Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામખંભાળિયામાં GSPL સામે ખેડૂતોના આંદોલનને ઇસુદાન ગઢવીનો ટેકો, યોગ્ય વળતરની ઉઠાવી માંગ

જામખંભાળિયામાં GSPL સામે ખેડૂતોના આંદોલનને ઇસુદાન ગઢવીનો ટેકો, યોગ્ય વળતરની ઉઠાવી માંગ

જામખંભાળિયામાં જીએસપીએલની કામગીરી વિરુદ્ધ ધરણા પર બેઠેલા ખેડૂતોના સમર્થનમાં આવીને AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે હું આજે જામખંભાળિયાની મુલાકાતે આવ્યો છું અને અહીંયા જે ખેડૂતો જીએસપીએલની પાઇપલાઇનની કામગીરીના વિરોધમાં અનશન અને ધરણા પર બેઠા છે, એ ખેડૂતોની મેં મુલાકાત લીધી.

ખેડૂતોને અહીંયા માત્ર વીઘે સવા લાખનું વળતર આપવામાં આવી રહ્યું છે, ગેસની લાઈન ઓખા સુધી જઈ રહી છે જેના કારણે 32 જેટલા ગામોને અસર થવાની છે. ભાજપે કેટલાક ગામમાં ઠરાવ ન હતા તો સરપંચો ઉપર દબાણ પણ કરાવ્યું છે અને લોકોને ડરાવવાની પણ કોશિશ કરવામાં આવી છે, અધિકારીઓ વાત સાંભળતા નથી અને પોલીસ પ્રોટેક્શન વચ્ચે કામગીરી શરૂ કરવામાં આવી છે. આજ ખેડૂતોએ 2022માં પણ વિરોધ કર્યો હતો જોકે તેને પણ માન્ય રાખવામાં આવી ન હતી. ત્યારે હું ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીને જણાવવા માગું છું કે તમે જ્યાં સવા લાખ રૂપિયા વીઘો જમીન આપતા હોય એવી જગ્યાએ અમારે ખેડૂતોએ 1000 વીઘા જમીન જોઈએ છે જો તમારામાં ત્રેવડ હોય તો આપો. અહીંયા 60થી 70 લાખ રૂપિયાનો એક વીઘો બોલાઈ રહ્યો છે અને તમે સરકારી કામના નામે સંપાદન કરીને કામ ચલાવો છો. તમે અહીંયા એક જ વર્ષના ઉપજનું વળતર આપી રહ્યા છો અને સાતબારમાં પાકી એન્ટ્રી પણ કરી લીધી છે, તો આ ખેડૂતો પર અત્યાચાર છે અને ખેડૂત વિરોધી ભાજપની માનસિકતા છતી થઈ ગઈ છે. ખેડૂતો હવે એક થઈ ગયા છે અને ખેડૂતોએ નક્કી કર્યું છે કે જો આ ગેસ પાઈપલાઈનમાં ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો આ કામગીરી થવા દેવામાં આવશે નહીં અને આ બાબતમાં અમારો પણ સહયોગ છે. હું અહીંયા કોઈ પોલિટિકલ નેતા તરીકે નહીં પરંતુ ખેડૂતના દીકરા તરીકે આવ્યો છું. ખેડૂતોને જ્યાં પણ જરૂર હશે ત્યાં હું તેમનો સાથ આપીશ.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને હું સવાલ કરવા માગું છું કે આ ખેડૂતોએ તમને ખોબલેને ખોબલે મત આપ્યા છે તો તમે આ એમની સાથે શું કરી રહ્યા છો? આ જ ખેડૂતોએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, ધારાસભ્ય, સાંસદ સભ્યો બધા બનાવીને આપ્યા અને તમે અમને બદલામા આ આપો છો? તમે હાલ હાઈટેન્શન લાઈન બાબતે જે સમિતિ બનાવી છે એ પણ આમાં લાગુ પડે છે. તમે કહો છો કે "ઉર્જા અને પેટ્રો કેમિકલ્સની કામગીરી" તો એ હાઈટેન્શન હોય કે અંડરગ્રાઉન્ડ હોય, તો બજાર કિંમત પ્લસ તમે 200 ટકા કહો છો એ વળતરની પણ અહીંયા વાત થઈ રહી નથી. તો જો વળતર વગર કામગીરી થશે તો અમે ખેડૂતો સાથે ઊભા છીએ અને સરકારને કહેવા માંગીએ છીએ કે ખેડૂતો જાગૃત થઈ ગયા છે તો એમની જાગૃતિની પરીક્ષા ન લેતા. અને જો તમારામાં ત્રેવડ હોય તો તમે તમારા ખેતરોમાં ગેસની પાઇપલાઇન નાખો. ખેડૂતોની મહામૂલી જમીન ઉપર કબજો કરવાનું રહેવા દો. તમે પાક વીમો આપતા નથી, સારો ભાવ આપતા નથી, સારું બિયારણ આપતા નથી, જંતુનાશક દવાઓ નકલી આવી રહી છે, અમારા ખેડૂતો પાસે હવે માત્ર જમીનો રહી ગઈ છે, બીજું કશું રહ્યું નથી અને એના પર તમે બળજબરીપૂર્વક કામ કરી રહ્યા છો, આવું કામ તો અંગ્રેજો પણ કરતા ન હતા. એવું ન થાય કે તમે આ કામગીરી બંધ ન કરી તો આખા ગુજરાતના 54 લાખ ખેડૂતો ગાંધીનગરમાં એક થશે. સરકારી કે પ્રાઇવેટ કામ માટે ચાહે કોઈ હાઈ ટેન્શન લાઈન હોય કે અંડરગ્રાઉન્ડ કોઈ લાઈન હોય, એમાં યોગ્ય વળતરની એક નીતિ નક્કી કર્યા પછી ખેડૂતોના ખેતરમાં ઘૂસો, એવી મારી વિનંતી છે. હું તંત્રને પણ અપીલ કરું છું કે સરકારના કહેવાથી તમે ખેડૂતો સાથે બળજબરી ન કરતા નહિતર તમારા પર પણ ભવિષ્યમાં પગલાં લેવાશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Garvi Gujarat