Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગિફ્ટ સિટીનો વૈશ્વિક ડંકો: વિયેતનામ સાથે ફાઇનાન્સિયલ કરાર

ગિફ્ટ સિટીનો વૈશ્વિક ડંકો: વિયેતનામ સાથે ફાઇનાન્સિયલ કરાર

ગાંધીનગર: ભારતના એકમાત્ર ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) એ વૈશ્વિક સ્તરે પોતાની પાંખો ફેલાવતા વિયેતનામમાં નવા સ્થાપિત થયેલા 'વિયેતનામ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર - દા નાંગ' (VIFC-DN) સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. વિયેતનામ જ્યારે તેનું આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સેન્ટર વિકસાવી રહ્યું છે ત્યારે આ ભાગીદારીનો મુખ્ય હેતુ સંસ્થાકીય જ્ઞાન અને શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓનું આદાનપ્રદાન કરવાનો છે.

આ માટે બંને સંસ્થાઓએ તાજેતરમાં એક મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર કર્યા છે.

ભારતના IFSCને શૂન્યથી વૈશ્વિક સ્તરે વિકસાવવાનો બહોળો અનુભવ ધરાવતી ગિફ્ટ સિટી, VIFC-DNના વિકાસપ્રવાસ દરમિયાન પોતાનું સંસ્થાકીય જ્ઞાન શેર કરશે. આ ભાગીદારી હેઠળ નાણાંકીય સેવાઓ, ફિનટેક, ડિજિટલ ઇનોવેશન અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં સહયોગ કરવામાં આવશે. આ ઉપરાંત, બંને દેશો સંયુક્ત સંશોધન, પ્રોફેશનલ એક્સચેન્જ, કોન્ફરન્સ અને સેમિનાર જેવી પહેલોમાં પણ સાથે મળીને કામ કરશે.

ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ CEO સંજય કૌલે જણાવ્યું હતું કે, "વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ફાઇનાન્શિયલ સેન્ટર્સ વિકસાવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ જરૂરી છે. આ ભાગીદારી દ્વારા અમે ગિફ્ટ સિટીના અનુભવને શેર કરીશું અને ભારત-વિયેતનામ વચ્ચેના નાણાકીય તથા વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત બનાવીશું."

ટાટા કમ્યુનિકેશન્સ અને સેપ્ટ યુનિવર્સિટી સાથે પણ કરાર

વિયેતનામ ઉપરાંત ગિફ્ટ સિટીએ પોતાની ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા માટે અન્ય બે વ્યૂહાત્મક કરારો કર્યા છે. ગિફ્ટ સિટીને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC), ટ્રેઝરી સેન્ટર્સ અને ટેક્નોલોજી કંપનીઓ માટે પસંદગીનું સ્થળ બનાવવા ટાટા કમ્યુનિકેશન્સ સાથે હાથ મિલાવ્યા છે. જ્યારે શહેરી આયોજન, ટકાઉ વિકાસ અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં સંશોધન અને જ્ઞાનની આપ-લે માટે પ્રખ્યાત સેપ્ટ (CEPT) યુનિવર્સિટી સાથે MoU કર્યા છે.

હાલમાં ગિફ્ટ સિટીમાં 1,500થી વધુ સંસ્થાઓ કાર્યરત છે. માર્ચ 2026 સુધીમાં ગિફ્ટ સિટીના આઈએફએસસીમાં બેન્કિંગ એસેટ્સનું મૂલ્ય 111 અબજ યુએસ ડોલર સુધી પહોંચ્યું હતું, જ્યારે કુલ મૂડી પ્રતિબદ્ધતા 39 અબજ યુએસ ડોલરને વટાવી ગઈ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha