Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
નાની પ્લેટ કરતાં મોટી પ્લેટમાં ભોજન લેવાથી વધુ ખવાય છે?

નાની પ્લેટ કરતાં મોટી પ્લેટમાં ભોજન લેવાથી વધુ ખવાય છે?

Getty Imagesસંશોધન કહે છે કે જ્યારે વધારે પીરસવામાં આવે ત્યારે વધારે ખવાય છે.

સુપર-સાઇઝની કોલ્ડ ડ્રિન્ક્સની બૉટલ, મસમોટાં બર્ગર્ઝ અને ભોજનથી ભરેલી આખી પ્લેટો. છેલ્લાં દસ વર્ષથી વિશ્વના અમુક ભાગોમાં મેદસ્વિતા તો વધી જ છે પરંતુ સાથે-સાથે ભોજનની પીરસવાનું પ્રમાણ (પોર્શન સાઇઝ) પણ વધ્યું છે.

બજારમાં મળતી અને મોંમાં પાણી લાવી દે તેવી વાનગીઓ આપણી સામે હોય તો આપણે તેને ખાવામાં કેવી રીતે કંટ્રોલ રાખી શકીએ?

ઓવરઇટિંગથી કેવી રીતે બચી શકીએ?

અમેરિકામાં જોવા મળ્યું છે કે જ્યાં બહાર ખાવાનું પ્રમાણ વધારે છે ત્યાં હોટલ અને રેસ્ટોરાં વચ્ચે હરીફાઇ વધી છે. જેને કારણે લગભગ 1980ના દાયકામાં ભોજનનું પીરસવાનું પ્રમાણ એટલે કે પોર્શન સાઇઝ પણ વધી છે.

ન્યૂ યૉર્ક યુનિવર્સિટીનાં ડૉક્ટર લિસા યંગ ફૂડ ચેઇન પ્રોગ્રામને જણાવે છે, "જો એક કંપની - જેમકે, પાકિસ્તાની રેસ્ટોરાં એક નાની પ્લેટ જેટલા પાસ્તા વેચતી હોય, અને બીજી રેસ્ટોરાં તેના કરતાં વધારે પાસ્તા આપતી હોય છે. તેથી લોકો વધારે પાસ્તા આપે તેવી રેસ્ટોરાંમાં જવાનું પસંદ કરશે."

ડૉક્ટર લિસા યંગે સમજાવ્યું હતું, "તે સમયમાં ખોરાક પણ ઘણો જ સસ્તો હતો. અને જ્યારે ભોજન સસ્તું હોય, ત્યારે ઉત્પાદક તમને બમણો ખોરાક આપીને તમારી પાસે થોડા વધુ પૈસા વસૂલી શકે છે, જેથી બંનેને ફાયદો થાય છે. તમને એવું લાગે છે કે, થોડા જ પૈસામાં મને વધુ ખોરાક મળી ગયો અને રેસ્ટોરાં માલિકો પૈસા રળી લે છે."

આ પ્રવાહ બ્રાઝિલ જેવા વિકાસશીલ દેશોમાં જોવા મળી રહ્યો હોવાનું યુનિવર્સિટી ઑફ સાઓ પાઉલોનાં ડૉક્ટર માર્લે અલ્વારેન્ગાએ જણાવ્યું હતું.

તેઓ કહે છે, "મોટાભાગે પૅકેજ્ડ તથા પ્રોસેસ્ડ ફૂડમાં આવું થતું હોય છે. ચોખા અને કઠોળ, માછલી અને લોટ જેવા આપણા પરંપરાગત ખોરાકની પોર્શન સાઇઝ મોટી થતી જોવા નહીં મળે."

ડૉક્ટર યંગના મત અનુસાર, આમ થવાનું મુખ્ય કારણ ખાદ્ય વ્યવસ્થા (ફૂડ સિસ્ટમ) પર વર્તાતો અમેરિકન પ્રભાવ છે.

"મૅક્ડોનાલ્ડ્ઝ કે અમુક કૅન્ડી બાર જેવા આ અમેરિકન પ્રકારના ખોરાક બીજા દેશો સુધી પહોંચ્યા, તે પછી તેમની પોર્શન સાઇઝ પણ મોટી થવા માંડી. જ્યારે તમે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ આરોગી રહ્યા હોવ, ત્યારે તમે વધારાની 500 કૅલેરી મેળવતા હોવ છો."

