નવી દિલ્હીઃ સામાન્ય વ્યક્તિના રસોડા અને દૈનિક બજેટ પર ફરી એક વાર મોંઘવારીનો પ્રહાર થવાનો છે. કાચા તેલના વધતા ભાવ અને ડોલર સામે રૂપિયો નબળો પડતાં FMCG કંપનીઓનો ખર્ચ વધી ગયો છે. નવા નાણાકીય વર્ષ (FY27)ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન) દરમિયાન સાબુ, તેલ અને પેઇન્ટ જેવી વસ્તુઓના ભાવમાં લગભગ ત્રણથી ચાર ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે.
ભાવ કેમ વધી રહ્યા છે?
કોઈ પણ FMCG કંપનીના કુલ ખર્ચમાં લગભગ 15થી 20 ટકા ભાગ માત્ર પેકેજિંગ - એટલે કે પ્લાસ્ટિકની બોટલો, ઢાંકણ અને રેપરમાં જાય છે. ક્રૂડ ઓઇલ મોંઘું થતાં પોલીપ્રોપિલિન અને પોલીથિલિન જેવા પેટ્રોકેમિકલ્સના ભાવ વધી ગયા છે, જેને કારણે પેકેજિંગ ખર્ચ વધ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ લગભગ $100 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. પેઇન્ટ કંપનીઓ માટે લગભગ 40 ટકા કાચો માલ ક્રૂડ ડેરિવેટિવ્સ સાથે જોડાયેલો હોવાથી તેમની ઉત્પાદન કિંમત વધી રહી છે અને પરિણામે પ્રોડક્ટના ભાવ વધવાની શક્યતા છે.
આ વસ્તુઓ પર સૌથી વધુ અસર પડશે
રિપોર્ટ મુજબ કેટલીક કેટેગરીમાં ભાવમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે:
પેઇન્ટ ઉદ્યોગ: એશિયન પેઇન્ટ્સ અને બર્જર પેઇન્ટ્સ જેવી કંપનીઓએ પહેલેથી જ ભાવોમાં ફેરફાર શરૂ કરી દીધો છે. બર્જર પેઇન્ટ્સે માર્ચના અંતથી ભાવ વધાર્યા છે, જ્યારે એશિયન પેઇન્ટ્સ એપ્રિલના મધ્યથી મોટા ભાવવધારા કરી શકે છે.
સાબુ અને ડિટર્જન્ટ: નાહવાના સાબુ અને કપડાં ધોવાના પાઉડરના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે.
ખાદ્ય તેલ: એડિબલ ઓઇલ સેક્ટર પણ વધતા ખર્ચના દબાણ હેઠળ છે.
મિડલ ઈસ્ટ સંકટ અને વિદેશી વેપાર
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે ખાડી દેશોમાં વ્યવસાય કરતી ભારતીય કંપનીઓની ચિંતા વધી છે. ડાબર અને ઈમામી જેવી કંપનીઓની કુલ વેચાણમાં લગભગ છ ટકા હિસ્સો મિડલ ઈસ્ટમાંથી આવે છે. યુદ્ધની સ્થિતિને કારણે ત્યાં સપ્લાય ચેન અને ઇન્શ્યોરન્સ ખર્ચ વધી ગયા છે. માલ વહન કરવાનાં ભાડાં વધતાં એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કરતી કંપનીઓના માર્જિન પર દબાણ વધી રહ્યું છે.

