નવી દિલ્હીઃ આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ દાવો કર્યો હતો કે કોંગ્રેસના નેતા પવન ખેડા હૈદરાબાદ ભાગી ગયા છે. આસામ પોલીસની એક ટીમ મંગળવારે દિલ્હીમાં પવન ખેડાના ઘરે પૂછપરછ માટે પહોંચી હતી. આ કાર્યવાહી આસામના મુખ્ય મંત્રી અને તેમના પરિવાર સામે લગાવવામાં આવેલા આરોપોથી જોડાયેલા કેસના સંદર્ભમાં કરવામાં આવી રહી છે. પોલીસ ટીમે તેમના ઘરે પહોંચ્યા પછી સત્તાવાર રીતે દિલ્હી પોલીસને જાણ કરી હતી.
ત્યાર બાદ સ્થાનિક પોલીસની એક ટીમ પણ તપાસમાં જોડાઈ ગઈ. જોકે પવન ખેડા ઘરે હાજર મળ્યા નહોતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ ઘટના રાજકીય વિવાદ વચ્ચે સામે આવી છે. મુખ્ય મંત્રી સરમાએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે એક પાકિસ્તાની સોશિયલ મિડિયા ગ્રુપમાંથી લેવામાં આવેલી ખોટી માહિતીને આધારે તેમની પત્ની પાસે અનેક પાસપોર્ટ અને વિદેશી સંપત્તિ હોવાના આરોપ લગાવ્યા હતા. તેમણે આ આરોપોને આસામની ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ અને દંડનીય ગુનો ગણાવ્યો હતો. દરોડા અંગે પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં સરમાએ કહ્યું હતું કે મારી પત્ની પર આરોપ લગાવ્યા પછી કોંગ્રેસના નેતા પવન ખેડાએ આસામ પોલીસને પોતાની ધરપકડ કરવાનો પડકાર આપ્યો હતો, પરંતુ પછી હૈદરાબાદ ભાગી ગયા હતા.
તેમણે વધુમાં કહ્યું હતું કે હાલ તેલંગાણામાં કોંગ્રેસની સરકાર છે. સરમાએ ઉમેર્યું હતું કે આરોપ લગાવતાં પહેલાં તેમને વિદેશ મંત્રીને પૂછવું જોઈએ હતું. ખડગે જીની ઉંમર થઈ ગઈ છે, છતાં તેઓ આવી વાતો કરે છે. આસામ પોલીસ 'પાતાળ'માંથી પણ લોકોને શોધીને લાવી શકે છે. મને શંકા છે કે રાહુલ ગાંધી એ તેમને આ દસ્તાવેજો આપ્યા હશે. એટલે આ કેસ રાહુલ ગાંધી સુધી જશે. અમને ડરાવવાનો પ્રયાસ ન કરો. આ આસામ છે અને અમે 17 વખત ઇસ્લામિક હુમલાઓ સામે લડ્યા છીએ.

