નવી દિલ્હીઃ તિબેટ તરફથી અચાનક આવેલી ભયાનક પૂરે નેપાળના રસુવા જિલ્લાના ટિમુરે બજાર વિસ્તારમાં ભારે તબાહી મચાવી છે. લેન્દે ખોલા (ભોટેકોશી)માં આવેલા પૂરને કારણે રસુવા બોર્ડર ચેકપોસ્ટ પર મોટા પાયે નુકસાન થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટિમુરે સહિત આસપાસનાં બે બજારો સંપૂર્ણપણે તબાહ થયાં છે. આ તબાહીમાં 1000 લોકો તણાયા હોવાની આશંકા છે.
જોકે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
બજાર અને કસ્ટમ ઓફિસ વિસ્તારમાં ભારે નુકસાન
રસુવાના સહાયક મુખ્ય જિલ્લા અધિકારી ધ્રુવ પ્રસાદ અધિકારીના જણાવ્યાનુસાર પૂરને કારણે બજાર અને કસ્ટમ ઓફિસ વિસ્તારમાં પણ ભારે નુકસાન થયું છે. તેમણે જણાવ્યું હતું કે રસુવા ભન્સાર વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહનો અને અન્ય સામાન રાખવામાં આવ્યો હતો, જે પૂરમાં તણાઈ ગયો છે.
બુધવારે સવારે લગભગ નવ વાગ્યે આવ્યું પૂર
જિલ્લા પોલીસ કચેરી રસુવાના જણાવ્યાનુસાર બુધવારે સવારે લગભગ નવ વાગ્યે અચાનક આવેલા ભયાનક પૂરને કારણે ટિમુરે બજારની વસાહત પ્રભાવિત થઈ હતી. રસુવાના મુખ્ય જિલ્લા અધિકારી નરેન્દ્ર પરિયારે જણાવ્યું કે અચાનક આવેલા પૂરના કારણે નીચાણવાળા નદીકાંઠાના વિસ્તારોમાં જળવિદ્યુત પ્રોજેક્ટ્સ તણાયા હોવાની અને વસાહતોમાં પૂરનું પાણી ઘૂસી ગયાની માહિતી મળી છે.
ત્રણ પોલીસ કચેરીઓને પણ નુકસાન
તિબેટ તરફથી આવેલા પૂરને કારણે નેપાળ પોલીસની ત્રણ કચેરીઓને પણ ભારે નુકસાન થયું છે.
ચાર જિલ્લાઓ તરફ જતાં વાહનો કાઠમંડુમાં જ રોકાયાં
રસુવામાં આવેલા પૂરના કારણે અને સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે કાઠમંડુથી રસુવા, નુવાકોટ, ચિતવન અને ધાદિંગ જતાં વાહનોને કાઠમંડુમાં જ રોકી દીધા છે. કાઠમંડુ વેલી ટ્રાફિક પોલીસ કાર્યાલયના એસપી નરેશરાજ સુવેદીના જણાવ્યા અનુસાર પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ જિલ્લાઓ તરફ જતાં વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે.
પીએમ બાલેન્દ્ર શાહે આપ્યા ખાસ નિર્દેશ
વડા પ્રધાન બાલેન્દ્ર શાહના સચિવાલય અનુસાર તમામ હેલિકોપ્ટર કંપનીઓને જરૂર પડે ત્યારે તાત્કાલિક કામગીરી માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.

પાંચ જિલ્લાઓના નદીકાંઠાના વિસ્તારોમાં સતર્કતા
ભોટેકોશી નદીમાં આવેલા પૂરના કારણે રસુવા, નુવાકોટ, ધાદિંગ, ગોરખા અને ચિતવનમાંથી પસાર થતી નદીઓના કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.
ગૃહમંત્રીની ખાસ અપીલ
નેપાળના ગૃહમંત્રી સુદન ગુરુંગે રસુવામાં ભોટેકોશી નદીમાં તિબેટ તરફથી આવેલા ભારે પૂર બાદ નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસી જવાની અપીલ કરી છે.

