Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IND vs SL : પ્રથમ ટેસ્ટમાં ભારતની જીત લગભગ નક્કી

IND vs SL : પ્રથમ ટેસ્ટમાં ભારતની જીત લગભગ નક્કી

ગૉલ (Galle) ખાતે રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમે મેચ પર પોતાની પકડ સંપૂર્ણપણે મજબૂત કરી લીધી છે. પ્રથમ ઇનિંગ્સમાં 178 રનની વિશાળ લીડ મેળવ્યા બાદ ભારતીય ટીમ બીજી ઇનિંગ્સમાં 193 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ભારતે યજમાન શ્રીલંકાને જીતવા માટે 372 રનનો લક્ષ્‍યાંક આપ્યો છે. જવાબમાં ચોથા દિવસના રમતના અંતે શ્રીલંકાએ 84 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી છે.

સ્ટમ્પના સમયે કેપ્ટન ધનંજય ડી સિલ્વા 73 બોલમાં 31 રન અને પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારનાર સોનલ દિનુશા 36 બોલમાં 25 રન બનાવી અણનમ રહ્યા છે. હવે પાંચમા અને અંતિમ દિવસે શ્રીલંકાને જીત માટે વધુ 288 રનની જરૂર છે, જ્યારે ભારતને આ ટેસ્ટ મેચ જીતવા માટે માત્ર 6 વિકેટની જરૂર છે.

માનવ સુથારની સ્પિનમાં ફસાયું શ્રીલંકાનું ટોપ ઓર્ડર

બીજી ઇનિંગ્સમાં 372 રનના લક્ષ્‍યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમનો ટોપ ઓર્ડર ભારતીય બોલિંગ સામે તકેદારી રાખી શક્યો નહીં. નિશાન મદુશંકા 27 બોલમાં 06 રન બનાવી આઉટ થયો હતો. દિનેશ ચંડીમલના કનકશન સબ્સ્ટિટ્યૂટ (Concussion Substitute) તરીકે આવેલા પાસિંદુ સૂરિયાબંદારા 00 રને આઉટ થયો હતો. ત્યારબાદ કામિંદુ મેન્ડિસ પણ માત્ર 02 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. 21 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન ધનંજય ડી સિલ્વા અને લાહિરુ ઉદારા વચ્ચે 26 રનની ભાગીદારી થઈ હતી. પરંતુ ભારતીય સ્પિનર માનવ સુથારે ઉદારાને 58 બોલમાં 16 રનના સ્કોર પર આઉટ કરીને 47 ના કુલ સ્કોર પર શ્રીલંકાને ચોથો ઝટકો આપ્યો હતો.

દિનુશા અને સિલ્વાની લડાયક ભાગીદારી

47 રનમાં 4 વિકેટ પડી ગયા બાદ સોનલ દિનુશા અને ધનંજય ડી સિલ્વાએ 74 બોલમાં 37 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરીને દિવસના અંત સુધી વધુ વિકેટ પડવા દીધી નહોતી. દિનુશા 36 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 25 રને અને સિલ્વા 73 બોલમાં 3 ચોગ્ગા સાથે 31 રને રમતમાં છે. ભારત તરફથી માનવ સુથારે શાનદાર બોલિંગ કરતા 11 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ ઝડપી છે. આ સિવાય મોહમ્મદ સિરાજે 5 ઓવરમાં 11 રન આપીને 1 વિકેટ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 1 વિકેટ મેળવી છે. બીજી ઇનિંગ્સમાં કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાને હજુ સુધી કોઈ વિકેટ મળી નથી.

બીજી ઇનિંગ્સમાં ભારત 193 રનમાં ઓલઆઉટ

આ પહેલાં ચોથા દિવસે ભારતીય ટીમ પોતાની બીજી ઇનિંગ્સમાં 193 રન બનાવી શકી હતી. ભારત માટે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે સૌથી વધુ 66 રનનું યોગદાન આપ્યું હતું. આ ઇનિંગ્સ દરમિયાન પંતે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 100 સિક્સર પણ પૂરા કર્યા હતા અને તે ટેસ્ટમાં 100 સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. પ્રથમ ઇનિંગ્સમાં 167 રન બનાવનાર દેવદત્ત પડિક્કલે બીજી ઇનિંગ્સમાં 44 રન બનાવ્યા હતા. આ ઉપરાંત કેએલ રાહુલે 35 રનનું યોગદાન આપ્યું હતું. યશસ્વી જેસ્વાલ 00, કેપ્ટન શુભમન ગિલ 08, ધ્રુવ જુરેલ 07, રવીન્દ્ર જાડેજા 09 અને માનવ સુથાર 09 રન બનાવી આઉટ થયા હતા. શ્રીલંકા તરફથી અસિથા ફર્નાન્ડોએ 4 વિકેટ, પ્રભાત જયસૂર્યાએ 3 વિકેટ અને લાહિરુ કુમારાએ 2 વિકેટ મેળવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha