Monday, 01 Mar, 6.41 am BBC ગુજરાતી

હોમ
મ્યાનમાર : વિરોધપ્રદર્શનોનો 'સૌથી ઘાતક દિવસ', 18 પ્રદર્શનકારીઓનાં મૃત્યુ

યંગૂનમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું

મ્યાનમારમાં રવિવારે પોલીસે સેનાના શાસનનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કર્યો છે અને તેમાં કમસે કમ 18 લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે.

મ્યાનમાર પોલીસે રવિવારે યંગૂન, દેવઈ અને મંડાલેમાં સૈન્યશાસનનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર ગોળીઓ ચલાવી હતી.

પોલીસે યંગૂન શહેરના અલગઅલગ વિસ્તારોમાં ટિયર ગૅસ અને સ્ટન ગ્રૅનેડ ફેંક્યા હતા. એ પછી પણ પ્રદર્શનકારીઓની ભીડ ન વિખરાતા પોલીસે ગોળીબાર કર્યો. આ સિવાય ડઝનબંધ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્રના માનવઅધિકાર કાર્યાલયે તેને શાસનપરિવર્તનની સામેના વિરોધપ્રદર્શનોનો 'સૌથી ઘાતક દિવસ' ગણાવ્યો હતો.

પહેલી જાન્યુઆરીએ થયેલા તખ્તાપલટ બાદ છેલ્લાં અમુક અઠવાડિયાંથી શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં હતાં, પરંતુ શનિવારથી સુરક્ષાબળોએ હિંસક બળપ્રયોગ કરવાનું શરૂ કર્યું હતું.

રવિવારે મ્યાનમારના સૈન્યશાસકોએ સૈન્યસત્તા વિરુદ્ધ બોલવા બદલ સંયુક્ત રાષ્ટ્ર ખાતે પોતાના રાજદૂત ક્યો મો તુનને હાંકી કાઢ્યા હતા.

એક દિવસ અગાઉ રાજદૂતે દેશમાંથી સૈન્યશાસનને હઠાવવા માટે મદદ માગી હતી. તેમણે કહ્યું હતું કે જ્યાંસુધી લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને સંપૂર્ણ સત્તા સોંપી દેવામાં ન આવે, ત્યાં સુધી કોઈએ સેના સાથે સહયોગ ન કરવો જોઈએ.

તુને કહ્યું હતું કે તેઓ યુ.એન.માં પદચ્યુત આંગ સાન સૂ ચીની સરકારનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું હતું કે નિર્દોષ લોકો ઉપર થતાં દમન અટકે તથા લોકશાહી બહાલ થાય તે માટે તત્કાળ પગલાં લેવાની જરૂર છે.

યુ.એન.ની મહાસભામાં તેમના ભાષણનું તાળીઓ વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. યુ.એન.ની મહાસભામાં અમેરિકાના નવનિયુક્ત રાજદૂતે તેને 'ખૂબ જ સાહસિક ભાષણ' ઠેરવ્યું હતું.

બીજી બાજુ, ન્યૂઝ એજન્સી રૉઇટર્સે સંયુક્ત રાષ્ટ્રમાં સૂત્રોને ટાંકતાં જણાવ્યું છે કે યુ.એન. મ્યાનમારની સૈન્ય સત્તાને માન્યતા નથી આપતું એટલે ક્યૉ મો તુનમાં રાજદૂતપદે યથાવત્ રહેશે.

શનિવારે મ્યાનમારના સરકારી ટેલિવિઝન પરથી ક્યો મો તુનને પદ ઉપરથી હઠાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને તેમની ઉપર 'દેશ સાથે દ્રોહ' કરવાનો અને દેશનું પ્રતિનિધિત્વ નહીં કરનાર 'અનધિકૃત સંગઠન'નું ભાષણ વાચવાનો કરવાનો આરોપ મૂકાયો હતો.


બળવો કરનારને 20 વર્ષ કેદની સજા થશે?

અત્યારસુધીમાં કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે, તે અંગે કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં નથી આવ્યો, પરંતુ 'ધ આસિસ્ટન્સ ઍસોસિયેશન ફૉર પૉલિટિકલ પ્રિઝનર્સ'નું કહેવું છે કે અત્યારસુધીમાં 850થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

યંગૂન ખાતે પ્રદર્શનમાં સામેલ એક મહિલાએ કહ્યું કે તે દેશ માટે મરવા માટે પણ તૈયાર છે. તેમણે કહ્યું :

"ગઈકાલે તથા એ પહેલાં પણ અમારી ઉપર ગોળી ચલાવવામાં આવી હતી, પરંતુ હું તેનાથી ચિંતિત નથી. વિરોધપ્રદર્શન માટે ઘરેથી નીકળતા પહેલાં જ મેં પરિવારજનોને 'અલવિદા' કહ્યું હતું."

"કારણ કે, શક્ય છે કે હું ઘરે પરત જ ન ફરું. સેના નિષ્ફળ રહી છે. અમે તેમને જણાવવા માગીએ છીએ કે અમે તેમનાથી ડરતા નથી. અમે પીછેહઠ નહીં કરીએ. "

મ્યાનમારમાં સેનાનો વિરોધ કરનારાઓને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ ફોજના કામમાં અવરોધ ઊભો કરશે તો તેમને 20 વર્ષ સુધી કેદની સજા થઈ શકે છે.

સેનાએ કહ્યું છે કે તખતાપલટો કરનારા નેતાઓ વિરુદ્ધ નફરત ફેલાવનારા અને તેમનું અપમાન કરનારાઓને લાંબી સજા થશે અને એમની પર દંડ લગાવવામાં આવશે. કાયદામાં ફેરફારની જાહેરાત અનેક શહેરોના રસ્તાઓ પર બખતરગાડીઓ દેખાયા બાદ કરવામાં આવી છે.


મ્યાનમારમાં આ નાગરિકો વિરોધપ્રદર્શન કેમ કરી રહ્યાં છે?

ગત નવેમ્બર માસમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં આંગ સાન સૂ ચીના પક્ષ નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસીને ભારે અંતરથી જીત મળી હતી. પરંતુ સેનાએ આ ચૂંટણીપ્રક્રિયામાં ગરબડ થઈ હોવાનો આરોપ કર્યો હતો અને આ માન્યતાને પગલે મ્યાનમારની સેનાએ એક ફેબ્રુઆરીના રોજ તખતાપલટાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

સેનાની આ કાર્યવાહીની આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી ટીકા થઈ હતી જ્યારે સ્થાનિક સ્તરે પણ સેનાએ અસંતોષનો સામનો કરવો પડી રહ્યો છે.

આંગ સાન સૂ ચીના પક્ષના સમર્થકો તેમના નેતાઓને છોડાવવા માટે મ્યાનમારના પાટનગર સહિત ઘણાં શહેરોમાં પ્રદર્શનો કરી રહ્યા છે.

સેના દ્વારા વિરોધને દબાવવા માટે પણ સેનાનો વિરોધ કરવા બદલ 20 વર્ષની કેદની કડક જોગવાઈ કરી છે. આંગ સાન સૂ ચીના પક્ષના સમર્થકોનાં પ્રદર્શનો રોકવા માટે દેશના રસ્તાઓ પર ઠેરઠેર બખ્તરબંધ ગાડીઓ તહેનાત કરી દેવાઈ છે.

નોંધનીય છે કે મ્યાનમારની સેના દ્વારા એક વર્ષના સમય સુધી દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી દીધી છે.

તમામ સત્તા કમાન્ડર ઇન ચીફ મિન આંગ હ્લાઇંગને સોંપવામાં આવી છે. ત્રણ ફેબ્રુઆરીથી મ્યાનમારનાં સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ ચી પોતાના જ ઘરમાં બંધ છે. તેમના પર ગેરકાયદેસર વૉકી-ટૉકી રાખવાનો અને દેશના કુદરતી આપદા કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

પ્રદર્શનકારીઓ તેમને અને NLDના અન્ય નેતાઓને છોડી મૂકવાની માગ સાથે પ્રદર્શન કરી રહ્યા છે. વર્ષ 2007માં જ્યારે દેશના સૈન્ય શાસન વિરુદ્ધ દેશના હજારો સાધુઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું હતું, તે કહેવાતી 'ભગવી ક્રાંતિ' બાદ આ દેશમાં પ્રથમ વાર આટલાં મોટાં પ્રદર્શનો થઈ રહ્યાં છે.

બૌદ્ધ બહુમતીવાળા દેશમાં કૅથલિક કાર્ડિનલ ચાર્લ્સ મૉન્ગ બોએ તેમના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી લખ્યું, 'મ્યાનમાર યુદ્ધસ્થળ જેવું બની ગયું છે.'

ઘણાં સ્થળોએ પ્રદર્શનકારીઓ સુરક્ષાદળના જવાનો વચ્ચે ઘર્ષણ થયું છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે સેનાએ ઇન્ટરનેટની સેવા પણ બંધ કરાવી દીધી હતી.


તમે અમને

source: bbc.com/gujarati

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Gujarati
Top