ટિએ વિશ્વભરમાં બ્રાઝિલ બીજા ક્રમે છે, જ્યારે મૃત્યુઆંક સૌથી વધારે અમેરિકામાં નોંધાયો છે.

ત્રણ મહિનામાં બ્રાઝિલમાં 50 હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં પણ છેલ્લા પચાસ દિવસમાં વધુ 50 હજાર લોકો મોતને ભેટ્યા છે.

બ્રાઝિલમાં કોરોના વાઇરસના સંક્રમણના 30 લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે.

આમ છતાં બ્રાઝિલમાં રેસ્ટોરાં, દુકાનો ફરી ખોલી દેવાયાં છે.

રાષ્ટ્રપતિ ઝેયર બોલસોનારોએ શરૂઆતથી જ કોરોના વાઇરસના સંક્રમણના જોખમને ઓછું આંક્યું છે. તેઓ કોરોનાને એક 'મામૂલી ફ્લૂ' ગણાવતાં રહ્યા છે.

તેઓ પોતે જ કોરોના વાઇરસથી સંક્રમિત થઈને ઠીક થઈ ચૂક્યા છે.


સોમવાર, 10 ઑગસ્ટ, 2020

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.


ગુજરાત : કુલ કેસોની સંખ્યા 70 હજારને પાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાઇરસના નવા 1027 કેસો નોંધાયા છે. જ્યારે વધુ 25 દરદીનાં મૃત્યુ થયાં છે.

આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગને ટાંકીને સમાચાર સંસ્થા પીટીઆઈ જણાવે છે કે આ સાથે જ રાજ્યમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 71,064 થઈ ગઈ છે, જ્યારે કુલ મૃતાંક 2,654 થઈ ગયો છે.

પીટીઆઈ એવું પણ જણાવે છે કે આ જ સમયગાળા દરમિયાન અમદાવાદમાં વધુ 153 કેસો નોંધાયા છે અને શહેરમાં ચેપગ્રસ્તોનો કુલઆંક 27,898 થઈ ગયો છે. જ્યારે અત્યાર સુધી અમદાવાદમાં 1,633 દરદીનાં મૃત્યુ થયાં છે.


ન્યૂઝીલૅન્ડને કોરોનાથી મુક્ત થયાના 100 દિવસ

રવિવારે ન્યૂઝીલૅન્ડ કોરોનાથી મુક્ત થયું એના 100 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન દેશમાં એક પણ કોરોના પૉઝિટિવ કેસ નોંધાયો નથી.

ન્યૂઝીલૅન્ડની વસતી માત્ર 50 લાખ જ છે અને અહીં કેટલાય લોકો માટે જનજીવન સામાન્ય થઈ ચૂક્યું છે.

લોકો અહીં ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં બેસીને રગ્બીની મૅચ જોઈ રહ્યા છે. કોઈ પણ જાતના ભય વગર રેસ્ટોરાં જઈ રહ્યા છે.

જોકે, કેટલાક લોકો એ વાતને લઈને પણ ચિંતિત છે કે દેશ આત્મસંતુષ્ટ હોવાને લીધે ભવિષ્યની કોઈ આંશકાને લઈને પૂરતો તૈયાર નથી.

માર્ચના અંતે ન્યૂઝીલૅન્ડમાં લૉકડાઉન લાગુ કરાયું હતું. એ વખતે દેશમાં કોરોના વાઇરસના 100 કેસો હતા. આકરાં પગલાં લેવાયાં હોવાથી દેશમાં કોરોના વાઇરસનો ચેપ ફેલાતો અટકાવી શકાયો.

ગત ત્રણ મહિનામાં અમુક લોકો જ પૉઝિટિવ મળ્યા અને એ પણ એવા લોકો જે બીજા કોઈ દેશમાંથી પરત ફર્યા હતા.

પરત ફરતાની સાથે જ આવા લોકોને ક્વોરૅન્ટીન કરી દેવાયા અને સંક્રમણનો ફેલાવો અટકાવી દેવાયો.

અહીં અત્યાર સુધી કોરોના વાઇરસના કુલ 1500 કેસો નોંધાયા છે અને માત્ર 22 દરદીઓનાં જ મૃત્યુ થયાં છે.

યુનિવર્સિટી ઑફ ઍટાગોમાં મહામારીવિશેષજ્ઞ પ્રોફેસર માઇકલ બૅકરે કહે છે કે આ વિજ્ઞાન અને કુશળ નેતૃત્વની કમાલ છે. જો તમે એવા દેશો પર નજર કરો કે જ્યાં સ્થિતિ સારી છે તો ત્યાં તમને આ બન્ને ખૂબી જોવા મળશે.

આ સિદ્ધિ બદલ દેશનાં વડાં પ્રધાન જૅસિન્ડા અર્ડનની નેતૃત્વક્ષમતાની ચોતરફ પ્રશંસા થઈ રહી છે.


USમાં કોરોના વાઇરસના સંક્રમણના 50 લાખ કેસ, એક લાખ 62 હજારનાં મૃત્યુ

જૉહ્ન હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ વધીને અંદાજે 50 લાખ થઈ ગયા છે.

અમેરિકા દુનિયાનો સૌથી ખરાબ રીતે પ્રભાવિત દેશ છે.

અમેરિકામાં સંક્રમણથી અંદાજે એક લાખ 62 હજાર લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

અમેરિકા પછી બ્રાઝિલ બીજો સૌથી પ્રભાવિત દેશ છે. જ્યાં સંક્રમણના કેસ 29 લાખ 62 હજારથી વધારે છે. બ્રાઝિલમાં મૃત્યુઆંક અંદાજે એક લાખ થઈ ગયો છે.

ભારત ત્રીજો સૌથી વધારે પ્રભાવિત દેશ છે.

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યા 21 લાખને પાર પહોંચી છે, જેમાંથી 14 લાખ 20 હજારથી વધારે લોકો આ બીમારીને માત આપીને ફરી સ્વસ્થ થયા છે.

અત્યાર સુધીમાં કુલ 43 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે.


રવિવાર, 9 ઑગસ્ટ, 2020


ચેપગ્રસ્તોનો કુલ આંક 70 હજાર નજીક

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાઇરસના 1,101 નવા કેસો નોંધાયા, જ્યારે વધુ 23 દરદીઓના મૃત્યુ થયાં.

આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગને ટાંકીને સમાચાર સંસ્થા પીટીઆઈ જણાવે છે કે આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 69,986 થઈ ગઈ છે, જ્યારે કુલ મૃતાંક 2,629 થઈ ગયો છે.


ભારતમાં અત્યાર સુધી 196 તબીબોનો જીવ ગયો

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (આઈએમએ) અનુસાર દેશમાં અત્યાર સુધી કોવિડ-19ને લીધે 196 તબીબો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. આઈએમએ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે ધ્યાન આપવા અપીલ કરાઈ છે.

આઈએમએએ વડા પ્રધાન મોદીના નામે પત્ર લખ્યો છે, જમાં તેણે કોવિડ સંકટ દરમિયાન તબીબોની સુરક્ષાને લઈને વધી રહેલી ચિંતાઓ પર વડા પ્રધાનનું ધ્યાન દોર્યું છે.

પત્રમાં લખવામાં આવ્યું છે, "કોવિડને લીધે તબીબોને ચેપ લગાવાના અને જીવ ગુમાવવાના મામલાઓ વધી રહ્યા છે. આમાંથી કેટલાય જનરલ પ્રૅક્ટિશનરો છે. વસતીનો મોટો ભાગ તાવ અને સંબંધિત લક્ષણો માટે તેમની સલાહ લે છે. તેઓ ફર્સ્ટ પૉઇન્ટ ઑફ કૉન્ટેક્ટ હોય છે. અત્યાર સુધી અમે અમારા 196 તબીબો ગુમાવી ચૂક્યા છીએ. આઈએમએ દેશભરના એ 3.5 લાખ તબીબોનું પ્રતિનિધિત્વ કરે છે, જે સસ્તી સેવાઓ આપી રહ્યા છે. "

પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે તબીબો અને તેમના પરિવારજનો માટે જ હૉસ્પિટલોમાં પથારી નથી મળી રહી. કેટલાય મામલામાં દવાની અછત પણ જણાઈ છે.

આઈએમએ દ્વારા જણાવાયું છે કે 'કોવિડથી થઈ રહેલાં તબીબોનાં મૃત્યુ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે.'


અભિષેક બચ્ચન કોરોનામુક્ત

બોલીવૂડ અભિનેતા અભિષેક બચ્ચનનો શનિવારે કરેલો કોરોનાનો ટેસ્ટ-રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે. તેઓએ જાતે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.

તેઓએ પોતાના ટ્વીટમાં નાણાવટી હૉસ્પિટલના ડૉક્ટરો અને નર્સોનો આભાર પણ માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે અભિષેકના પિતા અમિતાભ બચ્ચન પણ કોરોનાથી સંક્રમિત થયા બાદ આ હૉસ્પિટલમાં દાખલ હતા. થોડા દિવસો પહેલાં જ તેઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

બચ્ચન પરિવારમાં અમિતાભ-અભિષેક સિવાય એશ્વર્યા રાય બચ્ચન અને તેમનાં પુત્રી આરાધ્યા બચ્ચન પણ કોરોનાથી સંક્રમિત થયાં બાદ સાજાં થઈ ગયાં છે.


પાંચ ભારતીય હૉકી ખેલાડી કોરોના પૉઝિટિવ

કોરોનાથી સંક્રમિત થયેલા પાંચ ભારતીય હૉકી ખેલાડીઓમાં કૅપ્ટન મનપ્રીત સિંહ પણ સામેલ છે.

સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર સંક્રમિત થયેલા પાંચ ખેલાડીઓ છે- મનપ્રીત સિંહ, સુરેન્દ્ર કુમાર, જસકરન સિંહ, વરુણ કુમાર અને કૃષ્ણ બી. પાઠક.

સ્પૉર્ટ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ કહ્યું કે સંક્રમિત ખેલાડીઓની સંખ્યા વધી શકે છે.

સ્પૉર્ટ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા જણાવ્યું કે મનપ્રીત સિંહ અને સુરેન્દ્ર કુમારમાં કોરોનાનાં લક્ષણો દેખાયાં બાદ અનેક ખેલાડીઓનું ફરી વાર પરીક્ષણ કરાયું છે.

એસએઆઈના નિવેદન અનુસાર, "ક્વૉરેન્ટીનમાં રહેતા ખેલાડી કૅમ્પમાં પહેલેથી હાજર ખેલાડીઓના સંપર્કમાં આવ્યા નથી. કેટલાક પરીક્ષણની રાહ જોઈ રહ્યા છીએ."

આગળ વધુમાં કહેવાયું કે બની શકે કે આ ખેલાડીઓને ઘરથી બેંગલુરુ આવતી વખતે કોરોનાનો ચેપ લાગ્યો હોય.


કોરોના વાઇરસથી USમાં એક લાખ 60 હજાર કરતાં વધુનાં મૃત્યુ

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે એક લાખ 60 હજાર કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયાં છે અને સંક્રમિતોની સંખ્યા 49 લાખથી વધારે છે.

બીજી તરફ અમેરિકન અર્થતંત્ર અંગે સતત ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે.

જુલાઈના આંકડા પ્રમાણે અમેરિકા આ મહિનામાં માત્ર 18 લાખ નવી રોજગારીની તકો સર્જી શક્યું છે, જ્યારે જૂન મહિનામાં 48 લાખ લોકોની છટણી કરાઈ હતી.

એનો અર્થ એ થયો કે આ એક મહિનામાં જરૂરિયાતની તુલનામાં 30 લાખ નોકરીઓ ઓછી સર્જાઈ છે.


શનિવાર, 8 ઑગસ્ટ, 2020

7 ઑગસ્ટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરો :


તમે અમને

source: bbc.com/gujarati

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Gujarati
Top