Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
એકલતા : મનની મૌન મહામારી

એકલતા : મનની મૌન મહામારી

“નંબર 17” બોલાતાં જ એક વ્યક્તિ અંદર આવે છે. કમ્પાઉન્ડર તેને ખુરશી પર બેસવા કહે છે. ડૉક્ટર પૂછે છે, “શું તકલીફ છે?”

“બેચેની લાગે છે, ક્યાંય ગમે નહીં, સતત વિચારો આવે છે, ઊંઘ આવતી નથી…” થોડી વાર થોભીને એ વ્યક્તિ જવાબ આપે છે.

ડૉક્ટર બધા ચેકઅપ કરે છે, થોડા બ્લડ ટેસ્ટ પણ કરાવે છે, પરંતુ બીમારીની કોઈ જ નિશાની મળતી નથી. કોઈ સંકેત ન મળતાં ડૉક્ટર કહે છે, “આ માનસિક બાબત છે, બીજું કંઈ નહીં.

થોડું હવા-પાણી બદલો, બધું ઠીક થઈ જશે.”

એ વ્યક્તિને પહેલેથી જ ખબર હતી કે આવો જ જવાબ મળશે, કારણ કે હવે આ લગભગ રોજની વાત બની ગઈ હતી. ઘરના લોકો તેને અવારનવાર ડૉક્ટર પાસે લઈ જાય, રૂટિન ચેકઅપ થાય અને દરેક વખતે રિપોર્ટ નોર્મલ આવે.

કેટલો સસ્તો શબ્દ છે - “નોર્મલ.”

પણ આ શબ્દ ત્યારે સૌથી વધારે ખૂંચે છે, જ્યારે સામેની વ્યક્તિને આપણું ગભરામણ પણ “નોર્મલ” લાગે. જ્યારે આપણી બેચેની તેને વિચલિત ન કરે. જ્યારે આપણને જે અનુભવ થાય, તે બધું જ તેને માનસિક કે ભ્રમ લાગે.

આવું માત્ર કોઈ એક વ્યક્તિ સાથે જ થતું નથી. આ વાત લગભગ દરેક વ્યક્તિની છે. દરેક વ્યક્તિ જીવનના કોઈ ને કોઈ તબક્કે આ અવસ્થામાંથી પસાર થાય છે. બીમારીનાં નામ ભલે અજાણ્યાં હોય, પરંતુ લક્ષણો લગભગ બધાનાં સરખાં હોય છે - એકલતા.

ખાસ કરીને 40-45 વર્ષની ઉંમર પછી આ અવસ્થા ઘણી અંશે સ્વાભાવિક ગણાય છે. પરંતુ આજની પરિસ્થિતિ અલગ છે, કારણ કે હવે કોઈ પણ ઉંમરે વ્યક્તિ એકલતાનો અનુભવ કરી શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અનુસાર, દુનિયાની દરેક છ વ્યક્તિમાંથી એક વ્યક્તિ એકલતાનો અનુભવ કરે છે. જ્યારે જનરેશન Zમાં લગભગ 73 ટકા યુવાનો કોઈ ને કોઈ સમયે એકલતાનો અનુભવ કરે છે.

એકલતા કોઈ બીમારી નથી, પરંતુ એવી માનસિક અવસ્થા છે, જેમાં માણસ પોતાને બીમાર સમજવા લાગે છે. લાગણીઓનો એવો પહાડ, જેનો બોજ તેના માટે અસહ્ય બની જાય છે. એવી સ્થિતિ, જેમાં તેને લાગે છે કે તેને સમજવા માટે અહીં કોઈ નથી. અને બસ, અહીંથી જ શરૂ થાય છે એકલતાનાં વિવિધ સ્વરૂપો.

ભાવનાત્મક એકલતા

ભાવનાત્મક એકલતા એવી અવસ્થા છે, જ્યારે વ્યક્તિ પોતાના જીવનસાથી, પરિવાર કે મિત્રો સાથે ભાવનાત્મક રીતે જોડાઈ શકતી નથી. કોઈ ને કોઈ કારણસર સંબંધો હોવા છતાં હૃદયનું જોડાણ બની શકતું નથી.

લગ્ન હોય, મિટિંગ હોય, મિત્રોની મહેફિલ હોય કે કોઈ પાર્ટી - થોડી વાતચીત અને વ્યવહારિક સંબંધો તો રહે છે, પરંતુ મનથી કોઈની સાથે જોડાણ અનુભવાતું નથી.

સામાજિક એકલતા

કેટલાક લોકો સ્વભાવથી એકલા રહેવાનું પસંદ કરતા હોય છે. તેમનું મિત્રવર્તુળ અને સામાજિક સંપર્ક મર્યાદિત હોય છે. આ પોતે કોઈ સમસ્યા નથી.

પરંતુ મુશ્કેલી ત્યારે શરૂ થાય છે, જ્યારે વ્યક્તિને કોઈની જરૂર હોય, છતાં તેને સતત એવું લાગે કે “હું કોઈ સાથે ફિટ નહીં બેસું” અથવા “લોકો મારા વિશે શું વિચારશે?”

સતત બીજાના અભિપ્રાયનો ભય તેમને વધુ ને વધુ અંતર્મુખ (Introvert) બનાવી દે છે અને તેઓ સામાજિક એકલતાનો શિકાર બને છે.

આ બધી સ્થિતિઓ મોટાભાગે સામાન્ય હોય છે, પરંતુ ક્રોનિક લોનલીનેસ (Chronic Loneliness) એક ગંભીર માનસિક સમસ્યા છે, જેના માટે કાઉન્સેલિંગ અથવા નિષ્ણાતની મદદ જરૂરી બની શકે છે.

જ્યારે લાંબા સમય સુધી વ્યક્તિ પોતાને સંપૂર્ણ એકલો અનુભવે, જ્યારે પરિવાર અને મિત્રો હોવા છતાં તેને કોઈ સહારો ન લાગે, જ્યારે સ્થળ બદલવાથી કે નવા લોકો મળવાથી પણ કોઈ ફરક ન પડે, જ્યારે સતત વિચારોમાં જ જીવતા જીવતા જીવનનો હેતુ જ ખોવાઈ જાય - ત્યારે સારવાર જરૂરી બની જાય છે.

જો કે, એ યાદ રાખવું જરૂરી છે કે એકલતા અને ડિપ્રેશન એક જ વસ્તુ નથી. ડિપ્રેશન એક મેડિકલ કન્ડિશન છે, જ્યારે એકલતા એક માનસિક અને સામાજિક અનુભવ છે. જોકે લાંબા સમય સુધી રહેલી એકલતા ડિપ્રેશનનું કારણ બની શકે છે.

એકલતા એક એવો મૌન રોગચાળો છે, જેને હજુ સુધી કોઈ સ્પષ્ટ મેડિકલ દરજ્જો કે ચોક્કસ દવા મળી નથી. છતાં દર વર્ષે વિશ્વભરમાં આશરે આઠ લાખ લોકોના મૃત્યુ એકલતા અને સામાજિક અલગાવ સાથે સંકળાયેલા હોવાનું વિવિધ અભ્યાસોમાં સૂચવાયું છે.

ભારત જેવા સંયુક્ત કુટુંબ અને સમૃદ્ધ સામાજિક પરંપરા ધરાવતા દેશમાં પણ અંદાજે 43 ટકા લોકો જીવનના કોઈ તબક્કે એકલતાનો અનુભવ કરે છે.

કોરોનાને આપણે મહામારી જાહેર કરી હતી. પરંતુ એવો પણ એક રોગ છે, જેમાં માણસ અંદરથી સતત તડપતો રહે છે અને તેની બાજુમાં બેઠેલી વ્યક્તિને બધું જ “નોર્મલ” લાગે છે.

ત્યારે સમજવાની જરૂર છે કે દરેક બીમારી શરીરમાં જ જન્મતી નથી; કેટલીક બીમારીઓ મનમાં પણ ઘર કરી જાય છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha