Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગરમાં મુકેશ અંબાણીએ અમેરિકાના વિદેશ મંત્રી રૂબિયોનું કર્યું સ્વાગત

જામનગરમાં મુકેશ અંબાણીએ અમેરિકાના વિદેશ મંત્રી રૂબિયોનું કર્યું સ્વાગત

જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તથા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરનું જામનગર ખાતે સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન માર્કો રૂબિયો અને સર્જિયો ગોરે રિલાયન્સના વિશાળ રિફાઇનરી સંકુલની મુલાકાત પણ લીધી હતી.

મુલાકાત દરમિયાન અમેરિકાના પ્રતિનિધિઓને રિફાઇનરીની આધુનિક ટેક્નોલોજી, વિશાળ ઉત્પાદન ક્ષમતા અને સંકલિત કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, રિલાયન્સની નવી ઊર્જા ક્ષેત્રની ગીગા-ફેક્ટરીઓ, જે તબક્કાવાર શરૂ કરવાની પ્રક્રિયામાં છે, તેમજ નિર્માણાધીન ડેટા સેન્ટરો વિશે પણ રજૂઆત કરવામાં આવી હતી.

ઊર્જા અને ડિજિટલ ક્ષેત્રમાં સહયોગની તકો પર ચર્ચા

રિલાયન્સ દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતીમાં જામનગરને અદ્યતન ઉત્પાદન, ઊંડા ટેક્નોલોજીકલ સંશોધન અને નવીનતાના કેન્દ્ર તરીકે વિકસાવવાની લાંબા ગાળાની યોજનાનો પણ સમાવેશ થયો હતો.આ મુલાકાત દરમિયાન વૈશ્વિક ઊર્જા ક્ષેત્રની સ્થિતિ, વિશ્વસનીય અને પરવડે તેવી ઊર્જાની ઉપલબ્ધતા, નવી ટેક્નોલોજી, સપ્લાય ચેઇનની મજબૂતી અને વધતી માંગને પહોંચી વળવા જરૂરી રોકાણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

અમેરિકન કંપનીઓ સાથે વ્યાપારી સહયોગની શક્યતા

ઊર્જા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે વધતા સંબંધો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ડેટા સેન્ટરોના સંચાલન માટે વિશ્વસનીય વીજળીની જરૂરિયાત અને ડિજિટલ અર્થતંત્રના વિસ્તરણ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને અદ્યતન ઉત્પાદન ક્ષેત્રે ભારત અને અમેરિકાની કંપનીઓ વચ્ચે સહયોગની સંભાવનાઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. રિલાયન્સે આ મુલાકાતને ઉદ્યોગ ક્ષેત્રના વિચારોની આપ-લે અને પરસ્પર વ્યાપારી હિતના ક્ષેત્રો શોધવાની રચનાત્મક તક ગણાવી હતી. કંપનીએ અમેરિકાના વિદેશ મંત્રી અને રાજદૂતની મુલાકાત બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha