અમદાવાદ: ગુજરાત અને રાજસ્થાન ATSએ સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ સિન્ડીકેટનો પર્દાફાશ કર્યો. પાકિસ્તાનથી આવેલા 5 કિલો મેથામ્ફેટામાઈન ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સની 6 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સરહદ પરથી આ નશીલા પદાર્થનો જથ્થો પાકિસ્તાની સ્મલગર મારફતે મેળવી આગળ પેડલરને ડિલીવરી થાય તે પહેલાં જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
બાતમીના આધારે નાકાબંધી
ATSના પોલીસ ઈન્સ્પેક્ટર જે. એમ. પટેલને ખાનગી બાતમી મળી હતી. જેના આધારે બંન્ને રાજ્યની સંયુક્ત ATSની ટીમે રાજસ્થાનના જેસલમેરને ગુજરાતના બનાસકાંઠા સાથે જોડતા નેશનલ હાઈવે 68 પર પેટ્રોલિંગ સાથે નાકાબંધી કરી હતી. ત્યારે 6 એપ્રિલે સાંજે 6 વાગ્યાની આસપાસ એક શંકાસ્પદ ઈકોને અટકાવવામાં આવી હતી. જેમાં ચેકિંગ કરતા બે શખસ પાસેથી પીળા રંગની થેલીમાં શંકાસ્પદ પદાર્થ મળી આવ્યા હતા.
પૂછપરછમાં મોટો ખુલાસો
આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આ મેથામ્ફેટામાઈન પાકિસ્તાનના થારપારકર વિસ્તારના મસાત મુબારક નામના એજન્ટે બાડમેર જિલ્લામાં ડ્રોપ કરાવ્યો હતો. જેની સાથે ભારતના ડ્રગ્સ ડિલર વોટ્સએપના માધ્યમથી સંપર્કમાં હતા. એટલું જ નહીં આરોપીના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડ અને વિડીયો જેવા પુરાવા પણ મળી આવ્યા છે. જે સમગ્ર નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવામાં મદદરૂપ થઈ શકે તેમ છે. આગળ આ કેસમાં વધુ લોકોની ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

