Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સોના બાદ હવે ચાંદી પર કેન્દ્ર સરકારની કડક કાર્યવાહી

સોના બાદ હવે ચાંદી પર કેન્દ્ર સરકારની કડક કાર્યવાહી

દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા અને સતત વધી રહેલી વેપાર ખાધને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે કિંમતી ધાતુઓની આયાત નીતિમાં ધરખમ ફેરફારો કર્યા છે. સોના પર કડક નિયંત્રણો લાદ્યા બાદ હવે સરકારે ચાંદીના આયાત પર પણ મોટો નિર્ણય લીધો છે. સરકારે શનિવારે એક નોટિફિકેશન જાહેર કરીને ચાંદીની આયાતને તાત્કાલિક અસરથી 'પ્રતિબંધિત' શ્રેણીમાં મૂકવાનો નિર્ણય કર્યો છે.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ભારતમાં ચાંદીની આયાત કોઈ પણ મોટા અવરોધ વિના ‘મુક્ત’ અથવા ફ્રી કેટેગરી હેઠળ થતી હતી, પરંતુ હવેથી ચાંદી મંગાવવા માટે વેપારીઓએ સરકારી લાયસન્સ મેળવવું અનિવાર્ય રહેશે. સરકારનો આ નિર્ણય એટલા માટે પણ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે કારણ કે આ પૂર્વે ગત 13 May ના રોજ સરકારે કિંમતી ધાતુઓ પરનો આયાત વેરો (Import Duty) 6% થી સીધો વધારીને 15% કરી દીધો હતો.

પશ્ચિમ એશિયા સંકટ અને ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો

સરકારે ગત બુધવારે સોના અને ચાંદી પરના આયાત વેરામાં ભારે વધારો કરીને તેને 15% કર્યો હતો. પશ્ચિમ એશિયા (વેસ્ટ એશિયા) માં ચાલી રહેલા યુદ્ધ અને ભૌગોલિક-રાજકીય તણાવને કારણે વૈશ્વિક સ્તરે ભારતનો આયાત ખર્ચ સતત વધી રહ્યો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને બિનજરૂરી આયાતમાં કાપ મૂકવા માટે આ કડક આર્થિક પગલું લેવાયું છે. આ અંતર્ગત સોના-ચાંદી પર કસ્ટમ ડ્યુટી 15% કરાઈ છે, જ્યારે પ્લેટિનમ પર આયાત વેરો 6.4% થી વધારીને 15.4% કરી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત વિદેશ વ્યાપાર મહાનિદેશાલય (DGFT) ના આદેશ અનુસાર, સોનાની આયાત માટે અપાતી એડવાન્સ મંજૂરી પર પણ હવે મહત્તમ 100 kg ની સીમા (લિમિટ) નક્કી કરી દેવાઈ છે. જો કોઈ કંપની કે વ્યક્તિ પહેલીવાર આ એડવાન્સ મંજૂરી માટે અરજી કરશે, તો સરકારી ટીમ દ્વારા તેમની પ્રોડક્શન યુનિટનું ફિઝિકલ ઇન્સ્પેક્શન (સ્થળ તપાસ) કરવામાં આવશે. આ તપાસ યુનિટની વાસ્તવિક ક્ષમતા અને તે ચાલુ સ્થિતિમાં છે કે નહીં તેની પુષ્ટિ કરવા માટે ફરજિયાત બનાવવામાં આવી છે.

એપ્રિલ મહિનામાં સોના-ચાંદીની આયાતમાં રેકોર્ડબ્રેક ઉછાળો

સરકાર દ્વારા આ કડક નિયમો લાગુ કરવા પાછળના આંકડા પણ ચોંકાવનારા છે. ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં ભારતની સોનાની આયાત 81.69% ના જંગી વધારા સાથે 5.62 billion ડોલર પર પહોંચી ગઈ હતી. તેવી જ રીતે ચાંદીની આયાતમાં પણ 157.16% નો બમ્પર ઉછાળો નોંધાયો હતો અને તે 41.1 crore ડોલર થઈ ગઈ હતી.

જો નાણાકીય વર્ષ (Financial Year) 2025-26 ની વાત કરીએ તો, ભારતમાં સોનાની આયાત મૂલ્યના આધારે 24% વધીને રેકોર્ડબ્રેક 71.98 billion ડોલરના સ્તરે પહોંચી ગઈ હતી. જોકે, ક્વોન્ટિટી (જથ્થા) ની દૃષ્ટિએ આયાત 4.76% ઘટીને 721.03 tonnes રહી હતી. આ જ ગાળા દરમિયાન દેશમાં ચાંદીની આયાત પણ આશરે 150% વધીને 12 billion ડોલર થઈ ગઈ હતી, જે જથ્થાની દૃષ્ટિએ 42% ના વધારા સાથે 7,334.96 tonnes નોંધાઈ હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha