Saturday, 28 Nov, 3.16 pm BBC ગુજરાતી

હોમ
નરેન્દ્ર મોદીએ નિરીક્ષણ કર્યું એ ઝાયડસ કૅડિલાની રસી કેટલી સફળ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશનાં ત્રણ રસી વિકસાવી રહેલાં કેન્દ્રોની મુલાકાતે છે.

આ મુલાકાત પહેલાં વડા પ્રધાન કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને જણાવાયું હતું કે નરેન્દ્ર મોદી અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્ક, પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને હૈદરાબાદમાં સ્થિત ભારત બાયોટેકની મુલાકાત લેશે.

આ ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાઇરસ સામેની લડાઈમાં ભારત નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની ઝાયડસ કૅડિલા દ્વારા વિકસાવાઈ રહેલી કોરોના વાઇરસની રસી ઝાયકોવ-ડી (ZyCoV-D) વિશે માહિતી મેળવી હતી.

ઝાયકોવ-ડીની બે ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે અને ત્રીજી ટ્રાયલ ચાલી રહી છે, ત્યારે વડા પ્રધાનની મુલાકાત સૂચક બની જાય છે.


કોરોના વાઇરસની રસી કયા તબક્કામાં છે?

ભારતમાં 30 સંસ્થાઓ કોરોના રસી પર કામ કરી રહી છે, જે પૈકીની પાંચ રસી ક્લિનિકલ ટ્રાયલના તબક્કામાં છે.

આમાં ઑક્સફર્ડ-ઍસ્ટ્રા ઝેનેકાની રસી પણ સામેલ છે, જેનું પરીક્ષણ સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ભારત બાયો-ટેક દ્વારા સ્વદેશી રસી તૈયાર કરાઈ રહી છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગરમાં ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. અનીશ સિંહા કહે છે, "મોડર્ના, ફાઇઝર અને ઑક્સફર્ડ-ઍસ્ટ્રા ઝેનેકાની રસીની ત્રીજી ક્લિનિકલ ટ્રાયલનાં સારાં પરિણામો આવ્યાં છે."

"ઝાયડસ કૅડિલા અને ભારત બાયોટેક દ્વારા જે રસી બનાવવામાં આવી રહી છે, તેની ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. ઑક્સફર્ડ- ઍસ્ટ્રા ઝેનેકાની રસી વિકસાવવાની કામગીરી ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહી છે. સીરમના ફેઝ-3નાં પરિણામો આવી ગયાં છે, જે ઘણાં સારાં છે."

અમેરિકની કંપની મોડર્નાની રસીની ટ્રાયલનાં શરૂઆતનાં પરિણામો પછી દાવો કરાતો હતો કે આ રસી મહામારીની વિરુદ્ધ સુરક્ષા આપવામાં 95 ટકા સુધી સફળ છે.

બીજી દવા કંપની ફાઇઝરે પોતાની રસી 90 ટકા સુધી અસરકારક હોવાનો દાવો કર્યો છે.

ઑક્સફર્ડની રસી 70 ટકા જેટલી અસરકારક હોવાનો દાવો પરીક્ષણ બાદ કરવામાં આવ્યો છે.

સિંહા જણાવે છે, "ઑક્સફર્ડ-ઍસ્ટ્રા ઝેનેકાની રસી ભારત માટે સારી છે, કારણકે તેને 2-8 ડિગ્રીમાં સ્ટોર કરી શકાય છે."

"હજુ સુધી આ રસીનું ઉત્પાદન કરવાની પરવાનગી આપવામાં આવી નથી. પણ જો સરકાર પરવાનગી આપે તો કંપનીએ 10 કરોડ ડોઝ જાન્યુઆરી સુધી આપવાની વાત કરી છે, જે સારી વાત છે."


ઉત્પાદનની પરવાનગી કઈ રીતે મળે છે?

જો કોઈ એક રસીની બધી ટ્રાયલનાં પરિણામો અપેક્ષા મુજબ રહે તો સરકાર દ્વારા ઉત્પાદન માટેની પરવાનગી આપવામાં આવે છે.

ડૉ. સિંહા જણાવે છે, "જો ક્લિનિકલ ટ્રાયલમાં પુરવાર થાય કે વૅક્સિન લેવાથી શરીરમાં 50 ટકા ઍન્ટિ-બૉડી ઉત્પન્ન થાય છે, તો જે-તે દેશની સરકાર દ્વારા રસીના ઉત્પાદન માટે પરવાનગી આપવામાં આવે છે. ભારતમાં આ પરવાનગી ડ્રગ-કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવે છે."

"કોઈ પણ રસીની પસંદગી કર્યા બાદ ભારત સરકાર ઇમર્જન્સી યુઝ માટે રસીના ઉત્પાદનની પરવાનગી આપી શકે છે, જેથી ફ્રન્ટલાઇન વર્કરો માટે રસી મેળવી શકાય. તે બાદ જનરલ મંજૂરી મળવાથી દરેક વ્યક્તિ માટે રસી તૈયાર કરવામાં આવશે."


ભારતને રસી ક્યારે મળશે?

કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને આશા વ્યક્ત કરી છે કે 2021ની શરૂઆતમાં રસી મળવાની શરૂઆત થઈ જશે.

તેમણે કહ્યું હતું કે "ઑગસ્ટ-સપ્ટેમ્બર સુધી આપણે 30 કરોડ લોકોને રસી આપવાની પરિસ્થિતિમાં હોઈશું."

આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, "કોરોના રસીને લઈને આખા વિશ્વમાંથી સમાચારો આવી રહ્યા છે. વિશ્વમાં અને ભારતમાં પણ રસીના સંશોધનનું કામ છેલ્લા તબક્કામાં છે. ભારત સરકાર દરેક પ્રગતિ પર ધ્યાન આપી રહી છે. અમે તેમના સંપર્કમાં છીએ.

તેમણે જણાવ્યું કે હજી સુધી એ નક્કી નથી કે રસીનો એક ડોઝ હશે, બે હશે કે ત્રણ. એ પણ નક્કી નથી કે આ રસીની કિંમત શું હશે.

"આનો અર્થ થયો કે આ બધા પ્રશ્નોના જવાબ આપણી પાસે નથી. રસી બનાવવામાં સરકાર પણ છે, કૉર્પોરેટ વિશ્વ પણ છે, અલગ-અલગ હરીફાઈ છે, દેશોના પોતાના રાજકીય હિતો પણ છે, વિશ્વ સ્વાસ્થય સંગઠનની પણ રાહ જોવી પડે છે. એટલા માટે વૈશ્વિક સંદર્ભમાં જ આપણે આગળ વધવું પડશે."

તેમણે કહ્યું હતું, "દરેક નાગરિકને કોરોનાની રસી મળે, એ અમારી રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા છે. દરેક રાજ્ય અને અન્ય સંસ્થાઓએ આ મિશનને વ્યવસ્થિત રીતે પાર પાડવા માટે ટીમ તરીકે કામ કરવું પડશે."

બેઠકમાં વાત કરતાં વડા પ્રધાને કહ્યું કે રસી ક્યારે આવશે તેનો સમય અમે નક્કી ન કરી શકીએ. એ વિશે વૈજ્ઞાનિકો કહેશે કે ક્યારે રસી આવશે.


ઝાયકોવ-ડી રસી કેટલી સફળ છે?

ગુજરાતી વૈજ્ઞાનિકોને લઈ રસી બનાવી રહેલી ઝાયડસ કૅડિલાના સી.એમ.ડી. પંકજ પટેલે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ચીનમાં કોરોના વાઇરસની મહામારી શરૂ થઈ અને ભારતમાં પગપેસારો થયો ત્યારે જ અમે રસી બનાવવાનું નક્કી કર્યું હતું.

તેઓ કહે છે, "મેં અમારી ફાર્મા કંપનીના વૈજ્ઞાનિકો સાથે બેઠક કરી હતી, જેમાં અમે નક્કી કર્યું કે આપણે દેશ માટે કોરોનાની રસી શોધવી છે અને અમે તેની પર કામ શરૂ કરી દીધું. તે સમયે ભારતમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું, છતાં અમે સંશોધનનું કામ ચાલું રાખ્યું."

તેઓ વધુમાં જણાવે છે કે અમુક સાધનો અને સૅમ્પલ માટે અમે વૈજ્ઞાનિકોને કાર મારફતે પુણે, બૉમ્બે, કેરળ મોકલ્યા હતા ફ્લાઇટની સેવાઓ બંધ હતી એટલે સમય લાગ્યો પણ અમને મળેલાં કેટલાંક સૅમ્પલ એવાં હતાં કે જેની પર ટૉક્સિસિટી ટેસ્ટ સફળ રહ્યા અને અમને બળ મળ્યું.

સંશોધન માટે કંપનીએ ઘણાં સાધનો ભારત અને વિદેશથી પણ મંગાવ્યાં હતાં. WHOની ગાઇડલાઇન પ્રમાણે કંપનીએ ડી.એન.એ. વૅક્સિન પ્લૅટફૉર્મ પર કામ શરૂ કર્યું.

ટેસ્ટમાં ઍન્ટિ-બૉડી રિસ્પોન્સ મળતાં વૅક્સિન બનાવવામાં આવી.

પંકજ પટેલ કહે છે, "વૅક્સિનનો વારંવાર પ્રયોગ કરતાં જાણ થઈ કે તેના કારણે પ્રાણીઓમાં વાઇરસ ન્યુટ્રલાઇઝ થાય છે. આ પરિણામ અમે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીમાં મોકલ્યાં હતાં. અમે ભારતભરમાં 1000 જગ્યાએ ક્લિનિકલ ટ્રાયલ કરી છે."


તમે અમને

source: bbc.com/gujarati

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Gujarati
Top