Monday, 07 Jan, 3.24 am BBC ગુજરાતી

હોમ
સવર્ણ અનામત : ચૂંટણીના 100 દિવસ પહેલાં ગરીબોને લોભાવવા સરકાર જાગી-કૉંગ્રેસ

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકતા આપેલાં અહેવાલ મુજબ, કેન્દ્રની મોદી સરકારે આર્થિક રીતે પછાત સર્વણો માટે 10 ટકા અનામતની જોગવાઈને મંજૂરી આપી દીધી છે.

આવનારી 2019ની ચૂંટણીના થોડા મહિનાઓ પહેલાં જ મોદી સરકારે સર્વણો માટે અનામતની જાહેરાત કરી છે.

અહેવાલો મુજબ આ અનામત સર્વણોના એવા વર્ગને મળશે જે આર્થિક રીતે પછાત છે.

કેન્દ્રીય કૅબિનેટે સોમવારે બેઠકમાં 10 ટકા અનામતની જોગવાઈને મંજૂરી આપી દીધી છે.

સવર્ણ વર્ગમાં આવતા એવા તમામ લોકો કે જેમની આવક વાર્ષિક આઠ લાખથી ઓછી છે તેમને આ અનામતનો લાભ મળી શકશે.

સરકારી નોકરીઓમાં આર્થિક રીતે પછાત સવર્ણને આ અનામતનો લાભ મળશે.


હાર્દિક પટેલે આ મામલે શું કહ્યું?

અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે કેન્દ્ર સરકારના અનામત આપવાના નિર્ણય અંગે પત્રકાર પરિષદ કરી હતી.

હાર્દિકે કહ્યું, "બંધારણના દાયરામાં રહીનો જો સરકાર અનામત આપે તો તેમાં કંઈ ખોટું નથી."

"જો બંધારણીય રીતે અનામત આપવામાં આવતી હોય અને થોડાક સમયમાં જ તેનો લાભ મળવાનો હોય તો અમે આવકારીયે છીએ."

"આનંદીબહેન પટેલની સરકારની જેમ જો મોદી સરકાર અનામતના નામે મજાક કરશે તો અમે સાંખી નહીં લઈશું."

"ત્રણ રાજ્યોમાં ભાજપ હાર્યો છે ત્યારે આ નિર્ણય સવર્ણોને લોભાવવાનો પણ હોઈ શકે છે."

"હાલ સંસદનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે રાફેલ જેવા મુદ્દાઓને ખાળવા માટે પણ આ નિર્ણય હોય શકે છે."

"જો સરકાર આ નિર્ણયને લાગુ કરશે તો અમે સ્વીકારીશું પરંતુ 15 લાખની જેમ જુમલો ન થાય તે જોવાનું રહેશે."


આ માત્ર ચૂંટણી માટેની લોલીપોપ છે : કૉંગ્રેસ

કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંઘ સૂરજેવાલાએ કહ્યું કે કૉંગ્રેસ હંમેશાં જ્ઞાતિ કે જાતિથી ઉપર ઊઠીને અનામતના દરેક પગલાંને આવકારે છે.

સુરજેવાલાએ કહ્યું, "દલિત, આદિવાસી અને પછાત વર્ગ અંગેના સુપ્રીમ કોર્ટના નિર્દેશને કોઈ અસર ના થાય તે રીતે કૉંગ્રેસ સમાજના ગરીબ લોકો જેમને અનામતનો લાભ મળ્યો નથી તેમને આ લાભ આપવાના નિર્ણયને ટેકો આપે છે."

"સત્ય એ છે કે ચાર વર્ષ અને આઠ મહિના બાદ સરકાર આર્થિક પછાત સવર્ણોને લોભાવવા અચાનક જાગી છે."

"ચૂંટણીને માત્ર 100 જેટલા દિવસો જ બાકી છે ત્યારે સરકારને 2019માં હાર સામે દેખાઈ રહી છે."

"આ જ કારણે મોદી સરકારના નિર્ણયના ઇરાદા અંગે શંકા ઊભી થાય છે."

ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે આ નિર્ણયને અમે આવકારીએ છીએ.

તેમણે કહ્યું, "મોદી સરકારે ખૂબ મોડી જાહેરાત કરી છે અને ચૂંટણીમાં મત મેળવવા માટે આ નિર્ણય લેવાયો છે."

"આ જાહેરાત કરવામાં આવી તે મૂળ કૉંગ્રેસનો જ વિચાર છે, અમે આ પહેલાં સવર્ણોને 20 ટકા અનામત આપવાની વાત કહી હતી."

વિધાનસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે 2014ની ચૂંટણીમાં અમે જ બિનઅનામત વર્ગના યુવાનોને લાભ થાય તે માટે વચન આપ્યું હતું.

તેમણે કહ્યું, "ગુજરાતમાં જ્યારે અમે જ્યારે આ મામલે ખાનગી મેમ્બર બિલ લાવ્યા હતા ત્યારે આ જ ભાજપ સરકારે વિરોધ કર્યો હતો."

"જ્યારે હવે પાંચ વર્ષ પૂરાં થવાં આવ્યાં હોય ત્યારે આ નિર્ણય લેવાયો છે, આગળનો બધો સમય વાયદાઓમાં ખર્ચી નાખ્યો છે."

"ચૂંટણી નજીક આવી છે ત્યારે સરકારે સવર્ણોને આ પ્રકારની લોલીપોપ આપી છે."


સરકારના નિર્ણય પર કોણે શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો.

તેમણે ટ્વિટ કરીને કહ્યું, "આર્થિક રીતે કમજોર સવર્ણ પરિવારોને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામતના નિર્ણય માટે મોદી અને કૅબિનેટને ધન્યવાદ."

"આ નિર્ણય દેશમાં સામાજિક, આર્થિક ન્યાયની દિશામાં એક મહત્ત્વનું પગલું સાબિત થશે."

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું કે ચૂંટણી પહેલાં ભાજપ સરકાર સંસદમાં બંધારણમાં સંશોધન કરે. અમે તેમને સાથ આપીશું. નહીં તો સાફ થઈ જશે કે માત્ર ભાજપનો ચૂંટણી પહેલાંનો સ્ટંટ છે.

ડૉ ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે કહ્યું, "આર્થિક દૃષ્ટિકોણથી અનામત આપવાની બાબતમાં સુપ્રીમ કોર્ટે બે કેસમાં પોતાની ટિપ્પણી આપી છે."

"કેશવ નંદા ભારતી કેસ અને ચૂંટણી પંચ સામે પૅંથર્સ પાર્ટી ઑફ ઇન્ડિયા કેસમાં સુપ્રીમ કોર્ટે લિખિત સ્વરૂપમાં મૂળભૂત બાબતો પર ટિપ્પણી કરી છે."

"તેમણે કહ્યું છે કે અનામત વિશે તેમણે કહ્યું છે કે સામાજિક અને શૈક્ષણિક દૃષ્ટિકોણથી પછાત હોય તો જ અનામત અપાય, આર્થિક દૃષ્ટિકોણથી અનામત આપી ન શકાય. સુપ્રીમ કોર્ટમાં સરકારનો આ નિર્ણય ટકવાનો નથી."

તેમણે આગળ કહ્યું, "સરકાર જાણે છે કે તે આવનાર ચૂંટણી જીતવાની નથી, આવનાર પાંચ વર્ષમાં તેઓ સત્તા પર નહીં હોય એટલે તે આવનારી સરકાર માટે મુશ્કેલી ઊભી કરવા ઇચ્છે છે."

"સરકાર બંધારણ ખતમ કરવાના પોતાના ઍજન્ડા પર ચાલી રહી છે અને એવી પરિસ્થિતિ કરવા માગે છે જેમાં સુપ્રીમ કોર્ટ તથા સાધારણ લોકો સામસામે આવી જાય."

કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા શાહનવાઝ હુસેને કહ્યું, "મોદી સરકાર તમામને સાથે લઈને ચાલે છે."

"વડા પ્રધાને સવર્ણોમાં જે ગરીબો છે તેમને પણ લાભ આપવા માટે અનામતનો આ નિર્ણય કર્યો છે."

ગુજરાત કૉંગ્રેસના નેતા હિંમતસિંહે કહ્યું કે ભાજપની ત્રણ મુખ્ય રાજ્યોમાં હાર થતાં ભાજપ ડરી રહ્યો છે.

તેમણે કહ્યું, "જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકોમાં ભ્રમ પેદા કરવાની આ ચાલ છે. પાંચ વર્ષ પૂરાં થવા આવ્યાં, ત્યારે સરકારે આ નિર્ણય કર્યો છે."અલ્પેશ ઠાકોરે કહ્યું કે ગરીબોને કંઈક મળતું હોય તો તેમનું સ્વાગત કરું છું.

જે લોકોને અનામત મળી છે તેમનો પણ અમલ થવો જોઈએ.

આ રાજકીય નિર્ણય છે, પરંતુ ગરીબોને મળતું હોય તો અમે વિરોધ કરતા નથી.

બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરના પ્રૌત્ર પ્રકાશ આંબેડકરના કહેવા પ્રમાણે:

"સુપ્રીમ કોર્ટે અગાઉ અનામત અંગે કહ્યું છે કે સામાજિક અને શૈક્ષણિક દૃષ્ટિકોણથી પછાત હોય તો જ આરક્ષણ અપાય, આર્થિક આધાર ઉપર નહીં."

"સુપ્રીમ કોર્ટમાં સરકારનો આ નિર્ણય ટકવાનો નથી.''

આંબેડકરના કહેવા પ્રમાણે, મોદી સરકાર બંધારણને ખતમ કરવાના ઍજન્ડા પર આગળ વધી રહી છે.

સરકાર એવી પરિસ્થિતિ ઊભી કરવા માગે છે કે સુપ્રીમ કોર્ટ તથા સાધારણ લોકો આમે-સામે આવી જાય.


અનામત આપવાનો આધાર શું છે?

ભારતીય બંધારણના અનુચ્છેદ 15 અને 16માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અનામત આપવાની જોગવાઈ છે.

એવું સ્વીકારાયું છે કે આ વર્ગો સાથે ભૂતકાળમાં અન્યાય થયો છે. જેને કારણે તેઓ સામાજિક વિકાસમાં પાછળ રહી ગયા છે.

તેમને મુખ્ય ધારામાં લાવવા માટે આરક્ષણની જરૂર છે.

આ મુજબ અનામતને લાગુ કરવા માટે હવે સરકારે બંધારણના અનુચ્છેદ 15 અને 16ની અંતર્ગત તેને લાવવી પડશે.

જેથી અનુચ્છેદમાં સુધારો કરવા માટે સરકાર સંસદમાં બિલ લાવશે.


Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: BBC Gujarati
Top