Friday, 01 May, 6.45 pm BBC ગુજરાતી

હોમ
કોરોના વાઇરસ : ભારતમાં લૉકડાઉન બે અઠવાડિયાં લંબાવાયું

દેશભરમાં બે સપ્તાહ સુધી લૉકડાઉનને વધારવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે દેશભરમાં લૉકડાઉનને બે સપ્તાહ સુધી વધારવાની જાહેરાત કરી છે.

ગૃહમંત્રાલય અનુસાર નવુ લૉકડાઉન ચાર મેથી 17 સુધી અમલમાં રહેશે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસથી સંક્રમણના નવા 1,993 કેસ સામે આવ્યા છે.

આ સાથે જ ભારતમાં સંક્રમિતોની સંખ્યા 35 હજારને પાર પહોંચી ગઈ છે. તેમજ કોરોના વાઇરસને લીધે કુલ 1,147 લોકોનાં મૃત્યુ થયાં છે.

ગુરુવારે પણ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ સંક્રમણના કેસ સામે આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ભારતમાં ત્રણ મેના રોજ લૉકડાઉન પૂર્ણ થાય છે, પરંતુ કહેવાય છે કે લૉકડાઉન લંબાઈ શકે છે.


દુનિયાભરમાં 10 લાખ લોકો રિકવર

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર, દુનિયાભરમાં 10 લાખ લોકો કોરોના વાઇરસના સંક્રમણ બાદ સાજા થયા છે. જોકે દુનિયાભરમાં અત્યાર સુધીમાં સંક્રમિતોની કુલ સંખ્યા 32 લાખથી વધુ છે.

10 લાખ લોકો સાજા થવાનો અર્થ શું છે? એટલે કે કોવિડ-19થી મૃત્યુદર બહુ ઓછો છે. મતલબ કે 32 લાખ લોકોમાંથી પણ મોટા ભાગના લોકો સાજા થઈ જાય એમ બની શકે છે.

મેડિકલ જર્નલ ધ લાન્સેટે કહ્યું કે કોવિડ-19નો મૃત્યુદર ઍન્ફ્લુએન્ઝાથી 0.1 ટકા વધુ છે અને સાર્સથી 9.5 ટકા ઓછો છે.


મારી પાસે પુરાવો છે કે કોરોના વાઇરસ ચીનની લૅબમાંથી શરૂ થયો - ટ્રમ્પ

એક તરફ અમેરિકાની તપાસસંસ્થાઓ વાઇરસ માનવસર્જિત હોવાનો ઇન્કાર કરે છે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરના વાઇરસ કોવિડ-19 ચીનની એક લૅબમાંથી ફેલાયો હોવાનો દાવો કરે છે.

ગુરૂવારે એક પત્રકારે ટ્રમ્પને પૂછ્યું કે, તમે આ વાઇરસને ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીમાં પેદા કરવામાં આવ્યો એવું આત્મવિશ્વાસથી કેવી રીતે કહી શકો છો? શું તમારી પાસે કોઈ પુરાવા છે?

આ સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે ''બિલકુલ, મારી પાસે છે. મને લાગે છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને શરમ આવવી જોઈએ કે તે ચીનના પ્રચાર-પ્રસારનું કામ કરે છે. તે ચીનના પબ્લિક રિલેશનની જેમ કામ કરે છે.''

ટ્રમ્પે કહ્યું કે ''એ નથી ખબર કે ચીને આ ભૂલથી કર્યું કે જાણીજોઈને કે પછી કોઈ લક્ષ્‍ય સાધવા માટે. હું એ વાત નથી સમજી શકતો કે લોકોને હૂબેની બહાર બાકીના ચીનમાં જવા પર પાબંદી હતી પરંતુ આખી દુનિયામાં જવા પર કોઈ પાબંદી ન હતી. આ ખૂબ ખરાબ થયું છે. આ ખૂબ કઠિન સવાલ છે અને તેનો જવાબ મળવાનો બાકી છે.''


દેશ અને દુનિયાની અત્યાર સુધીની અપડેટ

 • જૉન હોપકિન્સ યુનિવર્સિટી મુજબ દુનિયામાં કોરોના વાઇરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઓછામાં ઓછી 2 લાખ 32 હજાર 817 થઈ ગઈ છે. સૌથી વધારે મૃત્યુ અમેરિકામાં થયા છે. અમેરિકામાં 63,763, ઇટાલીમાં 27,967 લોકોનાં મૃત્યુ થયાં છે.
 • જર્મનીએ લૉકડાઉનમાં રાહતો આપવાની જાહેરાત કરી છે. જર્મનીએ કહ્યું કે, તેઓ સંગ્રહાલયો, ગેલેરીઓ, પંખીઘરો અને રમતના મેદાનો તથા ધાર્મિક સેવાઓ ફરી શરૂ કરશ. લૉકડાઉનમાં આ છૂટ શરતોને આધિન રહેશે. મોટી સંખ્યામાં લોકોને ભેગા થવા પરનો પ્રતિબંધ હજી લાગુ રહેશે.
 • બ્રાઝિલમાં કોરોના વાઇરસના વિક્રમજનક 7218 કેસોની પૃષ્ટિ થઈ છે. એ સાથે જ બ્રાઝિલમાં કુલ કેસોની સંખ્યા 85 હજારને પાર કરી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના કહેવા મુજબ મૃતકોની સંખ્યા 435થી વધીને 5901 થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ વાઇરસને લઈને જે રણનીતિ અપનાવી તેનાથી લોકો ગુસ્સામાં છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ અગાઉ કોરોના વાઇરસને લઈને હિસ્ટીરિયા શબ્દનો ઉલ્લેખ કરી ચૂક્યા છે.
 • રશિયાના વડા પ્રધાન મિખાઇલ મિશુસ્તિને કહ્યું છે કે એમને વાઇરસનું સંક્રમણ થયું હતું અને સરકારે તેમને સેલ્ફ આઇસોલેશનમાં જવાનું કહ્યું હતું. વડા પ્રધાનનો રશિયાનો હાઈપ્રોફાઇલ કેસ છે.
 • મિશુસ્તિને કહ્યું કે વ્લાદિમિર પુતિન સાથે એક વીડિયો કૉલ વખતે તેમને ચેપ લાગ્યો. ગુરૂવારે રશિયાની સરકારી સમાચાર સંસ્થાએ આ જાણકારી આપી. જોકે, વડા પ્રધાનની હાલત કેટલી ગંભીર છે એ હજી સ્પષ્ટ નથી.
 • ન્યૂ યોર્કના સબ-વે પહેલીવાર રાતે બંધ રહેશે
 • દાયકાઓમાં પહેલીવાર ન્યૂ યોર્ક રાતે પણ નહીં ઉંઘનારું શહેર નહીં રહે એવી સ્થિતિ ઊભી થઈ છે. ગર્વનર એંડૂ કૂમોએ ન્યૂ યોર્કના ગર્વનર બિલ ડે સાથે મળીને જાહેરાત કરી છે કે દરરોજ રાત્રે એક વાગ્યાથી સવારના પાંચ સુધી સફાઈ અને દવા છાંટવા માટે ટ્રેન સર્વિસ બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે ન્યૂ યોર્કમાં 3 લાખે કેસો છે અને 18 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે.
 • પૉર્ટુગીઝ સરકારે જાહેરાત કરી છે કે દેશની ફૂટબૉલ લીગ 30 મેથી બંધ દરવાજાઓમાં ફરી શરૂ થઈ શકે છે. વડા પ્રધાન અંતોનિયો કોસ્ટાએ કહ્યું કે રમત બંધ દરવાજા પાછળ રમી શકાય છે. કોઈ પણ સ્ટેડિયમમાં દર્શકો મૅચ જોવા નહીં આવી શકે. કોસ્ટાએ ધીરેધીરે લૉકડાઉન હઠાવવાની ઘોષણા કરી છે.
 • યુરોપની સેન્ટ્રલ બૅન્કના પ્રમુખે જાહેરાત કરી છે કે બીજા ત્રૈમાસિક ગાળામાં યુરોઝોનમાં 15 ટકાનો ઘટાડો આવી શકે છે.

કોરોના વાઇરસ : વિશ્વભરમાં મૃતકોની સંખ્યા સવા બે લાખને પાર

ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઇરસના 1718 નવા પૉઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 67 લોકોનાં મૃત્યુ થયાં છે.

સમાચાર સંસ્થા એએનઆઇ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને ટાંકીને લખે છે કે દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કુલ પૉઝિટિવ કેસ 32,050એ પહોંચી છે. આમાં 23,651 ઍક્ટિવ કેસ છે.

કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામેલાં લોકોની સંખ્યા 1074એ પહોંચી છે.

ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અહેવાલ અનુસાર 8,325 લોકો સ્વસ્થ થયા છે.


