Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
માફિયાઓનો ફિલ્મી ખેલ. ડૉન કોરલિઓનથી લોરેન્સ બિશ્નોઈ સુધી!

માફિયાઓનો ફિલ્મી ખેલ. ડૉન કોરલિઓનથી લોરેન્સ બિશ્નોઈ સુધી!

એક સુપરસ્ટાર, એક ખૂનખાર ગૅંગ, ધમકીભર્યા મેસેજ, હાઈ-સિક્યૉરિટી બંગલો, તગડા બાઉન્સર્સ… -અને એક સવાલઃ હવે કોનો નંબર?

ના, આ કોઈ નવી ક્રાઈમ વેબ સિરીઝની ઝલક નથી. અહીં પાત્રો કાલ્પનિક નથી અને ટેન્શન પણ માત્ર સ્ક્રીન પૂરતું સીમિત નથી… જે છે એ બધું હકીકત છે.

સલમાન ખાનને નિશાન બનાવતી ધમકીઓ અને ટાઈગર શ્રોફને ટાર્ગેટ કરવાના કથિત પ્રયાસોએ બોલિવૂડના ગ્લેમર પાછળ છુપાયેલા એક જૂના સવાલને ફરી જીવંત કર્યો છેઃ શું અંડરવર્લ્ડ ફિલ્મી દુનિયામાં ફરી પગપેસારો કરવા માગે છે?

કારણ કે માફિયાની દુનિયામાં એક નિયમ છે કે સત્તાની ખુરશી લાંબો સમય ખાલી રહેતી નથી.

બરસો પુરાના હૈ યે યારાના…

બોલિવૂડ અને અંડરવર્લ્ડનો સંબંધ નવીનવાઈની વાત નથી. હકીકતમાં બંનેનો સંબંધ એટલો જૂનો છે કે હિન્દી ફિલ્મઉદ્યોગના ઈતિહાસનો એક ભાગ જાણે ગુનાખોરીની દુનિયા સાથે જોડાઈ ગયો છે. એક સમય હતો, જ્યારે નિર્માતાઓને બેંકો પાસેથી ફિલ્મ બનાવવા લોન મેળવવામાં મુશ્કેલી પડતી. ફિલ્મ ઉદ્યોગને જોખમી વ્યવસાય માનવામાં આવતો. ફિલ્મ હિટ થશે કે નહીં તેની કોઈ ગેરન્ટી નહીં. આવા સંજોગોમાં અમુક ફિલ્મનિર્માતાઓ માટે અંડરવર્લ્ડ પાસેથી નાણાં મેળવવાનો રસ્તો ખૂલ્યો. તે પછી માફિયા માત્ર ફિલ્મો જોનારો કે ફિલ્મકલાકારોની દોસ્તી રાખવા માગતો વર્ગ ન રહ્યો. એ તો ફિલ્મો પાછળ નાણાં લગાવનાર અને એ નાણાંના જોરે પ્રભાવ જમાવનાર ખેલાડી પણ બન્યો.

આ સંદર્ભમાં હાજી મસ્તાન મહત્ત્વનું નામ છે. મુંબઈના અંડરવર્લ્ડના ઈતિહાસમાં હાજી મસ્તાનની ઓળખ એક એવા ક્રમિનિનલ તરીકે રહી છે, જેણે પોતાને માત્ર ગેંગસ્ટર પૂરતી સીમિત ન રાખ્યો, પરંતુ સેલિબ્રિટી જેવી જીવનશૈલી અને જાહેર પ્રતિષ્ઠા પણ ઊભી કરી. તેની આસપાસની દુનિયામાં ફિલ્મી ચમકદમક અને ગુનાખોરી વચ્ચેની સરહદ ઘણી વાર ઝાંખી થતી જોવા મળી.

પછી દાઉદ ઇબ્રાહિમની ડી-કંપની જેવી સંગઠિત ગુનાખોરીની ટોળકીઓનો પ્રભાવ વધ્યો. ફિલ્મમાં કોને લેવા, કોને કાઢી મૂકવા ત્યાંથી લઈને, કલાકાર, નિર્માતાઓને પ્રોટેક્શન, કોઈ કલાકાર ટાઈમસર શૂટિંગમાં ન આવતો હોય તો એના ઘરેથી ઊંચકી લાવવા સુધીની "મદદ" એની પાસેથી મળી રહેતી. બોલિવૂડમાં અંડરવર્લ્ડની ચરમસીમા ત્યારે આવી જ્યારે 'ટી સિરીઝ'ના ગુલશનકુમારે જીવ ખોયો, એ હત્યામાં સંડોવાયેલા હોવાનું મનાતા સંગીતકાર નદીમે દેશ છોડ્યો, પ્રોડ્યુસર મુકેશ દુગ્ગલની હત્યા, રાકેશ રોશન પર જીવલેણ હુમલો, 'ત્રિદેવ' જેવી ફિલ્મના સર્જક રાજીવ રાયને ખંડણીની ધમકી મળતાં એમણે દેશ છોડી દીધો, મનીષા કોઈરાલાના સેક્રેટરી અજિત દેવાણીની હત્યા, વગેરે વગેરે.

હોલિવૂડ પણ આ માયાજાળથી બચ્યું નથી!

અમેરિકાના હોલિવૂડમાં પણ ગુનાખોરીની દુનિયાએ એક સમયે ફિલ્મઉદ્યોગના અનેક પાસાં પર પ્રભાવ પાડ્યો હતો. આ સમજવા માટે 'હોલિવૂડ ક્રાઈમ સ્ટોરીઃ ધ મોબ ટેક્સ ઓવર ધ મૂવીઝ' નામની ડોક્યુસિરીઝ ('પ્રાઈમ વિડિયો') જોવી જોઈએ. વાસ્તવિક ઘટનાઓ, દસ્તાવેજો, સાક્ષીઓ અને ઐતિહાસિક વિગતોના આધારે તૈયાર કરવામાં આવેલી આ દસ્તાવેજી શ્રેણી હોલિવૂડમાં માફિયાની ભૂમિકા અને તેના પ્રભાવને સમજવાનો પ્રયાસ કરે છે, જેમાં ખાસ ઉલ્લેખ થાય છે સુપર મોબનો. 'ધ મોબ' એટલે અમેરિકામાં ગુનાખોરી સાથે સંકળાયેલા પ્રભાવશાળી લોકોનું નેટવર્ક. આ લોકો સડક પરના ટપોરીબાજ નહોતા, પણ જાણે મોટી કંપની ચલાવતા હોય એમ વ્યવસ્થિત કારોબાર ચલાવતા.

હોલિવૂડની માફિયાસંસ્કૃતિની વાત 'ધ ગોડફાધર'ના ઉલ્લેખ વિના વાત અધૂરી રહે. 1972માં આવેલી આ ફિલ્મના દિગ્દર્શક ફ્રાન્સીસ ફૉર્ડ કપોલા હતા. માફિયા ડોન કોરલિઓન-પરિવારની વાર્તા દ્વારા અમેરિકામાં માફિયાનું સામ્રાજ્ય, પરિવાર પ્રત્યેની વફાદારી, સત્તાની લાલસા, હિંસા અને રાજકીય-આર્થિક સંબંધોની જટિલ દુનિયા રજૂ કરવામાં આવી હતી.

ફિલ્મની સફળતાએ માફિયાની દુનિયાને લોકપ્રિય સંસ્કૃતિનો મહત્ત્વનો હિસ્સો બનાવી. માફિયા લોકોની લાઈફસ્ટાઈલ, તેમની બોલવાની રીત, મિટિંગ કરવાની સ્ટાઈલ અને બૉસ પ્રત્યે વફાદારી દર્શાવવાની રીત લોકપ્રિય બની. જેમ કે ફિલ્મમાં ‘કિસિંગ ધ રિંગ’નું દશ્ય છે. માફિયા બૉસ પ્રત્યે આદર અને વફાદારી દર્શાવવા તેની વીંટીનું ચુંબન કરવામાં આવે છે.

આપણે ત્યાં પણ અમુક ગુનાખોર પાત્રોનાં જીવન (હાજી મસ્તાન, ડી-કંપની, અબ્દુલ લતીફ, મન્યા સુર્વે, છોટા રાજન વગેરે)થી પ્રેરિત ફિલ્મો બની છે.

અબ વો બાત રહી નહીં…

સમય જતાં ફિલ્મઉદ્યોગનું સ્વરૂપ બદલાયું. એક સમયે નિર્માતાઓ, ખાનગી ધિરાણ આપનારાઓ અને ફિલ્મી સિતારાઓની આસપાસ કેન્દ્રિત રહેતો કારોબાર ધીમે ધીમે વધુ સંગઠિત અને કોર્પોરેટ બન્યો. આ પરિવર્તનથી ફિલ્મનિર્માણ અને ફિલ્મોમાં રોકાણની પ્રક્રિયા વધુ વ્યવસ્થિત બની. બેંકો, મોટી કંપનીઓ, આંતરરાષ્ટ્રીય સ્ટુડિયો અને અન્ય સંસ્થાકીય રોકાણકારો માટે ફિલ્મઉદ્યોગનાં દ્વાર ખૂલ્યાં. પરિણામે ફિલ્મો બનાવવા માટે ગુનાખોર નેટવર્ક પરની નિર્ભરતા અમુક અંશે ઘટી.

બીજું મોટું પરિવર્તન આવ્યું ઓટીટી અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના આગમનથી. નેટફ્લિક્સ, પ્રાઈમ વિડિયો જેવી સેવાઓએ ફિલ્મો અને વેબ સિરીઝના નિર્માણ તથા વિતરણ માટે નવા રસ્તા ખોલ્યા. હવે મનોરંજનનું અર્થતંત્ર માત્ર થોડા મોટા નિર્માતા કે સ્ટુડિયોની આસપાસ ફરતું નથી. અલગ-અલગ શહેરોમાં, અલગ-અલગ કંપનીઓ અને નિર્માતાઓ દ્વારા ફિલ્મ-શોનાં નિર્માણ થવા લાગ્યાં.

આ ફેરફારોએ જૂના પ્રકારના માફિયાની પકડ નબળી પાડવામાં મદદ કરી, પરંતુ તેનો અર્થ એવો નથી કે ફિલ્મઉદ્યોગ હવે ગુનાખોરીથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો છે. જ્યાં પૈસાની રેલમછેલ હોય, લોકપ્રિયતા અને જાહેર પ્રભાવ હોય ત્યાં ગેરકાયદે રીતે ફાયદો મેળવવા માગતાં તત્ત્વો પ્રવેશવાનો પ્રયાસ કરી જ શકે. એટલે જ લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ સાથે જોડાયેલી ઘટનાઓને માત્ર એકાદ સેલિબ્રિટીને આપવામાં આવેલી ધમકી તરીકે જોવી પૂરતી નથી.

એક સ્ટાર, એક ગૅંગ ને સતત જોખમના ઓછાયા

લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ અને સલમાન ખાન વચ્ચેનો વિવાદ જાહેર ચર્ચામાં આવ્યો ત્યારથી અભિનેતાની સુરક્ષાનો મુદ્દો વારંવાર સામે આવ્યો છે. આ ગૅંગે સલમાન ખાનને નિશાન બનાવવાના પ્રયાસો કર્યા હોવાના આરોપો અને ધમકીઓએ ફિલ્મઉદ્યોગમાં ચિંતા ઊભી કરી છે.

બિશ્નોઈ સમુદાયની ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓને ઠેસ પહોંચાડવાના આક્ષેપો આ વિવાદના કેન્દ્રમાં રહ્યા છે. કાળિયારના શિકાર સાથે જોડાયેલા જૂના કેસને કારણે પણ સલમાન ખાનનું નામ આ વિવાદમાં સતત ચર્ચાતું રહ્યું છે. બિશ્નોઈ સમુદાય કાળિયારને ધાર્મિક-સાંસ્કૃતિક દૃષ્ટિએ મહત્ત્વ આપે છે.

સલમાન ખાનનો વિશાળ ચાહકવર્ગ છે, એનો ફિલ્મોનો મોટો વ્યવસાય છે, મનોરંજન ઉદ્યોગમાં નોંધપાત્ર પ્રભાવ છે. આવી વ્યક્તિને નિશાન બનાવવાથી ગુનાખોર જૂથને સમાચારોમાં સ્થાન મળે છે, તેની ધાકનો પ્રચાર થાય છે અને પોતાનું, ગેંગનું નામ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રાખવાની તક પણ મળી શકે.

આવી રહ્યું છે બોલિવૂડનું નવું અંડરવર્લ્ડ?

અત્યારે સૌથી મોટો સવાલ એક જ છેઃ શું બોલિવૂડમાં જૂના અંડરવર્લ્ડના પ્રભાવનું સ્થાન કોઈ નવું ગુનાખોર નેટવર્ક લેવા માગે છે?

ઓકે, કોઈ ગૅંગ દ્વારા ફિલ્મી હસ્તીઓને ધમકી આપવામાં આવે, કોઈ અભિનેતા સાથેના સંબંધને કારણે અન્ય કલાકારને નિશાન બનાવવાનો પ્રયાસ થાય કે ફિલ્મઉદ્યોગમાં ભયનું વાતાવરણ ઊભું થાય તો તે ગંભીર બાબત છે, પરંતુ આવી ઘટનાઓના આધારે કોઈ નવી ટોળીએ ફિલ્મઉદ્યોગ પર કબજો જમાવી લીધો છે એવું માની લેવું પ્રોપર નથી, પરંતુ આવા પ્રયાસો માત્ર ધાક જમાવવા પૂરતા ન રહે અને ફિલ્મોના આર્થિક વ્યવહારો, નિર્માતાઓ, કલાકારો કે અન્ય વ્યવસાયિક નિર્ણયો પર પ્રભાવ પાડવાની દિશામાં આગળ વધે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે.

આખરે ફિલ્મઉદ્યોગની સાચી તાકાત તેની વાર્તાઓ, કલાકારો અને સર્જનાત્મકતામાં છે, ધાકધમકી કે ગુનાખોરીમાં નહીં. બોલિવૂડને અંડરવર્લ્ડના પ્રભાવથી દૂર રાખવું હોય તો ફિલ્મી ચમકદમકની પાછળ ચાલતા આર્થિક વ્યવહારો પારદર્શક હોવા જોઈએ, કલાકારો અને નિર્માતાઓની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ અને ધમકી આપનારાઓ સામે કાયદો અસરકારક રીતે કામ કરવો જોઈએ, કારણ કે ફિલ્મના પડદા પર માફિયાનો ખેલ ભલે દર્શકોને રોમાંચિત કરે, પરંતુ એ જ ખેલ વાસ્તવિક જીવનમાં શરૂ થાય ત્યારે તેનો અંત મનોરંજન નહીં, ભય અને અસુરક્ષામાં આવે છે. લોરેન્સ બિશ્નોઈ અમદાવાદની સાબરમતી જેલમાંથી ને એનો ભાઈ અનમોલ બિશ્નોઈ તિહાર જેલમાંથી, જાણે કોઈ કંપનીનો વહીવટ કરતા હોય એમ, કારભાર ચલાવે એ ખરેખર આશ્ચર્યકારક છે.

ઓ હેલ્લો, પડદા પર ગૅંગસ્ટરની એન્ટ્રી તાળીઓ પડાવી શકે છે, પણ વાસ્તવિક દુનિયામાં માફિયાની એન્ટ્રી આખા ઉદ્યોગની ઊંઘ હરામ કરી શકે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha