Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
નેપાળમાં આવેલા પૂરથી ઓછામાં ઓછા 105 ભારતીય પ્રવાસીઓ લાપતા

નેપાળમાં આવેલા પૂરથી ઓછામાં ઓછા 105 ભારતીય પ્રવાસીઓ લાપતા

વી દિલ્હીઃ ભારતના પાડોશી દેશ નેપાળમાં બુધવારે વહેલી સવારે અચાનક આવેલા પૂરે ભારે વિનાશ વેર્યો છે. નેપાળ ટુરિઝમ બોર્ડ અનુસાર નેપાળના રસુવા વિસ્તારમાં અચાનક આવેલા પૂરમાં લાપતા થયેલા 291 વિદેશી નાગરિકોમાં ઓછામાં ઓછા 105 ભારતીય પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નેપાળના 93 નાગરિકો પણ લાપતા હોવાનું જણાવાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ પૂર તિબેટ તરફથી અચાનક આવેલા પાણીના પ્રવાહને કારણે આવ્યું હતું.

આ વિનાશ બાદ નેપાળના વડા પ્રધાન બાલેન્દ્ર શાહે ઈમર્જન્સી બેઠક બોલાવી છે.

384 પ્રવાસીઓ લાપતા હોવાના સમાચાર

નેપાળ ટુરિઝમ બોર્ડે જણાવ્યું હતું કે બુધવારે સવારે લગભગ 8:30 વાગ્યે રસુવાની ભોટેકોશી નદીમાં અચાનક પૂર આવ્યા બાદ નેપાળ ટુરિઝમ બોર્ડ, ટૂરિસ્ટ પોલીસ અને પર્યટન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેલા અથવા ત્યાંથી પસાર થઈ રહેલા પ્રવાસીઓ અને મુસાફરોને શોધવા તેમ જ તેમની સુરક્ષાની સ્થિતિ જાણવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

પર્યટન અને ટ્રાવેલ કંપનીઓ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી કુલ 384 મુસાફરો લાપતા હોવાના અહેવાલ છે. તેમાં 291 વિદેશી અને 93 નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે. આ માહિતીની ટ્રાવેલ એજન્સીઓ, ગાઇડ્સ, સ્થાનિક અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓ સાથે મળીને પુષ્ટિ અને તપાસ કરવામાં આવી રહી છે.

નેપાળમાં બુધવાર, 26 ઓગસ્ટે અચાનક આવેલા ભારે પૂરને કારણે અનેક લોકો લાપતા થયા છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 8 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. આ પૂરે તિબેટની સરહદ નજીક આવેલા વિસ્તારોમાં અનેક ગામો અને પ્રોજેક્ટ સાઇટ્સને તબાહ કરી નાખ્યા છે. સવારે લગભગ નવ વાગ્યે (સ્થાનિક સમય મુજબ) ભોટેકોશી નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. એવું કહેવાય છે કે આ પાણી તિબેટ તરફથી આવ્યું હતું. નેપાળ સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે પાણીનું સ્તર અચાનક વધવાથી રસુવા જિલ્લાના ટિમુરે અને આસપાસના સ્યાફ્રુબેસી વિસ્તારમાં ભારે તબાહી થઈ છે. અનેક વાહનો, સામાન અને અન્ય સંપત્તિ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha