Kheda News: ખેડા જિલ્લાના મહુધામાં હિન્દુ યુવક પર થયેલા હુમલાની ગંભીર ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ગઇકાલે સાંજે મહુધા ચોકડી નજીક હિન્દુ યુવક પર હુમલાની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને આ મામલે મહુધા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Kheda ના મહુધામાં હિન્દુ યુવક પર હુમલા બાદ તંત્રની મોટી કાર્યવાહી
આ હુમલાની ઘટનાને પગલે અસામાજિક તત્વો અને ગુનેગારો સામે તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવ્યું છે. જેના ભાગરૂપે મહુધાની ફીનાવ ભાગોળ અને તેની આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા આ વિસ્તારમાં આવેલા કાચા અને પાકા મળીને અંદાજે 48 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી
દબાણ હટાવવાની આ મેગા કામગીરી માટે 'દાદાના બુલડોઝર' સાથે તંત્રનો વિશાળ કાફલો મહુધા ખાતે પહોંચ્યો હતો. આ સમગ્ર મામલે ખેડાના એસ.પી. (SP) વિજયભાઈ પટેલ અને માર્ગ અને મકાન વિભાગના વિવેકસિંહ ઝામ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હુમલાની આ ઘટના બાદ તંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી સમગ્ર મહુધા પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
: Junagadh News: ત્રીજા દિવસે પણ ઉપરકોટ કિલ્લો બંધ, દીપડાને પકડવા વન વિભાગની કવાયત