વધારે ભોજન પીરસવાને કારણે વધારે ખવાય છે

 Getty Imagesઅમેરિકામાં બહાર ખાવાનું પ્રમાણ વધતાં હોટલ તથા રેસ્ટોરાં વચ્ચે હરીફાઈ વધતાં 1980ના દાયકામાં પીરસવાની માત્રા વધવા માંડી હતી.

સંશોધનમાં બહાર આવ્યું છે કે જ્યારે વધારે ભોજન પીરસવામાં આવે ત્યારે વધારે ખવાય છે. એક મનોવૈજ્ઞાનિકે પણ આમ જ કહ્યું હતું.

વધુ એક સંશોધનમાં એવો અંદાજ આંકવામાં આવ્યો હતો કે જ્યારે આપણે વધારે મોટી પ્લેટમાં ભોજન લઈએ છીએ ત્યારે સામાન્ય કરતાં 35 ટકા વધુ ખાઇએ છીએ.

ઑસ્ટ્રેલિયાના સિડનીની યુનિવર્સિટી ઑફ ન્યૂ સાઉથ વેલ્સનાં પ્રોફેસર લેની વર્તાનિયન કહે છે, "આ માત્ર પ્લેટમાં જે પણ ભર્યું હોય, તે બધું ખાઈ જવાની વાત નથી, કારણ કે, ઘણી વખત લોકો પ્લેટમાં રહેલું બધું ભોજન ખાઈ નથી જતાં. પણ, આપણે જાણીએ છીએ કે, પોર્શન સાઇઝ વધે, તેની સાથે લોકોનું ખાવાનું પ્રમાણ પણ એકંદરે વધતું હોય છે."

મોટી સમસ્યા એ છે કે, કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ, તે જાણવું સાચે જ મુશ્કેલ છે. કારણ કે, આપણી પાચનશક્તિ તે મામલે એટલી ભરોસાપાત્ર નથી હોતી. અને જ્યારે આપણને ખાતરી ન હોય, તેવા વખતે આપણે પોર્શન સાઇઝના સંકેતને અનુસરીએ છીએ.

પ્રોફેસર વર્તાનિયન વધુમાં કહે છે, "આપણે વારંવાર એવી સ્થિતિમાં નથી મૂકાતાં, કે જ્યાં આપણને ઘણી જ ભૂખ લાગી હોય કે પછી આપણે એકદમ ધરાઈ ગયાં હોઇએ - સામાન્યતઃ આપણે એ બંને સ્થિતિની વચ્ચે હોઈએ છીએ, તે તબક્કે આપણે તમામ પ્રકારના જુદા-જુદા સંકેતો દ્વારા પ્રભાવિત થઈ શકીએ છીએ."

શું નાની પ્લેટનો ઉપયોગ કરવાથી ખોરાક ઓછો ખવાય?

 Getty Imagesનિષ્ણાતો કહે છે કે લોકોએ પોતે કેટલું ભોજન લઈ રહ્યા છે એ અંગે વધુ સજાગ હોવું જોઈએ

એક સમયે એવું માનવામાં આવતું હતું કે, પ્લેટની સાઇઝ નાની કરી દેવાથી આ સમસ્યાનો ઉકેલ મળી શકે છે. તેનો અર્થ એ કે, નાની પ્લેટમાં ઓછો ખોરાક આવે છે અને સાથે જ તે ભ્રમ પણ ઊભો કરે છે - જો તમે નાની પ્લેટ પર સમાન માત્રામાં ભોજન મૂકો, તો તેમાં વધારે ખોરાક દેખાશે, કદાચ પેટ ભરાઈ ગયું હોવાની લાગણી થઈ શકે છે અને તમે ઓછું ખાવાનું પસંદ કરશો.

પણ સંશોધનના પુરાવા આ થિયરીનું સમર્થન નથી કરતા.

પ્રોફેસર વર્તાનિયન કહે છે, "પ્લેટની સાઇઝ સ્વયં લોકોના ખોરાક આરોગવાના પ્રમાણ પર કોઈ અસર ઉપજાવતી નથી. જો કોઈ બાબત અસર કરતી હોય તો તે છે - વધારાનો ખોરાક ઉપલબ્ધ છે કે કેમ?"

તેનો અર્થ એ કે, જો પીરસવાનું પાત્ર નજીકમાં મૂકેલું હોય, તો લોકો ઇચ્છા અનુસાર વધુ ખોરાક લઈ જ લેશે, પછી પ્લેટ ભલે નાની કે મોટી હોય.

લોકોએ વાસ્તવમાં જરૂર પૂરતો ખોરાક પ્લેટમાં લઈને બાકીનો પૅક કરીને નજરથી દૂર કરી દેવાની જરૂર છે. પ્રોફેસરના જણાવ્યા મુજબ, "તે ખોરાકને દૂર કરી દો, જેથી તે બીજી વખત લેવા માટે તમારી નજર સામે હાજર ન હોય."

ભોજનની થાળીને કેવી રીતે નિયંત્રિત કરવી જોઈએ?

 BBC

નિષ્ણાતોના મતે, લોકો સૌથી મહત્ત્વપૂર્ણ એ કામ કરી શકે છે કે, પોતાની ભૂખ પર ધ્યાન આપવું અને પોતે જે આરોગે છે, તેના વિશે વધુ સભાન થવું.

ન્યૂ યૉર્ક યુનિવર્સિટીનાં ડૉક્ટર લિસા યંગ જણાવે છે, "લોકો તેમની પ્લેટમાં શું છે, તેના પર ધ્યાન નથી આપતા, લોકો તેમની ભૂખ ઉપર ધ્યાન નથી આપતા. તેઓ એ વાત ઉપર ધ્યાન નથી આપતા કે તેઓ ધરાઈ ગયા છે કે નહીં."

પોર્શન ડિસ્ટોર્શન (ખોરાકના પ્રમાણ વિશે ખોટી સમજ) એવી બાબત છે, જેના વિશે લોકોને જાણ હોવી જોઈએ. જ્યારે મોટા પોર્શન સહેલાઈથી ઉપલબ્ધ થવા માંડે, તેના લીધે લોકો મોટા પોર્શનને જ સામાન્ય માનવા માંડે છે.

બ્રાઝિલની યુનિવર્સિટી ઑફ સાઓ પાઉલોના આહારની વર્તણૂકના નિષ્ણાત ડૉક્ટર માર્લે અલ્વારેંગા જણાવે છે, "મારી સલાહ એ છે કે, ધ્યાન આપો. ખોરાકના લેબલને જુઓ, તેની સાઇઝ જુઓ. ફૂડ ઇન્ડસ્ટ્રી માર્કેટિંગ અને બીજી અવનવી પ્રયુક્તિઓ દ્વારા શું રમત રમી રહી છે, તે સમજવાનો પ્રયત્ન કરો."

નાસ્તો કેટલો કરવો જોઈએ?

 BBC

ડૉક્ટર યંગ કહે છે, "જો તમે સફરજન અથવા તો કોઈ ફળનો એક ટુકડો કે પછી પૅકેટમાં ન હોય, એવી કોઈ ચીજ આરોગો છો, તો પછી તે કેટલી માત્રામાં ખાઓ છો, તે એટલું મહત્ત્વનું નથી, કારણ કે, તે આરોગ્યપ્રદ છે."

પણ જો તમે લેબલ ધરાવતી કોઈ ચીજ લો છો, તો તેમાં તમને જણાવવામાં આવશે કે, તેનું આદર્શ માપ શું છે - ઉદાહરણ તરીકે, એક કન્ટેનરમાં ચાર સર્વિંગ. તમારે તે ખાદ્ય ચીજને પૅકેટમાંથી બહાર કાઢીને જોવું જોઈએ કે, તમે ખાતા હો, તેના પ્રમાણમાં ખરેખર તે કેવી દેખાય છે.

તેઓ આગળ કહે છે, "લોકો કહેશે, 'હું સવારે નાસ્તામાં માત્ર એક નાની વાટકી સિરીયલ જ ખાઉં છું.' પણ જ્યારે તમે લોકોને તેઓ જેટલું ખાતા હોય, તેટલું પ્રમાણ વાટકીમાં ભરવા કહો અને પછી તેને લેબલ પર નોંધેલા આદર્શ સર્વિંગના પ્રમાણ સાથે સરખાવવાનું કહો, ત્યારે ખબર પડે છે કે, ખરેખર તેઓ ત્રણ ગણી વધારે માત્રા લઈ રહ્યા હોય છે."

"તે આદર્શ સર્વિંગને વાટકીમાં લો અને તેના પર નજર કરો. તે પછી સ્વયંને પૂછો, 'હું મારી પ્લેટમાં, મારી વાટકીમાં કેટલા કપ જેટલું પ્રમાણ લઉં છું?' આ પદ્ધતિ મદદરૂપ થાય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

source: bbc.com/gujarati

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: BBC Gujarati