Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વડોદરામાં શ્વાન પર કાર ચડાવી દેવાના મામલે FIR દાખલ

વડોદરામાં શ્વાન પર કાર ચડાવી દેવાના મામલે FIR દાખલ

ડોદરા: વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક કાર ચાલક દ્વારા રસ્તા પર બેઠેલા નિર્દોષ શ્વાન પર ક્રૂરતાપૂર્વક ગાડી ચડાવી દેવાની આઘાતજનક ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા શ્વાનનું કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે 'પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ' (PETA India) અને સ્થાનિક એનિમલ કેરગીવર નીરવ શેઠના સંયુક્ત પ્રયાસો બાદ વડોદરા સિટી પોલીસે કડક વલણ અપનાવીને ગુનેગાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

CCTV ફૂટેજના આધારે કડક કલમો હેઠળ ગુનો દાખલ

આ કમકમાટીભરી ઘટના ગત ૧૭ જૂનના રોજ વડોદરાના રુદ્ર કોમ્પ્લેક્સ પાસે જાહેર રોડ પર બની હતી. સીસીટીવી (CCTV) ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક કાર ધીમેથી શ્વાન તરફ આગળ વધે છે અને બ્રેક મારવાને બદલે તેના પર ગાડી ચડાવી દે છે. આ અકસ્માત બાદ શ્વાનના માથામાંથી અતિશય રક્તસ્ત્રાવ થવા લાગ્યો હતો અને તેણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. ઘટના બાદ કાર ચાલક તેને કોઈ પણ તબીબી સહાય આપ્યા વિના ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

ગોત્રી પોલીસ સ્ટેશને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીને આરોપી વિરુદ્ધ:

  • ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ ૩૨૫ અને ૨૮૧ હેઠળ, તેમજ

  • મોટર વ્હીકલ એક્ટ, 1988ની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ હેઠળ એફઆઈઆર (FIR) નોંધી છે.

પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા આચરનારાઓ સામે કાયદો કડક

નવા કાયદા (BNS, 2023) ની કલમ ૩૨૫ હેઠળ કોઈ પણ પ્રાણીને નુકસાન પહોંચાડવું, અપંગ કરવું કે મારી નાખવું એ એક ગંભીર અને જામીનપાત્ર ગુનો (Cognisable Offence) બને છે. આ ગુના માટે દોષિત વ્યક્તિને ૫ વર્ષ સુધીની જેલની સજા, દંડ અથવા બંને થઈ શકે છે.

"જે લોકો પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા દાખવે છે, તેઓ ભવિષ્યમાં મનુષ્યોને પણ નુકસાન પહોંચાડી શકે છે. સમાજની સુરક્ષા માટે આવા લોકો વિરુદ્ધ અવાજ ઉઠાવવો જરૂરી છે. ગોત્રી પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર એચ.બી. ચાવડાએ ત્વરિત એફઆઈઆર નોંધીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રાણીઓ પ્રત્યેની આવી ઘાતકી ક્રૂરતા બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે." - ઈશાની રાઠી (ક્રૂરતા પ્રતિભાવ સંયોજક, પેટા ઈન્ડિયા)

સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો

પેટા ઈન્ડિયા દ્વારા ભલામણ કરવામાં આવી છે કે પ્રાણીઓ પર અત્યાચાર કરનારા લોકોનું માનસિક મૂલ્યાંકન અને કાઉન્સેલિંગ થવું અનિવાર્ય છે. એક આંતરરાષ્ટ્રીય જર્નલ (Forensic Research & Criminology) ના સંશોધન અનુસાર, પ્રાણીઓ પ્રત્યે હિંસક વલણ ધરાવતા લોકો અન્ય ગંભીર ગુનાઓ જેમ કે હત્યા, બળાત્કાર, લૂંટ અને હુમલા જેવા ગુનાઓમાં સંડોવાય તેવી શક્યતા ૩ ગણી વધી જાય છે. વડોદરા પોલીસની આ કડક કાર્યવાહીથી પ્રાણી ક્રૂરતાના કિસ્સાઓ પર લગામ કસાશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha