અનંત અંબાણીએ પવિત્ર ગુરુવાયુર મંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાન ગુરુવાયુરપ્પનના દર્શન કર્યા હતા. દરમિયાન, તેમણે ભારતની સમૃદ્ધ આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક પરંપરાને જાળવવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે મંદિરને રૂ. 6 કરોડનું દાન આપ્યું અને રાજરાજેશ્વરમ મંદિરના ઐતિહાસિક પૂર્વગોપુરમના પુનઃસ્થાપન માટે વધારાના રૂ.12 કરોડ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મંદિરના દેવ સ્વમસત્તાધિકારીઓએ અનંત અંબાણીને પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું, જેમાં દેવસ્વમ અધ્યક્ષ ટી. પી. વિનોદ કુમાર, એક્ઝિક્યુટિવ ઓફિસર કે. પી. વિનયન, મુખ્ય પુજારી ઈ. પી. કુબેરનનમ્બૂદિરી અને દેવસ્વમ બોર્ડના સભ્યો હાજર રહ્યા હતા. વિધિઓમાં પોન્નુમકુડમ, પટ્ટમ, થાળી અને નેય્યમૃતુ જેવી પરંપરાગત અર્પણીઓ કરવામાં આવી અને પવિત્ર અશ્વમેધનમસ્કારમ વિધિ પણ પૂર્ણ કરી હતી, જે તેમની પ્રાચીન મંદિર પરંપરાઓ પ્રત્યેની શ્રદ્ધા દર્શાવે છે.

મંદિર માટેના યોગદાન ઉપરાંત, અનંત અંબાણીએ ગુરુવાયુર ખાતે હાથી કલ્યાણ માટે એક વ્યાપક પહેલની પણ જાહેરાત કરી. આ યોજના હેઠળ હાથીઓ માટે વિશેષ હોસ્પિટલ, સાંકળમુક્ત આશ્રય અને આધુનિક તથા માનવતા પૂર્ણ સંભાળ સુવિધાઓ વિકસાવવામાં આવશે, જેથી મંદિરના હાથીઓનું યોગ્ય રીતે કલ્યાણ કરવામાં આવે. આ પહેલ તેમની વંતારા પહેલ સાથે સંકળાયેલી છે.

આ પ્રસંગે બોલતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પહેલો દ્વારા અને વંતારા ખાતે અમે કરી રહેલા કાર્ય દ્વારા, અમે નમ્રતાપૂર્વક સેવા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ભક્તોના અનુભવને વધુ સારો બનાવતાં, સાથે સાથે આપણી પરંપરાનો અભિન્ન ભાગ એવા પ્રાણીઓની સૌથી ઊંચી ગૌરવ ભાવના, કરુણા અને વૈજ્ઞાનિક સંભાળ સાથે કાળજી લેવામાં આવે તેની ખાતરી કરીએ છીએ. ભારતની આધ્યાત્મિક પરંપરાઓ માત્ર પૂજાના સ્થળો નથી, પરંતુ જીવંત સંસ્થાઓ છે, જે શ્રદ્ધા, સમુદાય ભાવ, કરુણા અને પ્રકૃતિ સાથેના આપણા ઊંડા સંબંધને પોષે છે. આ પવિત્ર વારસાને ભવિષ્યની પેઢીઓ માટે જાળવી રાખવું અને વધુ મજબૂત બનાવવું આપણી સામૂહિક જવાબદારી છે." આ તમામ યોગદાન વિશ્વાસ અને સેવાભાવ પર આધારિત છે, જે મંદિરના માળખાકીય વિકાસ, વારસાગત સ્થળોના પુનઃસ્થાપન, ભક્તોના અનુભવમાં સુધારો અને મંદિર સાથે જોડાયેલા પ્રાણીઓના કલ્યાણને મજબૂત બનાવવાની વ્યાપક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

