Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મુખ્યમંત્રીએ કોકલીયર ઈમ્પ્લાન્ટના લાભાર્થી સાથે એક્વાટિક ગેલેરી નિહાળી

મુખ્યમંત્રીએ કોકલીયર ઈમ્પ્લાન્ટના લાભાર્થી સાથે એક્વાટિક ગેલેરી નિહાળી

મદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોકલીયર ઈમ્પ્લાન્ટ એક્સ્ટર્નલ સ્પીચ પ્રોસેસર રિપ્લેસમેન્ટ પ્રોગ્રામના લાભાર્થી બાળકો સાથે મુલાકાત કરી. સાયન્સ સિટી ખાતે લાભ મેળવનારા ૨૦ બાળક સાથે સહજ અને આત્મીય સંવાદ સાધ્યો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રીએ બાળકો સાથે 'એક્વાટિક ગેલેરી' નિહાળી હતી અને રંગબેરંગી માછલીઓ જોઈને રાજી થતાં માસૂમોનો ઉત્સાહ વધાર્યો હતો.

વાણી મળ્યા બાદ મુખ્યમંત્રી સાથે વાત કરવા મળતાં બાળકોના ચહેરા ખીલી ઊઠ્યા હતા. મુલાકાત દરમિયાન બાળકોના વાલીઓએ ભાવુક થઈને મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. સોનલબેન ભાવસાર અને ઋતુલ પંચાલ જેવા વાલીઓએ જણાવ્યું કે, સામાન્ય પરિવારો માટે આ અત્યંત મોંઘી સર્જરી અને સ્પીચ થેરાપીની સારવાર કરાવવી અશક્ય હોય છે. ત્યારે સરકાર સોલા સિવિલ જેવી હોસ્પિટલો મારફતે આ સારવાર તદ્દન વિનામૂલ્યે પૂરી પાડી રહી છે. સરકારે તેમના પરિવારોને મોટી આર્થિક-માનસિક ચિંતામાંથી ઉગાર્યા છે. મુખ્યમંત્રીએ પણ અપીલ કરી હતી કે સમાજમાં હજુ પણ આવા જરૂરિયાતમંદ બાળકો હોય તો તેમને આ યોજનાનો લાભ અપાવવા સૌ માર્ગદર્શન પૂરું પાડે. શું છે આ યોજના?

  • નિઃશુલ્ક સારવાર: ૬ વર્ષ સુધીની ઉંમરના સંપૂર્ણ બહેરાશ ધરાવતા બાળકોને તદ્દન વિનામૂલ્યે કોકલીયર ઈમ્પ્લાન્ટ કરી આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધીમાં ૩૫૦૦થી વધુ બાળકોની આવી સર્જરી કરાઈ છે.

  • ₹૩.૫ લાખનું પ્રોસેસર મફત: બજારમાં અંદાજે ₹૩.૫ લાખની કિંમત ધરાવતું ‘એક્સ્ટર્નલ સ્પીચ પ્રોસેસર’ (જે બહારના અવાજને કાનની અંદર પહોંચાડે છે) આવે છે. દૈનિક ઘસારા કે ખામીના કારણે જો બગડી જાય, તો રાજ્ય સરકાર તેને એક વાર તદ્દન વિનામૂલ્યે રિપ્લેસ કરી આપે છે. અત્યાર સુધીમાં ૪૦૧ બાળકોને આ નવો નિર્ણય કરીને સ્પીચ પ્રોસેસર બદલી આપવામાં આવ્યા છે.

 આ કાર્યક્રમમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સેક્રેટરી પી. ભારતી, ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડૉ. રતનકંવર ગઢવી ચારણ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha