ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર એ પોતાની આગવી હરિયાળી અકબંધ રાખીને વૈશ્વિક સ્તરના 'સ્માર્ટ સિટી' તરીકે મજબૂત ઓળખ સ્થાપિત કરી છે. હરિયાળી અને સુયોજિત નગરરચનાનું અદ્ભુત પ્રતીક એટલે…
ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર એ પોતાની આગવી હરિયાળી અકબંધ રાખીને વૈશ્વિક સ્તરના 'સ્માર્ટ સિટી' તરીકે મજબૂત ઓળખ સ્થાપિત કરી છે.
હરિયાળી અને સુયોજિત નગરરચનાનું અદ્ભુત પ્રતીક એટલે ગુજરાતનું પાટનગર ગાંધીનગર. આજે આ શહેર માત્ર વહીવટી કેન્દ્ર પૂરતું સીમિત ન રહેતાં, ગિફ્ટ સિટી, મહાત્મા મંદિર અને વિશ્વસ્તરીય સંસ્થાઓ થકી વૈશ્વિક ઇનોવેશન હબ તરીકે ઊભરી આવ્યું છે. ગાંધીનગર માત્ર એક પાટનગર નથી, પરંતુ દીર્ઘદ્રષ્ટિ અને આધુનિક શહેરી આયોજનનું જીવંત ઉદાહરણ છે. 6 દાયકાથી વધુ સમયની આ સફરમાં પોતાની આગવી હરિયાળી અકબંધ રાખીને આ નગરે વૈશ્વિક સ્તરના સ્માર્ટ સિટી તરીકે મજબૂત ઓળખ સ્થાપિત કરી છે.
વર્ષ 1965માં પ્રખ્યાત આર્કિટેક્ટ એચ.કે.મેવાડા અને પ્રકાશ એમ. આપ્ટેની પરિકલ્પનાથી ગાંધીનગરનું સેક્ટર-ગ્રીડ મૉડલ તૈયાર થયું હતું. જેમાં દરેક સેક્ટરમાં રહેઠાણ, ઉદ્યાનો, શાળાઓ અને બજારોનું સંતુલિત માળખું ઘડવામાં આવ્યું. અડાલજ અને અંબાપુરની વાવ જેવા ઐતિહાસિક વારસાની સાથે IIT, NID અને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) જેવી સંસ્થાઓ થકી આ શહેર દેશનું અગ્રણી એજ્યુકેશન હબ પણ બન્યું છે.
જોકે, લગભગ 326 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલું ગાંધીનગર આજે સ્વચ્છતા, પહોળા માર્ગો અને હરિયાળા વાતાવરણ સાથે ગુજરાતના સુશાસનનું ગૌરવપૂર્ણ પ્રતીક છે. આયોજનબદ્ધ વિકાસ અને ઉત્કૃષ્ટ નાગરિક સુવિધાઓનો આ સમન્વય ભવિષ્યની પેઢીઓ માટે સદાય પ્રેરણાદાયી રહેશે.
