Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વાસ્તુ: સંબંધોમાં શંકા અને ફરિયાદોનું ઝેર ન ભેળવો!

વાસ્તુ: સંબંધોમાં શંકા અને ફરિયાદોનું ઝેર ન ભેળવો!

કેટલાક સંબંધો કોબીનાં દડા જેવા હોય છે. જેમ જેમ પડ ઉખેળતા જઈએ, તેમ તેમ નવાં નવાં પડ નીકળતાં જાય. વળી, દરેક પડની અંદર પણ ઘણું બધું હોય છે. ચોમાસામાં જ્યારે મન હિલોળે ચડ્યું હોય ત્યારે કોબીનાં પડમાં છુપાયેલી ઈયળના ડરે કોઈ એને હાથ અડાડતાં પણ ડરે. એક ઈયળના ડરે આટલાં બધાં પડ કોણ ઉખેળે? એના કરતાં થોડો સમય એને વર્જ્ય ગણીએ એ જ યોગ્ય છે.

જ્યારે અંગત લોકો દૂર થવા લાગે ત્યારે વિચારવું જોઈએ કે ક્યાંક આપણી સતત ફરિયાદોથી એ થાકી તો નથી ગયા ને?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ : હું અમેરિકામાં રહું છું. મારાં લગ્ન ઉતાવળે થયાં. મને એક છોકરો ગમતો હતો. આમ તો એ મારા એક ભાઈનો મિત્ર હતો, પણ ભાભીએ પ્રોત્સાહન આપ્યું એમાં લગ્ન પહેલાં જ હું ગર્ભવતી થઈ ગઈ. ભાઈએ ઉતાવળ કરીને લગ્ન કરાવી આપ્યાં. અન્ય લોકોને કહી દીધું કે પછી સારું મુહૂર્ત નહોતું અને મુરતિયો સારો હતો એટલે સાદાઈથી લગ્ન કરી નાખ્યાં.

ભાભીની જવાબદારી પતી ગઈ. મારામાં સમજણ નહોતી એટલે એ ભાઈને ઈશ્વર માની બેઠી અને આખી જિંદગી એમના ચડાવ્યા પ્રમાણે જે કહ્યું એ મેં કર્યું. માબાપ અને અન્ય ભાઈ-ભાભી સાથે બોલવાના પણ સંબંધ ન રહ્યા.

એમાંથી કેટલાક તો ગુજરી પણ ગયા. મારા પતિને પણ મેં એમને મળવા ન દીધા. મારા પતિ બીમાર છે. એમને હવે એવું લાગે છે કે મારે એમની સાથે આવું નહોતું કરવું જોઈતું. કદાચ ઓળખાણ થઈ હોત તો એ લોકો સાથે સંબંધ સારા હોત અને લોકો એમની ખબર પૂછવા આવતા હોત. પેલા ભાઈ જરૂર હોય ત્યારે જ દેખાય છે. તો હવે શું કરવું જોઈએ?

જવાબ : કોઈ ભૂતકાળને બદલી નથી શકતું. જે ગયું છે એનો અફસોસ કરવાને બદલે જે છે એને સુધારવા પ્રયાસ કરો. તમારા પતિની વાત સાચી છે. તમે પ્રયાસ કરશો તો પરિવારને મળશો અને એમને મળશો તો સત્ય સમજાશે. વળી, એક હાથની બધી આંગળીઓ પણ સરખી નથી હોતી તો માણસો તો ભિન્ન-ભિન્ન હોય જ. શરૂઆત કરો. ચોક્કસ પરિણામ મળશે.

પરિવારમાં વૈમનસ્ય ફેલાય ત્યારે વાયવ્યનો દોષ હોઈ શકે છે. ઘરમાં શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત અને કાળા તલ મિશ્રિત દહીંથી અભિષેક કરો. બેસતા મહિને કીડિયારું પૂરો. ચોક્કસ ફાયદો થશે.

સવાલ : મને એક છોકરો ગમતો હતો. લગભગ અમે લિવ-ઇનમાં હોઈએ એ જ રીતે રહેતાં. હું ગર્ભવતી થઈ ગઈ. હજુ તો હું સ્કૂલમાં જ હતી. ઘરે મમ્મીને વાત કરી તો એ ગભરાઈ ગઈ અને મને ઘરેથી ભાગી જવા કહ્યું. મેં ભાગીને લગ્ન કરી લીધાં. જીવન પ્રત્યેની કોઈ સમજણ નહીં. બાળકો થઈ ગયાં. મારા પતિની પણ કોઈ એવી ઉંમર નહોતી. એ જાતમહેનતે ઊંચા આવ્યા. મારા પતિ જુવાન લાગે છે. મારી ઉંમર દેખાય છે. મારા ભાઈનું માનવું છે કે એમનું અફેર ચાલતું હશે. બાકી આ ઉંમરે કોઈ જુવાન ન લાગે. કશું જ સમજાતું નથી. શું કરું?

જવાબ : તમને પ્રોબ્લેમ થયો ત્યારે તમારી સાથે કોણ હતું? તમારા પતિ જો વિકટ સ્થિતિમાં તમને છોડીને નથી ગયા તો એનો અર્થ એ છે કે એ તમને પ્રેમ કરે છે. કેટલાક લોકોની ઉંમર દેખાતી ન હોય. એનો અર્થ એવો નથી કે એમને કોઈની સાથે અફેર છે. ખોટી શંકામાં પડ્યા વિના જીવનની મજા માણો. શિવપૂજાથી મનમાં ખોટા વિચારો નહીં આવે.

સૂચન : 'ૐ નમઃ શિવાય' મંત્રજાપ મનની શાંતિ આપવા સક્ષમ છે.

(આપના સવાલો મોકલી આપો vastunirmaan@gmail.com )

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitralekha