Dailyhunt
GUJARAT : સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર

GUJARAT : સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયત, ચાર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ થાનગઢ નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં ખાલી પડેલી એક બેઠકની પેટા ચૂંંટણી યોજવાનો કાર્યક્રમ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ૧લી એપ્રિલથી જ જિલ્લામાં ચૂંટણીની આદર્શ આચારસંહિતાની અમલવારી શરૃ થઈ જતાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની બદલીઓ અને રજા ઉપર રોક લાગી છે.

જાહેર થયેલા ચૂંટણીના કાર્યક્રમ અનુસાર છઠ્ઠી એપ્રિલથી ઉમેદવારી પત્રો ભરવાનું શરૃ થશે અને ૧૫મી એપ્રિલે નામાકંનપત્રો પરત ખેંચી શકાશે. તા.૨૬-૪-૨૦૨૬ના રોજ મતદાન બાદ ૨૮મી એપ્રિલે મતગણતરી કરવામાં આવનાર છે. જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની વૈતરણી પાર કરવા માટે રાજકીય ધમધમાટ શરૃ થઈ ચુક્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા.૨૬મી એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય ચૂંંટણી યોજાનાર છે. જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો ઉપરાંત (૧) દસાડા (૨) ધ્રાંગધ્રા (૩) ચુડા (૪) લખતર (૫) લીંબડી (૬) વઢવાણ (૭) ચોટીલા (૮) સાયલા (૯) મુળી (૧૦) થાનગઢ તાલુકા પંચાયત તેમજ (૧) લીંબડી – બી વર્ગ (૨) ધ્રાંગધ્રા – અ વર્ગ (૩) પાટડી – ડી વર્ગ (૪) ચોટીલા બી વર્ગની નગરપાલિકાની સામાન્ય ચૂંંટણીની સાથે થાનગઢ નગરપાલિકાના વોર્ડ નંબર-૪માં ખાલી પડેલી એક બેઠકની પેટા ચૂંટણી ઉપરાંત નવરચિત સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૩ વોર્ડની બાવન બેઠકો માટેની પ્રથમ ચૂંંટણી આગામી તા.૨૬-૪-૨૦૨૬ના રોજ યોજાશે.

ચૂંંટણી પંચ દ્વારા જાહેર કરેલા ચૂંટણીના કાર્યક્રમ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વરાજયની ચૂંટણી અંગે આજથી આચારસંહિતાનો અમલ શરૃ થયો છે. છઠ્ઠી એપ્રિલના રોજ જાહેરનામું પ્રસિધ્ધ થતાં જ જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, ૧૦ તાલુકા પંચાયતો, થાનગઢ પાલિકાની પેટાચૂંટણી સહિત ૬ નગરપાલિકાઓમાચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો તા.૧૧-૪-૨૦૨૬ સુધી પોતાના નામાકંન ભરી શકશે. ત્યારબાદ ઉમેદવારી ફોર્મની ચકાસણી થયા પછી નામાંકન પરત ખેંચવાની અંતિમ તારીખ તા.૧૫-૪-૨૦૨૬ નક્કી કરાઈ છે. જયારે તા.૨૬મી એપ્રિલના રોજ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન યોજાશે અને તા.૨૮મી એપ્રિલના રોજ મતગણતરી કરવામાં આવનાર છે. જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ ચૂંટણી લડવા ઈચ્છુકોએ પોતાના પક્ષની ટિકીટ મેળવવા ગોડફાધરો થકી લોબીંગ શરૃ કરી દીધું છે. જયારે, સુરેન્દ્રનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને તટસ્થ ચૂંટણી સંપન્ન થાય તે માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી છે.

ચૂંંટણીનો જાહેર કરાયેલો કાર્યક્રમ

ચુંટણી જાહેર તા.૦૧-૦૪-૨૦૨૬

જાહેરનામું પ્રસિધ્ધ થશે તા.૦૬-૦૪-૨૦૨૬

ઉમેદવારીની છેલ્લી તારીખ તા.૧૧-૦૪-૨૦૨૬

નામાંકન પત્રોની ચકાસણી તા.૧૩-૦૪-૨૦૨૬

ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તા.૧૫-૦૪-૨૦૨૬

મતદાન તા.૨૬-૦૪-૨૦૨૬

મતગણતરી તા.૨૮-૦૪-૨૦૨૬

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: CN24 News Gujarati