- કરોડો ખેડૂતોની આતુરતાનો અંત: આજે ખાતામાં આવશે ₹2000! (PM Kisan Samman Nidhi Scheme)
- આજે સાંજે 5 વાગ્યે પીએમ મોદી 22મો હપ્તો જાહેર કરશે
- દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને મળશે સીધો આર્થિક લાભ
- આસામના ગુવાહાટીથી સિંગલ ક્લિક દ્વારા નાણાં થશે ટ્રાન્સફર
- 2.15 કરોડથી વધુ મહિલા ખેડૂતોના ખાતામાં પણ જમા થશે રકમ
- e-KYC અને આધાર લિંક ન હોય તેવા ખેડૂતોની સહાય અટકી શકે
PM Kisan Samman Nidhi Scheme : ભારતના કરોડો અન્નદાતાઓ માટે આજનો દિવસ ખુશીના સમાચાર લઈને આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી મહત્વકાંક્ષી યોજના PM કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi Scheme) હેઠળ આજે 22મો હપ્તો જાહેર કરવામાં આવશે. લાંબા સમયથી રાહ જોઈ રહેલા 9 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં આજે સાંજે 5 વાગ્યે સીધા 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.
પીએમ મોદી ગુવાહાટીથી કરશે નાણાં રિલીઝ
સત્તાવાર માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ઠીક 5 વાગ્યે આસામના ગુવાહાટી ખાતેથી એક સિંગલ ક્લિક દ્વારા દેશભરના ખેડૂતોને આર્થિક સહાય મોકલશે. આ વખતે કુલ 18,640 કરોડ રૂપિયાની માતબર રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ખેડૂતોના ખાતામાં જમા થશે. નોંધનીય છે કે આ હપ્તાનો લાભ 2.15 કરોડથી વધુ મહિલા ખેડૂતોને પણ મળશે, જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવશે.
તમારું નામ લિસ્ટમાં છે કે નહીં? આ રીતે કરો તપાસ
ઘણીવાર ખેડૂતો મૂંઝવણમાં હોય છે કે તેમના ખાતામાં પૈસા આવશે કે નહીં. આ માટે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જઈને 'Know Your Status' વિકલ્પ પસંદ કરો. ત્યાં તમારો રજીસ્ટ્રેશન નંબર અથવા આધાર કાર્ડ નંબર નાખીને OTP દ્વારા વેરિફિકેશન કર્યા પછી તમે જાણી શકશો કે તમારો હપ્તો મંજૂર થયો છે કે નહીં.
PM Kisan Samman Nidhi Scheme માટે e-KYC અપડેટ હોવું અનિવાર્ય
સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતોએ હજુ સુધી પોતાનું e-KYC પૂર્ણ કર્યું નથી અથવા જેમના બેંક ખાતા આધાર સાથે લિંક નથી, તેમને આ સહાય મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. જો તમારો હપ્તો અટકી જાય, તો તરત જ પોર્ટલ પર જઈને વિગતો સુધારવી જરૂરી છે. વર્ષ 2019 થી શરૂ થયેલી આ યોજના નાના ખેડૂતોને બિયારણ, ખાતર અને દવાઓ ખરીદવામાં આર્થિક ટેકો પૂરો પાડે છે.

