Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બિપાશા બાસુના 'હોટ એન્ડ બોલ્ડ' અવાજ પાછળનું અસલી 'રાઝ'!

બિપાશા બાસુના 'હોટ એન્ડ બોલ્ડ' અવાજ પાછળનું અસલી 'રાઝ'!

90ના દાયકાના અંતમાં અને 2000ની શરૂઆતમાં જ્યારે પણ બોલિવૂડમાં કોઈ સુપરમોડેલ કે ગ્લેમરસ હસીનાની એન્ટ્રી થતી, ત્યારે થિયેટરમાં સીટીઓ તો વાગતી, પણ પડદા પાછળ એક મોટો લોચો રહેતો! આ મોડેલ્સ દેખાવમાં મારકણી લાગતી, પરંતુ તેમનું હિન્દી ઉચ્ચારણ કાચું હતું. પરિણામે, એ જમાનામાં હિરોઈનોના પર્ફોર્મન્સને વધુ અસરકારક બનાવવા માટે પડદા પાછળ ડબિંગ આર્ટિસ્ટનો સહારો લેવો બહુ સામાન્ય વાત હતી.

આવું જ કંઈક બોલિવૂડની 'બ્લેક બ્યુટી' બિપાશા બાસુ સાથે પણ બન્યું હતું. બિપાશાના અવાજ પાછળનું અસલી ‘રાઝ’ કદાચ બહુ ઓછા લોકો જાણે છે!

વર્ષ 2002માં આવેલી સુપરહિટ હોરર ફિલ્મ 'રાઝ'માં બિપાશા બાસુના અવાજનું અસલી રહસ્ય મોના ઘોષ શેટ્ટી હતી. કારકિર્દીની શરૂઆતમાં બિપાશાની હિન્દી ડાયલોગ ડિલિવરી પર બહુ પકડ નહોતી અને તેનો અસલી અવાજ થોડો ભારે હતો. ફિલ્મમાં 'સંજના'ના પાત્રને એક ડરેલી, લાચાર, છતાં સમય આવ્યે મક્કમ બની જતી ગૃહિણી તરીકે રજૂ કરવાનું હતું. આ રોલ માટે વધુ લાગણીસભર અને તીણો અવાજ જરૂરી હતો, જે મોના ઘોષ શેટ્ટીએ બખૂબી આપ્યો હતો.

મજાની વાત એ છે કે આ ફિલ્મમાં માત્ર બિપાશા જ નહીં, પરંતુ લગભગ તમામ મુખ્ય કલાકારોના અવાજ ઉછીના લેવાયા હતા. ડિનો મોરિયા મોડેલિંગમાંથી આવ્યો હોવાથી તેનું હિન્દી થોડું વિદેશી લાગતું હતું. દેશી ભારતીય પતિના પાત્રમાં આવો અવાજ બંધબેસતો ન હતો. એટલે ફિલ્મના નિર્દેશક વિક્રમ ભટ્ટે પોતે જ માઇક પકડીને ડિનોના તમામ ડાયલોગ્સ ડબ કર્યા હતા.

માલિની શર્માએ ફિલ્મમાં ચૂડેલનું પાત્ર ભજવ્યું હતું. તેના અવાજમાં ડરામણી અને રહસ્યમય ગંભીરતા લાવવા માટે પ્રોફેશનલ ડબિંગ આર્ટિસ્ટ નમ્રતા સાહનીની મદદ લેવામાં આવી હતી.

બિપાશાની શરૂઆતની તમામ હિટ ફિલ્મો જેવી કે 'અજનબી', 'રાઝ', 'જીસ્મ', 'ગુનાહ' અને 'ફૂટપાથ'માં પણ તેનો અવાજ મોના ઘોષ શેટ્ટીએ જ ડબ કર્યો હતો.

બિપાશા પડદા પર જેટલી બોલ્ડ હતી, એટલી જ અસલ જિંદગીમાં પણ સ્પષ્ટવક્તા હતી. ૨૦૦૬માં જ્યારે સુપરહિટ કોમેડી ફિલ્મ 'ફિર હેરા ફેરી' આવી, ત્યારે બિપાશાએ તેનું ડબિંગ જાતે જ પૂરું કર્યું હતું. પરંતુ નિર્માતા સાથે કોઈ ગેરસમજ સર્જાતાં, બિપાશાને જાણ કર્યા વગર જ અન્ય ડબિંગ આર્ટિસ્ટ પાસે તેનો અવાજ ફરી ડબ કરાવી દેવામાં આવ્યો!

આ વાતથી બિપાશા ખૂબ નારાજ થઈ ગઈ અને તેણે જોરદાર વિરોધ નોંધાવ્યો. તેનું કહેવું હતું કે ડબિંગ આર્ટિસ્ટનો અવાજ તેના ચહેરાના હાવભાવ સાથે બિલકુલ મેળ ખાતો નહોતો અને તેનાથી તેની એક્ટિંગની અસર ઓછી થઈ જતી હતી.

બિપાશા સમજી ગઈ હતી કે જો બોલિવૂડમાં લાંબો સમય ટકી રહેવું હોય, તો પોતાની ડાયલોગ ડિલિવરી સુધારવી જ પડશે. તેણે દિવસ-રાત મહેનત કરીને હિન્દી ભાષા પર સારી પકડ બનાવી.

વર્ષ 2009માં જ્યારે તેણે પ્રખ્યાત નિર્દેશક ઋતુપર્ણો ઘોષની બંગાળી ફિલ્મ 'શોભ ચરિત્ર કાલ્પનિક' કરી, ત્યારે નિર્માતાઓ બંગાળી ડબિંગ માટે બીજી કોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટ લાવવા માંગતા હતા. પરંતુ આ વખતે બિપાશા નમી નહીં. તેણે સ્પષ્ટ કહી દીધું કે, "ડાયલોગ્સ હું પોતે જ ડબ કરીશ, કારણ કે હું મારા પર્ફોર્મન્સ સાથે કોઈ જ બાંધછોડ કરવા માંગતી નથી."

બિપાશા બોલિવૂડમાં સ્થાપિત થઈ ગયા પછી તેણે પાછું વળીને જોયું નથી. જે ભારે અવાજને કારણે શરૂઆતમાં ડબિંગ કરવું પડતું હતું, એ જ તેનો ઘેરો અને હસ્કી અવાજ પાછળથી તેની સૌથી મોટી તાકાત અને અનોખી ઓળખ બની ગયો.

તેણે 'ધૂમ ૨', 'રેસ', 'કોર્પોરેટ', 'બચના એ હસીનો' અને 'રાઝ ૩' જેવી સુપરહિટ ફિલ્મોમાં પોતાના અસલી અવાજથી દર્શકોના દિલ જીતી લીધાં.

એટલું જ નહીં, ફિલ્મ 'ધૂમ ૨'ના ગીત 'માય નેમ ઇઝ અલી'માં તેણે પ્લેબેક સિંગર તરીકે પણ અવાજ આપવાનો પ્રયાસ કર્યો હતો.

જ્યારે બિપાશાએ પોતાની ફિલ્મોમાં જાતે ડબિંગ કરવાનું શરૂ કર્યું, ત્યારે વર્ષો સુધી તેને અવાજ આપનારી મોના ઘોષ શેટ્ટીએ પણ એક ઇન્ટરવ્યુમાં દિલ ખોલીને તેની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, "બિપાશાનો અસલી અવાજ ખૂબ જ યુનિક અને સેક્સી છે, જે તેના બોલ્ડ, ગ્લેમરસ અને મજબૂત વ્યક્તિત્વ સાથે 100 ટકા પરફેક્ટ મેળ ખાય છે."

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha