Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gujarat Latest News : કોડીનારના દેવલપુર ગામમાં નવપરિણીતાના મોતનો ભેદ ઉકેલાયો

Gujarat Latest News : કોડીનારના દેવલપુર ગામમાં નવપરિણીતાના મોતનો ભેદ ઉકેલાયો

Gujarat First 2 weeks ago

Gujarat Latest News : ગુજરાત અને દેશભરના તમામ મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ડિજિટલ પર તમને વાંચવા મળશે સવારના 7 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Live

પાટણ: બસ સ્ટેશન રોડ પર પાલિકાની બેદરકારી, ખાડામાં કાર ખાબકી

May 27, 2026 11:08 pm

પાટણના બસ સ્ટેશન રોડ પર નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે અકસ્માતની ઘટના સામે આવી છે. ડ્રેનેજ લાઇન રીપેરીંગ માટે પાંચ દિવસથી ખોદવામાં આવેલા ખાડા ફરતે તંત્રએ કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ન રાખતા એક કાર સીધી ખાડામાં ખાબકી હતી. ટેક્સ વસુલતી પાલિકા દ્વારા જનતાની સુરક્ષાને લઈને દાખવવામાં આવેલી આ બેદરકારી સામે સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે તંત્ર દ્વારા જનતાના જીવ સાથે રમત રમવામાં આવી રહી છે. અકસ્માત બાદ સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી પોતાનો આક્રોશ ઠાલવ્યો છે.

કચ્છના અંજારમાં હાઇપ્રોફાઇલ જુગાર ક્લબ પર પોલીસની રેડ

May 27, 2026 10:58 pm

અંજારના સિનુગ્રા ગામે આવેલી ભીમજી વાણીયાની વાડીમાં ચાલતી હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પર પોલીસે દરોડો પાડી 11 જુગારીઓને ઝડપી લીધા છે. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીમાં લાખોનો મુદ્દામાલ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ, 14 મોબાઈલ ફોન, 4 લક્ઝરી કાર અને બાઈક સહિત કુલ 77.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આટલી મોટી સંખ્યામાં લક્ઝરી વાહનો અને રોકડ મળી આવતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. હાલ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

નર્મદા: વરખડ ગામમાં મુંબઈ પોલીસની રેડ, કરોડોનું ડ્રગ્સ ઝડપાયું

May 27, 2026 10:56 pm

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામમાં મુંબઈ પોલીસે દરોડા પાડી કરોડોના ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીને આધારે મુંબઈ પોલીસે વરખડ ગામમાં આવેલા એક બંધ મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરી આ મોટું કૌભાંડ પકડ્યું હતું. આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો કારોબાર સ્થાનિક પોલીસની જાણ બહાર ચાલતો હોવાથી તેમની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. હાલ પોલીસે જપ્ત કરેલા શંકાસ્પદ પદાર્થના નમૂના FSLમાં મોકલી આપવામાં આવ્યા છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ ડ્રગ્સ કયા પ્રકારનું છે તેની સત્તાવાર વિગતો સ્પષ્ટ થશે. આ કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

કોડીનાર: દેવલપુરમાં નવપરિણીતાની હત્યાનો ભેદ ઉકેલાયો

May 27, 2026 10:33 pm

કોડીનારના દેવલપુર ગામે લગ્નના માત્ર ૩ મહિનામાં જ નવપરિણીતાના શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલાઈ ગયો છે. આત્મહત્યા તરીકે નોંધાયેલો આ કેસ હત્યાનો હોવાનું બહાર આવતા ભારે ચકચાર મચી છે. જમવા બાબતે અને આર્થિક ખેંચતાણને લઈને પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીનું બ્લાઉઝની દોરી વડે ગળું દબાવી નિર્મમ હત્યા કરી હતી. ફોરેન્સિક પીએમ રિપોર્ટ અને પિતાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હત્યારા પતિની અટકાયત કરી લીધી છે. હાલ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પદ્મશ્રી હાજી રમકડાનું મુસ્લીમ સમાજ દ્વારા કરવામા આવ્યુ સન્માન

May 27, 2026 10:17 pm

ઢોલકના બેતાજ બાદશાહ અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત મીર હાજી કાસમભાઈ ઉર્ફે 'હાજી રમકડુ'નું જૂનાગઢ મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેમને ઘોડા પર બેસાડી શોભાયાત્રા સાથે સન્માન સ્થળ સુધી લાવવામાં આવ્યા હતા. શહેર કોંગ્રેસના હોદ્દેદારો તેમજ જૂનાગઢ DySP અને પોલીસ સ્ટાફે પણ હાજી રમકડાને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા. બે દિવસ અગાઉ દિલ્હીમાં રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને અમિત શાહના હસ્તે તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કરાયો હતો. ડાયરામાં પોતાના ઢોલકના તાલે લોકોના દિલ જીતનાર હાજી રમકડાએ જણાવ્યું હતું કે, આ એવોર્ડ મારો નથી પણ મારા સમાજનો છે. તેમણે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિનો પણ આભાર માન્યો હતો.

ગીરના સિંહોની સુરક્ષા માટે સરકાર એલર્ટ!

May 27, 2026 9:16 pm

ગીરના જંગલોમાં 4 સિંહ બાળના મૃત્યુ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. વન વિભાગે 17 સિંહોને આઇસોલેટ કરી સઘન મોનિટરિંગ શરૂ કર્યું છે. ઉનાળુ બીમારી સામે રક્ષણ આપવા 350થી વધુ સિંહોનું ડી-ટીકીંગ કરવામાં આવ્યું છે. વેટરનરી કોલેજના નિષ્ણાતોની મદદથી તમામ સિંહોના સ્વાસ્થ્યની સતત તપાસ કરવામાં આવી રહી છે.

1000 કરોડથી વધુના ડ્રગ્સ પ્રકરણમાં કાર્યવાહી

May 27, 2026 8:54 pm

કચ્છમાંથી ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપી જુમાં નાસીર ઉમરને મુન્દ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, મુન્દ્રા કોર્ટે આરોપીના રિમાન્ડ સોમવાર સુધી મંજૂર કર્યા છે.રિમાન્ડ દરમિયાન ડ્રગ્સ નેટવર્ક અને અન્ય સંડોવાયેલા આરોપીઓ અંગે મોટા ખુલાસા થવાની શક્યતા છે.

સચિવાલયમાં વીજળી બચાવવા સરકારનું કડક અભિયાન: AC તાપમાનથી લઈને લિફ્ટના ઉપયોગ અંગે નવી ગાઈડલાઈન

May 27, 2026 8:15 pm

રાજ્યના સચિવાલય સંકુલમાં વીજળીની બચત કરવા માટે સરકારે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરી છે. હવે તમામ કચેરીઓમાં જરૂર ન હોય ત્યારે વીજ ઉપકરણો બંધ રાખવા ફરજિયાત રહેશે. ACનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રાખવા અને ઓફિસમાં કુદરતી પ્રકાશનો મહત્તમ ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત, વોટર કુલર સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી જ ચલાવવા અને કર્મચારીઓને લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

ખંભાતના દરિયામાં ડોલફિનના આગમનથી રોમાંચ: દરિયાઈ પ્રવાસનને નવી ઉડાન મળવાની આશા

May 27, 2026 8:02 pm

ખંભાત પંથકના દરિયાકાંઠે કુદરતનું અદભુત દ્રશ્ય જોવા મળ્યું છે. લાંબા સમય બાદ દરિયો ફરી પરત ફરી રહ્યો હોય તેવા સંજોગોમાં અહીં દરિયામાં ડોલફિન માછલીઓ જોવા મળી છે. ડોલફિનને રમતી જોઈ સ્થાનિક લોકોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ છે. પર્યાવરણ પ્રેમીઓના મતે આ ઘટના ખંભાત વિસ્તારમાં દરિયાઈ પ્રવાસન અને ઇકો-ટુરિઝમને વેગ આપવા માટે મોટી તક સાબિત થઈ શકે તેમ છે.

દ્વારકાના શિવરાજપુર ફરવા આવેલી બાળકી કારમાં ફસાઈ, પરિવારની બેદરકારી

May 27, 2026 8:01 pm

દ્વારકાના પ્રસિદ્ધ શિવરાજપુર બીચ પર આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ફરવા આવેલા એક પરિવારના સભ્યો પોતાની નાની બાળકીને કારમાં મૂકીને દરિયામાં ન્હાવા માટે ગયા હતા, પરંતુ ગાડી લોક થઈ જતા બાળકી અંદર જ ફસાઈ ગઈ હતી. ગરમીના કારણે બાળકીની સ્થિતિ ગંભીર બની હતી. આ જોઈ સ્થાનિક લોકોએ તુરંત મદદ કરી કારનો કાચ તોડી બાળકીને સહીસલામત બહાર કાઢી લીધી હતી.

અમદાવાદમાં ઇબોલાનો ભય નહીં: શંકાસ્પદ કેસ અંગે આરોગ્ય મંત્રીનું સ્પષ્ટીકરણ

May 27, 2026 7:44 pm

અમદાવાદમાં ઇબોલાના શંકાસ્પદ કેસ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ ઇબોલાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેમણે નાગરિકોને ગભરાવાની જરૂર ન હોવાનું આશ્વાસન આપ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આફ્રિકાના કોંગોથી મુંબઈ થઈને વડોદરા આવેલ એક વેપારીને તાવ આવતા સારવાર આપવામાં આવી હતી, જે બાદ તેને સાવચેતીના ભાગરૂપે અમદાવાદની SVP હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન કરાયો છે. દર્દીમાં ઇબોલાના કોઈ સ્પષ્ટ લક્ષણો નથી, છતાં સતર્કતા દાખવીને વેપારીના સંપર્કમાં આવેલા બે વ્યક્તિઓ અને એક ડૉક્ટરને પણ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તમામ શંકાસ્પદ દર્દીઓના બ્લડ સેમ્પલ તપાસ માટે પુણેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.

નડિયાદમાં માનવતા શરમાઈ: 4 વર્ષની માસૂમ બાળકી અને માતા સાથે બિભત્સ હરકતો કરનાર આરોપી દીપક ઠાકોરની ધરપકડ

May 27, 2026 7:15 pm

નડિયાદ: વડતાલ પોલીસ મથક પંથકમાં ચાર વર્ષની માસૂમ બાળકી અને તેની માતા સાથે છેડતીની શરમજનક ઘટના સામે આવી છે. આરોપી દીપક ઠાકોરે બાળકી સાથે અડપલા કર્યા તેમજ તેની માતા સાથે ઝપાઝપી કરી કપડાં ફાડી નાખી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી છે. સામા પક્ષે આરોપી દીપક ઠાકોરે પણ મારામારી અંગે વળતી ફરિયાદ નોંધાવી છે.

જેતપુરમાં મોટી હવેલી પાસે જર્જરિત મકાનની પારાપેટ ધરાશાયી: કાર પર કાટમાળ પડતા ભારે નુકસાન, જાનહાનિ ટળી

May 27, 2026 7:14 pm

જેતપુર શહેરના મોટી હવેલી વિસ્તારમાં એક જર્જરિત મકાનની પારાપેટ અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. પારાપેટનો ભારે કાટમાળ રોડ પર પાર્ક કરેલી કાર પર ખાબકતા કારને મોટું નુકસાન થયું છે, જોકે સદનસીબે તે સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. આ બનાવ બાદ સ્થાનિકોમાં જર્જરિત મકાનો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.

સાવલી કોર્ટનો ચુકાદો: બનેવીની તકરારમાં યુવકની હત્યા કરનાર સાળાને આજીવન કેદ

May 27, 2026 7:14 pm

વડોદરા: સાવલી સેસન્સ કોર્ટે વર્ષ 2023ના ખાખરીયા ગામના ચકચારી હત્યા કેસમાં આરોપી શૈલેશ જયંતીભાઈ રાઠોડિયાને કસૂરવાર ઠેરવી આજીવન સખ્ત કેદની સજા ફટકારી છે. બનેવી સાથેની તકરારમાં વાંસના બમ્બુ વડે જીવલેણ હુમલો કરાતા યુવકનું મોત નીપજ્યું હતું. કોર્ટે આરોપીને IPC 302 અને એટ્રોસિટી એક્ટ હેઠળ સજા તથા ₹10,000નો દંડ ફટકાર્યો છે, તેમજ પીડિત પરિવારને વળતર ચૂકવવા ભલામણ કરી છે.

છોટાઉદેપુરમાં ₹8.43 કરોડના લેણા પેટે કોર્ટે જલ સેવા ભવન મકાન એટેચ કર્યું, નોટિસ ચોંટાડાતા ચકચાર

May 27, 2026 7:12 pm

છોટાઉદેપુર: પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના 'જલ સેવા ભવન' મકાનને ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા એટેચ કરવામાં આવ્યું છે. એક એજન્સીના ₹8,43,58,868.99 ના બાકી લેણા પેટે કોર્ટે આ કડક કાર્યવાહી કરી છે. ભવન પર એટેચમેન્ટની નોટિસ ચોંટાડવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ડીસામાં ₹21 કરોડના ખર્ચે બનશે આધુનિક અર્બન હાર્ટ: મંત્રીઓના હસ્તે ખાતમુહૂર્ત

May 27, 2026 7:03 pm

બનાસકાંઠાના ડીસામાં ₹21 કરોડના ખર્ચે સાકાર થનારા આધુનિક 'અર્બન હાર્ટ' પ્રોજેક્ટનું મંત્રી સ્વરૂપજી ઠાકોર અને પ્રવીણ માળીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. દોઢ વર્ષમાં તૈયાર થનારા આ પ્રોજેક્ટથી વડાપ્રધાનના 'સ્વદેશી અપનાવો'ના સૂત્રને વેગ મળશે. સ્થાનિક અને સ્વદેશી વસ્તુઓ બનાવતા કારીગરોને ઉત્પાદન તેમજ વેચાણ માટે મોટું બજાર અને પ્રોત્સાહન મળશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

કપડવંજમાં ATM કાર્ડ બદલી છેતરપિંડી કરતી રીઢી ગેંગનો પર્દાફાશ: 66 ATM કાર્ડ સાથે ઠગ ઝડપાયો

May 27, 2026 6:07 pm

કપડવંજમાં મદદ કરવાના બહાને સિનિયર સિટીઝન અને અજાણ્યા લોકોના ATM કાર્ડ બદલી નાખતી રીઢી ટોળકીના સાગરીત ધીરજકુમાર પંચાલને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી મદદના બહાને PIN નંબર જાણી લઈ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતો હતો. તેણે કપડવંજની એક મહિલાના ખાતામાંથી ₹3.85 લાખ ઉપાડી લીધા હતા. કપડવંજ ટાઉન પોલીસે 25 જેટલા CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો. તેની પાસેથી રોકડ, મોબાઈલ અને અલગ-અલગ બેંકના 66 ATM કાર્ડ મળી આવ્યા છે, જેનાથી અન્ય ગુનાઓના ભેદ પણ ઉકેલાયા છે.

અમદાવાદમાં જમીન વિવાદમાં નિવૃત્ત DySP દ્વારા ફાયરિંગ

May 27, 2026 6:06 pm

અમદાવાદ: શહેરના નહેરુનગર સ્થિત ઝાંસીની રાણી બસ સ્ટેન્ડ પાછળ ફાયરિંગની સનસનીખેજ ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ, જમીન વિવાદ મામલે નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણ દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કચ્છમાં બાયોડીઝલના ગેરકાયદેસર જથ્થા સામે LCBની મોટી કાર્યવાહી, ₹10.86 લાખનો મુદ્દામાલ જપ્ત

May 27, 2026 4:37 pm

કચ્છના આદિપુર વિસ્તારમાં ગેરકાયદેસર બાયોડીઝલના સંગ્રહ અને વેપાર સામે પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. મળેલી બાતમીના આધારે શિણાય સીમ વિસ્તારમાં આવેલા એચ.કે. વોટર સપ્લાય પાસે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી પોલીસે ટેન્કરમાં સંગ્રહિત અંદાજે 9200 લીટર શંકાસ્પદ બાયોડીઝલ ઝડપી પાડ્યું હતું. તપાસ દરમિયાન ઇંધણ સંબંધિત કોઈ બિલ, પરમિટ અથવા કાયદેસર આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. પોલીસે ટેન્કર સહિત કુલ ₹10.86 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને સેમ્પલ તપાસ માટે મોકલ્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે હરેશભાઈ નથમુલની ધરપકડ કરવામાં આવી છે અને આદિપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગેરકાયદેસર પેટ્રોલિયમ વેપાર સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

9 લોકોના મોતના આરોપી તથ્ય પટેલને જામીન મળ્યા

May 27, 2026 3:55 pm

અમદાવાદ (Ahmedabad)ના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત (Iskon Bridge Accident) કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ (Tathya Patel)ને સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી મોટી રાહત મળી છે. મધ્યરાત્રિએ બેફામ જેગુઆર કાર (Jaguar Car) દોડાવી 9 લોકોના મોત માટે જવાબદાર ગણાતા તથ્ય પટેલને હવે રેગ્યુલર જામીન (Regular Bail) મંજૂર કરવામાં આવ્યા છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) દ્વારા અનેક વખત જામીન અરજી ફગાવાયા બાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડર લેખિત પરીક્ષાની તારીખ જાહેર

May 27, 2026 2:48 pm

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી છે. શારીરિક કસોટીમાં સફળ થયેલા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા 14 જૂન 2026ના રોજ યોજાશે. આ પરીક્ષા માટેના કોલ લેટર 6 જૂન 2026થી OJAS પોર્ટલ https://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. બોર્ડ દ્વારા તમામ ઉમેદવારોને સમયસર કોલ લેટર ડાઉનલોડ કરવા અને પરીક્ષા સંબંધિત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

રાજકોટ હત્યા કેસમાં નવો ખુલાસો, રેકી અને માહિતી આપનાર ત્રીજા આરોપીની ધરપકડ

May 27, 2026 2:46 pm

રાજકોટ ગ્રામ્ય પોલીસે દુષ્કર્મ અને પોક્સો પીડિતાના કાકાની હત્યા કેસમાં વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા ત્રીજા આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે પૃથ્વીરાજસિંહ જાડેજા નામનો આરોપી 43 વર્ષીય મૃતકની સતત રેકી કરતો હતો અને પોતાના કૌટુંબિક આરોપી ભાઈઓને મૃતકની તમામ ગતિવિધિઓ અંગે માહિતી પહોંચાડતો હતો. મૃતક કઈ ગાડીમાં ક્યાં જાય છે, કયા સમયે ક્યાંથી પસાર થાય છે જેવી વિગતો પણ તે ઈન્સ્ટાગ્રામની વોઈસ કોલ સુવિધા મારફતે આપતો હતો, જેમાં ઘટનાના દિવસે પણ તેણે મદદગારી કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ દ્વારા આરોપીનો મોબાઈલ કબજે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. સાથે જ મહેન્દ્રસિંહ જાડેજાના કચ્છ ખાતે રહેતા બનેવી સહિતના અન્ય લોકોની પણ પૂછપરછ ચાલી રહી છે. અગાઉ ઝડપાયેલા મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ હાલ 6 દિવસના પોલીસ રિમાન્ડ પર છે, જ્યારે સમગ્ર હત્યા કેસની તપાસ વધુ આગળ વધી રહી છે.

પાલીતાણા ફોરેસ્ટ લાકડા કૌભાંડમાં વધુ ખુલાસા, મહુવાની 3 ખાનગી કંપનીઓ સામે કાર્યવાહી શરૂ

May 27, 2026 2:44 pm

ભાવનગર જિલ્લાના પાલીતાણા ફોરેસ્ટ રેન્જમાં મોટા પાયે થયેલા ગેરકાયદેસર વૃક્ષ કાપણીના કેસમાં હવે મહુવાની 3 ખાનગી લાકડા ખરીદતી કંપનીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં ખુલ્યું છે કે રાજસ્થળી વીડી અનામત ઘાસમેદાન વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં મોટા પ્રમાણમાં ગેરકાયદે કાપણી થઈ હતી, જેમાં 1500થી વધુ તેમજ અંદાજે 1690 જેટલા વૃક્ષો કાપીને લાખો રૂપિયાનો લાકડાનો કૌભાંડ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. આ કેસમાં અગાઉ તળાજાના બુધાભાઈ સુખાભાઈ ચૌહાણ, વાહનચાલક આસિફ ઉમરભાઈ શાહ અને મહુવાના મુકેશભાઈ બાભણીયા સહિતના શખ્સો સામે ગુનો નોંધાયો હતો. ઉપરાંત ફોરેસ્ટ વિભાગ દ્વારા ફોરેસ્ટર કરશન ગોહિલ, બીટ ગાર્ડ કલ્પેશ ડાભી, ટ્રક માલિક અને સંકળાયેલા મજૂરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં બંને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ મુજબ 563 હેક્ટરમાં ફેલાયેલું આ વિસ્તાર 17 સિંહો સહિત અનેક વન્યજીવોનું નિવાસસ્થાન છે, છતાં ત્યાં ગેરકાયદેસર કાપણી ચાલુ રહી હતી. હવે આ કૌભાંડમાં વધુ મોટી માછલીઓની સંડોવણી સામે આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે, જેના કારણે કેસ વધુ ગંભીર બની રહ્યો છે.

પાણીની ગંભીર તંગી સર્જાતા મહિલાઓએ ભાવનગર-અમદાવાદ હાઈવે પર ચક્કાજામ કર્યો

May 27, 2026 2:42 pm

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મોણપુર ગામમાં છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીની ગંભીર તંગી સર્જાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓ અને ગ્રામજનોએ પહેલા સરકારી કચેરીઓમાં જઈ પાણી પુરવઠા વિભાગ અને મામલતદારને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી હતી, પરંતુ યોગ્ય ઉકેલ ન મળતા પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની ગઈ હતી. અંતે વહીવટી તંત્રના ઉદાસીન વલણથી આક્રોશિત મહિલાઓએ ભાવનગર-અમદાવાદ હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને ટ્રાફિક જામ સર્જાયો હતો. ગ્રામજનોનો આરોપ છે કે ગામમાં પાણી સંગ્રહ માટે પૂરતી વ્યવસ્થા હોવા છતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ઈચ્છાપૂર્વક પાણી પૂરું પાડવામાં આવતું નથી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી અને લોકોમાં તાત્કાલિક પાણી સમસ્યાના ઉકેલની માંગ ઉઠી છે.

રાજકોટમાં વ્યાજખોર સામે મોટી કાર્યવાહી, 23 પરિવારોને ગીરવે મુકેલી સંપત્તિ પરત અપાઈ

May 27, 2026 2:39 pm

રાજકોટ જિલ્લામાં પોલીસ દ્વારા વ્યાજખોરીના મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પીડિત પરિવારોને રાહત અપાવવામાં આવી છે. પોલીસે વ્યાજખોર હનીફ ઉર્ફે કાળુભાઈ સલાટને ઝડપી પાડી તેના પાસેથી ગીરવે મુકાયેલી સંપત્તિ પરત મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન 23 પરિવારોના સોનું, કોરા ચેક, વાહનોની આર.સી બુક સહિતની વસ્તુઓ પરત અપાવવામાં આવી છે. ઉપરાંત 2 ટ્રેક્ટર, 3 છકડા રિક્ષા, 18 વાહનો અને 2 મકાનોના દસ્તાવેજો પણ પોલીસ દ્વારા છોડાવવામાં આવ્યા છે. અંદાજે 1.05 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પીડિત પરિવારોને પરત અપાયો છે. આરોપી હનીફ છેલ્લા 10 વર્ષથી 3% થી 15% સુધી વ્યાજે પૈસા આપી લોકોને દસ્તાવેજો અને વાહનો ગીરવે રાખતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કાર્યવાહીથી પીડિત પરિવારોને મોટી રાહત મળી છે અને પોલીસે વ્યાજખોરી સામે કડક સંદેશ આપ્યો છે.

ભુજમાં વીજ સમસ્યાને લઈને કોંગ્રેસની રજૂઆત, PGVCL સામે તાત્કાલિક ઉકેલની માંગ

May 27, 2026 2:37 pm

કચ્છના ભુજ શહેરમાં સતત વીજ પુરવઠાની સમસ્યાને લઈને શહેર કોંગ્રેસ સમિતિએ PGVCLને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. કોંગ્રેસના પ્રતિનિધિમંડળે સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયરને મળીને શહેરમાં વધતા વીજ કપાત અને અચાનક લાઈટ ગુલ થવાની સમસ્યાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ભારે ગરમી વચ્ચે વીજ પુરવઠો ખોરવાતા નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે અનેક વિસ્તારોમાં લો-વોલ્ટેજની સમસ્યાને કારણે ઘરેલુ ઉપકરણોને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત બિલિંગ અને મીટર રીડિંગ સંબંધિત મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા છે. કોંગ્રેસે PGVCLને તાત્કાલિક પગલાં લઈ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે અને જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ આપી છે. ભુજના નાગરિકોને રાહત મળે તે માટે ઝડપી અને અસરકારક ઉકેલની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

શેર માર્કેટ અને ફોરેક્સ ટ્રેડિંગ માં ઇન્વેસ્ટમેન્ટ ના નામે 14.60 લાખના સાયબર ફ્રોડ કેસમાં બે આરોપીઓની ધરપકડ

May 27, 2026 2:34 pm

સુરતમાં શેર માર્કેટ અને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપી કરવામાં આવેલા 14.60 લાખ રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં સાયબર ક્રાઇમ સેલે 2 આરોપીઓની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના પુણેમાંથી સુનિલ કિશન શિંદે અને વિક્રમ શેટેને ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓના ઇન્ડસઇન્ડ બેંક એકાઉન્ટમાં 9.50 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા, જે એકાઉન્ટ તેઓએ ફરાર આરોપીઓને કમિશનના બદલામાં ભાડે આપ્યું હતું. ફરિયાદીને ફોરેક્સ ટ્રેડિંગના VIP ગ્રુપમાં જોડીને બનાવટી વેબસાઈટ અને લિંક્સ મારફતે રોકાણ કરવા પ્રેરિત કરવામાં આવ્યો હતો, જેના આધારે અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 14.60 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવ્યું હતું. આ સમગ્ર રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરીને સાયબર ઠગાઈ આચરવામાં આવી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે NCCRP પોર્ટલ પર આ બેંક એકાઉન્ટ સામે 7 ફરિયાદો નોંધાયેલી છે, જેમાં કુલ 4.68 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના કેસ સામેલ છે. હાલ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ ચાલુ છે.

અમદાવાદના બહેરામપુરા રોડ પર અસામાજિક તત્વોનો હંગામો, વિસ્તારમાં ભયનો માહોલ

May 27, 2026 2:06 pm

અમદાવાદના બહેરામપુરા રોડ વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેર રોડ પર હંગામો મચાવતા વિસ્તારમાં તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ, કેટલાક તત્વોએ રસ્તા પર અપશબ્દો બોલીને, ધમકીઓ આપીને તેમજ તોડફોડ કરીને વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને સ્થાનિકોના નિવેદનોના આધારે આરોપીઓની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

અમદાવાદમાં ઈબોલાને લઈને AMC તૈયાર

May 27, 2026 2:03 pm

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઈબોલા જેવા સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને આરોગ્ય વ્યવસ્થામાં તાત્કાલિક તૈયારીઓ કરવામાં આવી છે. શહેરની SVP હોસ્પિટલમાં 60 બેડનો ખાસ ક્વોરન્ટાઈન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે, જ્યાં સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને રાખવાની વ્યવસ્થા રહેશે. હાલ આફ્રિકાના યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાન જેવા દેશોથી આવતા મુસાફરો માટે હોમ ક્વોરન્ટાઈન અને હોમ આઈસોલેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. અમદાવાદમાં હાલ યુગાન્ડાથી આવેલા કુલ 11 લોકો હોમ આઈસોલેશનમાં છે, જેમાંથી 9 ભારતીય મૂળના અને 2 યુગાન્ડાના નાગરિકો છે. આ તમામ વ્યક્તિઓ થલતેજ અને જોધપુર વિસ્તારોમાં સ્થિત છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે હોસ્પિટલમાં ખસેડવાની તૈયારી પણ રાખવામાં આવી છે.

અમદાવાદમાં ઈબોલાને લઇને તૈયારી તેજ, SVP હોસ્પિટલમાં 60 બેડનો ક્વોરન્ટાઈન વોર્ડ તૈયાર

May 27, 2026 1:51 pm

કેનેડા વર્ક પરમીટ વિઝા નામે લાખોની ઠગાઈનો પર્દાફાશ, સુરત સાયબર ક્રાઇમે આરોપીને મોહાલીથી દબોચ્યો

May 27, 2026 12:57 pm

સુરતમાં વર્ક પરમીટ વિઝાના નામે કરવામાં આવેલી મોટી છેતરપિંડીના કેસમાં સાયબર ક્રાઇમ સેલે મહત્વની કાર્યવાહી કરીને એક આરોપીની પંજાબના મોહાલીથી ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, આરોપી અમિત મહિન્દર સિંહ સોની વર્ષ 2022થી 2025 દરમિયાન મોહાલીમાં 'સેન્ટિફ ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ' નામની વિઝા કન્સલ્ટન્સી ચલાવતો હતો અને કેનેડાના વર્ક પરમીટ અપાવવાના નામે લોકો સાથે ઠગાઈ કરતો હતો. તેણે સુરતના ફરિયાદી સહિત કુલ 14 લોકો પાસેથી રજીસ્ટ્રેશન, પ્રોસેસિંગ અને એમ્બેસી ફી સહિતના બહાને અંદાજે 7.1 લાખ રૂપિયા વસૂલ્યા હતા અને બદલામાં બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર તેમજ ફર્જી વર્ક પરમીટ મોકલી છેતરપિંડી આચરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે તેના બેન્ક એકાઉન્ટ અંગે NCCRP પોર્ટલ પર પણ 3 સાયબર ફરિયાદો નોંધાયેલી છે, જેમાં 3 લાખથી વધુની ઠગાઈના કેસ સામેલ છે. હાલ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મુન્દ્રા પોર્ટ પર 118 કિલો કોકેઇન સાથે આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ

May 27, 2026 12:50 pm

ગુજરાતના મુન્દ્રા પોર્ટ ખાતે સુરક્ષા એજન્સીઓ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં 118 કિલો કોકેઇન જપ્ત કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત 1180 કરોડો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, બ્રાઝિલથી કાર્ગો શિપ મારફતે આવેલા આ જહાજની દિલ્હી સુધી ડિલિવરીની યોજના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જહાજની ઓળખ 'યુરોપ' તરીકે થઈ છે અને તેમાં 115 પેકેટમાં નશીલા પદાર્થ છુપાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ભારતીય કોસ્ટ ગાર્ડની મદદ લેવામાં આવી હતી અને જહાજમાંથી સેટેલાઈટ ફોન સહિતના કોમ્યુનિકેશન સાધનો પણ મળી આવ્યા છે. કાર્યવાહી દરમિયાન એક શખ્સ સમુદ્રમાં કૂદી ગયો હતો, જેને શોધવા માટે કોસ્ટ ગાર્ડ દ્વારા શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. દિલ્હી વિસ્તારમાં રહેતા 2 શખ્સોની કસ્ટડી પણ લેવામાં આવી છે, જે આ નેટવર્ક સાથે જોડાયેલા હોવાનું મનાઈ રહ્યું છે. આ સમગ્ર મામલે રાજ્યના પોલીસ વડા ડો. KLN રાવ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે, જેમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

સુરતમાં પ્રેમ સંબંધના માનસિક ત્રાસથી યુવતીનો આપઘાત, આરોપી પ્રેમીની ધરપકડ

May 27, 2026 12:42 pm

સુરતમાં પ્રેમ સંબંધના માનસિક ત્રાસથી કંટાળી એક યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવેલા દિલીપ નામના યુવકે યુવતી પર પ્રેમ સંબંધ છુપાવવા અને સંબંધ ચાલુ રાખવા માટે સતત દબાણ કરતા હતા, તેમજ બદનામ કરવાની ધમકી આપીને તેને માનસિક રીતે ત્રાસ આપતો હતો. આ ત્રાસથી કંટાળીને યુવતીએ 20 મેના રોજ ભેસ્તાન વિસ્તારમાં પોતાના ઘરે દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ બાદ મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને બાદમાં બહુચરાજી સ્થિત કાર શોરૂમમાં કામ કરતા આરોપી દિલીપ બાબરીયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

વેકેશન લંબાવવાની માંગ, શાળા સંચાલક મહામંડળની સરકારને રજૂઆત

May 27, 2026 12:38 pm

રાજ્યમાં વધતી ઉનાળાની તીવ્રતા અને ઇંધણની અછતને ધ્યાનમાં રાખીને શાળા સંચાલક મહામંડળે વેકેશન લંબાવવાની માંગ કરી છે. મહામંડળે સૂચન કર્યું છે કે હાલનું વેકેશન આશરે 10 દિવસ વધારીને નવું શૈક્ષણિક સત્ર 8 જૂનના બદલે 18 જૂનથી શરૂ કરવામાં આવે, કારણ કે રાજ્યમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેતાં વિદ્યાર્થીઓના આરોગ્ય પર અસર થવાની શક્યતા છે. સાથે જ વડાપ્રધાન દ્વારા પણ ઇંધણ બચાવવા અપીલ કરવામાં આવી હોવાથી આ નિર્ણય વધુ યોગ્ય ગણાવવામાં આવ્યો છે. સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક નિર્ણય લેવા વિનંતી કરી છે અને સૂચવ્યું છે કે નવું સત્ર શરૂ થયા બાદ ધોરણ 1 થી 5 માટે અઠવાડિયાના 5 દિવસ શિક્ષણ, ધોરણ 6 થી 8 માટે 3 દિવસ અને ધોરણ 9 થી 12 માટે ઓનલાઇન શિક્ષણ પદ્ધતિ અમલમાં મુકવી જોઈએ.

મોરબીના લીલાપર ગામે હૃદયદ્રાવક ઘટના, પાણીની ટાંકીમાં ડૂબી જતા 2 વર્ષીય બાળકનું મોત

May 27, 2026 12:35 pm

મોરબી જિલ્લાના લીલાપર ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં 2 વર્ષીય બાળકનું પાણીની ટાંકીમાં પડી જવાથી ડૂબી જતા કરૂણ મોત થયું છે. મળતી માહિતી મુજબ, રાજેન્દ્રસિંહ જાડેજાના પુત્ર નક્ષરાજસિંહ રમતા રમતા અચાનક પાણીની ટાંકીમાં પડી ગયો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું. આ ઘટના ગત રાત્રે બની હોવાનું જાણવા મળે છે, જેના કારણે પરિવાર પર અચાનક આભ તૂટી પડ્યું છે. બાળકના અકાળે અવસાનથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને લોકો પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.

દ્વારકા યાત્રાધામમાં ગટર કામના કોન્ટ્રાક્ટને લઈને વિવાદ, ગોમતી નદી પ્રદૂષિત થતા ભ્રષ્ટાચારના આક્ષેપ

May 27, 2026 12:32 pm

દ્વારકા યાત્રાધામમાં ગટર કામના કોન્ટ્રાક્ટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે, જેના કારણે ગોમતી નદી પ્રદૂષિત થવાની ઘટના ચર્ચામાં આવી છે. અધિક માસ દરમિયાન મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારકા આવી ગોમતી નદીમાં સ્નાન અને દર્શન માટે પહોંચે છે, ત્યારે ગટરનું ગંદું પાણી રસ્તાઓ પરથી વહેતાં સીધું નદીમાં ભળતું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક દુકાનદારો અને નાગરિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા નગરપાલિકાની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. યાત્રિકોને ગંદા પાણીમાંથી પસાર થવાની મજબૂરી પડી રહી છે, જ્યારે છપ્પન સીડી તરફ જતા માર્ગ પર પણ અસ્વચ્છ પરિસ્થિતિ જોવા મળી રહી છે. વિકાસના મોટા દાવાઓ વચ્ચે જમીની હકીકતમાં વ્યવસ્થાની ખામી સ્પષ્ટ દેખાઈ રહી છે, અને જગત મંદિરને જોડતા માર્ગો પર ગટર પાણીના યોગ્ય નિકાલની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે.

ઉમરગામમાં સામૂહિક આપઘાતનો મામલો, 3 બાળકોના મોત બાદ માતાનો આત્મહત્યાનો પ્રયાસ

May 27, 2026 12:29 pm

વલસાડ જિલ્લાના ઉમરગામમાં સામૂહિક આપઘાતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ પોતાના 3 માસૂમ બાળકોના મોત નિપજાવી બાદમાં પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, પરિવારમાં પતિ-પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘરેલુ ઝઘડા ચાલી રહ્યા હતા અને પરિસ્થિતિ સવારથી વધુ તણાવપૂર્ણ બની હતી, જેના કારણે વહેલી સવારે આ દુખદ ઘટના બની હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનામાં માતા નિશાને પરિવારજનોએ બચાવીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બીજી તરફ, મૃતક બાળકોની દાદી લતા બહેને ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે નિશાનો અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધ હોવાથી ઘરેલું ઝઘડા થતા હતા. સમગ્ર મામલે ઉમરગામ પોલીસ દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે અને હકીકત પોસ્ટમોર્ટમ તથા તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનું માહોલ છે.

ઉમરગામના પાલી કરમબેલીમાં એક જ પરિવારના 3 બાળકોના મોતથી ગામ શોકમાં

May 27, 2026 12:20 pm

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના 3 માસૂમ બાળકોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, 7-7 મહિનાના બે જુડવા બાળકો અને 3 વર્ષની બાળકી નાયરા સહિત ત્રણેયના મોત થયા છે. પ્રાથમિક જાણકારી અનુસાર ઘરેલુ કલહ બાદ બાળકોને ઝેરી પદાર્થ પીવડાવ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે સત્તાવાર પુષ્ટિ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ થશે. ઘટનામાં માતા નિશાબેન હાલ સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા ભીલાડ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આ હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને લોકોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે.

દિયોદર તાલુકા પંચાયત ચૂંટણી શાંતિ પૂર્ણ યોજાય તેવી તમામ તૈયારીઓ

May 27, 2026 12:14 pm

વાવ-થરાદના દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શિવા ભૂરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના આગેવાનો દિયોદર પહોંચ્યા હતા અને તેમણે તાલુકા પંચાયતના સભાખંડનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવી આશા સાંસદ ગેનીબેન ઠાકોરે વ્યક્ત કરી હતી. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને સમગ્ર મામલે સતર્કતા રાખવામાં આવી રહી છે.

આજે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી

May 27, 2026 12:12 pm

વાવ-થરાદમાં દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી આજે ભારે વિવાદ વચ્ચે યોજાઈ રહી છે. અગાઉ 25 તારીખે વિવાદને કારણે ચૂંટણી રદ કરવામાં આવી હતી, પરંતુ હવે કડક સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 14 દિવસ સુધી ટોળા એકત્ર થવા, ઉપવાસ કે આંદોલન જેવા પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ચૂંટણી પહેલા 4થી વધુ લોકોના સમૂહ પર પણ રોક લગાવવામાં આવી છે. 22 બેઠકોમાંથી 12 પર કોંગ્રેસનો અને 10 પર ભાજપનો કબ્જો હોવાથી બંને પક્ષો વચ્ચે પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે સીધી ટક્કર જોવા મળી રહી છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે.

પાટણમાં પાણીનો વેડફાટ, પાલિકા તંત્રની બેદરકારી સામે આક્ષેપો તેજ

May 27, 2026 11:57 am

પાટણ નગરપાલિકાની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે, જેમાં વોર્ડ નંબર 1 સ્થિત કાળકા પંપિંગ સ્ટેશન ખાતે લાખો લીટર પાણીનો વ્યર્થ વેડફાટ થયો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ રાત્રિ દરમિયાન કર્મચારીઓની ગેરહાજરીના કારણે પંપિંગ સ્ટેશનમાંથી પાણી ઓવરફ્લો થઈ ગયું અને હજારો ગેલન પાણી રસ્તા તથા ગટર માર્ગે વહી ગયું. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની તંગીથી લોકો પરેશાન છે, ત્યારે બીજી તરફ આવી બેદરકારીને કારણે પાણીનો વ્યર્થ વેડફાટ થવાથી નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને પાટણ કોંગ્રેસ દ્વારા પણ પાલિકા તંત્રની કામગીરી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

ધાનેરામાં ખેડૂતની અનોખી ગૌસેવા! ઉભેલો બાજરીનો પાક ગાયો માટે ખુલ્લો મુક્યો

May 27, 2026 11:53 am

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ધાનેરા (Dhanera) વિસ્તારમાં એક ખેડૂતે ગૌસેવા (Cow Service)નું અનોખું અને માનવતાભર્યું ઉદાહરણ રજૂ કર્યું છે. ખેડૂત પ્રકાશ તરકે (Prakash Tharke) પોતાના 5 વિઘા બાજરીના ઉભેલા પાક (Standing Bajra Crop)ને ગાય માતા માટે ખુલ્લો મૂકી દીધો હતો, જેમાં લીલીછમ બાજરી અને ડુંડા ભરેલો કિંમતી પાક ગાયો માટે ચારા (Fodder) તરીકે અર્પણ કરવામાં આવ્યો. બજાર અને રસ્તાઓ પર રખડતી ગાયોની દયનીય સ્થિતિ (Stray Cattle Condition) જોઈ ખેડૂતનું મન ભાવુક થઈ ગયું હતું, જેના કારણે તેમણે પોતાના ખેતરના દરવાજા ગાયો માટે ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય બાદ મોટી સંખ્યામાં ગાયો (Cows) ખેતરમાં પહોંચી અને આરામથી બાજરીનો ચારો આરોગતી જોવા મળી હતી. ખેડૂતની આ ભાવનાત્મક અને ગૌપ્રેમથી ભરેલી પહેલથી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો તેમની પ્રશંસા (Appreciation) કરી રહ્યા છે.

મોરબીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા

May 27, 2026 10:24 am

મોરબીના હળવદમાં પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાતા સ્થાનિક લોકોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ આ ગંભીર પરિસ્થિતિ અંગે પાણી પુરવઠા મંત્રીને પત્ર લખીને તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે. પત્રમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ, હાલમાં બ્રહ્માણી-2 ડેમ [Brahmani-2 Dam] માં માત્ર બે થી ત્રણ દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નર્મદાની ધાંગધ્રા બ્રાંચ કેનાલ [Dhrangadhra Branch Canal] હાલમાં રિપેરિંગના કામ માટે બંધ હોવાથી પાણીની તંગી વધુ વણસી છે. ધારાસભ્યએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, સ્થાનિક અધિકારીઓ દ્વારા પણ આ બાબતે કોઈ ગંભીરતા લેવામાં આવતી નથી. જો તાત્કાલિક અસરથી પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે, તો હળવદના રહીશોએ આગામી દિવસોમાં ગંભીર પાણીની અછતનો સામનો કરવો પડશે.

ગીર વિસ્તારમાં રાજભા ગઢવી સામે માલધારી સમાજનો ભારે રોષ

May 27, 2026 10:16 am

ગીર વિસ્તારમાં જાણીતા કલાકાર રાજભા ગઢવીને મંજૂરી મળતાની સાથે જ માલધારી સમાજમાં ભારે રોષ અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે. સ્થાનિક માલધારીઓનો આક્ષેપ છે કે, વનતંત્ર દ્વારા તેમની સાથે વર્ષોથી ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. 50 થી વધુ માલધારીઓએ તમામ પુરાવાઓ રજૂ કર્યા હોવા છતાં તેમને મંજૂરી આપવામાં આવતી નથી, જ્યારે ગાંધીનગર સુધી વગ ધરાવતા લોકોને ત્વરિત મંજૂરી મળી જાય છે, જે તંત્રની બેવડી નીતિ છતી કરે છે. વનતંત્રના કાયદાઓ સામે માલધારીઓએ સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે, તેમને કાયમી અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ અન્યાયી વલણ સામે માલધારી સમાજમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ચિહ્નો ઊભા થયા છે.

કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ઝડપાયુ 200 કરોડનું ડ્રગ્સ, ATS એ પાર પાડયુ ઓપરેશન

May 27, 2026 10:05 am

ગુજરાત એટીએસ દ્વારા કચ્છના દરિયાઈ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા એક સફળ ઓપરેશનમાં રૂ. 200 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત એટીએસની ટીમે બાતમીના આધારે સ્થાનિક પોલીસને સાથે રાખીને આ જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે શંકાસ્પદ બોટ દરિયાઈ સીમામાં પ્રવેશ કરી રહી હતી, ત્યારે જ એટીએસની ટીમે તેને ઘેરી લીધી હતી અને મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે ગુજરાત એટીએસ દ્વારા સતત કરવામાં આવતી આ પ્રકારની સઘન કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સુરતમાં નકલી નોટ ઝડપાવવાના મામલે તપાસનો ધમધમાટ

May 27, 2026 9:33 am

સુરતના સચિન વિસ્તારમાં બનાવટી ચલણી નોટો ઝડપાવાના મામલે હવે તપાસનો વ્યાપ વધી રહ્યો છે. ઇન્ટેલિજન્સ બ્યુરોઅને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા આ કેસની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝારખંડમાં હોવાનું ખૂલતા સચિન પોલીસની એક વિશેષ ટીમ ત્યાં તપાસ માટે રવાના થઈ છે. ઉલ્લેખનીય છે કે, ૧૭ મેના રોજ સચિન પલસાણા ટી પોઈન્ટ નજીક બકરાના વેપારી ભંવરલાલ ભાગરિયાને ₹૫૦૦ના દરની બનાવટી નોટો પધરાવીને ઠગાઈ કરવાનો પ્રયાસ કરનાર મોહમ્મદ ઉલ્ફત શેખ, નાઝિર અન્સારી, મોહમ્મદ રઈશ રસીદ સિદ્દીકી અને મોહમ્મદ જમાલની પોલીસે ધરપકડ કરી હતી. તેમની પાસેથી ₹૧.૬૧ લાખની ૩૩૨ બનાવટી નોટો કબ્જે કરવામાં આવી હતી. હાલ તમામ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે, જેમાં ઝારખંડના નેટવર્ક સાથેના જોડાણ અંગે મહત્વના ખુલાસા થવાની શક્યતા છે.

અમદાવાદમાંથી ઝડપાયુ હુક્કાબાર

May 27, 2026 8:14 am

અમદાવાદના છારોડી વિસ્તારમાં આવેલા એક હુક્કાબાર પર પોલીસે લાલ આંખ કરતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે. સોલા પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે છારોડી પાસેના 'ધ ઓપ્સિડિયલ કેફે' પર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચલાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીમાં સ્થળ પરથી આશરે 10 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે સોલા પોલીસે કેફેના સંચાલક મયંક ગોરવીયાળા સામે કાયદેસરની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શહેરના રહેણાંક અને શૈક્ષણિક વિસ્તારની નજીક ધમધમતા આ ગેરકાયદે હુક્કાબારને ઝડપી પાડીને પોલીસે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે.

સિંહો પર બેબીસિયા વાયરસનો ખતરો

May 27, 2026 8:13 am

અમરેલી અને ગીરના જંગલોમાં સિંહો પર 'બેબીસિયા' વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે, જેને લઈને વન વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. સિંહોના અસ્તિત્વને બચાવવા માટે વન વિભાગના 300થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ મેદાનમાં ઉતરી ગયા છે. ગીરની 16 રેન્જોમાં સિંહોનું સઘન સેમ્પલિંગ અને સ્ક્રીનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને જામવાળા, જસાધાર અને બાબરીયા રેન્જમાં તપાસ તેજ કરવામાં આવી છે. હાલમાં સાવચેતીના ભાગરૂપે 15 સિંહોને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ઘાતક 'બેબીસિયા' વાયરસ સિંહ બાળો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે તેમ હોવાથી, સિંહોના મોનિટરિંગ માટે બે વિશેષ ટીમો બનાવવામાં આવી છે, જે ચોવીસ કલાક સતર્ક રહીને સિંહોના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.

અદાણી CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો, હાલ ભાવ પહોંચ્યો 88.2 પ્રતિકિલોના સ્તરે

May 27, 2026 8:08 am

અમદાવાદમાં CNG વાહનચાલકો માટે મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે, જેમાં અદાણી સીએનજી દ્વારા ભાવમાં પ્રતિ કિલો રૂ. 2નો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવવધારા સાથે હવે અમદાવાદમાં અદાણી સીએનજીનો નવો ભાવ વધીને રૂ. 88.2 પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગયો છે, જે અગાઉ રૂ. 86.2 હતો. નોંધનીય છે કે, ગત 16 મેના રોજ જ કંપની દ્વારા રૂ. 2.25 નો ભાવવધારો કરવામાં આવ્યો હતો, અને તેના થોડા જ દિવસોમાં ફરી એકવાર ભાવ વધતા સામાન્ય વાહનચાલકોના ખિસ્સા પર આર્થિક બોજમાં વધારો થયો છે.

દિયોદર વિધાનસભા અંગે જાહેરનામું બહાર પડાયુ

May 27, 2026 7:40 am

વાવ, થરાદ અને દિયોદર વિધાનસભા મતવિસ્તારની વિવાદિત ચૂંટણી બાદ સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. ચૂંટણી સંબંધી વિવાદો અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે કલેક્ટર દ્વારા એક કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, સરકારી કચેરીઓ ખાતે ઉપવાસ, ધરણા કે હડતાળ યોજવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. વહીવટી તંત્રની પૂર્વ પરવાનગી વિના આગામી ૯ જૂન સુધી કોઈ પણ પ્રકારના ધરણા કે વિરોધ પ્રદર્શન યોજી શકાશે નહીં. આ આદેશનું ઉલ્લંઘન કરનારા કોઈપણ વ્યક્તિ કે જૂથ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી છે, જેથી વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે.

આગામી ત્રણ દિવસ ગરમીનું જોર રહેશે યથાવત, 30 મે થી આવશે વાતાવરણમાં પલટો

May 27, 2026 7:29 am

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ગરમીનું જોર યથાવત રહેશે અને લોકોને આકરા તાપનો સામનો કરવો પડશે, પરંતુ ૩૦ મેથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારથી રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી [Pre-monsoon activity] શરૂ થવાની ધારણા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. મહિનાના અંત સુધીમાં તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો નોંધાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળવાની આશા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First