લૉકડાઉનમાં ફસાયેલા પ્રવાસીઓ હવે ઘરે જઈ શકશે

લૉકડાઉનની જાહેરાતથી જ પ્રવાસી મજૂરો અને પોતાના ઘરથી દૂર અન્ય રાજ્યમાં ફસાઈ ગયેલા લોકોની સ્થિતિ મોટો પ્રશ્ન બની રહી હતી ત્યારે આ મુદ્દે સરકારે જાહેરાત કરી છે.

ગૃહ મંત્રાલયે આ પ્રવાસીઓને પરત મોકલવા અંગેના નિયમો બહાર પાડ્યા છે અને તેની પરવાનગી આપી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત અનેક સ્થળોએ પ્રવાસી મજૂરો અને તંત્ર વચ્ચે ઘર્ષણની પણ ઘટનાઓ બની છે.

દેશમાં ઘરે પરત ફરવાની કોશિશમાં અનેક મજૂરોએ જીવ ગુમાવ્યો છે તો અનેક લોકો હજારો કિલોમિટર સાઇકલ, પેડલ રિક્ષા કે પગપાળા પહોંચવાની કોશિશ કરી એવી ઘટનાઓ પણ બની છે.

બીજા તબક્કાનું લૉકડાઉન 3 તારીખે પૂર્ણ થવાનું છે એ અગાઉ હવે ગૃહ મંત્રાલયે કહ્યુ કે પ્રવાસીઓ પોતાના રાજ્યમાં પરત જઈ શકશે.

અલગ અલગ રાજ્યમાં ફસાયેલા મજૂરો, વિદ્યાર્થીઓ અને યાત્રીઓ જો સંબંધિત રાજય સાથે સમજૂતી સધાય તો સડક માર્ગે પરત જઈ શકશે.

આની વ્યવસ્થા નૉડલ અધિકારી દ્વારા થશે અને પરત ફરતી વખતે તેમણે બે સ્થળોએ સ્ક્રિનિંગમાંથી પસાર થવું પડશે તેમજ 14 દિવસ ક્વોરૅન્ટીન પણ થવું પડશે.

ઉલ્લેખનીય છે કે અનેક રાજ્યોએ પ્રવાસીઓને પરત મોકલવા માટેની માગણી કરી હતી.


અમેરિકામાં દસ લાખ લોકો સંક્રમિત, 58 હજારથી વધુનાં મૃત્યુ

અમેરિકામાં અંદાજે દસ લાખ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે અને આ વાતની અમેરિકાએ ખરાઈ કરી છે.

અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણને લીધે 58 હજાર જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે, ઉલ્લેખનીય છે કે આના કરતાં ઓછા અમેરિકન્સનાં વિયેતનામ સામેના યુદ્ધમાં મોત થયાં હતાં.

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા એક જ દિવસમાં 50 લાખ કોરોના વાઇરસના ટેસ્ટ કરશે. અમેરિકા હાલ દરરોજ 2 લાખ ટેસ્ટ કરે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોના વાઇરસથી 58 હજારથી પણ વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. એક મહિનાથી વધારે સમયમાં અહીં 58,355 લોકોનાં મૃત્યુ થયાં છે.

અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણમાં મૃત્યુ પામનારની સંખ્યા બે દસક સુધી ચાલેલા વિયેતનામ યુદ્ધ કરતાં પણ મૃત્યુ પામેલાં લોકોથી સંખ્યા વધી ગઈ છે. વિયેતનામ યુદ્ધમાં 58,220 લોકોના મૃત્યુ થયા હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના મેડિકલ એડવાઇઝર ડૉ. એન્થની ફુકીએ ચેતવણી આપતાં કહ્યું કે હાલ ભય ટળ્યો નથી.

તેમણે કહ્યું કે, અસરકારક સારવાર વગર આવનારા મહિનામાં હજી અનેક લોકોનાં જીવ જઈ શકે છે.

જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના અહેવાલ અનુસાર દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31 લાખને પાર કરી ગઈ છે. દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31,16,680 છે.

દુનિયામાં કોરોના વાઇરસના કારણે 2,17,183 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે 9 લાખથી પણ વધુ લોકો સાજા થયા છે. સાજા થનાર લોકોની સંખ્યા 9,28,930 છે.

દુનિયામાં સૌથી વધારે કેસ અમેરિકા (10,12,583), સ્પેન (2,32,128), ઇટાલી(2,01,505), ફ્રાન્સ(1,69,053) અને બ્રિટનમાં(1,62,350) છે.

