Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અદાણી જૂથે ફ્રાન્સની ડાયોક્સિકલ સાથે લો-કાર્બન કેમિકલ માટે ભાગીદારી કરી

અદાણી જૂથે ફ્રાન્સની ડાયોક્સિકલ સાથે લો-કાર્બન કેમિકલ માટે ભાગીદારી કરી

મદાવાદઃ દેશમાં લો-કાર્બન રાસાયણિક ઉત્પાદનને વિકાસની નવી દિશા આપવા અને તેને વ્યાપક સ્તરે લઈ જવા માટે અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) અને રાસાયણિક ઉત્પાદન ક્ષેત્રે વિશિષ્ટતા ધરાવતી ફ્રાન્સની અગ્રણી ક્લીન-ટેકનોલોજી કંપની ડાયોક્સિકલ દ્વારા આજે લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે.

અદાણી જૂથની ઔદ્યોગિક સાઇટ્સ પરથી કેપ્ચર કરાયેલા કાર્બન ડાયોક્સાઇડ અને નવીનીકરણીય વીજળીનો ઉપયોગ કરીને ફોર્મિક એસિડનું ઉત્પાદન કરવા માટે એક પાયલોટ પ્લાન્ટ (સુવિધા) સ્થાપીને આ પહેલની શરૂઆત કરવામાં આવશે. આ પ્રક્રિયા સફળ અને માન્ય સાબિત થયા બાદ બંને ભાગીદારો વ્યાવસાયિક ધોરણે મોટા પાયે ઉત્પાદન માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. કાપડ, કૃષિ અને તેના આનુષંગિક ઉત્પાદનો સહિતના વિવિધ ઉદ્યોગોમાં ફોર્મિક એસિડ અને તેના ડેરિવેટિવ્ઝનો ઉપયોગ વ્યાપકપણે થાય છે. આ પ્રકલ્પનો મુખ્ય હેતુ કેપ્ચર કરાયેલા કાર્બન ઉત્સર્જનને સ્વચ્છ ઊર્જાની મદદથી કેવી રીતે મૂલ્યવાન ઉત્પાદનોમાં રૂપાંતરિત કરી શકાય તે દર્શાવવાનો છે.

અદાણી જૂથના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે આ ભાગીદારી ડાયોક્સિકલની વીજળી સંચાલિત અદ્યતન રાસાયણિક ઉત્પાદન ટેક્નોલોજી અને અદાણી સમૂહની સ્વચ્છ-ઊર્જા ક્ષમતાઓ, મજબૂત માળખાકીય પ્લેટફોર્મ તેમ જ પ્રોજેક્ટ અમલીકરણની ઉત્કૃષ્ટ કુશળતાનું શ્રેષ્ઠ સંયોજન છે. આ સહયોગથી ટકાઉ અને આર્થિક રીતે સધ્ધર રાસાયણિક ઉત્પાદન માટે એક નવું મોડેલ સ્થાપિત થશે.

ડાયોક્સિકલના મુખ્ય કારોબારી અધિકારી (CEO) અને સહ-સ્થાપક ડો. સારાહ લેમિસને સંપૂર્ણપણે નવીનીકરણીય ઊર્જા અને કેપ્ચર્ડ કાર્બન દ્વારા સંચાલિત ભારતની પ્રથમ ફોર્મિક એસિડ ઉત્પાદન સુવિધા શરૂ કરવા બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ વ્યૂહાત્મક ઔદ્યોગિક ભાગીદારી દર્શાવે છે કે કેવી રીતે કાર્બન ઉત્સર્જનને આર્થિક રીતે પરવડે તેવા ખર્ચે ટકાઉ સંપત્તિમાં ફેરવી શકાય છે તેમ જ ક્લીન-ટેકનોલોજી અને ઔદ્યોગિક સ્કેલના સંકલનથી આવશ્યક રસાયણોના પરંપરાગત ઉત્પાદનને નવો આકાર આપી શકાય છે. નવીનીકરણીય ઊર્જા, ઉત્પાદન ક્ષમતા અને વિઝનનું અનોખું સંયોજન ધરાવતા ભારતના અદાણી જૂથ સાથે મળીને અમે ઓછા કાર્બન ઉત્સર્જનવાળા કેમિકલ ઉત્પાદન માટે એક સ્પર્ધાત્મક અને સ્કેલેબલ મોડેલ બનાવવા કટિબદ્ધ છીએ. આ ભાગીદારી સ્વચ્છ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારત અને યુરોપ વચ્ચે વધી રહેલા મજબૂત સહયોગને દર્શાવે છે. વૈશ્વિક સપ્લાય ચેઈનને વધુ ટકાઉ બનાવવા માટેના પર્યાપ્ત વિકલ્પો શોધવાની દિશામાં ભારત તેની વિશાળ ઔદ્યોગિક ક્ષમતા અને વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ નવીનીકરણીય ઊર્જા સંસાધનોને કારણે અદ્યતન ઉત્પાદન (Advanced Manufacturing) માટે વિશ્વભરમાં એક પસંદગીનું હબ બની રહ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha