Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2011ની વસતિ ગણતરી: કેવું હતું ભારત ?

2011ની વસતિ ગણતરી: કેવું હતું ભારત ?

મયનું ચક્ર સતત ફરતું રહે છે, પરંતુ ઇતિહાસના કેટલાક પાના અને આંકડા સમયના વહેણ સાથે વધુ મહત્વના બની જાય છે. આવો જ એક ઐતિહાસિક દસ્તાવેજ એટલે વર્ષ 2011માં થયેલી ભારતની છેલ્લી સત્તાવાર જનગણના. વર્તમાન સમયમાં જ્યારે પહેલી જૂનથી દેશમાં નવી જનગણનાની પ્રક્રિયાઓ શરૂ થવા જઈ રહી છે ત્યારે દોઢ દાયકા પહેલાના એ આંકડાઓ તરફ નજર કરીએ તો ખબર પડે છે કે ભારત કેટલું વિશાળ, વૈવિધ્યસભર અને યુવાન રાષ્ટ્ર છે.

એ સમયે દેશના ખૂણે-ખૂણેથી એકત્ર કરાયેલી વિગતો માત્ર આંકડા નહોતા, પણ કરોડો ભારતીયોની જિંદગીનું પ્રતિબિંબ હતા, તો ચાલો જાણીએ છેલ્લી જનગણનાના કેટલાક રસપ્રદ ફેક્ટસ વિશે…

ભારતે વૈશ્વિક મંચ પર નવો રેકોર્ડ બનાવ્યો

જ્યારે 2011ના મહા-સર્વેક્ષણના અંતિમ આંકડા જાહેર થયા ત્યારે સમગ્ર વિશ્વ ચોંકી ગયું હતું, કારણ કે ભારતે આશરે 121,08,54,977 એટલે કે 121.08 કરોડની વસ્તીનો આંકડો સ્પર્શ્યો હતો. આ કોઈ સામાન્ય સંખ્યા નહોતી, એ સમયે સમગ્ર વિશ્વની કુલ વસ્તીના આશરે 17.5 ટકા લોકો માત્ર ભારતમાં વસતા હતા. આ વિશાળ જનમેદનીમાં દેશના લિંગ ગુણોત્તર (Sex Ratio) પર નજર કરીએ તો દર એક હજાર પુરુષોએ 943 મહિલાઓનો આંકડો નોંધાયો હતો, જે સમાજમાં સ્ત્રી-પુરુષ સમાનતાની દિશામાં ચાલી રહેલા મંથનને દર્શાવતો હતો.

સ્ત્રી-પુરુષ વસ્તીનું રસપ્રદ ગણિત

સ્ત્રી-પુરુષનું ગણિત સમજીએ તો એમાં પુરુષોની વસ્તીનો હિસ્સો સહેજ વધારે હતો. દેશમાં કુલ પુરુષોની સંખ્યા 62,32,70,258 એટલે કે આશરે 62.32 કરોડ નોંધાઈ હતી, જે કુલ વસ્તીના 51.54 ટકા જેટલી થતી હતી. એની સામે દેશની અડધી આબાદી ગણાતી મહિલાઓની કુલ સંખ્યા 58,75,84,719 એટલે કે આશરે 58.75 કરોડ પર પહોંચી હતી, જે કુલ વસ્તીના 48.46 ટકા હિસ્સો ધરાવતી હતી.

બાળ જનગણના

કોઈપણ દેશનું ભવિષ્ય એના બાળકોના હાથમાં હોય છે અને 2011ની વસ્તી ગણતરીમાં આ ભવિષ્યની ઝલક પણ સ્પષ્ટ જોવા મળી હતી. દેશમાં 0થી 6 વર્ષની ઉંમરના બાળકોની કુલ સંખ્યા 16.45 કરોડ નોંધાઈ હતી, જે એ સમયે દેશની કુલ વસ્તીના આશરે 13.6 ટકા જેટલી હતી. આ બાળ વસતીમાં જો વિભાજન કરીએ તો નાના ભૂલકાઓમાં છોકરાઓની સંખ્યા 8 કરોડ 57 લાખથી વધુ (8,57,52,254) અને છોકરીઓની સંખ્યા 7 કરોડ 87 લાખથી વધુ (7,87,62,999) હતી.

આ રાજ્યમાં સૌથી વધુ વસ્તી

આ વસ્તી ગણતરીનું સૌથી રસપ્રદ પ્રકરણ જો કોઈ હોય તો એ રાજ્યોના સ્તરે જોવા મળેલું વૈવિધ્ય હતું. ઉત્તર પ્રદેશ આ યાદીમાં સિંહફાળો ધરાવતું હતું એ ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય બન્યું હતું. ઉત્તર પ્રદેશની કુલ વસ્તી 19,98,12,341 એટલે કે 19.98 કરોડ સુધી પહોંચી ગઈ હતી, જે દેશની કુલ વસ્તીના એકલા જ 16.51 ટકા જેટલી હતી. આ આંકડાની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે જો ઉત્તર પ્રદેશ એક અલગ દેશ હોત, તો એ વસ્તીની દૃષ્ટિએ વિશ્વનો પાંચમો સૌથી મોટો દેશ બની ગયો હોત. આ યાદીમાં આશરે 11.23 કરોડની વસ્તી સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે રહ્યું હતું.

વસ્તી ગીચતા: ક્યાં ઓછી જગ્યામાં રહે છે વધુ લોકો?

જ્યારે વસ્તી ગણતરીમાં માત્ર કુલ વસ્તી નહીં, પરંતુ જમીનના વિસ્તાર (Area) પ્રમાણે વસ્તીની ગીચતા માપવામાં આવી, ત્યારે એક નવું જ ચિત્ર સામે આવ્યું. 2011માં ભારતની સરેરાશ વસ્તી ગીચતા 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર નોંધાઈ હતી. એટલે કે, દેશમાં સરેરાશ રીતે દર 1 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં 382 લોકો વસવાટ કરતા હતા, જે પૃથ્વીના આ ટુકડા પર માનવ વસ્તીના સતત વધી રહેલા દબાણને દર્શાવે છે.

કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી સૌથી મોખરે

જો આપણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (Union Territories) બંનેને સાથે ગણીએ, તો દેશની રાજધાની દિલ્હી (Delhi) વસ્તી ગીચતામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે હતી. દિલ્હીમાં વસ્તી ગીચતાનો આંકડો અત્યંત ચોંકાવનારો હતો, જ્યાં દર ચોરસ કિલોમીટરમાં આશરે 11,320 વ્યક્તિઓ વસવાટ કરતી હતી. ખૂબ જ મર્યાદિત ભૌગોલિક વિસ્તાર અને રોજગારી તેમજ શિક્ષણ માટે દેશભરમાંથી થતા સતત સ્થળાંતરને કારણે દિલ્હી દેશનો સૌથી ગીચ વિસ્તાર બન્યો હતો.

રાજ્યોની યાદીમાં બિહાર નંબર-1

જો માત્ર સત્તાવાર રાજ્યોની (States) વાત કરવામાં આવે, તો આ યાદીમાં બિહાર (Bihar) સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય બન્યું હતું. વર્ષ 2011માં બિહારમાં વસ્તી ગીચતા 1,106 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર નોંધાઈ હતી. આ યાદીમાં પશ્ચિમ બંગાળ (West Bengal) આશરે 1,028 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટરની ગીચતા સાથે બીજા ક્રમે રહ્યું હતું. વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ હોવા છતાં, વિસ્તાર મોટો હોવાને કારણે ગીચતાની બાબતમાં બિહાર એનાથી ઘણું આગળ હતું.

સૌથી ઓછી ગીચતા ધરાવતું રાજ્ય

આ વૈવિધ્યસભર દેશમાં એક તરફ જ્યાં દિલ્હી અને બિહાર જેવા અત્યંત ગીચ વિસ્તારો છે, ત્યાં બીજી તરફ કુદરતી સૌંદર્યથી ભરપૂર અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh) પણ છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, અરુણાચલ પ્રદેશમાં વસ્તી ગીચતા દેશમાં સૌથી ઓછી, એટલે કે માત્ર 17 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર હતી. વિશાળ પહાડી વિસ્તાર અને ગાઢ જંગલોના કારણે અહીં ખૂબ જ આછી વસ્તી જોવા મળે છે, જે સાબિત કરે છે કે ભારત એક તરફ ભીડભાડથી ભરેલું તો બીજી તરફ શાંતિ અને પ્રાકૃતિક એકાંત ધરાવતું અદભુત રાષ્ટ્ર છે. 2011ના આ આંકડા આજે પણ ભારતના સામાજિક અને આર્થિક તાણાવાણાને સમજવા માટેનો સૌથી મોટો આધાર સ્તંભ છે. ત્યારે એ જોવું મહત્વનું રહેશે કે 2026ની જનગણનામાં આ આંકડા કેટલા બદલાય છે.

જનગણનામાં ગુજરાત

વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે આટલું મોટું વૈવિધ્ય ધરાવતા દેશમાં જો પશ્ચિમ ભારતના અગ્રેસર રાજ્ય ગુજરાતની વાત કરીએ, તો વર્ષ 2011ની જનગણના પ્રમાણે ગુજરાતની કુલ વસ્તી આશરે 6.04 કરોડ (6,04,39,692) નોંધાઈ હતી, જે દેશની કુલ વસ્તીના આશરે 5 ટકા જેટલી થતી હતી. આ વસ્તીમાં પુરુષોની સંખ્યા આશરે 3.14 કરોડ (3,14,91,260) અને મહિલાઓની સંખ્યા આશરે 2.89 કરોડ (2,89,48,432) હતી, જ્યારે રાજ્યનો લિંગ ગુણોત્તર દર એક હજાર પુરુષોએ 919 મહિલાઓનો હતો. ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તો, ગુજરાતની સરેરાશ વસ્તી ગીચતા 308 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર નોંધાઈ હતી, જે રાષ્ટ્રીય સરેરાશ (382) કરતાં ઓછી હતી. રાજ્યમાં 0થી 6 વર્ષના બાળકોની કુલ સંખ્યા આશરે 77.77 લાખ (77,77,241) હતી, જેમાં છોકરાઓની સંખ્યા આશરે 41.15 લાખ (41,15,011) અને છોકરીઓની સંખ્યા આશરે 36.62 લાખ (36,62,230) નોંધાઈ હતી.

હેતલ રાવ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha