નવી દિલ્હીઃ તિરુપરનકુંદ્રમના દીપથૂન પર કાર્તિકાઈ દીપમ પ્રગટાવવાના સુપ્રીમ કોર્ટના આદેશ સામે તમિલનાડુની વિજય સરકારે પુનર્વિચાર અરજી દાખલ કરી છે. 20 નવેમ્બરે આદેશ આપનાર જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચ આજે બેઠી નથી. આથી 24 નવેમ્બરે દીવો પ્રગટાવવાની મંજૂરી આપતો અગાઉનો આદેશ યથાવત્ રહેશે.
તામિલનાડુ સરકારે રવિવારે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરીને 24 નવેમ્બરે દીવો પ્રગટાવવાની મંજૂરી આપતા આદેશ પર રોક લગાવવાની માગ કરી હતી.
રાજ્ય સરકારે દલીલ કરી છે કે ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ અગાઉની સ્થિતિ પુનઃસ્થાપિત કરવી મુશ્કેલ બનશે. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને 20 નવેમ્બરે આપવામાં આવેલા આદેશ પર પુનર્વિચાર કરવા અને તેના પર તાત્કાલિક રોક લગાવવા વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેટલીક શરતો સાથે 24 નવેમ્બરે તિરુપરનકુંદ્રમના દીપથૂન (પથ્થરથી બનેલા દીપસ્તંભ) પર કાર્તિકાઈ દીપમ પ્રગટાવવાની મંજૂરી આપી હતી..
દીવો પ્રગટાવવાનો આટલો વિરોધ શા માટે?
તમિલનાડુ ભાજપના અધ્યક્ષ નૈનાર નાગેન્દ્રને રવિવારે તમિલનાડુના મુખ્ય મંત્રી અને ટીવીકેના પ્રમુખ જોસેફ વિજયની સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. નાગેન્દ્રને સરકાર પર હિન્દુવિરોધી વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. એક સોશિયલ મિડિયા પોસ્ટમાં તેમણે સુપ્રીમ કોર્ટના આદેશ સામે પુનર્વિચાર અરજી દાખલ કરવાના ટીવીકેના નિર્ણયની ટીકા કરી હતી. તેમણે સવાલ કર્યો હતો કે સરકાર તિરુપરનકુંદ્રમના દીપસ્તંભ પર દીવો પ્રગટાવવાનો વિરોધ શા માટે કરી રહી છે? તેમણે દીવો પ્રગટાવવાના વિરોધમાં કાનૂની કાર્યવાહી કરવા માટે સરકારી નાણાંના ઉપયોગ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકાર મુરુગનના ભક્તોના ધાર્મિક અધિકારોનો વિરોધ કરવા માટે કરદાતાઓના પૈસાનો ઉપયોગ કરી રહી છે. સુપ્રીમ કોર્ટે 24 નવેમ્બરે એક વખત માટે દીપથૂન પર કાર્તિકાઈ દીપમ પ્રગટાવવાની મંજૂરી આપી હતી.

જાણો શું છે વિવાદ?
તિરુપરનકુંદ્રમની એક પહાડીની ટોચ પર માલિકી હક અને ધાર્મિક વિધિ કરવાના સ્થળને લઈને હિન્દુ શ્રદ્ધાળુઓ અને હજરત સુલતાન સિકંદર બદુશા ઔલિયા દરગાહ (સૂફી દરગાહ) વચ્ચે આ વિવાદ ચાલી રહ્યો છે. દરગાહે પહાડીની સમગ્ર ટોચ પર પોતાનો માલિકી હક હોવાનો દાવો કર્યો છે. આ કારણે દરગાહે ‘દીપથૂન’ નામના પથ્થરના સ્તંભ પર પરંપરાગત કાર્તિકાઈ દીપમ પ્રગટાવવાની હિન્દુ શ્રદ્ધાળુઓની માંગનો વિરોધ કર્યો હતો.

