Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
PM મોદી અને માર્કો રુબિયો વચ્ચે વૈશ્વિક સુરક્ષા-વેપાર પર મહામંથન

PM મોદી અને માર્કો રુબિયો વચ્ચે વૈશ્વિક સુરક્ષા-વેપાર પર મહામંથન

ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય અને વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે રાજદ્વારી ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ચાર દિવસના મહત્વપૂર્ણ ભારત પ્રવાસે આવેલા અમેરિકાના નવા વિદેશ મંત્રી માર્કો રુબિયોએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ હાઈ-પ્રોફાઈલ બેઠકની તસવીરો શેર કરીને મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરી છે.

પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, શ્રી માર્કો રુબિયોનું ભારતમાં સ્વાગત કરતા મને અત્યંત આનંદ થાય છે.

વડાપ્રધાને બેઠકની વિગતો આપતા આગળ જણાવ્યું કે, આ મુલાકાત દરમિયાન ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી (Comprehensive Global Strategic Partnership) માં થઈ રહેલી સતત પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, પ્રાદેશિક તેમજ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સાથે જોડાયેલા વર્તમાન પડકારો અને મુદ્દાઓ પર પણ બંને નેતાઓ વચ્ચે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત અને અમેરિકા આગામી સમયમાં પણ વૈશ્વિક ભલાઈ અને માનવતાના કલ્યાણ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.

આ મહત્વપૂર્ણ બેઠકમાં માત્ર દ્વિપક્ષીય સંબંધો પર જ ચર્ચા નહોતી થઈ, પરંતુ અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ રાષ્ટ્રપતિ વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટૂંક સમયમાં અમેરિકા આવવાનું અને વ્હાઇટ હાઉસની મુલાકાત લેવાનું સત્તાવાર આમંત્રણ પણ પાઠવ્યું હતું. આ હાઈ-લેવલ મીટિંગમાં ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સહિત બંને દેશોના અનેક વરિષ્ઠ રાજદ્વારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ મોદી ઉપરાંત, ભારતમાં અમેરિકાના રાજદૂત (Ambassador) સર્જિયો ગોરે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ બેઠકની સુંદર તસવીરો શેર કરી હતી. તેમણે બેઠકની સફળતા અંગે માહિતી આપતા લખ્યું કે, “વડાપ્રધાન મોદી સાથેની આ મહત્વપૂર્ણ બેઠકમાં વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે સામેલ થવું એ મારા માટે ગર્વની બાબત છે. અમે બંને દેશો વચ્ચે સુરક્ષા, દ્વિપક્ષીય વેપાર અને ક્રિટિકલ ટેકનોલોજી (મહત્વપૂર્ણ તકનીકી ક્ષેત્રો) માં સહયોગને વધુ મજબૂત અને ગાઢ બનાવવા માટે અત્યંત સાર્થક ચર્ચા કરી છે. આ એવા મુખ્ય ક્ષેત્રો છે જે ભારત અને અમેરિકા બંનેના પાયાને મજબૂત બનાવે છે. વૈશ્વિક મંચ પર ભારત અને અમેરિકા એક અત્યંત મહત્વપૂર્ણ અને અનિવાર્ય ભાગીદાર છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha