Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AIના યુગમાં આપણું અસ્તિત્વ

AIના યુગમાં આપણું અસ્તિત્વ

23 સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્કમાં એક અજીબ ઘટના બની. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવતી દિગ્ગજ કંપની NVIDIAના સસ્ટેનેબિલિટી હેડ જોશ પાર્કર જ્યારે AI અને પર્યાવરણ વિશે મહત્ત્વના મુદ્દાઓની રજૂઆત કરી રહ્યા હતા, ત્યારે ભારતીય મૂળના એક વિદ્યાર્થીએ તેમની સામે રડતાં-રડતાં અને બૂમો પાડતાં આકરા સવાલો પૂછ્યા.

વિદ્યાર્થીએ કહ્યું, 'તમારા જેવા લોકોને કારણે આજે પર્યાવરણ સંકટનો સામનો કરી રહ્યું છે.

ભારત અને વિશ્વમાં અનેક જગ્યાએ લોકો ક્લાઇમેટ ચેન્જની અસરો અનુભવી રહ્યા છે. ભારતમાં આવેલા એક પૂરમાં મેં મારાં માતા-પિતા ગુમાવ્યાં છે.'

આ વાત એવા વ્યક્તિની હતી, જેણે કદાચ આવેગવશ કે દુઃખમાં પોતાની વેદના વ્યક્ત કરી હશે. પરંતુ એનાથી પણ ચોંકાવનારું નિવેદન ત્યારે આવ્યું, જ્યારે આધુનિક AI અને આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક્સના પાયાના સંશોધન માટે વર્ષ 2024નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનારા જેફ્રી હિન્ટને નોબેલ પુરસ્કાર સમારોહમાં વિશ્વને AIથી ઊભાં થતાં જોખમો સામે ચેતવ્યું અને તેના નિયંત્રણ વિશે ચોંકાવનારા મુદ્દાઓ રજૂ કર્યા.

અહીં સમજવા જેવી મૂળભૂત બાબત એ છે કે મનુષ્ય જ્યાં સુધી ટેક્નોલોજીનો ઉપયોગ પોતાના નિયંત્રણમાં રાખી શકે છે, ત્યાં સુધી બરાબર છે. પરંતુ જ્યારે એવા દિવસો આવશે કે આપણે ટેક્નોલોજી પરનો કાબૂ ગુમાવી બેસીશું, ત્યારે મશીનો અને રોબોટ્સને નિયંત્રિત કરવાનું આપણા હાથમાં નહીં રહે. કારણ કે આપણે તેમને વધુ ને વધુ શક્તિશાળી બનાવી રહ્યા છીએ.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખોટા હાથોમાં જઈને તબાહી મચાવી શકે છે. જેફ્રી હિન્ટને તેમના પ્રવચનમાં માસ સર્વેલન્સ એટલે કે સામૂહિક દેખરેખ અને જાસૂસી, સાયબર ક્રાઇમ, સ્કેમ્સ, ડીપફેક કન્ટેન્ટ, ઑટોનોમસ વેપન્સ અને જૈવિક શસ્ત્રો જેવા જોખમો વિશે દુનિયાને સાવચેત કરી હતી.

અહીં સૌથી મોટો પ્રશ્ન નિયંત્રણનો છે. હિન્ટનના મતે, જો AI માણસ કરતાં વધુ બુદ્ધિશાળી બની જાય અને પોતાના સ્વતંત્ર નિર્ણયો લેવા લાગે, તો તેને બંધ કરવું કે નિયંત્રિત કરવું અત્યંત મુશ્કેલ બની શકે છે. માનવજાત માટે આ એક ગંભીર પડકાર બની શકે છે.

તેમણે શા માટે આ ચેતવણી આપી?

કોર્પોરેટ ટેક કંપનીઓ ટૂંકા ગાળાના નફા અને સ્પર્ધામાં આગળ નીકળવા માટે AIના ઝડપી વિકાસ પર ધ્યાન આપી રહી છે, પરંતુ તેની સુરક્ષા માટે પૂરતો ખર્ચ અને સંશોધન થઈ રહ્યાં છે કે કેમ, તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

હિન્ટને વિશ્વની સરકારોને ટેક કંપનીઓ માટે અસરકારક નિયમન ઘડવાની અને AIને સુરક્ષિત બનાવવાની તકનીકોના સંશોધનને પ્રાથમિકતા આપવાની અપીલ કરી છે.

બીજી તરફ, AIનો સતત વધતો ઉપયોગ પર્યાવરણ માટે પણ બોજ બની રહ્યો છે. AI ટેક્નોલોજી ચલાવવા માટે મોટાં ડેટા સેન્ટર્સની જરૂર પડે છે. આ ડેટા સેન્ટર્સને ઠંડાં રાખવા માટે કેટલીક પદ્ધતિઓમાં મોટા પ્રમાણમાં પાણીનો વપરાશ થાય છે. જ્યાં પાણીની ઉપલબ્ધતા મર્યાદિત હોય, ત્યાં વધતી માંગ સ્થાનિક જળસંસાધનો પર વધારાનું દબાણ ઊભું કરી શકે છે.

આ ઉપરાંત, ડેટા સેન્ટર્સને ચલાવવા માટે મોટા પ્રમાણમાં વીજળીની જરૂર પડે છે. આ વીજળીનું ઉત્પાદન અશ્મિભૂત ઇંધણમાંથી થતું હોય તો કાર્બન ઉત્સર્જન વધે છે, જે વૈશ્વિક તાપમાનમાં વધારા અને આબોહવા પરિવર્તન માટે જવાબદાર પરિબળોમાંનું એક છે. આબોહવા પરિવર્તનના કારણે હિમનદીઓ પીગળવા સહિત અનેક પર્યાવરણીય અસરો જોવા મળી રહી છે.

આ પરિસ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે એ ચર્ચા વધુ મહત્ત્વની બની છે કે આધુનિક AI ટેક્નોલોજીનો વિકાસ પર્યાવરણની સુરક્ષા સાથે કેવી રીતે સંતુલિત કરી શકાય.

આ બધા એવા સવાલો છે, જેના સંપૂર્ણ જવાબ હાલ કદાચ કોઈ પાસે નથી. એક તરફ આપણે ટેક્નોલોજીમાં હરણફાળ ભરી રહ્યા છીએ અને બીજા ગ્રહો પર જીવનનું અસ્તિત્વ શોધી રહ્યા છીએ, તો બીજી તરફ દિવસે ને દિવસે પૃથ્વી પરનું જીવન વધુ પડકારજનક બની રહ્યું છે.

આજે માણસે AIને વિચારવા જેવી ક્ષમતાઓ આપી છે, પરંતુ શું એ બુદ્ધિનો ઉપયોગ કુદરતને બચાવવા માટે પણ કરી શકાશે? એક તરફ મશીનોની દુનિયા વધુ સ્માર્ટ બની રહી છે, તો બીજી તરફ પૃથ્વી સામે પાણી, ઊર્જા અને પર્યાવરણનાં સંકટો ઊભાં થઈ રહ્યાં છે.

કદાચ હવે સમય આવી ગયો છે કે આપણે માત્ર એ ન પૂછીએ કે AI આપણું જીવન કેટલું સરળ બનાવશે, પરંતુ એ પણ વિચારીએ કે આપણા વિકાસથી આવનારી પેઢીનું જીવન કેટલું સુરક્ષિત રહેશે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha