Bhavnagar: ગુજરાતની સરકારી કચેરીઓમાંથી વારંવાર અરજદારોને લૂંટવાના મામલા સામે આવતાં હોય છે. ત્યારે ભાવનગરમાં ખુદ મદદનીશ કલેકટરે પોતાના ડ્રાઈવર વિરુધ્ધ ફરિયાદ નોંધવતાં ખળભળાટ મચ્યો છે. ડ્રાઈવરે અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કરી લાંચ માંગવાના આરોપ લાગ્યાના 15 દિવસ બાદ મદદનીશ કલેક્ટર પ્રતિભા દહિયા ( SDM Pratibha Dahiya) એ તેમના જ ડ્રાઈવર મોમીન પઠાણ વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ બાદ સમગ્ર વહીવટી તંત્ર અને રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ મદદનીશ કલેક્ટરની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે. હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Bhavnagar: મિલકત તબદીલીની મંજૂરી માટે લાંચની માંગણી!
મળતી જાણકારી અને આરોપો અનુસાર 15 દિવસ અગાઉ ભાવનગરના સંવેદનશીલ ગણાતા અશાંતધરા વિસ્તારમાં મિલકત તબદીલીની મંજૂરી મેળવવા માટે 14 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. આ મામલે ડ્રાઈવર મોમીન પઠાણના કથિત ઓડિયો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેથી ભારે ચર્ચાઓ જાગી હતી. આરોપ છે કે આરોપી ડ્રાઈવરે મદદનીશ કલેક્ટરની કચેરીના નામનો દુરુપયોગ કરી ગેરકાયદેસર લેવડદેવડ કરી હતી અને કચેરીના અત્યંત ગુપ્ત અને અનધિકૃત દસ્તાવેજો લીક કર્યા હોવાનો પણ ગંભીર આરોપ છે.
મદદનીશ કલેકટર પ્રતિભા દહિયા સામે પણ શંકા
નોંધનીય છે કે આ ઘટનાક્રમમાં માત્ર ડ્રાઈવર જ નહીં, પરંતુ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલો ઉઠ્યા હતા. અગાઉ હિંદુ સંગઠનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ સમગ્ર કૌભાંડમાં માત્ર ડ્રાઈવર જ જવાબદાર નથી, પરંતુ SDM પ્રતિભા દહિયાની કામગીરી પણ શંકાસ્પદ છે. સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે આવા ગંભીર કિસ્સામાં માત્ર ડ્રાઈવરને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. લાંબા સમયની મથામણ બાદ ઘટનાના 15 દિવસ પછી ફરિયાદ નોંધાતા વહીવટી તંત્રની ધીમી કામગીરી સામે પણ આંગળીઓ ચિંધાઈ રહી છે.
હાલમાં નીલમબાગ પોલીસે ડ્રાઈવર મોમીન પઠાણ સામે તપાસ હાથ ધરી છે. આ મામલામાં આગામી સમયમાં અન્ય કોઈ કર્મચારીની સંડોવણી બહાર આવે છે કે કેમ, તેના પર સૌની નજર ટકેલી છે.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First