Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વૈશ્વિક તેલ સંકટ વચ્ચે ભારતનો માસ્ટરસ્ટ્રોક

વૈશ્વિક તેલ સંકટ વચ્ચે ભારતનો માસ્ટરસ્ટ્રોક

મેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા ભયાનક યુદ્ધ (US-Iran War) ના કારણે વૈશ્વિક તણાવ ફરી એકવાર તેની ચરમસીમા પર પહોંચી ગયો છે. વળી, હોર્મુઝ સ્ટ્રેટ બંધ (Hormuz Strait Closure) થવાના કારણે વિશ્વના તમામ દેશો સામે તેલ અને ગેસનું મોટું સંકટ ઉભું થયું છે. જોકે, આવી કટોકટીની સ્થિતિ વચ્ચે પણ ભારત માટે રાહતના સમાચાર છે. મિડલ ઈસ્ટ (મધ્ય-પૂર્વ) ના દેશોમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ભારતે પોતાના તેલ પુરવઠામાં વિવિધતા લાવવા માટે 'પ્લાન-બી' (Plan-B) હેઠળ જે પગલું ભર્યું હતું, તેનો મોટો ફાયદો હવે દેશને મળી રહ્યો છે.

તાજેતરના આંકડા દર્શાવે છે કે જૂન મહિનામાં ભારતની રશિયન તેલની આયાત (Russian Oil Import) રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગઈ છે, જેમાં મહિના દર મહિનાના આધારે 34% નો જબરદસ્ત ઉછાળો નોંધાયો છે.

CREA ના અહેવાલમાં મોટો ખુલાસો

પીટીઆઈ (PTI) ના અહેવાલમાં ‘સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર’ (CREA) ને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, રશિયાની કુલ તેલ નિકાસની આવકમાં ઘટાડો થયો હોવા છતાં, ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઈલની આયાત જૂન મહિનામાં રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જે મે મહિનાની સરખામણીએ 34% વધુ છે. આંકડાઓ પર નજર કરીએ તો, ભારતે જૂન મહિનામાં 4.5 billion Euros ની કિંમતનું રશિયન ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું, જે રશિયા પાસેથી ભારતે કરેલી કુલ 5.5 billion Euros ની અશ્મિભૂત ઇંધણ (Fossil Fuel) આયાતના 83% જેટલું થાય છે. આ મજબૂત આંકડા સાથે ભારત હવે ચીન પછી રશિયન ઇંધણનો વિશ્વનો બીજો સૌથી મોટો ખરીદદાર દેશ બની ગયો છે. ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં ચીન રશિયાનું સૌથી મોટું ગ્રાહક રહ્યું હતું, જેણે 7.3 billion Euros ની ખરીદી કરી હતી.

અગ્રણી રિફાઇનરીઓના સપ્લાયમાં મોટો ઉછાળો

ભારતની કુલ ક્રૂડ ઓઈલની આયાતમાં મહિના દર મહિનાના ધોરણે 5.4% નો વધારો જોવા મળ્યો છે. આ વધારો મુખ્યત્વે ભારતની અગ્રણી ઓઈલ રિફાઇનરીઓને થતા રશિયન સપ્લાયમાં થયેલા જંગી વધારાને કારણે થયો છે:

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL): જામનગર રિફાઇનરીને થતો રશિયન સપ્લાય જૂન મહિનામાં મે મહિનાની સરખામણીએ 150% વધી ગયો છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL): પારાદીપ રિફાઇનરીમાં રશિયન તેલની આયાતમાં 126% નો વધારો નોંધાયો છે.

BPCL કોચ્ચિ રિફાઇનરી: રશિયન ઓઈલ સપ્લાયમાં 82% નો વધારો થયો છે.

નાયરા એનર્જી (વડીનાર રિફાઇનરી): રશિયન ક્રૂડની આયાતમાં 45% નો વધારો જોવા મળ્યો છે.

રશિયન તેલની ખરીદી અને ત્યારબાદ બમણી નિકાસ

વૈશ્વિક ઇંધણ વ્યાપાર બજારમાં ભારત ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. રશિયા પાસેથી મોટા પાયે ક્રૂડ ઓઈલ આયાત કરીને ભારત, તુર્કી, બ્રુનેઈ અને જ્યોર્જિયાની રિફાઇનરીઓએ જૂન મહિનામાં રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવનારા દેશોને જ મોટા પ્રમાણમાં ઓઈલ પ્રોડક્ટ્સ (રિફાઈન્ડ ઓઈલ) ની નિકાસ કરી છે. આ દેશો દ્વારા યુરોપિયન યુનિયન (EU), ઓસ્ટ્રેલિયા અને અમેરિકાને 814 million Euros ની કિંમતના ઓઈલ પ્રોડક્ટ્સની નિકાસ કરવામાં આવી હતી.

જો સ્પેશિયલી અમેરિકા (US) ને થતી નિકાસની વાત કરીએ તો તેમાં ભારતની જામનગર રિફાઇનરી, તુર્કીની SOCAR ની માલિકીની STAR રિફાઇનરી અને તુપ્રાસ ઇઝમિત રિફાઇનરી સૌથી આગળ છે. CREA ના ડેટા અનુસાર, છેલ્લા 3 મહિનામાં તુપ્રાસ ઇઝમિત રિફાઇનરીના કુલ ક્રૂડ ઓઈલના 60% અને રિલાયન્સની જામનગર રિફાઇનરીના કુલ ક્રૂડ ઓઈલના 27% હિસ્સો રશિયાથી આયાત કરવામાં આવ્યો હતો, જે રિફાઈન્ડ કરીને બાદમાં અમેરિકા જેવા દેશોમાં એક્સપોર્ટ કરાયો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha