Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઈન્ડોનેશિયાની સંસદમાં PM મોદીનું સંબોધન, કહ્યું- ભારતની નીતિ વિસ્તારવાદ નહીં, વિકાસવાદની

ઈન્ડોનેશિયાની સંસદમાં PM મોદીનું સંબોધન, કહ્યું- ભારતની નીતિ વિસ્તારવાદ નહીં, વિકાસવાદની

ન્ડોનેશિયા પ્રવાસ દરમિયાન PM મોદીનું સંબોધન ભારતની નીતિ વિસ્તારવાદ નહીં, વિકાસવાદની છે, ઈન્ડોનેશિયાની સંસદમાં મોદીએ આપ્યો સંદેશ PM મોદીને મળ્યું ઈન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન, બંને દેશોના સંબંધો વધુ મજબૂત કરવાની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાની સંસદને સંબોધિત કરતા ભારતની નીતિ અને વૈશ્વિક ભૂમિકા અંગે મહત્વપૂર્ણ વાતો કરી હતી.

તેમણે કહ્યું કે ભારતની નીતિ વિસ્તારવાદની નહીં પરંતુ વિકાસવાદની છે. ભારત વિશ્વ સાથે સહયોગ, શાંતિ અને વિકાસના માર્ગ પર આગળ વધવામાં વિશ્વાસ રાખે છે. તેમણે 'સબકા સાથ, સબકા વિકાસ'ના મંત્રને ભારતની વિકાસ યાત્રાનો આધાર ગણાવ્યો હતો.
ઈન્ડોનેશિયાની સંસદમાં સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ ૧૪૦ કરોડ ભારતીયો તરફથી ઈન્ડોનેશિયાના લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે ઈન્ડોનેશિયાની સંસદમાં હાજર રહેવું તેમના માટે ગૌરવ અને સૌભાગ્યની વાત છે. ઈન્ડોનેશિયાના લોકો દ્વારા મળેલા પ્રેમ, સન્માન અને આત્મીય સ્વાગતને તેઓ જીવનભર યાદ રાખશે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના સંબંધો માત્ર રાજકીય કે આર્થિક નથી, પરંતુ બંને દેશોની હજારો વર્ષ જૂની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસત સાથે જાેડાયેલા છે. બંને દેશોના લોકો વચ્ચેનો વિશ્વાસ અને મિત્રતા આ સંબંધોને વધુ મજબૂત બનાવે છે.
પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથેના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે મિત્રતા અને સન્માન કોઈ સીમામાં બંધાયેલા નથી. ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના સંબંધો પરસ્પર વિશ્વાસ અને સહયોગના આધારે સતત આગળ વધી રહ્યા છે.
PM મોદીએ જણાવ્યું કે ભારત દુનિયામાં પોતાની ભૂમિકા વિકાસ અને સહયોગના માધ્યમથી મજબૂત બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત કોઈપણ પ્રકારના વિસ્તારવાદમાં નહીં પરંતુ વિકાસવાદમાં વિશ્વાસ રાખે છે. ભારતનો પ્રયાસ હંમેશા એ રહ્યો છે કે દુનિયાના દેશો સાથે મળીને વિકાસના નવા માર્ગો શોધવામાં આવે.
આ પ્રસંગે ઈન્ડોનેશિયાએ વડાપ્રધાન મોદીને દેશનું સર્વોચ્ચ નાગરિક અને સૈન્ય સન્માન 'બિંતાંગ આદિપૂર્ણ' એનાયત કર્યું હતું. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો દ્વારા તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું. આ સન્માનને ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે.
સન્માન સ્વીકારતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ સન્માન માત્ર તેમનું નહીં પરંતુ સમગ્ર ભારતના લોકોનું સન્માન છે. તેમણે ઈન્ડોનેશિયાની સરકાર અને જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ પુરસ્કાર બંને દેશોના લોકતાંત્રિક મૂલ્યો, સહિયારી સંસ્કૃતિ અને સતત મજબૂત બની રહેલા સંબંધોને દર્શાવે છે.
વડાપ્રધાન મોદીના આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, સંરક્ષણ, ટેક્નોલોજી, સંસ્કૃતિ અને વિકાસ ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ભારત અને ઈન્ડોનેશિયા એશિયાના મહત્વપૂર્ણ દેશો છે અને બંને વચ્ચેના સંબંધો પ્રાદેશિક સ્થિરતા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ઈન્ડોનેશિયાની સંસદમાં વડાપ્રધાન મોદીના સંબોધનને બંને દેશોની મિત્રતાને નવી દિશા આપનારું પગલું માનવામાં આવી રહ્યું છે. ભારતે ફરી એકવાર સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે વિશ્વમાં શાંતિ, સહયોગ અને વિકાસ આધારિત ભાગીદારીને પ્રાથમિકતા આપે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Garvi Gujarat