સૌથી વધુ મૃત્યુ અમેરિકામાં થયા છે. ત્યારબાદ ઇટાલી(27,359), સ્પેન(23,822), ફ્રાન્સ(23,660) અને બ્રિટન(21,678)માં થયા છે.


'વિશ્વમાં એક અબજ લોકોને ચેપ લાગી શકે છે'

જો કમજોર દેશોને તાત્કાલિક મદદ કરવામાં નહીં આવે તો દુનિયાભરમાં કોરોના વાઇરસના સંક્રમણની ઝપેટમાં અંદાજે એક અબજ લોકો આવી શકે છે.

આ ચેતવણી ઇન્ટરનેશનલ રેસ્ક્યૂ કમિટી (આઈઆરસી)એ કહ્યું છે કે કોરોના વાઇરસના સંક્રમણની વૈશ્વિક અસરને રોકવા માટે આર્થિક અને માનવીય સહાયની જરૂર છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ઇંપિરિયલ કૉલેજ ઑફ લંડનના આંકડાના આધારે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં લખ્યું છે કે દુનિયામાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યા 50 કરોડ અને એક અબજની વચ્ચે હોઈ શકે છે.

અંદાજે 30 લાખ લોકો જીવ ગુમાવે એવી શક્યતા છે.


સુરત-અમદાવાદની કામગીરી બિરદાવાઈ

કેન્દ્ર સરકારની IMCT ટીમે સુરત તથા અમદાવાદમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની પ્રશંસા કરી છે.

ગ્રામ કોરોના યૌદ્ધા સમિતિનું મૉડલ અપનાવવા અન્ય રાજ્યોને પણ ભલામણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અલગ-અલગ રાજ્યોમાં હૉટસ્પૉટ્સમાં સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ટર મિનિસ્ટરિયલ સેન્ટ્રલ ટીમ (IMCT)નું ગઠન કરવામાં આવ્યું છે.

મંગળવારની પત્રકાર પરિષદ દરમિયાન ગૃહવિભાગના પ્રવક્તા પુણ્ય શૈલા શ્રીવાસ્તવે સુરત મહાનગરપાલિકા દ્વારા ઊભા કરવામાં આવેલા વૉરરૂમ તથા ડેટાને GIS (ગ્લોબલ ઇન્ફર્મેશન સિસ્ટમ) ઉપર પ્લોટ કરી રહી છે અને તેના આધારે આગામી વ્યૂહરચના ઘડવાની પ્રશંસા કરી હતી.

કેન્દ્રીય ટીમે અમદાવાદ તથા સુરતમાં કન્ટેઇનમૅન્ટ ઝોન તથા હૉટસ્પૉટ્સ ફરતે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા તથા તબીબી તપાસની પણ પ્રશંસા કરી હતી. આ સિવાય ડ્રોન અને સીસીટીવી દ્વારા લૉકડાઉનનો અમલ કરાવવાની પણ પ્રશંસા કરી હતી.

સમિતિએ અમદાવાદની સરદાર વલ્લભભાઈ હૉસ્પિટલ ખાતે કોવિડને લગતા સાધનોનું પરીક્ષણ કરતી સવલત ઊભી કરવી જોઈએ. આ સિવાય હૉટસ્પૉટના અંદરના ભાગોમાં લૉકડાઉનનો અસરકારક અમલ થાય તે માટે કેટલાક સૂચન કર્યા હતા.


ન્યૂઝીલૅન્ડમાં લૉકડાઉનમાં છૂટછાટ

કોરોના વાઇરસને લીધે અત્યાર સુધી વિશ્વમાં 30 લાખથી વધુ લોકો ચેપગ્રસ્ત થઈ ગયા છે. જૉન હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર વિશ્વભરમાં અત્યાર સુધી કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 30 લાખ, 41 હજાર, 550 થઈ ગઈ છે.

અત્યાર સુધી 2.11,159 લોકોનો જીવ ગયો છે. મરનારા લોકોની સંખ્યા હજુ વધારે હોઈ શકે. કારણ કે કેટલાય દેશોમાં સંબંધિત મામલાઓની અધિકૃત જાણકારી નથી મળી.

ન્યૂઝીલૅન્ડનો દાવો છે કે દેશમાં કમ્યુનિટી ટ્રાન્સમિશનને રોકવામાં સફળતા મળી છે અને કોવિડ-19ને પ્રભાવી રીતે નાબૂદ કરાયો છે.

અહીં ઍલર્ટ લેવલને ઘટાડવામાં આવ્યું છે જેનાથી જરૂરી વ્યવસાય, આરોગ્ય સેવા અને સ્કૂલનું કામકાજ ફરી શરૂ કરી શકાશે.

ચાર લાખ જેટલા લોકો કામ પર પાછા ફરી શકશે. સ્કૂલ અને ડે બોર્ડિંગ જેવી સુવિધાઓ શરૂ કરવામાં આવશે.

ન્યૂઝીલૅન્ડનાં વડા પ્રધાન જૅસિન્ડા આર્ડેને ચેતવણી આપી છે કે લૉકડાઉનમાં ઢીલ આપવામાં આવી રહી છે પરંતુ હજી ખતરો ખતમ નથી થયો.

તેમણે લોકોને ઘરે રહેવા અને ઘરેથી કામ કરવા માટે વિનંતી કરી છે અને મહામારીના બીજા તબક્કા અંગે પણ ચેતવ્યા હતા.

ન્યૂઝીલૅન્ડમાં સરહદ બંધ કરવા અને આઇસોલેશન જેવા પગલાં લેવાને કારણે કોરોના વાઇરસથી જલ્દી મુક્તિ મળી શકી છે.

દેશમાં કોરોના સંક્રમણના 1500 કેસ સામે આવ્યા છે જેમાં સંદિગ્ધ સંક્રમિતો પણ સામેલ છે અને કોરોના સંક્રમણને કારણે મરણાંક 19 છે.


ભારતમાં 20 હજારથી વધુ કેસો, 886 લોકોનાં મૃત્યુ

કોરોના વાઇરસની મહામારીમાં ભારતમાં કેસોની સંખ્યા 21132 થઈ ગઈ છે. ભારતમાં મૃતકાંક 886 થઈ ગયો છે અને 6361 લોકો સાજા થઈ ગયા છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં 8068 કેસો છે અને 342 લોકોનાં મૃત્યુ થયાં છે.

એ પછી ગુજરાતમાં 3301 કેસો છે અને 151 લોકોનાં મૃત્યુ થયાં છે.

દિલ્હીમાં 2918 કેસો છે અને 54 લોકોનાં મૃત્યુ થયાં છે.


ન્યૂઝીલૅન્ડે કોરોના વાઇરસ વિરુદ્ધનું યુદ્ધ જીતી લીધું?

મન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જૅસિન્ડા અર્ડને કહ્યું છે કે તેમના દેશમાં એવો કોઈ પણ મામલો નથી કે જેની અત્યાર સુધી તપાસ કરવામાં આવી ન હોય. તેમણે દાવો કર્યો છે કે ન્યૂઝીલૅન્ડે કોરોના વાઇરસ વિરુદ્ધનો જંગ જીતી લીધો છે.

ન્યૂઝીલૅન્ડમાં મધરાતથી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવશે. અહીંના આરોગ્યવિભાગના ડાયરેક્ટર જનરલ ડૉક્ટર ઍશ્લે બ્લૂમફિલ્ડે જણાવ્યું છે કે 'દેશે પોતાના લક્ષ્‍યને પ્રાપ્ત કરી લીધું છે.' જોકે, એમણે એવું પણ ઉમેર્યું કે આનો એવો અર્થ નથી થતો કે હવે દેશમાં સંક્રમણમો કોઈ કેસ નથી. તેમણે કહ્યું, "આનો એવો અર્થ થાય છે કે અમને ખ્યાલ છે કે કેસો ક્યાંથી આવી રહ્યા છે."

ન્યૂઝીલૅન્ડમાં સોમવારે એક નવો કેસ સામે આવ્યો હતો અને એક મૃત્યુ નોંધાયું હતું. દેશમાં 1500 કરતાં પણ ઓછા કેસો નોંધાયા છે અને આમાંથી 80 ટકા દરદીઓ સાજા થઈ ગયા છે. અત્યાર સુધી અહીં કોરોના વાઇરસને લીધે 80 લોકોનાં મૃત્યુ થયાં છે.


વુહાન શહેરમાં હવે એક પણ દર્દી નહીં

ચીનના નેશનલ હેલ્થ કમિશનના પ્રવક્તા મી ફેંગે કહ્યું કે વુહાનમાં કોરોના વાઇરસથી સંક્રમિત કોઈ પણ દર્દી હવે હૉસ્પિટલમાં નથી. તમામને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

વુહાન ચીનનું જ શહેર છે, જ્યાંથી કોરોના વાઇરસના સંક્રમણની શરૂઆત થઈ હતી.

મીએ કહ્યું, "સ્વાસ્થયકર્મીઓની આકરી મહેનતના કારણે વુહાનમાં ભરતી કરાયેલાં તમામ સંક્રમિત ઠીક થઈને બહાર નીકળ્યા છે." વુહાનમાં શનિવાર સુધી સંક્રમિતોની સંખ્યા 46,452 હતી.

કહેવામાં આવી રહ્યું છે કે વુહાનથી જ આખી દુનિયામાં મહામારી ફેલાઈ અન હવે શહેરમાંથી પણ તમામ સંક્રમિત લોકો સ્વસ્થ થઈને હૉસ્પિટલની બહાર ગયા છે.

સંક્રમણના ફેલાવા પછી ચીનના હૂબે પ્રાંતનું આ શહેર 76 દિવસ સુધી સંપૂર્ણ રીતે બંધ હતું.

અહીં પહેલો કેસ ગત વર્ષના ડિસેમ્બર માસના વચ્ચેના દિવસોમાં આવ્યો હતો.


પેરિસમાં માસ્કની કાળાબજારી

ફ્રાન્સમાં પોલીસે કહ્યું કે તેણે કાળા બજારી માટે રાખવામાં આવેલાં 1 લાખ 40 હજાર ફેસ માસ્કને કબજે કર્યા છે.

અધિકારીઓએ કહ્યું છે કે તેમને આ વાતની ખબર ત્યારે પડી જ્યારે પેરિસના ઉત્તરમાં સેન્ટ ડેનિસથી એક ટ્રક પાસેથી વેપારી માસ્ક ઉતરાવતા હતા.

ફ્રાન્સનું કહેવું છે કે ફેસ માસ્કનો સ્ટૉક અને તેનું ઉત્પાદન માત્ર સ્વાસ્થકર્મીઓ માટે જ થવું જોઈએ.

કોરોના વાઇરસની મહામારી જ્યારથી શરૂ થઈ છે ત્યારથી પેરિસમાં માસ્કની જપ્ત કરવામાં આવે છે.

 • ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
 • કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?
 • કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી?
 • ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
 • કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?
 • કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
 • કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
 • કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?
 • ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે?
 • 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
 • ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે

કોરોના વાઇરસના વધી રહેલા પ્રસારને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ભારતનાં તમામ રાજ્યોનાં મુખ્ય મંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ થકી બેઠક કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય મંત્રીઓ વચ્ચેની આ ત્રીજી બેઠક હશે.

એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વડા પ્રધાન અને રાજ્યના મુખ્ય મંત્રીઓ લૉકડાઉનને તબક્કાવાર હઠાવવા અંગે વાત કરી શકે છે.

રવિવારે પ્રસારિત થયેલા 'મન કી બાત' કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહી ચૂક્યા છે કે દેશ આ વખતે યુદ્ધ વચ્ચે છે. લોકોએ સાવચેત રહેવાની અને બચાવનાં પગલાં ભરવાની જરૂર છે.

આ પહેલાં ગત દિવસોમાં ગૃહ મંત્રાલય દ્વારા લૉકડાઉનમાં અલગઅલગ રીતે છૂટ આપવાની જાહેરાત કરાઈ હતી.

એ બાદ કેન્દ્ર સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં તમામ પ્રકારની દુકાનોને ખોલવાની મંજૂરી આપી દીધી હતી.

સોમવારની બેઠક દરમિયાન આગામી સમયમાં કેવાં પગલાં લેવાં એ અંગે ચર્ચા કરવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.


ગત રાત્રે દુનિયામાં શું થયું

અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિને પગલે અમેરિકાના રાજ્ય કોલોરાડો, મિસિસિપી, મિનાસોટા અને ટેનેસી પોતાના ત્યાં લૉકડાઉનના પ્રતિબંધોને ખતમ કરશે.

ઇટાલીના વડા પ્રધાન જૂજેપ્પે કૉન્ટેએ ટીવી પર સંબોધનમાં કહ્યું કે જો તમે ઇટાલીને પ્રેમ કરતાં હોવ તો આસપાસ અંતર બનાવીને રાખો. ચાર મે પછી લૉકડાઉનમાં ધીમે ધીમે રાહત આપવામાં આવશે.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ રવિવારે સાંજે કોવિડ-19ના સંક્રમણથી ઠીક થયા પછી પહેલીવાર ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચ્યા. હવે તે સાંજે ફરીથી સરકારની કમાન સંભાળશે.

source: bbc.com/gujarati

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Gujarati
Top