Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પ્રખ્યાત લોક ગાયિકા તીજન બાઈનું 70 વર્ષની વયે અવસાન

પ્રખ્યાત લોક ગાયિકા તીજન બાઈનું 70 વર્ષની વયે અવસાન

ભારતની જાણીતી લોક ગાયિકા તીજન બાઈ (Teejan Bai) નું નિધન થયું છે. છત્તીસગઢની લોકકલા અને પંડવાની (Pandwani) ગાયનને સમગ્ર વિશ્વમાં એક અનોખી ઓળખ અપાવનાર તીજન બાઈએ 70 વર્ષની વયે રાયપુરની એમ્સ (AIIMS) હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. રવિવારે સવારે 3.15 વાગ્યે તેમણે આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું હતું.

તેમના નિધનના સમાચારથી સંગીત જગત અને તેમના લાખો ચાહકોમાં શોકની લહેર દોડી ગઈ છે.

3 રાષ્ટ્રીય એવોર્ડ અને પદ્મ સન્માનથી હતા નવાજિત

તીજન બાઈની અદ્ભુત કલા અને ગાયકીના સન્માનમાં ભારત સરકાર દ્વારા તેમને ત્રણેય સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યા હતા. વર્ષ 1988 માં તેમને ‘પદ્મશ્રી’ થી નવાજવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2003 માં ‘પદ્મ ભૂષણ’ અને વર્ષ 2019 માં દેશના બીજા સૌથી મોટા નાગરિક સન્માન ‘પદ્મ વિભૂષણ’ થી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની અનન્ય ગાયકીના કારણે જ તેમને 3 વખત નેશનલ એવોર્ડ (National Award) પણ મળ્યા હતા.

13 વર્ષની ઉંમરે પહેલી કમાણી 10 રૂપિયા હતી

તીજન બાઈનો જન્મ ભિલાઈના ગનિયારી ગામમાં થયો હતો. અહેવાલો અનુસાર, જ્યારે તેઓ માત્ર 13 વર્ષના હતા ત્યારે તેમણે જીવનમાં પહેલીવાર સ્ટેજ પર ગીત ગાયું હતું. આ પ્રથમ પરફોર્મન્સ માટે તેમને મહેનતાણું તરીકે 10 રૂપિયા મળ્યા હતા, જે તે જમાનામાં ખૂબ મોટી રકમ માનવામાં આવતી હતી. કાપાલિક શૈલીમાં પંડવાની ગાઈને તીજન બાઈ ગામડે-ગામડે પ્રખ્યાત થઈ ગયા હતા. તેમની કલા એટલી પ્રચલિત બની કે દેશ-વિદેશના ખૂણે-ખૂણેથી લોકો તેમને પરફોર્મન્સ માટે આમંત્રિત કરતા હતા.

પરંપરાઓ તોડીને ઈતિહાસ રચ્યો

તીજન બાઈ પંડવાની ગાયન ક્ષેત્રે એકમાત્ર એવી મહિલા હતા જેમણે સ્ત્રી હોવા છતાં આ કલાને અપનાવી હતી. વાસ્તવમાં તે જમાનામાં મહિલાઓ માત્ર બેસીને જ ‘વેદામતી’ શૈલીમાં ગાયન કરતી હતી, પરંતુ તીજન બાઈએ રૂઢિચુસ્ત પરંપરાથી હટીને કંઈક અલગ કરી બતાવ્યું. તેમણે સ્ટેજ પર ઊભા થઈને આખા હાવભાવ સાથે પંડવાની ગાવાનું શરૂ કર્યું હતું. હાથમાં તંબુરો લઈને જ્યારે તેઓ મહાભારતની કથાઓ ગાતા ત્યારે તેમની દમદાર અવાજ અને શૈલી દરેક શ્રોતાને મંત્રમુગ્ધ કરી દેતી હતી. તેમના નિધનથી ભારતીય લોક સંગીતને ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ પડી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha