રાજયભરમાં સસ્તાં અનાજની 16,000 જેટલી દુકાનો પૈકી 8,000 એવી છે જેની માસિક આવક રૂા ૧૦ હજાર સુધીની અને ૨ હજાર દુકાનની આવક રૂા ૫ થી ૧૦ હજાર વચ્ચેની છે. રાશનના અનેક વેપારીઓ ગેરરીતિ કરતા હોવા પાછળ આ પરિબળ પણ એક કારણરૂપ મનાય છે. જો કે હવે આ મામલે ગાંધીનગર ખાતે બેઠકોનો દોર ચાલ્યા બાદ રાશન વિક્રેતાઓનાં કમિશન વધારા બાબત પુરવઠા વિભાગે ચાર વિકલ્પ સૂચવતાં નાણાં વિભાગ તેનો કયાસ કાઢી રહ્યો છે.
રાશન વિક્રેતાઓના સંગઠનોએ વારંવાર રજૂઆતો બાદ લડતની ચીમકી પણ આપી હતી પરંતુ બે સંગઠન એકરૂપ ન થઈ શકતાં આ મહિને માલ નહીં ઉપાડવાના એલાનનો ઘણાં વિસ્તારોમાં ફિયાસ્કો થયો હતો. પુરવઠા, ગૃહ અને આરોગ્ય વિભાગના મંત્રીઓને તથા ભાજપ પ્રદેશ પ્રમુખને રૂબરૂ મળીને સમજાવટ કરવામાં આવી હતી કે ૧૬ હજારમાંથી ફક્ત ૧૭૦૦ વેપારી જ મહિને રૂા ૨૦ હજારથી વધુ અને ૪૩૦૦ જેટલાં વિક્રેતા રૂા ૧૦થી ૧૫ હજાર વળતર પામતા હોવાથી તેમનું ગુજરાન મુશ્કેલ બને છે.
અલબત્, વર્ષ ૨૦૧૯માં જ કમિશનવધારો કરી આપવામાં આવ્યો હોવાથી હાલ તેમની માંગણી પર સરકારે તત્કાલ કોઈ નિર્ણય આપવાનું ટાળ્યું છે પણ ગઈકાલે બંને સંગઠનના આગેવાનો સાથે પુરવઠા સચિવ અને નિયામકે બેઠક કરી હતી. હાલ દુકાનદારોને ઘઉં ચોખામાં પ્રતિ ક્વિન્ટલ રૂા ૧૦૮ કમિશન અને બાયોમેટ્રિક ઓર્થેન્ટીકેશનના રૂા ૧૭ મળી ૧૦૦ કિલોદીઠ રૂા ૧૨૫ ચૂકવે છે. આ કમિશન રૂા ૧૨૦ કે ૧૩૦ અથવા ૧૪૦ કે ૧૫૦ સુધી કરી આપવા પુરવઠા વિભાગે સૂચવતાં હવે નાણાં ખાતું આ તમામ વિકલ્પોથી સરકાર પર કેટલું આર્થિક ભારણ વધે તે વિચારણા કરશે. માગણી ગ્રાહ્ય રહે તો વેપારીઓની આવકમાં સરેરાશ ત્રણ સાડા ત્રણ હજાર રૂપિયા વધારો થશે.
વેપારીઓની માંગણી કમિશન રૂા ૩૦૦ કે કમ સે કમ રૂા ૨૦૦ પ્રતિ ક્વિન્ટલ કરી આપવાની હતી પરંતુ હાલ મહત્તમ રૂા ૧૫૦ માટે સૈધ્ધાંતિક સ્વીકાર થયાનું મનાય છે.જે દુકાનદારો પાસે ૩૦૦થી ઓછાં રાશનકાર્ડ છે તેનો નિભાવ કપરો હોવાથી સરકાર તેમને સ્લેબવાઈઝ પ્રોટેકશન આપે અને તમામ દુકાનદારોને આનુસાંગિક ખર્ચાઓ (તોલાટ, ઓપરેટર, સહાયકના પગાર તથા લાઈટબિલ)માં ટેકો કરી આપે તેવી રજૂઆતો વિચારણા માટે આગળ ઊપર ઠેલવામાં આવી છે. દરમિયાન, રાશન વિક્રેતાઓ દ્વારા એવી ફરિયાદ પણ ઉઠાવવામાં આવી હતી કે રાશનની દુકાન સાથે સંકળાયેલા ચાર પૈકી એકપણ વ્યક્તિનું કોરોના ડેથ થાય તો કુટુંબીઓને રૂા ૨૫ લાખ વીમાકવચ પુરૂં પાડવાની વાતો બાદ આવા કુલ ૧૫૦ કિસ્સામાંથી ૬૦ ફાઈલ તો નાણાં વિભાગ સુધી પણ પહોંચી ગયા છતાં માત્ર પાંચ જ કિસ્સામાં નાણાં મળ્યા છે.
