Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
નેપાળના જળપ્રલય વચ્ચે રાહતના સમાચાર

નેપાળના જળપ્રલય વચ્ચે રાહતના સમાચાર

નેપાળમાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં આવેલા વિનાશક પૂરની વચ્ચે એક રાહતજનક સમાચાર સામે આવ્યા છે. રસુવા સ્થિત અપર ત્રિશૂલી હાઈડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા ૩૫૦ મજૂરો અને સ્થાનિક લોકોને નેપાળી સેનાએ અત્યંત સાહસિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને સુરક્ષિત બહાર કાઢ્યા છે. આ બચાવેલા લોકોમાં ૬૩ ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

નેપાળી સેનાના જણાવ્યા અનુસાર, પૂરના ધસમસતા પ્રવાહ અને ખરાબ વાતાવરણ વચ્ચે પણ બચાવ ટુકડીઓએ જીવના જોખમે આ કામગીરી પૂર્ણ કરી હતી. હજી પણ ટનલની અંદર ૧૦૦થી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે, જેમને બહાર કાઢવા માટે ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. આ રેસ્ક્યૂ કામગીરીની કમાન સેનાના વરિષ્ઠ અધિકારીઓ સંભાળી રહ્યા છે. સેનાએ રસુવા જિલ્લાના વિભિન્ન સંવેદનશીલ વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ ૮૮૩ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.

બીજી તરફ, ૨૬ ઓગસ્ટે ગ્લેશિયર તૂટવાને કારણે આવેલી આફતમાં અત્યાર સુધીમાં ૪૭૦થી વધુ લોકોના મોત નીપજ્યા છે. આ જળપ્રલયથી રસ્તા, પુલ અને હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેનાથી આશરે ૪૩૧ મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા ખોરવાઈ ગઈ છે.

આ રાહત વચ્ચે ફરી એકવાર નવી હોનારતનો ખતરો મંડરાઈ રહ્યો છે. તિબેટ તરફ બનેલા કુદરતી બંધ/તળાવના જોખમને પગલે ભોટેકોશી, ત્રિશૂલી અને નારાયણી નદીના કાંઠે વસતા લોકોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રસુવા, નુવાકોટ, ચિતવન અને નવલપરાસી જેવા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha