Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગુજરાતમાં કાચબાના રક્ષણ માટે પ્રથમવાર ફિશિંગ નેટમાં 'ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ'

ગુજરાતમાં કાચબાના રક્ષણ માટે પ્રથમવાર ફિશિંગ નેટમાં 'ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ'

ગાંધીનગર: દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ અને સીફૂડ નિકાસ ક્ષેત્રને વૈશ્વિક ઓળખ આપવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત રાજ્ય હવે પ્રથમવાર માછીમારોની ફિશિંગ નેટ (ટ્રોલનેટ) માં 'ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ' (TED) અપનાવશે.

મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીના જણાવ્યા અનુસાર, 'પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના' અંતર્ગત રાજ્યના ૮,૯૨૫ માછીમારોને ૧૦૦% સરકારી સહાય સાથે વિનામૂલ્યે આ ઉપકરણો પૂરાં પાડવામાં આવશે.

કુલ રૂ. ૨૦.૯૬ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ આકાર પામશે. ભારત સરકાર દ્વારા દેશભરમાંથી સૌથી વધુ TED યુનિટ્સ એકમાત્ર ગુજરાત માટે મંજૂર કરવામાં આવ્યા છે.

આ ડિવાઇસ ઝીંગા પકડવાની જાળીમાં લગાડવામાં આવતું એક એવું સાધન છે, જે ઝીંગાને જાળમાં રાખી કાચબા જેવા મોટા દરિયાઈ જીવોને ‘એક્ઝિટ ફ્લેપ’ દ્વારા સુરક્ષિત રીતે બહાર નીકળવામાં મદદરૂપ બને છે. આ મોડેલ ICAR – સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ ટેકનોલોજી (CIFT), કોચી દ્વારા અમેરિકાના NOAAના વૈશ્વિક માપદંડો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે.

માછીમારી દરમિયાન દરિયાઈ કાચબાઓને થતા જોખમને કારણે અમેરિકા દ્વારા ભારતીય 'વાઇલ્ડ કોટ શ્રિમ્પ' (દરિયાઈ ઝીંગા)ની આયાત પર અંકુશ મુકાયો હતો. હવે TEDના ઉપયોગથી આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેશન્સ મેળવવું સરળ બનશે, જેનાથી અમેરિકા સહિતના વૈશ્વિક બજારોમાં ગુજરાતના સીફૂડની નિકાસ ફરી ઝડપથી શરૂ થશે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં લેવાયેલો આ નિર્ણય પર્યાવરણીય સંતુલન સાથે ગુજરાતની 'બ્લુ ઇકોનોમી'ને નવી ઊંચાઈ આપશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha